Sunday, April 27, 2014

ફિલમની ચિલમ... ૨૭ એપ્રિલ ૨૦૧૪



રાની મુકરજીના રિસૅપ્શનમાં  
અભિષેક અને કાજોલને નિમંત્રણ હશે કે?


છેવટે રાની મુકરજીનું નામ લગ્ન નોંધણીના ચોપડે ચઢી ગયું. રાની અને આદિત્ય ચોપડા વિશે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જાણતી હતી. છતાં ‘આદિ’એ અંત સુધી મુકરજીનું નામ (ચોપ્રા) ના પાડ્યું તે ના જ પાડ્યું. આદિત્યએ તો ‘અમે સારા મિત્રો છીએ’ એવું, અફવાના ધુમાડાને હવા મળે એવું, એકાદ વાક્ય પણ કદી ના કહ્યું! હા, રાની બિચારી નામ પાડ્યા વગર પણ ‘આઇ એમ ઇન લવ વીથ સમવન’ એમ બાંધે ભારે કહેતી રહેતી હતી. તેથી ક્યારેક યશ ચોપ્રાની પૂણ્યતિથિની આસપાસની તારીખ ચર્ચામાં આવતી તો કદીક ‘વેલેન્ટાઇન ડે’નું શુભ મહુરત મીડિયા કાઢતું, ત્યારે રાની એમ પણ કહેતી કે “જ્યારે પણ લગ્ન કરીશ ત્યારે ધામધૂમથી, બેન્ડ બાજા સાથે, કરીશ.”  

તેથી આ વરસની શરૂઆતમાં જ્યારે જોધપુરનો ઉમેદ પેલેસ તેમના મેરેજ માટે સજાવી રહ્યાની ખબરો આવી ત્યારે કોઇને નવાઇ નહતી લાગી. ખેર, હવે લગ્ન પત્યાં તો નવા સવાલ ઉભા થવાના. સૌથી પ્રથમ તો એ કે જો બન્ને પરિવારોની સંમતિથી આ પ્રસંગ ઉકેલાયો હોય તો શા માટે ઠેઠ ઇટાલી જઇને લગ્ન કરવાં પડ્યાં હશે? (સોશ્યલ મીડિયામાં આવેલી ઢગલાબંધ કૉમેન્ટ પૈકીની એક આવી પણ હતી કે “કોઇ ઇટાલીમાં જન્મીને ભારતમાં ‘રાણી’ બને અને કોઇ ભારતમાં જન્મીને પોતાના પ્રિયતમની રાણી બનવા ઇટાલી જાય!”)    શું ‘આદિ’ના પાયલ ખન્ના સાથેના પ્રથમ લગ્નનો અંત કરોડોના સૅટલમૅન્ટ પછી થયા છતાં કોઇ કાનૂની ગૂંચ રહી હોવાથી વિદેશ જવાની જરૂર પડી હશે? શું રાની હવે ‘મુકરજી’ કહેવાશે કે ‘ચોપ્રા’? કે પછી ‘રાની મુકરજી ચોપ્રા’ જેવો સમાસ બનશે?

આ લગ્ન ‘તત્કાલ’ કૅટેગરીમાં બુક થવાનું એક કારણ રાનીના પિતા રામ મુકરજીની કથળેલી તબિયત અને પોતાની આંખ સામે દીકરીના હાથ પીળા થવાની તેમની ઇચ્છા હતી; એવી પણ એક વાજબી થિયરી છે. જો એમ હોય તો બીમાર બાબુલને ઇન્ડિયામાં રહેવા દઇને દીકરીને મેરેજ કરવા ઇટલી શું કામ જવું પડ્યું હશે? શું હવે બેન્ડ-બાજા-બારાતની ધામધૂમ વગેરે ઇન્ડિયામાં રિસેપ્શનમાં થશે? કે પછી પબ્લિસિટિથી સદાય દૂર રહેતા આદિત્ય તેના આયોજન પર પણ વીટો વાપરશે? જો સત્કાર સમારંભ યોજાય તો તેમાં અભિષેક અને ઐશ્વર્યાને નિમંત્રણ હશે કે? રાનીની કઝિન કાજોલને આમંત્રણ અપાશે કે? બચ્ચન પરિવારે ૨૦૦૭ના એપ્રિલમાં યોજેલા ‘અભિ’ના મેરેજમાં રાનીને ક્યાં બોલાવી હતી? તે વખતે તો ‘યુવા’ અને ‘બન્ટી ઔર બબલી’ના શૂટિંગ દરમિયાન અભિષેક અને રાની વચ્ચે આવેલી અત્યંત નિકટતાને પગલે બન્નેનાં સંભવિત લગ્નની વાતો ચાલી હતી. 

