Saturday, September 30, 2017

ગુલે ગુલઝાર - થોડીસી બેવફાઇ



હજ઼ાર રાહેં મુડ કે દેખીં, કહીં સે કોઇ સદા ન આઇ...

‘થોડીસી બેવફાઇ’નું આ ગાયન અમને તો ‘આંધી’ના ગીત “તેરે બિના જ઼િંદગી સે કોઇ શિકવા તો નહીં...” અને ‘ઇજાઝત’ના “મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ...”ની ત્રિવેણીની ત્રીજી નદી હોય એવું વધારે લાગ્યું છે. કેમ કે એ ત્રણેયમાં એક બીજાથી કામચલાઉ રિસાયેલાં જ નહીં નારાજ અને અલગ થયેલાં પ્રેમીજનોની સંવેદનાઓનો પ્રવાહ એકધારો વહે છે. પણ અહીં એક ફરક નોંધવા જેવો છે. ‘આંધી’ અને ‘ઇજાઝત’ એ બન્ને કૃતિઓનું સર્જન ગુલઝારે પોતે કર્યું હોઇ, જરૂર પડે, પોતાની પંક્તિઓને યોગ્ય પ્રસંગો ફિલ્મમાં લાવવાની તેમને આઝાદી હતી. એ સ્વતંત્રતાને લીધે તેમણે કવિતાને કે તેમાંના ભાવને એડજસ્ટ કરવાની આવશ્યકતા નહીં પડી હોય. જ્યારે અહીં ‘થોડીસી બેવફાઇ’માં એ અન્ય નિર્માતા-નિર્દેશક ઇસ્માઇલ શ્રોફ માટે માત્ર ‘ગીતકાર’ હતા અને વધારામાં સંગીતકાર પણ ‘આર.ડી.’ જેવા અંગત મિત્ર નહીં, પણ ખય્યામ સરખા અત્યંત સિનિયર હતા. 


 ખય્યામ સાહેબ એટલે ‘ઉમરાવ જાન’ અને ‘બાઝાર’ જેવી ફિલ્મોમાં ગઝલને પરંપરાગત ફોર્મમાં પ્રસ્તુત કરનાર સંગીત મહર્ષિ. તેથી ફિલ્મ રિલીઝ થઈ ત્યારે અમને તો ‘થોડીસી બેવફાઇ’માં તેમણે ભુપિન્દરજી પાસે ગવડાવેલી ગઝલ “આજ બિછડે હૈં, કલ કા ડર ભી નહીં, ઝિંદગી ઇતની મુખ્તસર ભી નહીં...” પણ એટલી જ ગમી હતી. (‘મુખ્તસર’ એટલે ‘નાની’ સ્મોલ!) બલ્કે, વરસના અંતે એવોર્ડ માટે અંકો ખરીદીને ‘ફિલ્મફેર’નાં પાંચ ફોર્મ ભરવાની અમારી પ્રથા અનુસાર નોમિનેશન માટે “હજ઼ાર રાહેં મુડકે દેખીં...”ની સાથે જ આ ગઝલ માટે પણ ગુલઝાર સાહેબને અમે નોમિનેટ કર્યા હતા. આ ગઝલ આમ જુઓ તો પિક્ચરના કેન્દ્રિય ભાવને પકડનારી હોઇ ટૂકડે ટૂકડે ત્રણેક વખત આવે છે. પરંતુ, એક તબક્કે તેમાં અમને રાખી સાથેના તણાવ અને તેને પગલે થયેલા અલગાવની અને સાથે સાથે ‘આપ કી કસમ’માં આનંદ બક્ષીના અણમોલ શબ્દો “જિંદગી કે સફર મેં ગુજર જાતે હૈં જો મકામ, વો ફિર નહીં આતે...”ની ઝલક દેખાવાને લીધે પણ “આજ બિછડે હૈં, કલ કા ડર ભી નહીં...” ગમતી આવી છે. બક્ષી બાબુની એ અમર રચનાને યાદ કરાવે એવા ગુલઝારના શબ્દો કયા હતા?

“કલ જો આયેગા જાને ક્યા હોગા, બીત જાયે જો કલ નહીં આતે
વક્ત કી શાખ તોડને વાલોં, ટૂટી શાખોં પે ફલ નહીં આતે...”

