``I have not forgotten,
so I am sharing it with you...''
આભાર
મિત્રો… પહેલી બ્લોગ પોસ્ટને વધાવવા બદલ. જેમ વાસ્તુ પછી બધું અવેરવાનું હોય, મોડા
પહોંચી શકેલા મહેમાનોની રાહ જોવાની હોય અને ના આવી શકેલાઓને ત્યાં પ્રસાદ મોકલવાનો
હોય, (અમુક લોકો વાસ્તુનું ચાખતા પણ નથી હોતા!) એવું બધું બ્લોગના વાસ્તુમાં પણ થતું
હોય છે.
અમિતાભના બ્લોગ ઉપર એક લિન્ક જોઇ અને તેના ઉપર કોમેન્ટ કરી તેમાં મહેશકુમારનો ઉલ્લેખ કર્યો |
પહેલી
પોસ્ટનું સ્ટાર્ટીંગ ‘કેબીસી’ના ફોટા સાથે જોઇને કેટલાક મિત્રોને આશ્ચર્ય થયું હતું.
તેમની ફરિયાદ હતી કે એ ફોટાને જસ્ટીફાય કરે એવા તો પહેલી લાઇનમાં વાચકોના સ્વાગતના
શબ્દો જ હતા. બાકી તો અમિતાભનો ફોટો જબરદસ્તી ચોંટાડ્યો છે. ‘કૌંસમાં બબડે છે’ એવા
ટાઇટલને અનુરૂપ આખા લેખમાં અમિતજીના ફોટાનું શું કામ હતું? હવે ઘરનું વાસ્તુમાં કરો
તો તમે તમારા આરાધ્ય દેવ કે માતાજી અથવા જિસસ કે પછી વાહેગુરૂનો ફોટો યા તો કોઇ સુંદર
આશીર્વચન જેવું મજહબી વાક્ય પ્રવેશના સ્થળે મૂકો કે નહીં? તો પછી? અમે તો જ્યારથી બ્લોગનું
ખાત મહુરત કર્યું, ત્યારથી એ નક્કી હતું કે તેના મંગળ પ્રારંભે અમિતાભ બચ્ચનનો ફોટો
તો મૂકવો જ છે. આફટર ઓલ, સતત ૩૦ વરસ સુધી જેમનાં વખાણ કરી કરીને પેન ઘસાઇ ગઇ હોય, એમનું
નામ તો પ્રથમ જ સમરવાનું હોયને? અને આમ જુઓ તો ‘કૌંસમાં બબડે છે’ એવા ટાઇટલવાળા એ લેખના
શિર્ષકને શોભે એમ ફોટામાં બચ્ચન દાદાએ બે હાથથી કૌંસનું ચિન્હ બનાવ્યું જ હતું ને?
‘કૌંસમાં
બબડે છે’ એ ઠેઠ ’૭૦ના દાયકામાં વડોદરા મ્યુઝિક કોલેજના રંગમંચના મિત્રો શૈલેશ અને રૂપલ
ત્રિવેદી, રાજેશ અને જયશ્રી દાણી વગેરેની ટીમ ‘રંગાવલી’ની એક રમૂજ હતી. નાટકના રિહર્સલમાં
વાંચન વખતે નવા સવા ‘કલાકારો’ તેમના સંવાદને વાંચતી વખતે કૌંસમાં ‘તલવાર કાઢે’ કે
‘બબડે’ એ બધું, એટલે અંકે બધ્ધું, બોલી નાખતા હોય છે! એક ચોખવટ: હું સંગીત કે નાટક
કશાનો અભ્યાસ નહતો કરતો. આપણે તો સુરસાગરની સામે મ્યુઝિક કોલેજના પગથિયાં ઉપર એ મિત્રો
સાથે ક્યારેક સત્સંગ કર્યો હોય અને કૌંસમાં બબડી લીધું હોય એ માફ! (શૈલેશ અત્યારે પણ
અમેરિકામાં - કદાચ ન્યુ જર્સીમાં- નાટકો કરે જ છે અને રાજેશ તથા જયશ્રી વડોદરામાં)
તેથી ‘આનંદ એક્સપ્રેસ’માં પ્રવીણ જોશી અને
આઇ.એન.ટી.નાં નાટકોના કે સંગીતની ‘નાઇટ્સ’ અથવા ગઝલની ‘મહેફિલ’ના રિવ્યુ લખવાનું શરૂ
કરતાં પહેલાં નાટક –ચેટકને માણવાના રવાડે ચઢવાનું થયું હોય તો ‘રંગાવલી’ને કારણે અને
સંગીતની સુઝ ઉઘડી હોય તો મિત્ર પ્રકાશ જોશીને કારણે.
