Saturday, April 27, 2013

ફિલમની ચિલમ - મુંબઇ સમાચાર- ૨૮ એપ્રિલ, ૨૦૧૩




શમશાદ બેગમ.... દૂર કોઇ ગાયે, ધૂન યે સુનાયે!

ભીંત ફાડીને પીપળો ઉગ્યો’તો રે!

શમશાદ બેગમનું નિધન ૨૩મી એપ્રિલે થયું અને એક આખી પેઢીને “લેકે પહલા પહલા પ્યાર ભર કે આંખોં મેં ખુમાર, જાદુ નગરી સે આયા હૈ કોઇ જાદુગર...” (સી.આઇ.ડી.)થી માંડીને “કજરા મોહબ્બતવાલા, અખિયોં મેં ઐસા ડાલા, કજરે ને લે લી મેરી જાન...” (કિસ્મત) સુધીનાં કેટલાંક યાદગાર ગાયનો આપનાર ગાયિકાનું દૈહિક અસ્તિત્વ મટી ગયું! શમશાદજી એ વાતની સાબિતી હતાં કે સંગીત ખાનદાની વિરાસતથી જ પ્રાપ્ત થાય એ માન્યતા કેટલી ખોટી હતી. બલ્કે તે એ હકીકતનો પુરાવો સાબિત થયાં કે કલાની સરવાણી પ્રતિબંધોના પથ્થરોને તોડીને વહેતી હોય છે! કારણ કે તેમના કુટુંબમાં કોઇને સંગીતની જાણકારી નહતી. એટલું જ નહીં, મોટાભાગના સૌ મ્યુઝિક વિરુદ્ધની વિચારસરણી ધરાવતા હતા.

નાનપણમાં તેમની સ્કૂલના પ્રિન્સીપલે આ છોકરીનો સરસ અવાજ સાંભળીને પ્રાર્થના ગવડાવવા પસંદ કરી, ત્યારે પણ ઘર પરિવારમાંથી વિરોધ થયો હતો. એટલે કિશોર વયે જ્યારે રેડિયો પર ગાવાની ઓફર આવી ત્યારે અત્યારના પાકિસ્તાનમાંના વિસ્તારના તેમના રૂઢિચુસ્ત કુટુંબ તરફથી એક શરત એ મૂકાઇ હતી કે શમશાદ બુરખો પહેરીને જ ગાશે! એ જ કારણસર, “રેશ્મી સલવાર કુર્તા જાલી કા, રૂપ સહા નહીં જાયે નખરેવાલી કા...” (નયાદૌર) હોય કે “મેરે પિયા ગયે રંગૂન, વહાં સે કિયા હૈ ટેલીફુન...” (પતંગા) જેવાં ઘણાં લોકપ્રિય ગાયનો આપ્યા છતાં, વરસો સુધી શમશાદ બેગમનો ફોટો પણ પ્રસિદ્ધ નહતો થયો. 

 પરંતુ, વરસો પછી દિલીપકુમાર અને નરગીસની ફિલ્મ ‘મેલા’માં “ધરતી કો આકાશ પુકારે, આજા આજા પ્રેમ દુવારે, આના હી હોગા...” જેવું પ્રેમગીત ગાનાર શમશાદ પર મૂકાતા નાનપણના એવા પ્રતિબંધવાળા વાતાવરણનો જ એ પ્રત્યાઘાત હશે કે પરિવારના વિરોધ વચ્ચે તેમણે એક વકીલ સાથે લગ્ન કરી લીધાં હતાં. નિયંત્રણ એવાં કે તેમને એક સાથે બાર ગાયન ગાવાનો કોન્ટ્રાક્ટ મળ્યો ત્યારે પણ જો તેમના ‘ચાચા’ એ મોટાભાઇને સમજાવવામાં રસ ના લીધો હોત તો તેમના પિતાજીએ તે માટે પણ પરવાનગી ના આપી હોત. શમશાદ બેગમે પછીનાં વરસોમાં આપેલા એક ટીવી ઇન્ટર્વ્યુમાં કહ્યું હતું અને જે આજે પણ ‘યુ ટ્યુબ’ પર જોઇ શકાય છે કે એ કરાર મુજબ તેમને દરેક ગીતના રૂપિયા બાર પ્રમાણે ‘ફી’ ચૂકવાઇ હતી! તે જમાનામાં એટલે કે આઝાદી પહેલાંના સમયમાં આ બહુ મોટી રકમ હતી અને તે પણ એક છોકરી માટે તો અત્યંત અધિક!

એ ૧૨ ગીત ગવડાવનાર ગુલામ હૈદર જેવા પારખુ સંગીતકાર ન હોત તો “કહીં પે નિગાહેં કહીં પે નિશાના...” (સી.આઇ.ડી.), “કભી આર કભી પાર લાગા તીરે નજર... (આરપાર) અને “મિલતે હી આંખેં દિલ હુઆ દીવાના કિસી કા...” (બાબુલ) જેવાં ફિલ્મી ગીતો ગાનાર ગાયિકા ભારત આવ્યાં જ ન હોત. ગુલામ હૈદર ભાગલા પછી લાહોરનું ફિલ્મ જગત છોડીને મુંબઇ આવ્યા, ત્યારે તેમના ગૃપનાં એક સભ્ય તરીકે શમશાદ આવ્યાં હતાં. તકદીરનો ખેલ કેવો કે ગુલામ હૈદર પાછા પાકિસ્તાન જતા રહ્યા, જયારે શમશાદ બેગમ અહીં જ સ્થાયી થઇ ગયાં. વળી એમ કરનારાં એ એકલાં ક્યાં હતાં? લાહોરમાં ‘ખઝાનચી’ અને ‘ખાનદાન’નાં ગીતોથી લોકપ્રિય થનાર શમશાદ બેગમની ફિલ્મી કરિયરમાં એક અગત્યની ફિલ્મ ‘યમલા જટ’થી પોતાની એક્ટિંગની કારકિર્દી શરૂ કરનાર પ્રાણ પણ ઇન્ડિયામાં જ સેટલ થયા હતા.



અહીં મુંબઇમાં તેમને નૌશાદ મળ્યા. તેમણે ફિલ્મી ગીતો ગાતાં શીખવ્યું એમ પેલા ઇન્ટર્વ્યુમાં શમશાદજીએ કહ્યું છે. નૌશાદના સંગીત નિર્દેશનમાં તેમણે કેવાં કેવાં લોકપ્રિય ગીતો ગાયાં હતાં? જેમકે ‘મધર ઇન્ડિયા’માં આ ચાર ચમકદાર મોતી  “ઓ ગાડીવાલે ગાડી ધીરે હાંક રે...” , “હોલી આઇ રે કન્હાઇ રંગ છલકે સુના દે જરા બાંસુરી...”, “પી કે ઘર આજ પ્યારી દુલ્હનિયા ચલી...” અને “દુખભરે દિન બીતે રે ભૈયા, અબ સુખ આયો રે...” તો ‘મેલા’માં ૯ ગીતોમાં તેમનો અવાજ હતો. નૌશાદની તો કઇ કઇ ફિલ્મોનાં ગીત ગણાવવાં? ‘બાબુલ’ (છોડ બાબુલ કા ઘર આજ પિકે નગર તોહે જાના પડા...”) ‘દીદાર’ (બચપન કે દિન ભૂલા ન દેના, આજ હંસે કલ રૂલા ન દેના...), ‘મુગલે આઝમ’ (તેરી મેહફિલ મેં કિસ્મત આજમા કર હમ ભી દેખેંગે...) ‘અનમોલ ઘડી’ (ઉડન ખટોલે પે ઉડ જાઉં, તેરે હાથ ન આઉં...), ‘બૈજુ બાવરા’ (દૂર કોઇ ગાયે, ધૂન યે સુનાયે, તેરે બિન છલિયા રે, બાજે ના મુરલિયા...) એમ એક લાંબી ફેહરિસ્ત થાય.

પણ શમશાદ બેગમ સાથે જોડાયેલા ‘ફર્સ્ટ’ની પણ વાત કરવી જરૂરી છે. જેમ પ્રાણની પ્રથમ ફિલ્મ ‘યમલા જટ’માં તેમનું ગીત હતું, એ જ રીતે નરગીસના પહેલા પિક્ચર ‘તકદીર’માં પણ તેમણે ગાયું હતું. એસ.ડી. બર્મનને જે પહેલું હિટ મળ્યું એ ‘શબનમ’માં પણ શમશાદ બેગમ એક ગાયિકા હતાં. એ જ રીતે વૈજયંતિમાલાના પ્રથમ હિન્દી ચિત્ર ‘બહાર’માં પણ તેમનું ગીત “સૈયાં દિલ મેં આના રે, આકે ફિર ન જાના રે...” હતું. તેમની કરિયર ઠેઠ સાયગલના ‘શાહજહાં’થી ચાલી આવતી હતી અને તેથી લતા મંગેશકર આવ્યાં, ત્યારે તેમને પણ શરૂઆતમાં શમશાદ બેગમ અને નૂરજહાંની માફક નૅસલ (નાસિકા પ્રધાન) સ્વરમાં ગાવું પડતું હતું. તેમણે શંકર જયકિશનના નિર્દેશનમાં ‘આવારા’નું પેલું ક્લબ સોંગ “એક દો તીન આજા મૌસમ હૈ રંગીન...” પણ ગાયું હતું. કિશોર કુમાર સાથેનું ‘નયા અંદાઝ’નું “મેરી નીંદો મેં તુમ, મેરે ખ્વાબોં મેં તુમ...” પણ એક સમયે લોકપ્રિય હતું.

એમ તો ‘ઉપકાર’માં “આઇ ઝૂમ કે બસંત...” એ ગીતમાં કોમેડિયન સુંદર સાથે ચરિત્ર અભિનેત્રી શમ્મીજી માટે થોડીક રમૂજી પંક્તિઓ ગાવા મળી હતી. પરંતુ, ક્યાં શરૂઆતના દૌરની મુખ્ય ગાયિકાની પ્રતિષ્ઠા અને ક્યાં આ કદી-મદી મળતું છુટું છવાયું કામ? તેમના પતિના ૧૯૫૫માં થયેલા અવસાન પછી અજ્ઞાતવાસમાં જતાં રહેલાં શમશાદ બેગમને થોડાંક વરસ પર એક અમંગળ અફવા આવ્યા પછી શોધવામાં આવ્યાં હતાં. તેમના જેવું જ નામ ધરાવતાં અને સાઇરાબાનુનાં દાદીમા શમશાદ બેગમ ગુજરી ગયાં, ત્યારે શ્રદ્ધાંજલિઓ પણ અપાવા માંડી હતી. તે વખતે ખુલાસો થયો અને શમશાદજી મિડીયાના કેટલાકને મળ્યા, ત્યારે મળેલી કેટલીક વિગતો જ તેમના વિશે ઉપલબ્ધ છે. ત્યારે એ સિનીયર ગાયિકાને શ્રદ્ધાંજલિ આપતાં એક સવાલ કરવાનું મન થાય છે. શું પદ્મભૂષણ જેવા એવોર્ડથી સન્માનિત એક કલાકારના (૯૪ વરસના પ્રલંબ) જીવન તથા તેમના કલાકાર્યને સંગ્રહિત કરતી ડોક્યુમેન્ટ્રી બનાવવાની અને તેને પ્રજાજોગ જાહેરમાં મૂકવાની સરકારની ફરજ નહીં?


1 comment:

  1. I have a gut feeling that Shamshad Begum was one of the first Singers of First Talkie - Alam Ara - Kindly confirm - also the song Husn chala is from Bluffmaster and Not Boyfriend as i had written earlier - kindly forgive this faux passe.

    ReplyDelete