ગુલઝાર સાથેનું તેમનું લગ્નજીવન પુત્રીના જન્મ પછી તરતના સમયમાં તૂટ્યા પછી રાખી અભિનયની પોતાની કરિયરમાં આગળ વધ્યાં એ જાણીતી વાત છે. એ નવદંપતિ પોતાની નવજાત બાળકી મેઘનાને લઈને ‘આંધી’ના શૂટિંગ માટે તે દિવસોમાં ‘દુનિયાનું સ્વર્ગ’ કહેવાતા કાશ્મીર ગયાં હતાં. ત્યાં કશુંક એવું બન્યું કે દીકરીના શબ્દોમાં, “... ત્યાંથી પરત આવ્યા ત્યારે પરિવારનું સ્વર્ગ પાછળ છૂટી ગયું હતું...” પતિ-પત્નીના અલગાવ પાછળની એક સ્ટોરી મુજબ તો, કાશ્મીર શૂટ દરમિયાન એક રાત્રે હીરોઇન સુચિત્રાસેન સાથે ગુલઝારની કહેવાતી નિકટતાના આરોપને પગલે હોટલનો સ્ટાફ સાંભળે એવો થયો ઝગડો! પરિણામે તે જ દિવસોમાં ‘કભી કભી’ માટે લોકેશન જોવા આવેલા યશ ચોપ્રાને રાખીએ તે પિક્ચર માટે સંમતિ આપતાં કાયમી ભડકો થયો હતો. 


રાખીએ લગ્ન પહેલાં ઘર-બાળકો સંભાળવાની આપેલી કહેવાતી બાંહેધરીનો એ ભંગ હતો. પછી તો રાખીની કરિયરમાં ‘તપસ્યા’ માટે ફિલ્મફેર એવોર્ડથી માંડીને ‘કભી કભી’ ઉપરાંત ‘ત્રિશૂલ’, ‘મુકદ્દર કા સિકન્દર’, ‘જુર્માના’, ‘કાલા પથ્થર’, ‘લાવારિસ’, ‘કસ્મેવાદે’ એમ અમિતાભ બચ્ચન સાથેની સુપરહીટ ફિલ્મોની લાઇન લગાવીને એક્ટિંગ કરિયરનો પોતાનો પોઇન્ટ સાબિત કરી બતાવ્યો હતો. એટલે ‘થોડીસી બેવફાઇ’નાં ગીતો લખવાનું મળતા સુધીમાં પોતાની નારાજગી વ્યક્ત કરવા ગુસ્સામાં ઘર છોડી જનાર પત્નીના પાત્ર માટે ગુલઝારે “આજ બિછડે હૈં, કલ કા ડર ભી નહીં...”માં તેમની લેખન શૈલીથી અલગ આ પંક્તિઓ પણ લખી...

જખ્મ દિખતે નહીં અભી લેકિન, ઠંડે હોંગે તો દર્દ નિકલેગા
તૈશ ઉતરેગા વક્ત કા જબ ભી, ચેહરા અંદર સે જર્દ નિકલેગા...

જો આપણે ગુલઝારની રચનાઓથી ટેવાયા હોઇએ તો લાગે કે ‘તૈશ (ગુસ્સા) ઉતરેગા’ એવી ડાયરેક્ટ પંક્તિ લખવાને બદલે મોટેભાગે એ કશુંક અલંકારિક, સુક્ષ્મ રીતે, કહે. આપણે તો કવિ પ્રત્યેના સોફ્ટ કોર્નરને કારણે શકનો એવો લાભ આપવા તૈયાર છીએ કે રાજેશ ખન્ના જેવા સુપરસ્ટારની ફિલ્મ માટે સામાન્ય જનમાનસમાં ઝડપથી ઉતરી જાય એવા શબ્દોની કવિતા કરવાની કદાચ વ્યાવસાયિક જરૂરિયાત પણ હોઇ શકે. કારણ કે તે સમયના કોમર્શિયલ સિનેમામાં સપનામાં ગવાતું ગાયન જાણે કે અનિવાર્ય હતું અને અહીં ‘થોડીસી બેવફાઇ’માં તો ‘ડ્રીમ સિક્વન્સ’નાં બબ્બે ગીતો હતાં! આપણે જેની વાત કરીએ છીએ તે “હજ઼ાર રાહેં મુડકે દેખીં...” ઉપરાંત પણ એક ડ્યુએટ હતું. તેના પણ શબ્દો “આંખોં મેં હમને આપકે સપને સજાયે હૈં...” અમને તો ગુલઝારીશ ટચને બદલે સીધે સીધા લાગ્યા હતા. વળી એ ગાયન અત્યંત કિંમતી હીરાને મશીન પર પોલીશ કરતા રાજેશ ખન્નાને પોતાની નવપરિણિતા પત્ની ખ્વાબમાં આવે છે એવા બેકગ્રાઉન્ડ સાથેનું છે. તેથી તેમાં એક તબક્કે હીરો ગાય છે, “આંખોં કા રંગ ઢૂંઢા હૈ, હીરે તરાશ કે...”!

