Saturday, April 27, 2013

ફિલમની ચિલમ - મુંબઇ સમાચાર- ૨૮ એપ્રિલ, ૨૦૧૩




શમશાદ બેગમ.... દૂર કોઇ ગાયે, ધૂન યે સુનાયે!

ભીંત ફાડીને પીપળો ઉગ્યો’તો રે!

શમશાદ બેગમનું નિધન ૨૩મી એપ્રિલે થયું અને એક આખી પેઢીને “લેકે પહલા પહલા પ્યાર ભર કે આંખોં મેં ખુમાર, જાદુ નગરી સે આયા હૈ કોઇ જાદુગર...” (સી.આઇ.ડી.)થી માંડીને “કજરા મોહબ્બતવાલા, અખિયોં મેં ઐસા ડાલા, કજરે ને લે લી મેરી જાન...” (કિસ્મત) સુધીનાં કેટલાંક યાદગાર ગાયનો આપનાર ગાયિકાનું દૈહિક અસ્તિત્વ મટી ગયું! શમશાદજી એ વાતની સાબિતી હતાં કે સંગીત ખાનદાની વિરાસતથી જ પ્રાપ્ત થાય એ માન્યતા કેટલી ખોટી હતી. બલ્કે તે એ હકીકતનો પુરાવો સાબિત થયાં કે કલાની સરવાણી પ્રતિબંધોના પથ્થરોને તોડીને વહેતી હોય છે! કારણ કે તેમના કુટુંબમાં કોઇને સંગીતની જાણકારી નહતી. એટલું જ નહીં, મોટાભાગના સૌ મ્યુઝિક વિરુદ્ધની વિચારસરણી ધરાવતા હતા.

નાનપણમાં તેમની સ્કૂલના પ્રિન્સીપલે આ છોકરીનો સરસ અવાજ સાંભળીને પ્રાર્થના ગવડાવવા પસંદ કરી, ત્યારે પણ ઘર પરિવારમાંથી વિરોધ થયો હતો. એટલે કિશોર વયે જ્યારે રેડિયો પર ગાવાની ઓફર આવી ત્યારે અત્યારના પાકિસ્તાનમાંના વિસ્તારના તેમના રૂઢિચુસ્ત કુટુંબ તરફથી એક શરત એ મૂકાઇ હતી કે શમશાદ બુરખો પહેરીને જ ગાશે! એ જ કારણસર, “રેશ્મી સલવાર કુર્તા જાલી કા, રૂપ સહા નહીં જાયે નખરેવાલી કા...” (નયાદૌર) હોય કે “મેરે પિયા ગયે રંગૂન, વહાં સે કિયા હૈ ટેલીફુન...” (પતંગા) જેવાં ઘણાં લોકપ્રિય ગાયનો આપ્યા છતાં, વરસો સુધી શમશાદ બેગમનો ફોટો પણ પ્રસિદ્ધ નહતો થયો. 

 પરંતુ, વરસો પછી દિલીપકુમાર અને નરગીસની ફિલ્મ ‘મેલા’માં “ધરતી કો આકાશ પુકારે, આજા આજા પ્રેમ દુવારે, આના હી હોગા...” જેવું પ્રેમગીત ગાનાર શમશાદ પર મૂકાતા નાનપણના એવા પ્રતિબંધવાળા વાતાવરણનો જ એ પ્રત્યાઘાત હશે કે પરિવારના વિરોધ વચ્ચે તેમણે એક વકીલ સાથે લગ્ન કરી લીધાં હતાં. નિયંત્રણ એવાં કે તેમને એક સાથે બાર ગાયન ગાવાનો કોન્ટ્રાક્ટ મળ્યો ત્યારે પણ જો તેમના ‘ચાચા’ એ મોટાભાઇને સમજાવવામાં રસ ના લીધો હોત તો તેમના પિતાજીએ તે માટે પણ પરવાનગી ના આપી હોત. શમશાદ બેગમે પછીનાં વરસોમાં આપેલા એક ટીવી ઇન્ટર્વ્યુમાં કહ્યું હતું અને જે આજે પણ ‘યુ ટ્યુબ’ પર જોઇ શકાય છે કે એ કરાર મુજબ તેમને દરેક ગીતના રૂપિયા બાર પ્રમાણે ‘ફી’ ચૂકવાઇ હતી! તે જમાનામાં એટલે કે આઝાદી પહેલાંના સમયમાં આ બહુ મોટી રકમ હતી અને તે પણ એક છોકરી માટે તો અત્યંત અધિક!

