Sunday, November 2, 2014

ફિલમની ચિલમ...... નવેંબર ૨, ૨૦૧૪




હૅપ્પી ન્યૂ યરનું નવતર 
અને આવકારદાયક હૅપ્પી એંડિંગ!
 




‘નૂતન વર્ષાભિનંદન’ નહીં પણ ‘હૅપ્પી ન્યૂ યર’ એમ વિક્રમ સંવતના પ્રથમ આલેખમાં કહેવું પડે એવું ઓપનિંગ શાહરૂખની નવી ફિલ્મને મળ્યું અને પહેલા ત્રણ જ દિવસમાં ૧૦૦ કરોડને પાર કરનારું પ્રથમ પિક્ચર બન્યાની ખુશાલી તો જગજાહેર છે. પરંતુ, પહેલા દિવસના લગભગ ૪૫ કરોડ સામે સોમવારે એ કલેક્શન માત્ર ૧૫ કરોડ થતાં ધાર્યો બિઝનેસ નહીં થાય કે શું? એ ચિંતાના રિપોર્ટ કદાચ પેલી ખુશાલીના શોરબકોરમાં સંભળાતા લાગતા નથી. ‘હૅપ્પી ન્યૂ યર’ જેવી શાહરૂખની ફિલ્મથી ડરીને બીજા સપ્તાહે પણ બીજી કોઇ મોટી પ્રોડક્ટ માર્કેટમાં નથી. બાકી જો કોઇએ હિંમત કરી હોત તો, ઘણાના મતે, ‘હૅપ્પી ન્યૂ યર’ને બીજા સપ્તાહે તકલીફ પડી શકત. જો કે જે પ્રકારની ઝાકમઝોળ ગાયનોના પિક્ચરાઇઝેશનમાં ફરાહખાને ઉભી કરી છે, તે માટે અને સંવાદોમાં જાણીતા ડાયલોગ્સની પેરોડીને લીધે અને વિશેષ તો છેલ્લે ‘શરાબી સોંગ’ સાથે આવતા ટાઇટલ્સને લીધે ‘હૅપ્પી ન્યૂ યર’ એક ટાઇમપાસ મુવી છે. 

‘હૅપ્પી ન્યૂ યર’ના સંવાદોમાં ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘દેવદાસ’, ‘ડોન’, ‘ઓમ શાંતિ ઓમ’ જેવાં હીટ ચલચિત્રોના સંવાદોનો ઉપયોગ કરીને અને ‘સિંઘમ’ના ફેમસ ડાયલોગ “આત્તા માઝી સટકલી” પૈકીના ‘સટકલી’ને ગાયનમાં વાપરીને ફરાહખાને ગમ્મત જરૂર કરાવી છે. પરંતુ, એવી મજાકમાં સરોજખાન જેવાં સિનિયર કોરિયોગ્રાફરની પેરોડી કરાવવાનું કારણ સમજાય એવું નથી. સરોજજીએ બાકાયદા માફીની માગણી કરી છે અને તેથી ‘ઓમ શાંતિ ઓમ’ વખતે મનોજકુમારે પોતાના અપમાન બદલ કરેલી કાર્યવાહીની યાદ તાજી થાય છે. સરોજખાનના ગેટઅપમાં ‘કોમેડી નાઇટ્સ વીથ કપિલ’માં ‘પલક’ બનતા કીકુ શારદાએ એ જ ફિલ્મના પ્રમોશન માટે ખેલ ફરીથી એ કોમેડી શોમાં પણ કરતાં વાત વધુ વણસી છે. પરંતુ, દિગ્દર્શક ફરાહખાનના એ બધા ગુના ફિલ્મના અંતે આવતા નંબરિયાને લીધે માફ કરી શકાય એવું તેમનું પગલું છે. પિક્ચરમાં કામ કરતા સ્ટાર્સને સતત જોવા ટેવાયેલી જનતાને નવાઇ લાગે એવું તત્વ એ છે કે પ્રથમવાર પડદા પાછળના સૌ જોવા મળે છે.

તેને લીધે ફિલ્મ પૂરી થતાં થિયેટરમાંથી જતા રહેવા અને ટાઇટલ નહીં વાંચવા ટેવાયેલા લોકોને બેસીને તે જોવા-વાંચવામાં રસ પડે છે, જે સૌથી મોટો પ્લસ પોઇન્ટ છે. ફરાહખાને મનમોહન દેસાઇની સ્ટાઇલમાં લોજીક વગરની પણ મઝા પડે એવી ફિલ્મ બનાવવામાં લગભગ દરેક કલાકારને પ્રમાણસરનું ફુટેજ આપ્યું છે અને તેથી ૧૭૯ મિનિટની ફિલ્મ અત્યારના સમયમાં લાંબી લાગી શકે અને છેલ્લે પડતા નંબરીયા વાંચવા કોઇ ઉભા ના રહે. પરંતુ, ‘હૅપ્પી ન્યૂ યર’નું સૌથી મોટું આકર્ષણ જ ‘હૅપ્પી એન્ડિંગ’ છે. કેમ કે કોઇપણ ફિલ્મનું સર્જન એ પડદા ઉપર દેખાતા સ્ટાર્સ અને સુપર સ્ટાર્સની પાછળ રહેતા મેકઅપ કરનાર અને હેર સ્ટાઇલિસ્ટ જેવા સંખ્યાબંધ ‘અનસંગ હીરોઝ’નું ટીમવર્ક  હોય છે. ફરાહખાને માત્ર જાણીતા ડીપાર્ટમેન્ટ જ નહીં પણ માંડીને ડ્રાયવરો સહિતના એકે એક જણ પડદા ઉપર દેખાડ્યા છે અને તે પણ, દીપિકાની ભાષામાં કહીએ તો, ‘ડૅન્સ’ કરતા કરતા!

એટલું જ નહીં, શાહરૂખની પત્ની ગૌરી બતૌર નિર્માતા દેખાય અને તેમનું સૌથી નાનું સંતાન અબરામ પણ સ્ક્રિન પર ઇન્ટ્રોડ્યુસ કરાય એવા ‘હૅપ્પી એન્ડિંગ’ને લીધે પિક્ચર છૂટતાં પ્રેક્ષકો મરક મરક હસતા બહાર નીકળે છે. (સૌ સારું જેનો અંત સારો?) પરંતુ, હવે એ નંબરીયા વખતે વાગતા ‘શરાબી’ ગીતને કારણે જ શાહરૂખ અને તેની કંપનીને કાનૂની નોટીસનો સામનો કરવાનો થયો છે! એ ગાયન મૂળે તો ‘આરડીબી’ નામના એક પંજાબી ગ્રુપનું બહુ લોકપ્રિય ગીત છે. તેમાં સૂર્જ અને મંજ નામના બે ભાઇઓ પણ હતા. આ ગીત સૂર્જે બીજા એક આર્ટિસ્ટ સાથે ગાયું હતું. પણ પિક્ચરની વિગતો પડદા ઉપર આવે છે, ત્યારે મ્યુઝિકની ક્રેડિટ સંગીતકાર વિશાલ-શેખરને અપાઇ છે. તે ધૂનના સર્જક સૂર્જને નથી અપાઇ. એક વાત એવી પણ બજારમાં છે કે ગ્રુપનું વિસર્જન થયા પછી બે ભાઇઓ અલગ થયા અને તે પૈકીના મંજે આ ગીત વિશાલ-શેખરને વેચ્યું છે. હવે કોપી રાઇટના પ્રશ્ને સૂર્જ તરફથી મળેલી લીગલ નોટીસનો નિકાલ શાહરૂખ અને તેની કંપની ‘રેડ ચિલીઝ’ને કરવાનો રહેશે. તે નોટીસની એક માંગણી છે કે કાં તો યોગ્ય ક્રેડિટ અપાય અથવા તો ગાયન પિક્ચરમાંથી કાઢી નંખાય. તેથી આજે બીજી નવેંબરે પોતાની“બર્થ્ડે’ અને ‘હૅપ્પી ન્યૂ યર’ની રેકોર્ડ બ્રેકીંગ શરૂઆતની બેવડી ઉજવણી કરવા પાર્ટી આપતા શાહરૂખ માટે ‘હૅપ્પી એન્ડિંગ’નો એ સૌથી આકર્ષક ભાગ જ જોખમમાં આવ્યો છે. (દિવાળીની પાર્ટી અમિતાભ બચ્ચન અને આમિરખાન આપે તો ‘કીંગ ખાન’નું ટાઇટલ ધરાવનાર સ્ટાર પોતાના જીવનના ૫૦મા વર્ષના મંગળ પ્રવેશ સમયે શા માટે પાછળ રહે?)

ત્યારે ‘હૅપ્પી એન્ડિંગ’ નામની સૈફ અલી ખાનની ફિલ્મ ૨૧મી નવેંબરે રિલીઝ થવાની હોઇ તેનું પણ પ્રમોશન હવે શરૂ થશે. ક્યારેક તો એમ પણ થાય છે કે પિક્ચરનું પ્રમોશન કરવા જેટલો સમય સ્ટાર્સ પાસે લેવામાં આવે છે એ ટાઇમ અને પૈસા સ્ક્રિનપ્લે કે સરસ વાર્તા પાછળ કેમ નહીં ખર્ચી શકાતા હોય? સૈફની છેલ્લે આવેલી ‘હમશકલ’ પછીની આ ફિલમ હોઇ સૌની નજર તેના ઉપર વિશેષ રહેશે. સૈફને ‘હમશકલ’ પછી કદાચ સારી કથા-પટકથાની જરૂરિયાત સમજાઇ લાગે છે અને તેથી જ તેની મમ્મીની સુપર હીટ ફિલ્મ ‘આરાધના’ની રિમેક બનાવવાની તૈયારી કરી રહ્યો છે. તે ‘આરાધના’નું મુખ્ય પાત્ર નેચરલી પોતાની બેગમ કરિના પાસે કરાવશે. પણ સવાલ છે રાજેશખન્નાની ભૂમિકાનો.



મૂળ ફિલ્મમાં ખન્નાએ ડબલ રોલ કર્યો હતો. પણ સૈફની ઉંમર (૪૫મું વરસ ચાલે છે!) જોતાં અહીં સવાલ એ છે કે સૈફને બેઉ રોલ કરવા દેવા કે પછી તેને શરૂઆતનો સમય એટલે કે ‘મેરે સપનોં કી રાની કબ આયેગી તુ...’ અને ‘ગુનગુના રહે હૈં ભંવરે’થી માંડીને ‘રૂપ તેરા મસ્તાના...’ સુધીની જ ભૂમિકા આપવી અને દીકરાના રોલમાં સિધ્ધાર્થ મલ્હોત્રા જેવા કોઇ યંગ સ્ટારને લેવો? કરિના માટે માતૃત્વ પહેલાં જ પડદા ઉપર રીતસર માતા બનવાનો એ મોકો હશે અને પછી જોરદાર ભૂમિકા પછી અસલી જીવનમાં માતા બને અને ઐશ્વર્યાની માફક ‘કમબેક’ કરે એવા સંજોગો છે. ત્યારે ખુદ ઐશ્વર્યાની કમબેક ફિલ્મ ‘જઝબા’માં હવે શબાના આઝમી પણ સાઇન થયાં છે. એટલે ઇરફાન ખાન અને શબાના સાથે ઐશ્વર્યા એમ થોડા થોડા દિવસે સ્ટાર કાસ્ટ વિશે ધડાકા કરતા દિગ્દર્શક સંજય ગુપ્તાને બહુ પબ્લિસિટી નહીં કરવા ઐશ્વર્યાએ ટકોર કર્યાની ખબર આવી છે. એશ્વર્યા પોતાની ફિલ્મને એક સરપ્રાઇઝ તરીકે રજૂ કરાવવા માંગે છે. પરંતુ, અત્યારના હાઇ પબ્લિસિટીના સમયમાં એ શક્ય છે ખરું? 

   

તિખારો!

‘હૅપ્પી ન્યૂ યર’માં અભિષેક બચ્ચનની ભૂમિકા અને શરૂઆતની એક્ટીંગ જોતાં લાગે કે ઉદય ચોપ્રાની કરિયરને જોખમ ઉભું થઈ શકે છે!


No comments:

Post a Comment