આમ બિલકુલ કોમર્શિયલ ગીતો લખવાની ધંધાદારી આવશ્યકતા છતાં ગુલઝાર અંતે તો લાગણીઓના કવિને? તેમણે ટાઇટલ ગીતમાં પોતાની સંવેદનાને એ જ નાજુકાઇથી પ્રસ્તુત કરી અને અમારા જેવા અનેકોને તેમની એક જ પંક્તિથી એટલા અભિભૂત કરી દીધા કે તે સાલનો ‘શ્રેષ્ઠ ગીતકાર’નો ફિલ્મફેર એવોર્ડ એ લઈ ગયા! તે એટલે સુધી કે એક બીજાથી અલગ થયેલાં પ્રિયજનોની પરત ભેગા થવાની દુવિધા માટે આજ દિવસ સુધી આના જેવી પંક્તિઓ અમને તો મળી નથી...

ઉન્હેં યે જિદ થી કિ હમ બુલાતે,
હમેં યે ઉમ્મીદ કિ વો પુકારેં
હૈ નામ હોઠોં પે અબ ભી લેકિન
આવાઝ મેં પડ ગઈં દરારેં

આહાહાહા! ‘‘આવાઝ મેં પડ ગઈં દરારેં...” આ શબ્દોમાં વિટંબણા અને ઋજુતાનો સમન્વય અભૂતપૂર્વ છે. રિસામણાં-મનામણાં કરતાં આગળનું આ સ્ટેજ છે, જ્યારે દાંપત્યજીવનમાં કોઇ પણ કારણસર થયેલા ખટરાગ પછી સમાધાન માટે કોણ પહેલ કરે એ મુંઝવણ બન્ને પક્ષે હોય. પણ આ શબ્દોને ગીતના અંતિમ અંતરામાં મૂકીને ગુલઝારે સાચા અર્થમાં એ ડ્રીમ સિક્વન્સનું ક્લાઇમેક્સ લાવી બતાવ્યું હતું. કેમ કે અલગ થયેલાં પતિ-પત્ની વચ્ચે પસાર થઈ ગયેલા સમયને દર્શાવવા આ ગાયન મૂકવામાં આવ્યું છે. એ રીતે જુઓ તો, શરૂઆતની પંક્તિઓ જ બેઉ પક્ષના પસ્તાવાના ભાવને સરસ રીતે વ્યક્ત કરે છે... “હજ઼ાર રાહેં મુડ કે દેખીં, કહીં સે કોઇ સદા ન આઇ...” એ પુરૂષ-પ્રશ્નના જવાબમાં મહિલા કહે છે, “બડી વફા સે નિભાઇ તુમને હમારી થોડીસી બેવફાઇ...” કોઇની બેવફાઇને વફાદારીપૂર્વક નિભાવવાનું કહીને ગુલઝારે એક પાત્રની ભૂલને જીવનભર મનમાં ભરી રાખવાના અન્યના હઠાગ્રહ માટે વિરોધાભાસી કાવ્ય રચના કરીને અદભૂત ચમત્કૃતિ સર્જી હતી. અલગ રહેતાં પતિ-પત્નીના સંવાદ જેવું આ કાવ્ય બેઉની સમાન મનોદશાને પ્રથમ અંતરામાં આમ વ્યક્ત કરે છે, “જહાં સે તુમ મોડ મુડ ગયે થે, વો મોડ અબ ભી વહીં પડે હૈં...”


તેના જવાબમાં પત્ની પોતાની મજબુરી કેવી રીતે કહે છે? “હમ અપને પૈરો મેં જાને કિતને ભંવર લપેટે હુએ ખડે હૈં...” સમયના જે વળાંકે બેઉ અલગ થયાં હતાં એ સ્થિતિએ પોતે હજી રાહ જુએ છે એમ કહેતો પતિ અને સામે અંગત અને સામાજિક સંજોગોના વમળમાં ગૂંચવાયેલી પત્ની. આ પંક્તિઓ સપનામાં આવતા યુવાનીના દિવસોમાં ગવાય છે. તેમાં હીરો રાજેશ ખન્ના પોતાનું સુપરસ્ટારપણું  બતાવવાની લાલચ રોકી શકતા નથી. આટલા ગંભીર ગાયનમાં પણ એ પોતાની સ્ટાઇલમાં કમર પર હાથ મૂકવાનું અને જેના પર તે સમયની યુવતિઓ વારી જતી એ આંખ પલકાવીને સ્મિત કરવાની અદા ચૂક્યા નથી! પછીની પંક્તિઓમાં ગુલઝાર હિન્દી ફિલ્મોના કોઇ સામાન્ય ગીતકાર જેવી શાયરી કરે છે, જ્યારે એ લખે છે, “કહી કિસી રોજ યું ભી હોતા, હમારી હાલત તુમ્હારી હોતી...” એમ કિશોર કુમારના અવાજમાં આવતા સવાલના ઉત્તરમાં “જો રાતેં હમને ગુજારી મર કે વો રાતેં તુમને ગુજારી હોતીં...” એમ લતા મંગેશકરના સ્વરમાં સંભળાય.