મારા સંગીતના રસનું મૂળ એવો મિત્ર પ્રકાશ જશી, ‘ગાતા રહે મેરા દિલ’ના લોકાર્પણ વખતે માંડ પકડમાં આવ્યો હતો. સાથે તેની પત્ની (આજુબાજુ મારા અન્ય બે મિત્રો... અરવિંદ ઠક્કર અને મહેન્દ્ર સપકાળ) |
પ્રકાશ
જોશી અમારો એક એવો દોસ્તાર કે જેણે કલા ભવનમાં એન્જીનીયરીંગની અને મ્યુઝિક કોલેજમાં
તબલાં બન્નેની તાલીમ સમાંતર લીધી. (વડોદરા બહારના મિત્રોને કૌંસમાં ચોખવટ કરવાની કે
એમ. એસ. યુનિવર્સિટીમાં એન્જીનીયરીંગના અભ્યાસ માટેની ફેકલ્ટી ઓફ ટેકનોલોજીને ‘કલા
ભવન’ કહેવાય છે.... તેને મ્યુઝિક કોલેજનું નામ સમજવાની ભૂલ ના કરવી!) પાંચ વર્ષને અંતે પરિણામ? બન્નેમાં પ્રકાશ ગોલ્ડ મેડલ જીત્યો!! અમારા
અભ્યાસના દિવસોમાં, ૧૯૭૦માં, ‘તલાશ’ ફિલ્મ આવી હતી. તેના ટાઇટલ ગીત “તેરે નૈના તલાશ
કરે…”માં મન્નાડેના સ્વર કરતાં તેમાં તબલાં, પખાવજ અને તબલાંતરંગ જેવાં વાદ્યો સાથે
સચિનદેવ બર્મને કરેલી રમઝટનાં પ્રકાશે જે રીતે વખાણ કર્યાં, મ્યુઝિકની બારીકીઓમાં રસ
પડ્યો.
પ્રકાશે
આપેલા સંગીતના એ જ સંસ્કાર પછી તો એના સત-સંગમાં ખુબ વિકસ્યા. સારું સંગીત માણતી વખતે
મારા મનમાં હમેશાં પ્રકાશ જ પ્રકાશ હોય છે. આ થોડું વિસ્તારપૂર્વક એટલા માટે લખ્યું; કારણ કે પહેલી બ્લોગ પોસ્ટમાં કહ્યું છે કે અહીં
મિત્રોનાં વખાણ કરવામાં આવશે અને ‘બોલ્યા બાદ બોલ્યા’! ફરી થોડું જવાય? ઉપરાંત એક કારણ
એ પણ ખરું કે ‘સલિલ દલાલ’ આ અને બીજા ઘણા બધા મિત્રોના સંસ્કાર સિંચનનું મિશ્રણ માત્ર
છે. તેથી એવા તમામ મિત્રોને કારણે ઉઘડેલી માધ્યમની સમજને લીધે જ તો મનમાં અમિતાભ બચ્ચન
આરાધ્ય દેવ સમાન સ્થાપિત થયા.
