Sunday, February 17, 2013

ફિલમની ચિલમ ૧૭ ફેબ્રુઆરી, ૨૦૧૩







‘સ્પેશ્યલ’ થવા ડાયરેક્ટરે પચાસ-સો કરોડના ‘હીરા’ સાથે ચમકવું પડે! 


આ અઠવાડિયે આવેલી બે ફિલ્મો ‘સ્પેશ્યલ ૨૬’ અને ‘એબીસીડી’ (એની બડી કેન ડાન્સ) પૈકીની ‘સ્પેશ્યલ ૨૬’ સ્પેશ્યલ હતી. કેમ કે એ બહુ વખણાયેલી ‘એ વૅડ્નસ ડે’ના દિગ્દર્શક નીરજ પાન્ડેની નવી કૃતિ હતી. ફિલ્મ જોયા પછીનો એક ‘રિવ્યુ’ લગભગ અખબારોના પગારદાર અવલોકનકારોથી લઇને પાનના ગલ્લે કે હેર કટિંગ સલૂનમાં અને ટ્રેઇન કે બસમાં અપડાઉન દરમિયાન કરાતી નિ:શુલ્ક સમીક્ષામાં એકમતે કહેવાયું કે આ થ્રિલરમાં લવ ઍંગલ અને ગાયનો ફિલ્મની ગતિને અવરોધે છે. એમ કરવા કરતાં ઠગોની ચાલબાજીનો એકાદ વધુ કિસ્સો મૂકીને સ્ક્રીપ્ટને વધારે રસપ્રદ કરી શકાઇ હોત. સસ્પેન્સ થ્રિલર્સ બનાવવામાં એક સમયે વિજય આનંદનો જોટો નહતો. તેમની એવી સુપર હીટ ફિલ્મો ‘જહોની મેરા નામ’, ‘જ્વેલથીફ’ કે ‘તીસરી મંઝિલ’માં ગાયનો  હંમેશાં વાર્તાને આગળ વધારવાનું કામ કરતાં હતાં અને તેથી જ તે દૂધમાં દળેલી ખાંડ ભળે એમ મીઠાશ વધારતાં હતાં. સવાલ એક જ છે કે જે વાત સિનેમાની ‘એબીસીડી’ પણ ના સમજાતી હોય એવા પ્રેક્ષક પણ કહી શકે એમ છે એ તેના આટલા બુદ્ધિશાળી પ્લૉટ વિચારનારા નિર્દેશકને કેમ નહીં દેખાયું હોય? જવાબ છે, માર્કેટ! 

માર્કેટની જરૂરિયાત સર્જકને મોટી સ્ટાર કાસ્ટને શરણે મોકલે છે. કોઇપણ કલાકારને મોટા બજેટના બ્રૅકેટમાં જવાની તાલાવેલી હોય છે અને ના ગમે તો પણ ફિલ્મોમાં તો એ જ સફળતાનો માપદંડ હોય છે. તેથી ગમ્મે એટલી સરસ હોવા છતાં ‘એ વૅડ્નસ ડે’ નસીરુદ્દીન શાહની ફિલ્મ કહેવાય... તે સલમાન, આમીર કે અક્ષય અથવા તો અજય દેવગનની નહતી! આ નગ્ન વાસ્તવિકતા છે. આજે કરોડોના બજેટ સાથે એ ગ્રેડની સ્ટાર કાસ્ટ સાથે ફિલ્મો બનાવતા વિધુ વિનોદ ચોપ્રાની પ્રથમ ફિલ્મ અમોલ પાલેકરને લઇને બનાવેલી ‘ખામોશ’ હતી. તો તેમના સહાયક રહી ચૂકેલા સંજય લીલા ભણશાળીએ પણ શરૂઆત તો નાના પાટેકર સાથેની ‘ખામોશી- ધી મ્યુઝિકલ’થી કરી હતી. તે પછી ફરી એ કલાકારોને તેમણે ક્યારે લીધા એ યાદ કરવા જેવું નથી લાગતું?

એટલે પચાસ - સો કરોડના બિઝનેસમાં પહોંચવાની દરેકની મહેચ્છા હોય છે. એ સંજોગોમાં, કોઇ આશ્ચર્ય ખરું કે ‘સ્પેશ્યલ છબ્બીસ’ની મુખ્ય ભૂમિકા માટે અક્ષય પ્રથમ પસંદગી હોવા છતાં અજય દેવગન અને અભિષેક બચ્ચન પાસે પણ પ્રસ્તાવ ગયા હતા? દરેકની તારીખોનો અને બજેટને પોસાય એવા ભાવનો મેળ પાડતાં છેવટે ચાર વર્ષે અક્ષય સાથે જ ફિલ્મ બની.અક્ષયને લેવા છતાં નીરજ પાન્ડેને એ વાતની ક્રેડિટ આપવી પડે કે તેની પાસે રૂટિન હીરોગીરી કરાવી નથી. અક્ષય એક સરસ એક્ટર છે, જે માર્કેટમાં કરોડોનો ઇનીશ્યલ (પ્રારંભિક બિઝનેસ) લાવી શકે છે અને તે ભૂમિકામાં એ સફળ રહે છે. એવી માર્કેટની ડીમાન્ડને કારણે સ્ક્રીપ્ટમાં હીરોઇન આવી. તેનું કામ ગાયનો ગાઇને ગ્લૅમર  વધારવાનું સામાન્ય રીતે હોય. પરંતુ, બિચારી કાજલ અગ્રવાલનું પાત્રાલેખન સીધી સાદી છોકરીનું હોઇ સાઉથની એ હીટ હીરોઇન હોવા છતાં અહીં ગ્લેમરસ પણ દેખાવાનું નહતું. તેમજ તેનો ટ્રૅક મૂળ પ્લોટનો ભાગ ના હોઇ તે દૂધમાં ઘી તરે એમ પિક્ચરમાં અલગ જ તર્યા કરી.



છતાં પહેલા જ વીકમાં પચાસ કરોડની નજીક પહોંચી ગયેલી ‘સ્પેશ્યલ છબ્બીસ’ ‘અક્ષય અને કાજલ અગ્રવાલની ફિલ્મ’ તરીકે જ ઓળખાઇ રહી છે! વળી, અગત્યની વાત એ છે કે તે ડાન્સની સ્પેશ્યલ ફિલ્મ ‘એબીસીડી’ કરતાં વકરામાં આગળ છે. એવા કરોડોના ‘એ ગ્રેડ’ બિઝનેસ માટે દરેક કલાકાર તરસતા હોય છે, જેને માટે તમામ પ્રકારના વિધી-વિધાન કરવા પણ તૈયાર હોય છે... ભલેને તેમાં કોઇ દરગાહ પર ચાદર ઓઢાઢવાની હોય કે પવિત્ર નદીમાં ડુબકી લગાવવા કપડાં ઉતારવાનાં હોય! કુંભના મેળામાં મૌની અમાવાસ્યાએ સ્નાન કરવા એક્તા કપૂર પોતાની આવનારી ફિલ્મ ‘એક થી ડાયન’ના કલાકારો ઇમરાન હાશ્મી અને હુમા કુરેશીને લઇને અલ્હાબાદ ગયાના સમાચાર પણ હતા જને? (ડાકણ અને અમાસની જુગલબંદી હૉરર ફિલ્મની સ્ક્રીપ્ટમાં તો નિયમિત હોય જ છેને?!) 
 

એ જ કુંભના મેળામાં પ્રીટી ઝિન્ટા પણ પહોંચી ગઇ હતી અને પવિત્ર સંગમમાં ડુબકી લગાવી હતી. તેણે ‘મૌની અમાવાસ્યા’ પર મનમાં શું માગ્યું હશે? સિનેમાની સફળતા કે પોતાની ક્રિકેટ ટીમનો જયજયકાર? કે પછી અંગત જીવનમાં ખોવાયેલો લાગતો પ્રેમ? પ્રીટી અને તેના મિત્ર નેસ વાડીયાના સંબંધો ક્યાં ઉભા છે એ તો એ બેમાંથી એક ચોખવટ કરે ત્યારે ખબર પડે. પરંતુ, કુંભના મેળામાં એ દેશના અગ્રણી રિધમિસ્ટ શિવામણી સાથે ગયાના અહેવાલે વળી તેની ‘કીંગ્સ ઇલેવન પંજાબ’ વખતના યુવરાજસિંગ સાથેના ફોટાઓ જેવી ઉત્સુકતા મિડીયામાં ઉભી જરૂર કરી છે. (કુંભના મેળા સાથે કાયમ પાત્રોના વિખુટા પડવાનું જ કેમ જોડાયેલું હશે? શિવા શિવા!)  

પ્રીટી ઝિન્ટાની સાથે ‘વીરઝારા’માં ‘સામિયા સિદ્દીકી’ની ભૂમિકા કરનાર તેની સમકાલિન રાની મુકરજીને પણ ગયા સપ્તાહે તેના અંગત જીવનને સાંકળે એવા એક ક્વોટના પગલે મિડીયામાં ફરી એકવાર ચમકવાનો વારો આવ્યો. એક સમારંભમાં શત્રુઘ્નસિન્હાએ રાની ‘મુકરજી’ને ‘રાની ચોપ્રા’ કહેતાં સૌ ચોંકી ગયા હતા. જો કે  ‘મૌની અમાવાસ્યા’નો પ્રભાવ હોય કે ગમે એમ, પણ કોઇ ‘વીરઝારા’ના અનુપમ ખેરની માફક “દિલચશ્પ... બહોત દિલચશ્પ” બોલી નહતું ઉઠ્યું. યે પૉઇન્ટ નોટ કિયા જાય, યૉર ઑનર. (ઇન્ટરેસ્ટીંગ... વૅરી ઇન્ટરેસ્ટીંગ!)

એ પ્રસંગ હતો યશ ચોપ્રાની પૂરા કદની મૂર્તિના લોકાર્પણનો અને તેથી એ વખતે તેમના પરિવારના સભ્યો પણ હાજર હતા. પરંતુ, સ્ટૅચ્યુ ઉપરથી વિધિવત પડદો ઉઠાવવાના સમારંભમાં શત્રુ ભૈયાએ કરેલા રાનીના નામના આ નવા સમાસને લીધે એક અર્થમાં પડદો ઉઠાવ્યો એમ અનુમાન કરી શકાય. કારણ કે યશજીના અવસાન પછીના થયેલા પ્રાર્થનાસભા જેવા પ્રસંગે અને કુટુંબીજનોને સાંત્વના આપવા આવનાર સૌએ ચોપ્રા પરિવારના સભ્યની માફક જ રાનીને સંકળાયેલી જોઇ હતી. એ સમારોહમાં શત્રુઘ્નએ જ્યારે ‘ચોપ્રા’ અટક લટકાવી ત્યારે  તેનો  વિરોધ રાનીએ તો ના જ કર્યો; પણ યશજીનાં પત્ની પમેલાજી અને પુત્ર ઉદય ચોપ્રા સહિતના કોઇએ પણ ઑડિટ ના કાઢ્યું. (‘આદિત’ને કારણે?) શું ચોપ્રા પરિવારના મિડીયાના મિત્રો કરતાં પણ ‘શત્રુ’ વધારે જાણતા હશે? (સસ્પેન્સ વધે એવી ‘સ્પેશ્યલ’ સ્ટોરી છેને આ? કે પછી રાઝ ખોલનારી? સોચો ઠાકુર!)


તિખારો!
 ૧૦૦ કરોડનો આંકડો પાર કરનારી કેટલીક ફિલ્મો તો તેમાંના સ્ટારની લોકપ્રિયતાને કારણે જ ચાલી છે. એ ફિલ્મ કોઇ લલ્લુ-પંજુ એક્ટર સાથે એ જ ડાયરેક્ટર બનાવે તો? એવાં પિક્ચરોને મળતા ૧૦૦ કરોડના બિઝનેસને જોઇને થાય કે ‘એબીસીડી’ તો એ દિગ્દર્શકો માટે કહી શકાય.  સુપર હીટ સ્ટારને  સાઇન કરી શકો તો પછી ‘એબીસીડી’.... ‘એની બડી કેન ડાયરેક્ટ’!! 


10 comments:

  1. Dear Salilji,

    Since years, your "TIKHARAS" give enough warmth till next meeting!

    Thank you to entertain huge number of loving readers!

    Kind regards.

    Akhtar (Guildford-Surrey UK)

    ReplyDelete
  2. આ થ્રિલરમાં લવ ઍંગલ અને ગાયનો ફિલ્મની ગતિને અવરોધે છે. એમ કરવા કરતાં ઠગોની ચાલબાજીનો એકાદ વધુ કિસ્સો મૂકીને સ્ક્રીપ્ટને વધારે રસપ્રદ કરી શકાઇ હોત. - સો ટકા સહમત..

    ReplyDelete
  3. The reality is that 'Special 26" can not be A Wednesday. Sholay, Pakiza, Anarkali, Mugale-Azam and A Wednesday can be only one...it cant be many..though v expect something more from Niraj Pandey...
    Though Akshay has acted in it, but it is seen as a Niraj Pandey movie...
    One more truth is that "100 crore" may give Akhay, Salman, Shahrukh, Ajay money and startdum but not fame as great actor...and that is y even these starts crave for doing such movie...
    i love to read yr article...
    - joy rana

    ReplyDelete
  4. gujarati fonts garbadia thai gaya chhe aa lekh ma sirjee,thoda proof reading karlo thakur !

    ReplyDelete
    Replies
    1. Which part requires proof reading? It looks ok to me. Please specify or check at your end.

      Delete
    2. OMG,gaikale garbadiya lagta font aje ok chhe I dont know su problem hashe?so sorry chalo e bahane tamari sathe vat thai,I am your fan by my childhood(from 1987) Sandesh vachvani sharuvat tamari colmn thi karvani filmi news to G magazine mathi pan madi jata pan tamari lakhvani shailee,be ghtana sakadvani style ane humor,Tikharo maza hati tame sandesh chhodyu ne me gujarat samachar pakadyu,divyabhaskar ne pachhu sandesh,ane mane swapney kalpana nahati tame bija nam thi lakho chho ne anand ma j raho chho nahitar hu tamne madyo pan hot, hu pan Davol ane Anand ma rahyo chhu have tame canada ne hu london,jyare tamara blogni khabar padi jane junu swajan madyu!!!

      Delete
    3. આભાર મિત્ર... આટલા માયાળુ શબ્દો (Kind words, you see!) કહેવા બદલ.
      બોરસદ મારી જન્મભૂમિ છે અને કઠાણા સ્ટેશન મારું ગામ. એટલે દાવોલ સ્ટેશનનું બોર્ડ કઠાણા લોકલમાંથી અસંખ્ય વાર જોયું હતું, એ સ્મૃતિ આજે તાજી થઇ ગઈ. ‘ફિલમની ચિલમ’ ૨૦૦૮ પછી ૪ વરસે સૌરભ શાહ અને મિત્રોના આગ્રહથી પુનઃ શરૂ કરી છે. ઇન્ટરનેટના આ સમયમાં કેવું અને કેટલું આપી શકીશ એ વિચારે નર્વસ છું. આગે આગે દેખીયે હોતા હૈ ક્યા? મારી આંગળીઓ ભીડાયેલી છે(My fingers are crossed)!
      બાય ધી વે, આટલા વરસો જૂના હમવતન વાચકનું નામ જાણવાની ઇચ્છા ખરી.
      ફરી એક વાર આભાર સહ,
      -સલિલ
      PS: Thanks to Fonts as well!!

      Delete
  5. સલિલ સર,

    વાત સાથે એક જગ્યાએ હું સહમત નથી. એકવાર મોડસ ઓપરેન્ટી બતાવી દીધા પછી એ જ રીતની બીજી લૂંટ બતાવી દર્શકોનો સમય બગાડવા જેવું છે. બાકી એક વાત પરથી બીજી વાત પર સરકી જવાની લાપસી જેવી લપસણી ભાષા શીખવા માટે તો મારે બીજો જન્મ લેવો પડશે. એક નહીં સો સલામ....

    સેમ

    ReplyDelete
  6. વાહ..
    ;)
    તમારા લેખ ફરી ચાલુ થયા પછી ગામ આખાના ઠાકુરોએ પાછી સોચ-સભા રાખવા માંડી છે.

    ReplyDelete