લતાજીના અવાજની પેલી ખુબી આ ગાયનમાં કાને ઉડીને વળગે એવી છે કે જાણે કે ખુદ શબાના આઝમીએ જ ગાયું હોય એવો સહેજ નેસલ ટોનવાળો અવાજ કાઢ્યો છે. જ્યારે કિશોર કુમારે તો આ ગીત એટલી સરસ રીતે ગાયું છે કે ડ્યુએટ હોવા છતાં તેમને આ જ ગાયન માટે ‘બેસ્ટ પ્લેબેક સિંગર’નો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ખાસ કરીને છેલ્લા અંતરામાં દંપતિના અલગાવને હવે ખાસ્સો સમય વીતી ગયો હોવાનું સ્થાપિત કરવાનું હોઇ ખય્યામ સાહેબે  સ્વર ઊંચા રખાવ્યા હતા. સમયનો અંતરાલ દર્શાવવા રાજેશ ખન્ના આ પંક્તિઓમાં ‘દાગ’ના હીરોની અદામાં ભરાવદાર મૂછો સાથે હાજર છે. જ્યારે શબાનાજી ‘કોરા કાગઝ’નાં જયા ભાદુરીની જેમ ચશ્માં ચઢાવીને વધેલી ઉંમરનો એહસાસ કરાવે છે. વિતેલા સમયની નિશાની રૂપે ખય્યામ સાહેબના ઊંચા સૂરોને કિશોરદાએ ખુલ્લા ગળે ગાયા, “ઉન્હેં યે જિદ થી કિ હમ બુલાતે, હમેં યે ઉમ્મીદ કિ વો પુકારેં...” અને લતાજી એ જ પીચમાં પેલી પંચલાઇન ગાય,  “હૈ નામ હોઠોં પે અબ ભી લેકિન, આવાઝ મેં પડ ગઈં દરારેં...”!
 
ક્યારેક વિચારી જો જો. એક સમયની અતિગમતી પણ હાલ રિસાયેલી વ્યક્તિને ફરીથી બોલાવવાની ગળા સુધી ઇચ્છા હોય છે ને? છતાં અહમ કરવત લઈને હાજર હોય, જે એવી તિરાડ કરે કે ગળામાંથી અવાજ નીકળે જ નહીં...અર્થાત પહેલ કરવાનું ટાળો. પણ એ મનોસ્થિતિને આટલી ખૂબસુરતીથી આપણા વતીથી અભિવ્યક્ત અગાઉ કોઇએ કરી હતી કે? ટૂંકમાં, “આંખોં કી મેહકતી ખુશ્બુ” જોનારા કવિએ જ અવાજમાં પડતી તિરાડોની ઉપમા સર્જી. તેમજ ફરીથી શ્રોતાઓ માટે એ જાણવાનું સરળ કરી આપ્યું કે માનવીય સંબંધો અને સંવેદનાઓ માટે અસામાન્ય કલ્પનોની કવિતાનો ગુલઝારનો સ્ટેમ્પ આગવો જ હોય છે, જો ધ્યાનથી સાંભળીએ તો!
 ખાંખાખોળા!
કલ્પના થઈ શકે છે? ગુરૂદેવ ટાગોર પણ એક સાબુની જાહેરાતમાં?!!

8 comments:

  1. Enjoyed the situation of the song with your sensible analysis of the words. Song's reference to a broken relationship with Rakhiji (supposedly) due to Suchitra Sen was surprisingly informative. Equally intersecting is the last picture of Rabindra Nath Tagore in an ad!

    ReplyDelete
    Replies
    1. Thanks dear Hiren for your appreciations. It gives me encouragement for more and better writing.

      Delete
  2. Superb analysis of my all time most fav. song which we now understand better as I and my Hubby listen to it together! Absolute Marvel!

    ReplyDelete
  3. Thanks Trupti for your appreciations... it is more like oxygen for me.

    ReplyDelete
  4. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
    Replies
    1. Thanks for your appreciations. My regards to Gor saheb.

      Delete
  5. Amazing analysis of my favourite song. Got a chance to view ur profile on fb from remarks by Kumudchandra Gor.

    ReplyDelete
    Replies
    1. Thanks for your appreciations. My regards to dear Gor saheb.

      Delete