Sunday, February 24, 2013

ફિલમની ચિલમ..... ૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૩




નાચ મેરે ‘ચુલબુલ’ કિ પૈસા મિલેગા!


શું ગુલઝારને કરાંચી સાહિત્ય મેળામાં હાજરી આપવા ગોઠવાયેલી પાકિસ્તાન મુલાકાતેથી, મિડીયા કહે છે એમ, અફઝલ ગુરૂને ફાંસી અપાયાને કારણે, સુરક્ષા જોખમાતાં પાછા આવી જવું પડ્યું હતું? કે પછી તેમની દીકરી મેઘનાએ ખુલાસો કર્યો છે તે મુજબ, પહેલીવાર પાકિસ્તાનમાંના પોતાના વતનના ગામ દીના પહોંચીને કવિ લાગણીથી એટલા વિહવળ થઇ ગયા કે તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો અને સ્વાસ્થ્યનાં કારણોસર પરત આવી જવું પડ્યું? ગુલઝારની ૮૩ વરસની ઉંમર અને ‘મરાસિમ’ (એક પુરાના મૌસમ લૌટા, યાદભરી પુરવાઇ ભી...!)  જેવી કવિતાઓમાં વ્યક્ત થયેલા સરહદ પારના તેમના સંવેદનશીલ તંતુઓનું જોડાણ સમજનાર કોઇને પણ મેઘનાનો ખુલાસો જ સાચો લાગે.



મેઘનાએ ગુલઝારજી માટે લખેલું પુસ્તક “બીકૉઝ હી ઇઝ....” વાંચતાં પણ સમજાય કે તેમના બચપણના દિવસો જ્યાં વિત્યા હતા તે ઝેલમ જિલ્લાના દીના ગામ માટે એ કેટલા સૅન્ટીમૅન્ટલ છે. ગુલઝાર અગાઉ એક કરતાં વધુ વખત પાકિસ્તાન ગયા હોવા છતાં કદી દીના નહતા ગયા. કેમકે, મેઘનાએ પુસ્તકમાં કહ્યા પ્રમાણે, તેમને બાળપણની યાદોને અકબંધ રાખવી હતી. સમયની થપાટો પડતાં ગામો અને શહેરોના ચહેરા બદલાઇ જતા હોય છે અને ગુલઝાર પોતાના શિશુકાળના ગામની માસુમ તસ્વીર પર એવું કશું ચિતરામણ નહતા ઇચ્છતા. 

છતાં આ વખતે કરાંચી લીટરરી ફૅસ્ટીવલમાં હાજરી આપવા ગયા અને દીના પણ ગયા. ત્યાં ગયા હશે અને અચાનક જ જીવનનાં ૭૫ વરસ ખરી પડ્યાં હશે! ગુલઝાર એક અત્યંત સફળ ફિલ્મી હસ્તીને બદલે લાંબા વાળવાળા મા વિનાના બાળક ‘સંપૂરનસિંગ કાલરા’ બની ગયા હશે. કેટલાને ખબર હશે કે ગુલઝારનાં માતા તેમને જન્મ આપીને તે તદ્દન શિશુ અવસ્થામાં હતા ત્યારે ગુજરી ગયાં હતાં. તેમની માતાના એ એકમાત્ર સંતાન હતા અને તેમના પિતાજીએ ત્રણવાર લગ્ન કર્યાં હોઇ અન્ય બે પત્નીઓનાં આઠ બાળકો હતાં. તેથી ઓરમાન માતા અને તેમનાં ઓરમાન સંતાનો વચ્ચે એ જ ગામની ગલીઓમાં એક નમાયા છોકરા તરીકે તેમનો ઉછેર થયો હતો. એ દિવસોની કેટકેટલી સારી-નરસી સ્મૃતિઓનું પૂર ધસમસતું આવ્યું હશે?