 
તે વખતના ગોસીપ રેકોર્ડ કહે છે કે જયા બચ્ચને વીટો વાપરીને એ પ્રપોઝલ ઉડાડી દીધી હતી અને તેથી જ જે લગ્નમાં લગભગ અડધી ઇન્ડસ્ટ્રીને આમંત્રણ હતું તે મહાપ્રસંગમાં રાનીને જ બાકાત રખાઇ હતી! તો કાજોલના પતિ અજય દેવગને ‘સન ઑફ સરદાર’ અને ‘જબ તક હૈ જાન’ વખતે યશરાજ સામે કરેલો કેસ હજી તાજો જ છે. તેથી બેઉની કંપનીઓ વચ્ચેની કડવાશના છાંટા પારિવારિક સંબંધો પર ઓલરેડી પડેલા જ છે. તેમાં કરણ જોહર જેવા કોઇ ‘કુછ કુછ’ મધ્યસ્થી કરીને આ સંભવિત ‘દાવત -એ - ઇશ્ક’ના નિમંત્રણનો કશોક રસ્તો કાઢશે? ‘દાવત -એ - ઇશ્ક’ એ યશરાજની નવી ફિલ્મ છે, જેમાં પરિણિતિ ચોપ્રા અને આદિત્ય રૉય કપૂરની જોડી છે અને નવા રિલીઝ પ્લાન મુજબ એ સપ્ટેમ્બરની પાંચમી તારીખે રજૂ કરાશે. તો રિલીઝના મોરચે એક મોટા સમાચાર સલમાનખાનની નવી ફિલ્મના પણ છે.

સલમાને આવી રહેલી ઇદ પર પોતાની ‘કીક’ લગાવવાની તૈયારી કરી છે. તેની છેલ્લે રજૂ થયેલી ‘જય હો’એ જે રીતે માંડ પોતાની ડીપોઝીટ બચાવી હતી; એ જોતાં ‘કીક’ના ઑડિયન્સને ઇદ પછી પણ થિયેટરમાં લાવી શકાય તો સેંકડો કરોડોના બિઝનેસનો ગોલ સિદ્ધ થાય. બાકી એક સાથે બે હજાર સ્ક્રિન પર રજૂ થતી ફિલ્મો માટે ૫૦ કરોડ સામાન્ય વાત છે. કેમ કે હજી હમણાં રિલીઝ થયેલી વરૂણ ધવન જેવા પ્રમાણમાં નવા હીરોની ‘મૈં તેરા હીરો’ અડધી સદી કરી રહી છે. તો બૉક્સ ઑફિસના સલમાન કે શાહરૂખ જેવા ખરેખરા ‘હીરો’ પાસે તો કેવી મોટી અપેક્ષાઓ હોય છે. શાહરૂખે પણ અત્યારે પોતાની નવી ફિલ્મ ‘હેપી ન્યૂ યર’ને ‘ચેન્નાઇ એક્સપ્રેસ’ જેવી ફાસ્ટ દોડવા લાયક બની છે એ વાતનું સર્ટિફિકેટ આપવાની રીતે (અને બાય ધી વે માર્કેટને પણ ભરોસો બંધાય તે પ્રકારે?) ફિલ્મની નિર્દેશિકા ફરાહખાનને તાજેતરમાં મોંઘીદાટ મર્સિડીઝ કાર ભેટ આપી છે!

પરંતુ, ફિલ્મોના માર્કેટમાં મે મહિનાના બીજા સપ્તાહ સુધી સૌ આંગળીઓ ભીડાવીને બેઠા છે. કેમ કે અત્યારે ઇલેક્શનનો હજારો કરોડનો રિયાલિટી શો ચાલી રહ્યો છે. સિલ્વર સ્ક્રિનના ઘણાય નાયક અને નાયિકાઓ દેશના નાયક બનવા ગલીએ ગલીએ ઘૂમી રહ્યા છે. ‘ડ્રીમગર્લ’ હોય કે ‘તુલસી’ સૌ ૪૦ ડીગ્રી પ્લસમાં રસ્તા પર ધૂળ ખાતાં રઝળપાટ કરી રહ્યાં છે. મુંબઈની ચૂંટણીમાં સ્ટાર્સની સામેલગીરી અગાઉના પ્રમાણમાં ઘણી ઓછી કહેવાય. એક સમયે આચાર્ય કૃપાલાણી અને ક્રિશ્ન મેનનનો જંગ થયો, ત્યારે દિલીપકુમાર અને રાજકપૂરથી લઈને સૌ સ્ટાર્સે મેનન માટે વોટ માગવા સડકો પર સરઘસ કાઢ્યાં હતાં અને તેમને જીતાડ્યા હતા. ૧૯૭૭ની ચૂંટણી વખતે પણ દેવ આનંદ અને પ્રાણ જેવા સ્ટાર્સે જનતા પાર્ટીને ખુલ્લે આમ ટેકો આપીને શ્રીમતી ગાંધીને (એટલે કે ઇન્દીરા ગાંધીને!) ઐતિહાસિક હાર અપાવી હતી. આ વખતે શું લાગે છે? ૧૬મી મેના રોજ આવનારું પરિણામ ઐતિહાસિક હશે કે ભૌગોલિક?

   
તિખારો!

એક જ ગાયનની શરૂઆતમાં આવતી આ પંક્તિઓ જીવનના વિવિધ તબક્કાઓને વર્ણવવા આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ લોકપ્રિય થઇ છે... ૧થી ૧૫ વરસ:  ''નૈનો મેં સપના...'', ૧૫ થી ૨૫ વરસ: ''સપનો મેં સજના...'', ૨૫થી ૩૫ વરસ: ''સજના પે દિલ આ ગયા..'' અને ૩૫ થી ૭૫ વરસ: ''ક્યું સજના પે દિલ આ ગયા?!''
 

No comments:

Post a Comment