અમિતાભનો
બ્લોગ ‘બિગ બ્લોગ’ ૨૦૦૮માં શરૂ થયો, ત્યારે સ્વાભાવિક રીતે જ તેને ભક્તિપૂર્વક ફોલો
કરવા માંડ્યો. તેમાં કોમેન્ટ પણ એ લાલચે કરવા માંડી કે કદીક તો ‘બિગ બી’ની આંખ તળેથી
આ નાચીઝ ‘એચ બી’નું નામ બી પસાર થાય. મુશ્કેલી એ થતી કે બચ્ચનના બ્લોગમાં કોમેન્ટ્સ
સેંકડોની સંખ્યામાં આવતી. (હજી આવે જ છે.) એ પૈકીની શરૂઆતની ૨૫-૫૦ને તે જવાબ લખતા.
એક્વાર, એપ્રિલ ૨૦૦૯માં, ૩૬૭ નંબરના બ્લોગમાં તેમણે સૂચવેલી એક લિન્કની શોર્ટ ફિલ્મ
જોઇ હચમચી જવાયું. કોમેન્ટ લખીને તૈયાર કરી રાખી. જૂની પોસ્ટના સેંકડો રિસ્પોન્સમાં
તેને વેડફવી નહતી. બચ્ચન નવી પોસ્ટ ક્યારે મૂકે છે, તેની રાહ જોતો કોમ્પ્યુટર સામે
બેસી રહ્યો. જેવી ૩૬૮મી પોસ્ટ અપલોડ થઇ તે જ વખતે ધડાધડ કોમેન્ટ ચોંટાડી દીધી. એ આશાએ
કે આજે તો કોમેન્ટમાં પહેલો નંબર આપણો જ! પણ આ શું?
પ્રિય મહેશભાઇ ‘Voice of Lata’ કરતાં વધારે Deprived Lot ના `Voice’ |
જ્યારે
કોમેન્ટ્સ આવી ત્યારે ચોથો નંબર હતો! તેમાં મેં તે દિવસોમાં મહેશ કુમાર એન્ડ પાર્ટીવાળા
મહેશ ક્નોડીયાના એક ટીવી ઇન્ટર્વ્યુનો પણ ઉલ્લેખ કર્યો હતો. મહેશભાઇથી વધારે ખાનદાન
અને ખેલદિલ બીજા આર્ટીસ્ટ કે ઇવન જાહેર વ્યક્તિ જોવાના હજી બાકી છે. તેમનો એ ઇન્ટર્વ્યુ ટીવી
ઉપર જોયો અને તે પછીના અઠવાડિયાની મારી ટીવીની કોલમમાં મેં તેનો ભાવપૂર્વક ઉલ્લેખ પણ કર્યો હતો.
મહેશભાઇએ એટલી સાહજિકતાથી ઇન્ટર્વ્યુમાં કહ્યું કે, જ્યારે એ નાના હતા, ત્યારે ગામમાં થતા જમણવારના
પ્રસંગોમાં વધેલું ખાવાનું લેવા એ પણ જતા. તેથી આજે જ્યારે કોઇ જગ્યાએ એ પબ્લિક ફન્ક્શનમાં
જાય છે, ત્યારે ઇરાદાપૂર્વક સ્વીટ વગેરે ખાવાનું
પોતાની પ્લેટમાં વધારે છાંડે છે…. “જેથી એ બધું વધ્યું ઘટ્યું લેવા આવનાર કો’કને તો
પહોંચશે!” આ સાંભળીને તમે પગથી માથા સુધી સળગી ના ઉઠો?
ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર છતાં વિનમ્ર નરેશ કનોડિયા |
મહેશ
કનોડિયાને કેટલા લાખ સલામ કરીએ? કયો માઇનો લાલ પાર્લામેન્ટના સભ્ય થયા પછી પોતાની જિંદગીની આવી વાત જાહેરમાં યાદ કરી શકે? એક કરતાં વધુ વખત સંસદ સભ્ય તરીકે ચૂંટાનાર એ કલાકારની
વાત કલેજાના ચીરા કરી દે એવા કયા ઘામાંથી વહી હશે, તેનો અંદાજ કેટલાને આવી શક્યો હશે? એ કોઇ
નાટકીયતા- મેલોડ્રામા- ઉભો નહતા કરતા. સહજ રીતે વર્ણન કરતા હતા. એ દિવસે મને એ
‘Voice of Lata’ કરતાં વધારે રોજબરોજ લોટ માટે
ટળવળતા Deprived Lot ના `Voice’ તરીકે મનમાં વસી ગયા. તે પછી ‘ઇટીવી’ના સ્ટુડિયોમાં
તેમના એવા જ વિનમ્ર ભાઇ (સંખ્યાબંધ સુપરહીટ ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર છતાં વિનમ્ર એવા) નરેશ કનોડિયાને
મળવાનું થયું, ત્યારે તેમને પણ મહેશભાઇને મારી લાગણી પહોંચાડવા કહ્યું હતું.
એ
મુદ્દો કેવો ઝકઝોરનારો છે કે જો સમાજનો એક આખો વર્ગ દારૂણ ગરીબીમાં હજી પણ સબડતો હોય,
તો આ વ્યવસ્થામાં ધરમૂળથી જ કશુંક ખોટું છે. સૌને એ સત્ય આપોઆપ કેમ ના સમજાય? માર્ક્સવાદીઓ,
માઓવાદીઓ કે નક્સલવાદીઓ વધતા જાય છે, તેનું કારણ ક્યાં છે? એ સમજવા પી. સાંઇનાથ જેવા
લેખકના લેખ વાંચવા અને એ નામ કદાચ અજાણ્યું લાગતું હોય તો ઋષિકેશ મુકરજીની ફિલ્મ ‘નમક
હરામ’ યાદ કરી શકાય. તેમાં સિમી અમિતાભના પાત્ર ‘વિકી’ને કહે છે કે “ચારે તરફ ગરીબીનો
મહાસાગર ઘૂઘવતો હોય, ત્યારે સમૃધ્ધિના ટાપુ પર રહેનારાઓને ઉંઘ કેવી રીતે આવી શકે છે?”
(સંવાદોની ચોક્કસતા માટે કાન ના પકડશો. મતલબ એ જ હતો અને છતાં પિક્ચર ઓનલાઇન જોઇ કાઢશો
તો મારાથી વધારે ખુશ કોઇ નહીં થાય.)
એ મુદ્દાના સંદર્ભે અમિતાભના બ્લોગ ઉપર ૨૦૦૯માં મૂકાયેલી
નીચેની ક્લીપ માત્ર છ મિનીટની છે; તે અવશ્ય જોવા ભલામણ છે. (ના જુએ એને અમિતાભ બચ્ચનની
આણ છે!) તમને ફેસબુક ઉપર મિત્ર આશિષ કક્કડની બે મિનીટની વાર્તા હલાવી જતી હોય કે રણજીત ગઢવી અથવા સુકુમાર ત્રિવેદી જેવા મિત્રોની કોમેન્ટ્સ જલદ લાગતી હોય તો આ ધાર્યા મુજબની - પ્રિડીક્ટીબલ લાગતી ટચુકડી ફિલમ તમારે જોવી જ રહી. માત્ર એટલા માટે નહીં કે એ મારા અત્યંત ગમતા કલાકાર અમિતાભ બચ્ચને મૂકી હતી.
એટલા કારણે પણ નહીં કે ૨૦૦૬ના બર્લિન ફેસ્ટીવલમાં મળેલી ૩૬૦૦ શોર્ટ ફિલ્મની એન્ટ્રીઓ
પૈકી આ શ્રેષ્ઠ ઠરી હતી. પણ એટલા સવાલ માટે કે ગાડીઓ અને સ્કૂટરના ખોરાક જેવા પેટ્રોલના
ભાવમાં થતો વધારો જેટલી તીવ્ર પ્રતિક્રિયાઓ જગવે છે; એટલી અકળામણ સમાજના સૌથી ગરીબ
વર્ગને રોજે રોજ પોતાના પરિવાર માટે બે ટંકના રોટલા ભેગા કરવા કરવી પડતી જદ્દોજહેદની
કે તેની મજબુરીની અકળામણ કોઇ રીતે આપણને થાય છે ખરી?
સ્ટેચ્યુટરી
વોર્નીગ: આ ધાર્યા મુજબની -પ્રિડિક્ટીબલ- લાગતી ફિલ્મને ધીરજથી જોતા રહેજો.. તેના ઉપર ક્લિક થાય એ પહેલાં શાકાહારી મિત્રોને જણાવવાનું કે તેમાં
‘ચિકન’ની વાનગી દેખાશે. પણ તો ય તે (એટલે કે ફિલમ!) આખી પૂરી કરજો. (આમ પણ આપણે સૌ સાવ વેજીટેરિયન
ક્યાં છીએ? ‘નોનવેજ જોક્સ’ તો મજેથી માણીએ જ છીએને?!)
તિખારો!
અમિતાભ
બચ્ચને તે દિવસના તેમના બ્લોગની શરૂઆતમાં મૂકેલા નીચેના પ્રશ્નોત્તર ‘મધર્સ ડે’ પર
કેવા સરસ શોભે!
What makes all Mothers special?
ANSWER :
When I came home drenched in the rain my brother
said –
“Why don’t you take an umbrella with you!”
My sister said –
“Why didn’t you wait till the rain stopped!”
My father angrily said –
“You will only learn after getting a cold!”
*
*
*
But my mother, while drying my hair, said –
“Stupid rain!”
સલિલની મહેફિલમાં આમીરની વાત પડઘાય છે...દિલ પે લગેગી...તબ જાકે બાત બનેગી...ઔર બાત બન રહી હૈ :)
ReplyDeleteપહેલી વખત મને સલીલભાઈ જુદા મિજાજ માં લાગે છે......કદાચ પોતીકી ભૂમિ( બ્લોગ) નો પ્રભાવ હશે કે સમય નો....પણ દિલ થી નીકળેલી વાત દિલ માં લાગી ગઈ....
ReplyDeletecan't agree more. but beware, you write this few times more and you are leftist, maoist, anti-development, anti-india, cynic and what not.
ReplyDeleteI agree with Shivani. Red Salilji a lot before but this was bit different. Made me cry.
ReplyDeleteઆમ પેટ ચોળાઇ ગયું. મહેશભાઇની વાતથી પૂર્વભૂમિકા બંધાઇ... ખબર નહીં રાતે જમી શકીશ કે નહીં..
ReplyDeletethakkrr saheb no words......
ReplyDeleteDEAR HB, VARSO PACHHI AAKHO DIVAS TARI SAATHE GALYO HOY , TEVU LAAGE CHHE. SAVARE SAVARE TAARO AVAZ SAAMBHALYO ANE CHHELLE VARSHO PACHHI TAARA BLOG MA PUJYA KAMLABA NO AVAAJ SAMBHADVANO LAABH MALYO. KHOOB AANAND THAYO. AAKHO DIVAS TARO BLOG J VVANCHYA KARYO CHHE. BRISHARA,AK HANGAL, DR. KURIEN, SURESH DALAL, SARAIYA, JATIN KHANNA, ETC. NI MAHITISABHAR shradhanjalio vaanchi abhibhoot thayo.TAARI VANGI PIRASVANI KALA THI VARSO THI VAKHEF CHHUJ, AAJE RENEW THAI GAYI......NAVA BLOG BADAL ABHINANDAN ANE AABHAR. HA, AAJE TARA LIDHE BOMBAY, PESHAVAR, DELHI, RAJPIPLA, ANAND, KANJARI, BORSAD , BARODA - BADHE EK J DIVAS MA FARVAANU MALYU.... DOST MAZA AAVI GAYEE. S.K.BRAHMBHATT
ReplyDeletena bolvavamaj saru che, rhady kakli uthe che, pan aama hu kem madad kri shaku ej vichro gholaya kre che. lokoma samjdari ave to j aapne khush raheshu, ame e pristhiti vakef chie. amaru achran drshtant che aajni pedhi mate.
ReplyDelete