એ ૧૨ ગીત ગવડાવનાર ગુલામ હૈદર જેવા પારખુ સંગીતકાર ન હોત તો “કહીં પે નિગાહેં કહીં પે નિશાના...” (સી.આઇ.ડી.), “કભી આર કભી પાર લાગા તીરે નજર... (આરપાર) અને “મિલતે હી આંખેં દિલ હુઆ દીવાના કિસી કા...” (બાબુલ) જેવાં ફિલ્મી ગીતો ગાનાર ગાયિકા ભારત આવ્યાં જ ન હોત. ગુલામ હૈદર ભાગલા પછી લાહોરનું ફિલ્મ જગત છોડીને મુંબઇ આવ્યા, ત્યારે તેમના ગૃપનાં એક સભ્ય તરીકે શમશાદ આવ્યાં હતાં. તકદીરનો ખેલ કેવો કે ગુલામ હૈદર પાછા પાકિસ્તાન જતા રહ્યા, જયારે શમશાદ બેગમ અહીં જ સ્થાયી થઇ ગયાં. વળી એમ કરનારાં એ એકલાં ક્યાં હતાં? લાહોરમાં ‘ખઝાનચી’ અને ‘ખાનદાન’નાં ગીતોથી લોકપ્રિય થનાર શમશાદ બેગમની ફિલ્મી કરિયરમાં એક અગત્યની ફિલ્મ ‘યમલા જટ’થી પોતાની એક્ટિંગની કારકિર્દી શરૂ કરનાર પ્રાણ પણ ઇન્ડિયામાં જ સેટલ થયા હતા.



અહીં મુંબઇમાં તેમને નૌશાદ મળ્યા. તેમણે ફિલ્મી ગીતો ગાતાં શીખવ્યું એમ પેલા ઇન્ટર્વ્યુમાં શમશાદજીએ કહ્યું છે. નૌશાદના સંગીત નિર્દેશનમાં તેમણે કેવાં કેવાં લોકપ્રિય ગીતો ગાયાં હતાં? જેમકે ‘મધર ઇન્ડિયા’માં આ ચાર ચમકદાર મોતી  “ઓ ગાડીવાલે ગાડી ધીરે હાંક રે...” , “હોલી આઇ રે કન્હાઇ રંગ છલકે સુના દે જરા બાંસુરી...”, “પી કે ઘર આજ પ્યારી દુલ્હનિયા ચલી...” અને “દુખભરે દિન બીતે રે ભૈયા, અબ સુખ આયો રે...” તો ‘મેલા’માં ૯ ગીતોમાં તેમનો અવાજ હતો. નૌશાદની તો કઇ કઇ ફિલ્મોનાં ગીત ગણાવવાં? ‘બાબુલ’ (છોડ બાબુલ કા ઘર આજ પિકે નગર તોહે જાના પડા...”) ‘દીદાર’ (બચપન કે દિન ભૂલા ન દેના, આજ હંસે કલ રૂલા ન દેના...), ‘મુગલે આઝમ’ (તેરી મેહફિલ મેં કિસ્મત આજમા કર હમ ભી દેખેંગે...) ‘અનમોલ ઘડી’ (ઉડન ખટોલે પે ઉડ જાઉં, તેરે હાથ ન આઉં...), ‘બૈજુ બાવરા’ (દૂર કોઇ ગાયે, ધૂન યે સુનાયે, તેરે બિન છલિયા રે, બાજે ના મુરલિયા...) એમ એક લાંબી ફેહરિસ્ત થાય.

પણ શમશાદ બેગમ સાથે જોડાયેલા ‘ફર્સ્ટ’ની પણ વાત કરવી જરૂરી છે. જેમ પ્રાણની પ્રથમ ફિલ્મ ‘યમલા જટ’માં તેમનું ગીત હતું, એ જ રીતે નરગીસના પહેલા પિક્ચર ‘તકદીર’માં પણ તેમણે ગાયું હતું. એસ.ડી. બર્મનને જે પહેલું હિટ મળ્યું એ ‘શબનમ’માં પણ શમશાદ બેગમ એક ગાયિકા હતાં. એ જ રીતે વૈજયંતિમાલાના પ્રથમ હિન્દી ચિત્ર ‘બહાર’માં પણ તેમનું ગીત “સૈયાં દિલ મેં આના રે, આકે ફિર ન જાના રે...” હતું. તેમની કરિયર ઠેઠ સાયગલના ‘શાહજહાં’થી ચાલી આવતી હતી અને તેથી લતા મંગેશકર આવ્યાં, ત્યારે તેમને પણ શરૂઆતમાં શમશાદ બેગમ અને નૂરજહાંની માફક નૅસલ (નાસિકા પ્રધાન) સ્વરમાં ગાવું પડતું હતું. તેમણે શંકર જયકિશનના નિર્દેશનમાં ‘આવારા’નું પેલું ક્લબ સોંગ “એક દો તીન આજા મૌસમ હૈ રંગીન...” પણ ગાયું હતું. કિશોર કુમાર સાથેનું ‘નયા અંદાઝ’નું “મેરી નીંદો મેં તુમ, મેરે ખ્વાબોં મેં તુમ...” પણ એક સમયે લોકપ્રિય હતું.

એમ તો ‘ઉપકાર’માં “આઇ ઝૂમ કે બસંત...” એ ગીતમાં કોમેડિયન સુંદર સાથે ચરિત્ર અભિનેત્રી શમ્મીજી માટે થોડીક રમૂજી પંક્તિઓ ગાવા મળી હતી. પરંતુ, ક્યાં શરૂઆતના દૌરની મુખ્ય ગાયિકાની પ્રતિષ્ઠા અને ક્યાં આ કદી-મદી મળતું છુટું છવાયું કામ? તેમના પતિના ૧૯૫૫માં થયેલા અવસાન પછી અજ્ઞાતવાસમાં જતાં રહેલાં શમશાદ બેગમને થોડાંક વરસ પર એક અમંગળ અફવા આવ્યા પછી શોધવામાં આવ્યાં હતાં. તેમના જેવું જ નામ ધરાવતાં અને સાઇરાબાનુનાં દાદીમા શમશાદ બેગમ ગુજરી ગયાં, ત્યારે શ્રદ્ધાંજલિઓ પણ અપાવા માંડી હતી. તે વખતે ખુલાસો થયો અને શમશાદજી મિડીયાના કેટલાકને મળ્યા, ત્યારે મળેલી કેટલીક વિગતો જ તેમના વિશે ઉપલબ્ધ છે. ત્યારે એ સિનીયર ગાયિકાને શ્રદ્ધાંજલિ આપતાં એક સવાલ કરવાનું મન થાય છે. શું પદ્મભૂષણ જેવા એવોર્ડથી સન્માનિત એક કલાકારના (૯૪ વરસના પ્રલંબ) જીવન તથા તેમના કલાકાર્યને સંગ્રહિત કરતી ડોક્યુમેન્ટ્રી બનાવવાની અને તેને પ્રજાજોગ જાહેરમાં મૂકવાની સરકારની ફરજ નહીં?


Saturday, April 20, 2013

ફિલમની ચિલમ (મુંબઇ સમાચાર) ૨૧ એપ્રિલ, ૨૦૧૩









પ્રાણ: કમિટમૅન્ટ હૈ ઇમાન મેરા...!



આ સપ્તાહે સિનીયર અભિનેતા પ્રાણને ભારત સરકારે ‘દાદા સાહેબ ફાળકે એવોર્ડ’ જાહેર કર્યો અને સિનેમામાં તેમના વરસોના  યોગદાનને યોગ્ય સરકારી સન્માન મળશે. આફ્ટર ઑલ, ૧૯૪૦માં ‘યમલા જટ’માં શરૂઆત કરીને ૨૦૦૨માં સુનિલ શેટ્ટી અને રવિના ટંડનની ‘એક હિન્દુસ્તાની’ સુધીનાં ૬૨ વરસમાંનાં ઓછામાં ઓછાં પચાસ વર્ષ સુધી ‘એ’ ગ્રેડના કલાકાર રહી શકેલા કેટલા એક્ટર્સ હશે, આપણે ત્યાં? તેથી કેટલાકનો એ મત સાચો લાગે કે કેન્દ્ર સરકાર માટે આ પ્રાયશ્ચિત કરવાના દિવસો ચાલી રહ્યા છે. જેમને મૃત્યુદંડનો અમલ કરવાનું ટાળ્યા કરાતું હતું, તેમને ફાંસી અપાઇ છે અને પ્રાણ સાહેબ જેવા ધુરંધરને આ સર્વોચ્ચ પુરસ્કાર આપવાનું છેલ્લાં દસેક વરસથી ટલ્લે ચઢતું હતું; તેમને પણ તે આપી દેવાશે. (પ્રેસીડેન્ટ વીલ ‘ગીવ અવે’ ધી એવોર્ડ!) 

સરકારને કદાચ એક ફાઇલ નિકાલ થયાની ‘હાશ’ થઇ હશે. કેમ કે ‘દાદા સાહેબ ફાળકે એવોર્ડ’ની જાહેરાત થવાના દિવસોમાં ૨૦૦૩થી લગભગ દર વર્ષે પ્રાણનું નામ સૂચવાતું હતું અને દર સાલ તેમના ચાહકો નિરાશ થતા હતા. અહીં છેલ્લા દાયકામાં એ સન્માન મેળવનાર કોઇ તેને લાયક નહતા એ દલીલ નથી. પરંતુ, ગઠબંધનની રાજનીતિમાં સાથી પ્રાદેશિક પક્ષોનું દબાણ અને સૌથી વધુ તો ૧૯૭૫ની કટોકટી પછી કોંગ્રેસ વિરુદ્ધ પ્રાણે જયપ્રકાશ નારાયણ અને જનતા પક્ષને કરેલો ખુલ્લો ટેકો કદાચ તેમની સામે આવતાં હતાં. પરંતુ, પોતાને લાગે એ કહેવા અને કરવાની ફિતરતનું જ તો નામ પ્રાણ છે! 

તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન એવા કેટલાય પ્રસંગો આવ્યા છે, જેમાં તેમણે જે સ્ટેન્ડ લીધું તેમાં એ ટટ્ટાર ખડા રહ્યા. તેથી આજે પેલી જાણીતી હકીકતોની વિગતોમાં નથી ઉતરવું કે તેમણે એક ખલનાયક તરીકે વરસો સુધી દિલીપ કુમાર, રાજ કપૂર, દેવ આનંદની ત્રિપુટી તથા રાજેન્દ્ર કુમાર, શમ્મીકપૂર, જોય મુકરજી, ધર્મેન્દ્ર એમ સરસ હાઇટ બૉડીવાળા હીરો લોગની સામે આંખમાં આંખ મિલાવીને કેવી મજબુત એક્ટિંગ કરી હતી? કે સતત વિલનગીરી કરી હોવા છતાં અંગત જીવનમાં તે ‘ખલનાયક’ હોવાની મજાક સુદ્ધાં કોઇ ના કરી શકે એવા જેન્ટલમેનનું વર્તન તેમનું રહેતું. (તેમની ભલમનસાઇની અને શિસ્તબદ્ધતાના  એટલા તો દાખલા છે કે આખી લેખમાળા કરી શકાય! તેમની ડિસીપ્લીન એવી કે લગભગ દરેક પિક્ચરમાં પોતાનો અલગ ગેટઅપ કરે જેને માટે વીગ તથા દાઢી વગેરે ચોંટાડવાનાં હોય અને છતાં સવારે ૭ વાગ્યાની શિફ્ટ માટે પણ એ સાતના ટકોરે પોતાના મેક અપ સાથે સેટ પર હાજર હોય!)
 





એ વાતની પણ નોંધ લેવાવી જોઇએ કે અગાઉ પડદા પર ખાસ કોઇ ગાયનો નહીં ગાનાર પ્રાણે તેમની ચરિત્ર અભિનેતાની કરિયરમાં ‘ઉપકાર’ના “કસ્મે વાદે પ્યાર વફા સબ બાતેં હૈં બાતોં કા ક્યા...” અને ‘જંજીર’ના “યારી હૈ ઇમાન મેરા યાર મેરી જિંદગી...” જેવાં કેટલાંય ગીતો સંપૂર્ણ નિષ્ઠાથી ગાઇ બતાવ્યાં છે. પરંતુ, આજે આપણે વાત તેમની નિજી જિંદગીની અને તે પણ અછડતી જ કરવી છે. પ્રાણની ઇમેજ ‘ઉપકાર’ના અપંગ ‘મલંગ ચાચા’ના રોલ પછી એકદમ પૉઝિટિવ થઇ હતી. તેમાં “કસ્મે વાદે પ્યાર વફા...” જેવા સરસ શબ્દોવાળું ગાયન અને ચોટદાર સંવાદો (“રામને હર યુગ મેં જન્મ લિયા... પર લક્ષ્મણ ફિર પૈદા નહીં હુઆ!”) તેમને મનોજ કુમારે આપ્યા હતા. 


મનોજ કુમારે જ કહેલો એક કિસ્સો  છે. ‘ઉપકાર’ના ફાઇટ સીનનું ત્રણ દિવસનું શુટિંગ હતું. ત્રીજા દિવસે દરેક શોટ પછી પ્રાણ એક બાજુ જઇ સુનમુન બેસી જતા. રોજીંદી ખુશમિજાજ પર્સનાલીટિ ગાયબ હતી. મનોજે ચાલુ શુટિંગે તેમને ડિસ્ટર્બ ના કર્યા. લાગ્યું કે એક પગ બાંધીને મારામારી કરવાનું સળંગ ત્રણ દિવસથી ચાલતું હોઇ કદાચ પગથી હેરાન થતા હશે. પરંતુ, શુટિંગ પત્યા પછી તેમને મળ્યા અને ખભે હાથ મૂક્યો તો પ્રાણ સાહેબ ધ્રુજતા હતા. મનોજ કુમારે પૂછ્યું બધું બરાબર છેને? ત્યારે સજળ નેત્રે પ્રાણ બોલ્યા “કાલે રાત્રે કલકત્તાથી સંદેશો આવ્યો હતો કે મારી બેન ગૂજરી ગઇ છે!” એક દિવસ માટે શુટિંગનું આખું શિડ્યુઅલ ફરી ગોઠવવાની તકલીફ નિર્માતાને ના પડે એ વિચારીને અંગત શોકને વિસારે પાડનારા કેટલા એક્ટર્સ ફિલ્મ ઉદ્યોગમાં હશે?  મનોજ કુમારને પ્લેનમાં મુસાફરી કરવાનો ડર લાગતો હોવાથી ‘ઉપકાર’ને ટેક્સ ફ્રી કરાવવા મુંબઇથી દિલ્હી અને કલકત્તા કે ગુવાહાટી સુધી પ્રાણે દોડાદોડી કરી હતી. છતાં એ જ મનોજ કુમારને તેમણે પોતાના કમિટમેન્ટને કારણે ‘શોર’ ફિલ્મ માટે ઇનકાર કરી દીધો હતો.



મનોજ ‘શોર’ની દરખાસ્ત લાવ્યા તે પહેલાં પ્રાણ સાહેબે પ્રકાશ મેહરાની ‘જંજીર’ સ્વીકારી લીધી હતી. ‘જંજીર’માં એમનું પાત્ર ‘શેરખાન પઠાણ’નું હતું. હવે ‘શોર’માં પણ ‘પઠાણ’ની જ ભૂમિકા મનોજ કુમાર તેમને આપવા માગતા હતા. પ્રાણે એવું સ્ટેન્ડ લીધું કે ‘જંજીર’માં તેમના રોલની જે નોવેલ્ટી છે, તે સાચવવા એ ફરી ‘પઠાણ’ બનવાનું પસંદ નહીં કરે. મનોજ કુમાર ઇચ્છે તો એ પાત્રને અન્ય રૂપ આપે અને એ ભૂમિકા કરવા તૈયાર હતા. છેવટે ‘શોર’માં એ રોલ માટે મનોજ કુમારે પ્રેમનાથને લીધા. પરંતુ, પોતે જેમની સાથે કમિટમેન્ટ કર્યું હતું, એ પ્રમાણમાં નવા એવા ‘જંજીર’ના નિર્માતા પ્રકાશ મેહરાને સાચવવા તેમણે મનોજ કુમારને નારાજ કર્યા. આ સિદ્ધાંતનિષ્ઠા સ્વાર્થ માટે રોજ દોસ્તો બદલતા ફિલ્મ ઉદ્યોગમાં કેટલા રાખી શકતા હશે?



એ જ ‘જંજીર’ના ગાયન “યારી હૈ ઇમાન મેરા...”નું પિક્ચરાઇઝેશન ક્યારે થયું હતું જાણો છો? પહેલા જ દિવસે! મહુરતના દિવસે પ્રકાશ મેહરાએ પઠાણ ‘શેરખાન’ના નવતર ગેટઅપમાં પ્રાણને હાઇલાઇટ કરીને પબ્લીસીટી કરવાની હતી. કેમ કે અમિતાભની છાપ હજી એક ફ્લૉપ હીરો તરીકેની હતી. હકીકતમાં તો એ એક્ટરને ‘જંજીર’માં લાવવામાં પણ એક રીતે પ્રાણ જવાબદાર હતા. અમિતાભ બચ્ચનને તેમની પ્રથમ હિટ ફિલ્મ ‘જંજીર’માં લાવવાનો દાવો ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક કરતાં વધુ લોકો કરી ચૂક્યા છે. પરંતુ, પ્રાણની મદદનું મૂલ્યાંકન એટલું થયું લાગતું નથી. પ્રાણે શું કર્યું હતું?





પ્રકાશજી તેમના લેખકો સલીમ-જાવેદને લઇને ઉપડ્યા મરાઠા મંદિર ‘બોમ્બે ટુ ગોવા’ જોવા. તેમાં શત્રુઘ્નસિન્હા સાથેની ફાઇટમાં અમિતાભ બચ્ચનને જોઇને પ્રકાશ મેહરાએ બૂમ પાડી, “મિલ ગયા”! અને તે ઘડીથી શરૂ થયેલી બચ્ચન ગાથા આજે પણ લખાતી જ જાય છે. અમારે મન તો પ્રાણ દાદાને તેમની સંખ્યાબંધ ફિલ્મોમાંનાં વિવિધ પાત્રોના ધરખમ અભિનયની સાથે સાથે અમારા પ્રિય અમિતાભ બચ્ચનને ‘જંજીર’ અપાવવામાં મૂળ કારણ બનવાના યોગદાન બદલ પણ ‘દાદા સાહેબ ફાળકે એવોર્ડ’ વરસો પહેલાં અપાવો જોઇતો હતો! ખેર... દેર આયે દુરસ્ત આયે!!


તિખારો!


૧૯૭૭ની ચૂંટણી વખતે પ્રાણ જનતા પક્ષના ટેકામાં ખુલ્લેઆમ બહાર આવ્યા હતા. જ્યારે અમિતાભ બચ્ચન (ગાંધી પરિવાર સાથેની તે વખતની તેમની નિકટતાને લીધે) કોંગ્રેસ સાથે હતા. ત્યારે જયપ્રકાશ નારાયણ અને બાજપાઇ, મોરારજીભાઇ વગેરે સાથે ફિલ્મ ઉદ્યોગમાંથી કોણ જોડાશે? એવા સવાલનો જવાબ ત્યારના એક કાર્ટૂનમાં આવો હતો... પ્રાણ જાયે પર બચ્ચન ન જાયે!!  


हाथ कंगन को आरसी क्या?  Some scenes from Pran saab's  films.... enjoy his immortal style and range of this great artiste!!