Sunday, June 29, 2014

ફિલમની ચિલમ.... ૨૯ જૂન ૨૦૧૪





કપૂર પરિવારના ‘અરમાન’નો 

‘કરિશ્મા’ દેખાશે કે પછી ‘ઉદય’ થશે?



‘હમશકલ્સ’ને ફિલ્મ સમીક્ષકો દ્વારા માઇનસ સ્ટારનું રેટિંગ મળ્યા પછી સૌથી વધુ ખુદ સાજિદખાન ખુશ થયા હશે. “સાજિદખાનની ‘હમશકલ્સ’ સામે ‘રામ ગોપાલ વર્મા કી આગ’ ક્લાસિક લાગે છે!” એવો ખરાબ રિવ્યુ જોઇને પણ એ દિગ્દર્શકને બોક્સઓફિસનું ક્લેક્શન વધવાની જ આશા થઈ હશે. પોતાના પિક્ચરને સારા રિવ્યુ કે પછી એકાદ-બેથી વધારે સ્ટાર્સ મળે, ત્યારે એક જમાનાના સ્ટાર જિતેન્દ્ર તો માથું કૂટતા. ‘ખુશ્બુ’ કે ‘કિનારા’ જેવી એકાદ ફિલ્મની ટિકિટબારી પરની નિષ્ફળતા પછી તેમણે કહ્યું હતું કે જેવા સારા રિવ્યુ આવ્યા કે અમને ફાળ પડી હતી કે આમાં માર ખાઇશું! જે ફિલ્મ સમીક્ષકોને પસંદ પડે સામાન્ય પ્રેક્ષકને ન ગમે, એવો નિયમ જો કે હવે મલ્ટિપ્લેક્સના સમયમાં કામ નથી કરતો. હવે સારા પિક્ચરને પણ તેની ગુણવત્તા જેવી ડિસન્ટ સફળતા મળી રહે છે.

પરંતુ, પબ્લિસિટીના મારા સાથે એક સામટી હજારો સ્ક્રિન પર આવતી મોટા સ્ટાર્સની ફિલ્મો હજી પણ ત્રીસ-ચાલીસ કરોડ શરૂઆતના દિવસોમાં ઢસડી લાવતી હોય છે. એ રીતે ‘હમશકલ્સ’ને પણ પહેલા ત્રણ દિવસમાં  દેશ અને વિદેશની ટિકિટબારી પર ૫૦ કરોડ મળતાં આવતા અઠવાડિયે તેની સક્સેસ પાર્ટીના ફોટાની અપેક્ષા રાખી શકાય. જો કે પંચોતેર કરોડની લાગતની કહેવાતી આ ફિલ્મ લાંબા ગાળે સરભર ઉપર કેવો બિઝનેસ આપે છે, તેના ઉપર સાચી સફળતા કહેવાશે. તેની અગાઉ આવેલી ‘હોલીડે....’ની પકડ ઢીલી પડતી લાગતાં જ હવે અક્ષય અને સોનાક્ષીનું એક ‘પલંગ તોડ’ ગાયન ઉમેરવામાં આવ્યું છે. (‘પલંગ તોડ હૈં, પલંગ તોડ હૈં રાતેં’ એ ધ્રુવ પંક્તિ છે તે ગાયનની!)

આ રીતે શૂટ કરેલું ગાયન પછી ઉમેરવાથી હજી થોડોક વધુ સમય ટકી શકાય, તો પણ બે-ત્રણ વીક જ ઢગલો મલ્ટિપ્લેક્સમાં રહી શકતી આ ફિલ્મો માટે ‘બકરે કી અમ્મા કિતને દિન ખૈર મનાયેગી?’ વાળો ઘાટ હોય છે. કેમ કે દર અઠવાડિયે ફિલ્મોની ફેક્ટરીમાંથી માલ ઠલવાયા જ કરતો હોય છે. હવે ચોથી જુલાઇએ આવતા એક પિક્ચર ‘લેકર હમ દીવાના દિલ’થી વળી એક સ્ટાર પરિવારના ફરજંદનાં પગલાં સ્ક્રિન પર પડશે. તેનો હીરો અરમાન જૈન દાયકાઓથી ફિલ્મી દુનિયાના ‘ફર્સ્ટ ફેમીલી’ કહેવાતા કપૂર ખાનદાન સાથે સંબંધિત છે. એ રાજકપૂરની દીકરી રીમાનો દીકરો છે. એટલે ‘રિશ્તે મેં તો હમ રણબીર કપૂર, કરિશ્મા ઔર કરિના કપૂર કી ફોઇ કે છોકરે હૈં’ એવું તે કહી શકે! 



અરમાનના પ્રમોશન દરમિયાન સમગ્ર કપૂર પરિવાર ‘સાકટમ’ તેને ટેકો આપવા હાજર રહે છે. (આ ‘સાકટમ’ને તળપદી ભાષામાં ‘હાકેટમ’ પણ કહેવાય છે, તે એક જમાનામાં કેટલીકજ્ઞાતિઓના જમણવારમાં ‘સહકુટુંબ’ નોંતરા માટે વપરાતો હતો.) અરમાન જૈનના એક કાર્યક્રમમાં રણધીર, રીશી, રણબીર, કરિશ્મા, કરિના તો ઠીક ખુદ ક્રિશ્નાજી પણ દીકરીના દીકરાને આશીર્વાદ આપવા ઉપસ્થિત હતાં. પરંતુ, લાખ રૂપિયાનો, બલ્કે આજના હિસાબે તો કરોડ રૂપિયાનો સવાલ એ રહેશે કે અરમાન પણ કરિશ્મા અથવા રણબીરની માફક જવાં દિલોં કી ધડકન બનશે કે પછી તેના રાજીવ મામાની માફક કે તાજા દાખલા અનુસાર ઉદય ચોપ્રાની જેમ ગણત્રીનાં પિક્ચરો કરીને ધંધે-ધાપે લાગી જશે? ઉદય ચોપ્રાએ હમણાં જ જાહેર કર્યું છે કે એક્ટિંગ તેમના દાવનો ખેલ નથી. તેથી પોતે અમેરિકાના લૉસ એન્જલસમાં રહીને ‘યશરાજ’નો ઓવરસીઝ બિઝનેસ સંભાળશે.

એ જાહેરાત શું યશ ચોપ્રા પરિવારમાં વહેંચાયેલા વેપારના ભાગ હશે? કે પછી ‘રાની ભાભી’ની એન્ટ્રીનું પરિણામ હશે? એવી કોઇ બિનપાયાદાર તુક્કાબાજીમાં ના પડીએ તો પણ કોઇ એક્ટરને મોડે મોડે પણ પોતાની શક્તિઓ વિશે ( કે તેની ઓછી હાજરી અંગે!) આત્મજ્ઞાન થાય એ શું ઓછું છે?  જો કે તેણે અભિનયમાં પોતાનો સાંઠો તો પાછો ખોસી જ રાખ્યો છે. (એટલે કે જગ્યા બોટી રાખી છે.) ઉદય કહે છે કે જ્યારે પણ ‘ધૂમ-૪’ બનશે ત્યારે તેમાં કામ કરવા પોતે ખાસ સમય કાઢશે.  છેલ્લે ‘ધૂમ-૩’માં તેને આમિર અને અભિષેક બચ્ચન સાથે કામ કરવા મળ્યું હતું. તે પછી આમિરની કોઇ ફિલ્મ આવી નથી અને છતાંય પોતાના ટીવી શો ‘સત્યમેવ જયતે’ને કારણે તે પ્રજામાનસમાં છવાયેલો રહ્યો હતો. વળી એ જ કાર્યક્રમના મુદ્દાઓ અંગે ગયા સપ્તાહે તે વડાપ્રધાનશ્રીને મળ્યો, ત્યારે અનેક તર્ક-વિતર્ક વહેતા થયા હતા.

તે પૈકીનું એક ગણિત એવું હતું કે ‘ફના’ની ગુજરાતનાં થિયેટરોમાં રજૂઆત નહતી થઈ શકી તે વખતે થયેલા વિવાદ પછી આમિરનો અભિગમ જોતાં આવું કોઇક સુલેહભર્યું પગલું ભરવામાં નુકશાન નહતું. વળી પોતાનો શો ‘વોટ ફોર ચેન્જ’ એ પણ કેન્દ્રમાં આવેલા બદલાવ માટે જવાબદાર હોવાનો જશ લઈ શકાતો હોય તો શા માટે નહીં? એ મુલાકાત પછી સત્તાવાર ભલે એમ કહેવાયું હોય કે તે  ટીવી કાર્યક્રમમાં ઉઠાવાયેલા મુદ્દાઓ વિશે વાતચીત થઈ હતી. પરંતુ, કેટલાકને એ વિઝીટ સરકારની ‘ગુડ બુક’માં રહેવાનો પ્રયાસ લાગી હોય તો નવાઇ ખરી? જે નર્મદા યોજનાના ડૅમની ઊંચાઇ વધારવા વિરુધ્ધના ઉપવાસ પર તે મેધા પાટકર સાથે બેઠો હતો, તેની હાઇટ વધારવાની પરવાનગી મળી તે પછી આમિર પ્રધાનમંત્રીને મળવા જાય અને ચર્ચામાં તે મુદ્દો જ ના હોય એ વખતે કઈ કહેવત યાદ આવે? “વાર્યા ના માન્યા હોય એ હાર્યા માને”!

આમિરના શો ‘સત્યમેવ જયતે’ની બીજી જ સિઝન થઈ છે, જ્યારે અમિતાભ બચ્ચનના શો ‘કૌન બનેગા કરોડપતિ’ની આઠમી સિઝન શરૂ થઈ રહી છે. ગયા સપ્તાહે ખુદ બચ્ચને જ્યારે સોશ્યલ મીડિયામાં જાહેર કર્યું કે ઑગસ્ટ મહિનાથી સોની ટીવી પર ‘કેબીસી’ ફરી એકવાર આવે છે, ત્યારે ઘણાને થયું કે ગયા વખતે પાંચ કરોડનો જેકપોટ હતો, તો આ વખતે એ ‘પંચકોટિ’ શું ‘સપ્તકોટિ’ કે ‘અષ્ટકોટિ’ કરાશે? સર્વોચ્ચ ઇનામની રકમ સાત કે આઠ કરોડ રૂપિયા થશે કે નહીં  એ તો શો આવશે ત્યારે ખબર પડશે, પણ એંકરને તો દર એપિસોડે અમુક કોટિની ધનવર્ષા થયા જ કરવાની. ‘કેબીસી’ના સેટ પર બચ્ચનદાદાને ૭૧ વરસની ઉંમરે પણ જે રીતે તરોતાજા જોઇએ છીએ ત્યારે થાય કે એક જમાનામાં તેમના સંઘર્ષથી યુવાનોને પ્રેરણા આપનાર અમિતાભ બચ્ચન આજે પોતાની વ્યસ્તતા અને સ્ફુર્તિથી સેવન્ટિ પ્લસના સિનિયર સિટીઝન્સને પણ કેવો સરસ દાખલો પૂરો પાડે છે. (જો કે ઑન સેકન્ડ થૉટ્સ..... અમુક કરોડ મળે તો ૭૦ વર્ષે પણ સ્ફુર્તિ શું કામ ન રહે? પૂછો કોઇપણ રાજકારણીને!)

તિખારો!

‘હમશકલ્સ’ માટે સોશ્યલ મીડિયા પર થયેલી કૉમેન્ટ્સની જોક્સ પિક્ચરમાંની રમૂજો કરતાં ઘણી સરસ હતી. તેમાંની આ એક ટ્વીટ જુઓ:
‘‘પ્રિય સાજિદ, જ્યારે અમે એમ કહ્યું કે ‘હિમ્મતવાલા’થી ખરાબ કોઇ ફિલ્મ બની જ ના શકે, ત્યારે તમને કોઇ ચેલેન્જ નહતી આપી!!”


No comments:

Post a Comment