ગુલઝાર કે જેમણે ‘કિતાબ’ અને ‘પરિચય’ જેવી બાળકોના માનસમાં ઊંડા ઉતરતી ફિલ્મો બનાવી હોય, ‘માસુમ’ જેવી ફિલ્મનાં “લકડી કી કાઠી, કાઠી પે ઘોડા...” અને “તુઝ સે નારાજ નહીં ઝિંદગી હૈરાન હું...” સરખાં ગીતો લખ્યાં હોય કે પોતાની દીકરીના દરેક જન્મદિને કવિતાઓ ભેટ આપવાની પ્રથા રાખી હોય એવા અત્યંત સંવેદનશીલ કવિને પોતાના માસુમ દિવસોની યાદોના સમંદરમાં તણાવાથી હ્રદયમાં શૂળ ના ભોંકાઇ હોત તો જ નવાઇ લાગત!

ગુલઝાર જેવા કવિની દીકરી ‘બીકૉઝ હી ઇઝ...” જેવી સુંદર જીવનકથા લખે અને કરિના કપૂર ‘ધી સ્ટાઇલ ડાયરી ઑફ એન ઍક્ટ્રેસ’ એવું પુસ્તક આપે. તેના વિમોચનમાં શોભા ડેની હાજરી હોય એટલે એ બુકના રિવ્યુ પણ માફકસરના થશે એમ માની શકાય. આમ પણ કરિનાને જાતે એ પુસ્તક લખવાનો સમય કેવી રીતે મળી શક્યો હોય એવા સવાલો કોઇ અવલોકનકાર કરવાના નથી. કેમકે એ ‘દબંગ ટુ’માંના “ફૅવીકોલ સે..” જેવા આઇટમ સોંગથી અને ‘તલાશ’ની નાયિકા તરીકે ૧૦૦ કરોડની હીરોઇન છે! એટલું જ નહીં આ અઠવાડિયે ‘રેસ-ટુ’ પણ સૅન્ચ્યુરીની ફિનિશ લાઇન ક્રૉસ કરી ચૂક્યું હોઇ કરિનાના ‘નવાબ’ સૈફ પણ સેંકડો કરોડના બિઝનેસ કરાવતા હીરો છે. (એટલે પેલું શું કહે છે?... સર્વે ગુણાઃ કાંચનમ આશ્રયતે?)

એવી બૉક્સ ઑફિસની સદી ફટકારવાનું ગયા સપ્તાહના ‘સ્પેશ્યલ છબ્બીસ’ અને ‘એબીસીડી’ બેમાંથી કોઇ પિક્ચરના કિસ્સામાં શક્ય બને એવું લાગતું નથી. બન્ને અત્યારે તો ૫૦ કરોડ સુધી પહોંચવાની કોશીશમાં છે. તેથી ધંધાની રીતે બેઉને  અક્ષય ઉપરાંત સલમાન, અજય, આમિર, સૈફની માફક ‘ફૉર્ટી પ્લસ’ કહી શકાય. કેવી મઝાની વાત છે કે ૧૦૦ કરોડની ક્લબના આજના મોટાભાગના ટૉપ સ્ટાર્સની ઉંમર ૪૦ ઉપરની છે. ૧૯૬૫માં જન્મેલો સલમાન તો બે ત્રણ વરસમાં ૫૦નો થશે!

સલમાન પછી અંગત રીતે ઐશ્વર્યાની સૌથી નજીક પહોંચી શકેલા વિવેક ઑબેરૉયની ફિલ્મ ‘જયવંતભાઇ કી લવ સ્ટોરી’ અને મુકેશ ભટ્ટના દીકરા વિશેષ ભટ્ટે દિગ્દર્શન કરેલી પ્રથમ ફિલ્મ ‘મર્ડર થ્રી’ બન્ને ‘વૅલેન્ટાઇન ડે’ની આસપાસના દિવસોમાં રજૂ થઇ અને બેઉને કશું ‘વિશેષ’ નોંધપાત્ર ઓપનીંગ નથી મળ્યું. તેથી વિવેક ઑબેરૉય માટે અત્યારે તો ટિકિટબારીના ન્યુઝ કરતાં છઠ્ઠી ફેબ્રુઆરીએ તેની પત્નીએ પુત્રરત્નને જન્મ આપ્યો એ સમાચાર વધારે અગત્યના છે. (જો ‘જયંતાભાઇ...’ની ટપોરી ફિલમ હીટ થઇ હોત તો? દીકરો લકી છે એમ કહેવાત. પણ અત્યારે તો....!)


વિવેક કે સલમાન કોઇ એવા કાર્યક્રમમાં હોય જ્યાં ઐશ્વર્યા પણ હાજર હોય તો કેવી ગુંચવાડાભરી સ્થિતિ થાય તેનો અંદાજ આવે એવું મિલન યુવરાજસિંગ અને કીમ શર્માનું તાજેતરમાં એક સમારંભમાં થયું. સૌ જાણે છે એમ, ‘યુવિ’ અને કીમ એક સમયે લગ્ન કરવા સુધીનાં ગંભીર હતાં. પછી શું થયું કે ‘મોહબ્બતેં’ની એક હીરોઇન એવી કીમ કેન્યાના મુરતિયા સાથે પરણી ગઇ. તે ઠેઠ હમણાં એક ચેનલના વાર્ષિક સમારંભમાં બન્ને આમને સામને થયાં. યુવરાજ તો કીમ અને કીમોથિરપી બન્નેમાંથી બહાર આવીને હવે જોરદાર ક્રિકેટ પણ રમતો થઇ ગયો છે.


યુવરાજના ક્રિકેટ જગત અને કીમની ફિલ્મ ઇન્ડસ્ટ્રી બન્નેને ભેગાં કરીને ગ્લૅમરનું જે રસાયણ થાય તેનો કસ કાઢવા ‘સેલીબ્રીટી ક્રિકેટ લીગ’ના નામે ‘આઇપીએલ’ની જેમ ‘સીસીએલ’ શરૂ થઇ છે. તેમાં સલમાન પોતાના ભાઇ સોહૈલની ટીમને ચીયર કરવા જતો હોય છે. ‘સીસીએલ’માં હાજરી આપવાનો કોઇ ચાર્જ એ લે છે કે નહીં એ તો ખબર નથી. પરંતુ, આ સપ્તાહે આવેલા એક ગુસપુસ સમાચાર એમ જરૂર કહી જાય છે કે સલમાને પણ શાહરૂખની માફક યોગ્ય બક્ષીશ લઇને લગ્નમાં ડાન્સ કરવાનું સ્વીકાર્યું છે. એવી દિલ્હીમાં થનારી એક શાદીમાં નાચવાના સલમાને સાડા ત્રણ કરોડ માગ્યાના રિપોર્ટ છે! (નાચ મેરે ચુલબુલ કિ પૈસા મિલેગા... કહાં કદરદાન તુઝે ઐસા મિલેગા!)

એવા કિંમતી હીરો સલમાનનો હૈદ્રાબાદમાં ‘સીસીએલ’ની એક મેચ પછી  સ્ટેડીયમથી હોટલ જતાં પચીસ - ત્રીસ બાઇક સવારોએ જે રીતે પીછો કરીને તેને આખે રસ્તે પરેશાન કર્યો, તેની ફરિયાદ જાણીએ તો બિપાસા બાસુ યાદ આવી જાય. બિપાસાએ પણ પોતે જે જિમમાં કસરત કરવા જાય છે, ત્યાં આવતા એક અજાણ્યા વ્યક્તિ સામે એવી જ, પીછો કરવાની, ફરિયાદ કરી છે. આ વાતને અને બિપાસાની એક્સરસાઇઝ કરવાની સીડી બહાર પડી છે તેના વેચાણને કશું લાગે વળગે છે કે કેમ એ વિચારવાની કસરત કરવા જેવી ખરી. કેમકે મજકૂરને શોધવા ફરિયાદની જરૂર ક્યાં હતી? કેમકે કે એવા જાણીતા જિમમાં આવનારા દરેકને માટે સૌ પ્રથમ ‘મેમ્બર’ બનવું જરૂરી હોય છે. ગુજરાતીમાં બોલે તો... ‘સભ્ય’ બનવાનું હોય છે!....  લો કલ્લો બાત!!  




તિખારો!

‘જયંતાભાઇ કી લવ સ્ટોરી’ જેવી ભાઇલોગની જીવનકથાની-બાયોગ્રાફીની- ફિલ્મોને શું કહીશું?... ‘ભાઇઓગ્રાફી’!!  











 


2 comments: