Saturday, April 13, 2013

ફિલમની ચિલમ (મુંબઇ સમાચાર) ૧૪ એપ્રિલ, ૨૦૧૩


દરેક  ફિલ્મની પાછળ  બગડો લાગવાનો તગડો ભય!

લાગે છે કે હિન્દી ફિલ્મ ઉદ્યોગ ’૮૦ના દાયકાના પ્રેમમાં નવેસરથી પડ્યો છે. કારણ કે ૧૯૮૩ના ‘હિમ્મતવાલા’ની રિમેઇકની પાછળ જ ’૮૧ની ‘ચશ્મેબદદુર’ની અદ્યતન આવૃત્તિ આ સપ્તાહે આવી પહોંચી છે અને સાથે એક નવા ટ્રેન્ડની શક્યતા લાવી છે! ‘હિમ્મતવાલા’ના બિઝનેસના આંકડા જોતાં તો લાગે છે કે ૫૦ કરોડની લાગતવાળી એ ફિલ્મને અત્યારે કોઇ મોટી ફિલ્મ સામે નડવાની નહોઇ તેના ઉપર લાગેલા રૂપિયા તો લગભગ એ કાઢી શકશે. પણ ‘ચશ્મેબદદુર’ના કિસ્સામાં તો આશ્ચર્યજનક વાત એ બની છે કે દીપ્તિ નવલ અને ફારૂક શેખને ચમકાવતી સાંઇ પરાંજપેની અસલ ૧૯૮૧ની ફિલ્મ પણ મોટાપાયે ફરીથી રિલીઝ કરાઇ છે! તેને કારણે સરખામણીનો અને ધંધામાં કાપ પડવાનો પણ ભય ઉભો થયો છે. એટલું જ નહીં, રિમેઇકની સાથે જ મૂળ ફિલમ રજૂ થવાની નવી પ્રથા આરંભ થઇ શકે છે.



એટલે સૌની નજર બોક્સ ઓફિસ પર આ વખતે રહેવાની અને  ફારૂક શેખ અને દીપ્તિ નવલની ‘ચશ્મેબદદુર’ ડેવીડ ધવનના દિગ્દર્શનમાં બનેલી નવી ફિલ્મની સરખામણીએ સન્માનજનક બિઝનેસ કરશે તો પણ કમાણીનો એક નવતર રસ્તો ખુલશે.  કારણ કે જેમની પાસે રિમેઇકની મૂળ ફિલ્મના રાઇટ હોય એમણે તો નેગેટીવ ઉપરથી અત્યારે મલ્ટિપ્લેક્સમાં બતાવવા જેવી ટેકનિકલી સારી કોપી રિસ્ટોર કરાવવાનો જ ખર્ચો કરવાનો ને? એ સિવાયનો તો વકરો એટલો નફો જ હોવાનો! મોટી બચત પબ્લીસિટીના ખર્ચાની થાય. જેમ કે ‘ચશ્મેબદદુર’નો પ્રચાર તો ડેવીડ ધવનની ટીમે કર્યો જ છે.
 
ડેવીડ ધવન અને તેમના કલાકારોએ તો ઉલ્ટાનું જૂના કલાકારોની સરખામણીએ વધારે ટેલેન્ટેડ સાબિત થવાનું રહે.....અને તે પણ પૈસા ખર્ચીને! જૂની ‘ચશ્મેબદદુર’ની ટીમનાં સાંઇ પરાંજપેને સ્ટોરીની ક્રેડીટ નવામાં મળી છે, ખરી. પરંતુ, ડેવીડ ધવન મહદ અંશે સ્થૂળ કોમેડીના માસ્ટર ગણાય છે અને તેમનો વિશેષ આધાર ગોવિંદા જેવા માહિર કલાકારોની કોમિક ટાઇમીંગ તથા હિટ મ્યુઝિક પર હોય છે. તેથી જૂની ફિલ્મના રાઇટ જેમની પાસે છે એ જયશ્રી મખીજા (એટલે કે નિર્માતા સ્વ. ગુલ આનંદનાં બેન)ને મલ્ટિપ્લેક્સની એક ચેઇન સાથે જોડાણ જ કરવાનું હતું. જૂની ‘ચશ્મેબદદુર’નાં નામ શરૂઆતમાં ‘ધુંઆ ધુંઆ’ અને ‘દીવા સ્વપ્ન’ જેવાં વિચારાયાં હતાં! ફિલ્મમાં દીપ્તિ નવલની ભૂમિકાવાળા પાત્રનું નામ ‘નેહા’ હોવા છતાં ફારૂક શેખ જે નિર્દોષતાથી એક વાર  ‘મિસ ચમકો’ કહી દે છે, તેને લીધે દીપ્તિનું આંખોથી વધારે વ્યકત થતું સ્મિત એ ટાઇટલ ‘મિસ ચમકો’ને વધારે યોગ્ય ઠેરવે છે.



‘ચશ્મેબદદુર’માં યેસુદાસનાં બેઉ ગાયન અર્થાત “કહાં સે આયે બદરા...” અને “કાલી ઘોડી દ્વાર ખડી....” ક્લાસિકલ ગાયકીની તાલીમ દરમિયાન ગવાય છે. તેથી તેમાં યેસુદાસના મધ મીઠા અવાજ ઉપરાંત હૈમંતિ શુકલાનો પણ સ્વર છે, જે અદ્દલ દીપ્તિ ગાતાં હોય એવો લાગે! દીપ્તિએ ફિલ્મમાં ગાયનોની પેરોડીના મઝેદાર સીન દરમિયાન ‘કુરબાની’ના ડીસ્કો ગીત “આપ જૈસા કોઇ મેરી જિંદગી મેં આયે તો બાત બન જાયે...” માટે ઝિન્નત અમાનની માફક અંગ-ઉપાંગ દેખાય એવો સેક્સી ડ્રેસ પહેરતાં ભારે મુંઝવણ અનુભવી હતી. ફિલ્મમાં સઇદ જાફરી ઉપરાંતના રાકેશ બેદી, રવિ બાસવાની અને સંગીત શિક્ષક તરીકે આવતા વિનોદ નાગપાલ (એટલે કે ‘હમલોગ’ સિરીયલના ‘બસેસરરામ’) વગેરે દિલ્હીના રંગમંચના કલાકારોની મઝા અલગ જ હતી. આ બધું અમુક વયથી મોટા પ્રેક્ષકોને જ અપીલ કરશે કે પછી અત્યારની જનરેશનને પણ ગમશે તેના પરિણામ પર ’શૌકીન’ જેવી અન્ય રિમેઇકની મૂળ ફિલ્મોનો આધાર હશે. 


’શૌકીન’ પણ ‘ચશ્મેબદદુર’ની માફક એક સરસ રમૂજી ફિલ્મ છે. તેમાં અશોકકુમાર, ઉત્પલ દત્ત અને એ. કે. હંગલ જેવા સિનીયર કલાકારો યુવાન રતિ અગ્નિહોત્રી પાછળ ઘેલા થતા બતાવાયા હતા અને તેથી તે સમયે, ૧૯૮૧માં, તે એડલ્ટ કોમેડી કહેવાયેલી. તેની નવી આવૃત્તિમાં રીશી કપૂર, પરેશ રાવલ અને અનુ કપૂર હશે. એ ત્રણેમાં કોણ કઇ ભૂમિકા કરશે એ જ્યારે બહાર આવશે ત્યારે ખરું. પરંતુ, ત્રણેયની અભિનય પ્રતિભા અને ‘શૌકીન’ની મજેદાર સ્ક્રિપ્ટ જોતાં ગોવાને બદલે પરદેશની કોઇ જગ્યાએ ત્રણેય સિનીયર જાય એવા ફેરફાર સાથે સરસ પિક્ચર બની શકે. પણ એ જ સમયે જૂનું ‘શૌકીન’ રજુ થાય તો? એટલે એ દિવસો દૂર નથી જ્યારે રિમેઇકના રાઇટ લેતી વખતે ઓરિજિનલ ફિલ્મ તેની સાથે રજૂ ના થઇ શકે એવી કલમ પણ કરારમાં લખાશે!

રિમેઇક જેવી જ એક બીજી ફોર્મ્યુલા ફિલ્મ ઉદ્યોગને સિક્વલ અર્થાત આનુસાંગિક પિક્ચર બનાવવાની જડી છે. તેમાં પોતાની અગાઉની સફળ કૃતિને જ આગળ વધારવાની હોય છે. ‘ધૂમ’ પછી ‘ધૂમ-ટુ’ આવ્યું અને હવે ‘ધૂમ-થ્રી’ આવે છે. અત્યારે ‘આશિકી-ટુ’ની જાહેરાત આવી છે. તો ‘યમલા પગલા દીવાના-ટુ’ બનીને રિલીઝ થવા પર છે અને ટિકિટબારી ઉપર તેની શું દશા થાય છે, એ ખબર પડે તે પહેલાં તેનો ‘ભાગ ત્રીજો’ બનાવવાની ધમકી પણ આવી રહી છે! તેથી દરેક હિટ કે ઇવન સેમી હિટ ફિલ્મની પાછળ આજે બગડો કે ત્રગડો લાગવાનો તગડો ભય ઉભો છે. બીક એક જ છે.... ‘હિમ્મતવાલા-ટુ’ તો નહીં આવેને?!


તિખારો!
આવનારી એક ફિલ્મમાં સલમાનખાન કરતાં ૬ વર્ષ નાની તબુ તેની મોટીબેન બને છે; એ વાતથી નવાઇ પામતા લોકોને આપણે બોમન ઇરાનીની સ્ટાઇલમાં કહેવું પડે કે ‘યે તો કુછ ભી નહીં’! ‘શક્તિ’માં અમિતાભની માતાની ભૂમિકા કરનાર અભિનેત્રી રાખી ઉંમરમાં બચ્ચન સાહેબ કરતાં પાંચ વરસ નાનાં હતાં! (એને કહેવાય ‘બીગ બી’.... એટલે કે ‘બીગ બેબી’!!)





 

1 comment: