Sunday, November 16, 2014

ફિલમની ચિલમ..... નવેંબર ૧૬, ૨૦૧૪





અભિષેકના દૂધપાકમાં ‘વાહિયાત’ લીંબુ નિચોવાયું? 


અભિષેક બચ્ચનનાં મમ્મી જયા બચ્ચને તે પિક્ચર જોયા પછી જ્યારે એમ કહ્યું કે “તાજેતરના દિવસોમાં મેં જોયેલી ફિલ્મોમાં ‘હૅપ્પી ન્યૂ યર’ સૌથી વાહિયાત છે!”, ત્યારે ફિલ્મ ઉદ્યોગમાં અને ખાસ કરીને શાહરૂખ ખાન તથા બચ્ચનોના સંબંધમાં ધરતીકંપ આવવો સ્વાભાવિક હતો. તેનું મુખ્ય કારણ એ કે શાહરૂખ એ પિક્ચરનો હીરો હોવા ઉપરાંત પ્રોડ્યુસર પણ છે. તેથી તેનું પ્રમોશન થાય એવી કોમેન્ટ્સની અપેક્ષા ફિલ્મમાં ડબલ રોલ ધરાવતા એક મુખ્ય કલાકાર અભિષેકનાં કુટુંબીજનો પાસે અપેક્ષિત હોય. એ ટીપ્પણીની આંતરિક સંબંધો પર થનારી અસરોની ગંભીરતા સમજતા અમિતાભ બચ્ચને પોતાનાં પત્નીએ જે દિવસે ટીકા કરી તે જ દિવસે શાહરૂખને ટૅક્સ્ટ મૅસેજ કરીને માફી માગી હતી. પરંતુ, સામો શાહરૂખનો રિસ્પોન્સ એવો ન આવ્યો. (‘બુંદ સે બિગડી હોજ સે નહીં સુધરતી’ એ કહેવતને આ સંદર્ભમાં નવા સ્વરૂપે કહીએ તો ‘ટીવી કેમેરા કે સામને કી ગઈ કોમેન્ટ્સ એક એસએમએસ સે નહીં સુધરતી’!) 



એટલે બચ્ચન પરિવારમાં ડેમેજ કન્ટ્રોલના વધુ અંગત ઉપાય વિચારાયા અને તે રાત્રે જ અભિષેક અને ઐશ્વર્યા સજોડે મન્નત બંગલે પહોંચી ગયાં. રૂબરૂમાં અભિએ દેખીતી રીતે જ સ્પષ્ટતા કરી હશે કે હશે કે ‘મા’નો કહેવાનો મતલબ એ નહતો જેવો મીડિયામાં ચગાવાય છે વગેરે. પરંતુ, શાહરૂખને ગળે એ કશું ઉતર્યું હશે કે કેમ એ પ્રશ્ન જ છે. 

શાહરૂખ અને ફરાહખાન તથા દીપિકા વગેરેને સવાલ એ થાય કે ‘હૅપ્પી ન્યૂ યર’ના વર્ણન માટે જયાજીએ વાપરેલા શબ્દસમૂહ ‘મોસ્ટ નૉનસૅન્સીકલ ફિલ્મ’નો મતલબ શું થાય? હિન્દી શબ્દકોષમાં ‘નૉનસૅન્સીકલ’ના આપેલા અર્થ આટલા છે.... ઊટપટાંગ, નિસ્સાર, અતર્કસંગત, બેતુકા, નિરર્થક અને મૂર્ખતાપૂર્ણ! શાહરૂખે કદાચ એમ પૂછ્યું હશે કે આ પૈકીનો કયો મતલબ આપણી ફિલ્મને લાગુ પાડવાનો મમ્મીનો મતલબ છે? પરિણામ? ‘હૅપ્પી ન્યૂ યર’નો ઇન્ડિયાનો બિઝનેસ ૨૦૦ કરોડે પહોંચ્યાની કે ઓવર ઑલ ૩૦૦ કરોડ થયાનો કોઇ વિશિષ્ટ કોમર્શિયલ લાભ અભિષેક બચ્ચન કેવી રીતે લઈ શકે, એવી હવા હરીફો બજારમાં ફેલાવી શકે એ શક્યતા પણ ઉભી થઈ છે. (સરસ થતા દૂધપાકમાં લીંબુ નિચોવાતું હોય એવો આ ઘાટ છે!)


તેથી આ આખા મામલામાં જયાજી સિવાયના બચ્ચન પરિવારની ચિંતાનો વિષય એ હશે કે ‘અભિ’ની કરિયરમાં પોતાના એકલા બળે કોઇ પિક્ચરનો આવો ધંધો થયો નથી. ‘ધૂમ’ હોય કે ‘હૅપ્પી ન્યૂ યર’ એકાદા સફળ કલાકાર સાથે સેકન્ડ લીડમાં આવીને જ એ હજી માર્કેટમાં તરતો રહી શક્યો છે એ કડવી વાસ્તવિકતા છે. વળી, અત્યારનો સમય બદલાયેલો છે અને હવે ‘ગુડ્ડી’, ‘કોરા કાગઝ’ કે ‘અભિમાન’ અને ‘પિયા કા ઘર’ જેવાં જયાજીના સમયમાં બનતાં પિક્ચરોની જગ્યાએ બહુધા ફિલ્મો મનમોહન દેસાઇની તરાહ પર બને છે અને તેમાં રોકાણ ૫૦ કે ૧૦૦ કરોડ સુધીનું હોય છે. ત્યારે જેમનાં નામ ૧૦૦ કરોડની ક્લબમાં હોય એવા એક્ટરોની ફિલ્મને બોક્સ ઓફિસ પર મળનારા ધરખમ ઓપનિંગને કારણે એવા સ્ટાર્સની ગુડ બુકમાં રહેવામાં ડહાપણ છે; એ વાસ્તવિકતા ખુદ સિનિયર બચ્ચન પણ સમજતા હોય. તેથી તત્કાલ ડેમેજ કન્ટ્રોલનાં બધાં જ પગલાં લેવાયાં. તેની અસર પણ દેખાઇ. ફરાહખાને મેદાનમાં આવીને કહ્યું કે જયાજીએ તેમને (ફરાહને) સ્પષ્ટતા કરી છે કે પોતે એમ કહ્યું હતું કે તેમણે ‘હેપ્પી ન્યૂ યર’ને ‘અમર અકબર એન્થની’ની જેમ એક નોનસેન્સિકલ ફિલ્મ તરીકે એન્જોય કરી હતી. શાહરૂખના મનમાં પડેલી તિરાડ આ બધા ખુલાસાઓ પછી કેટલી સંધાઇ હશે એ તેના ભાવિ પ્રોજેક્ટ્સની સ્ટારકાસ્ટ પરથી સમજાશે. અભી તો અભિ સે જ્યાદા ઐશ્વર્યા કા ચર્ચા હૈ!

ઐશ્વર્યાના પુનરાગમનની પ્રથમ ફિલ્મ ‘જઝ્બા’નું શૂટિંગ ડિસેમ્બરમાં જહોન અબ્રાહમ, ઇરફાન ખાન અને શબાના આઝમી સાથે શરૂ થવાના અહેવાલોથી માર્કેટમાં આવેલી ગરમી પછી આ સપ્તાહે કરણ જોહરની એક પ્રપોઝલ પણ ચર્ચાવી શરૂ થઈ છે. કરણનો પ્લાન ઐશ્વર્યા અને આમિરખાનને લઈને પિક્ચર બનાવવાનો છે. જો એ દરખાસ્ત હકીકતમાં બદલાય તો ઍશના ખાતામાં ૧૦૦-૨૦૦ કે તેથી વધુ કરોડની ફિલ્મની ગેરંટીની આશા રાખી શકાય. કેમ કે આમિર ફિલ્મમાં માત્ર અભિનય કરીને હાથ ખંખેરી નથી નાખતો. તે તેના પ્રચારના આયોજન અને પ્રમોશન માટે અવનવા નુસ્ખાઓ અપનાવતો હોવાનું અનુભવાયેલું છે. તેની ફિલ્મ ‘પીકે’ માટેની ઉત્સુકતા વધારવા દર થોડા દિવસે નવી નવી તરકીબો અજમાવાય છે. પિક્ચરનું પ્રમોશન અત્યારના સમયમાં કેટલું અગત્યનું છે એ ગયા અઠવાડિયે રિલીઝ થયેલી બે ફિલ્મો ‘રંગ રસિયા’ અને ‘શૌકીન્સ’નાં કલેક્શન્સ પરથી સ્પષ્ટ દેખાય છે.

‘રંગ રસિયા’નું પ્રમોશન એટલા મોટા પાયે નહતું થયું અને તેથી પહેલા દિવસે માત્ર પાંચ ટકા જેવી ઓક્યુપન્સી સાથે ફક્ત સાઇઠ લાખ રૂપિયાનો વકરો થયો હતો! તેમાં ચિત્રકાર રાજા રવિ વર્માના જીવનની કથા હોઇ સારા અભિપ્રાય આવતાં બીજા દિવસે તે વધીને ૭૫ લાખ થયા. રવિવારે એક કરોડ સુધી પહોંચી શકી. જ્યારે સામે પક્ષે ‘શૌકીન્સ’ માટે તેના કલાકારોએ સરખું પ્રમોશન કર્યું હતું અને તેથી પહેલા દિવસે પાંચ કરોડ અને બીજા દિવસે ૬ કરોડની આવક થઈ હતી. હવે તો સૌ જાણે છે કે બોક્સ ઓફિસનો અત્યારનો ખેલ એક જ અઠવાડિયાનો હોય છે. જે વકરો લેવાનો હોય તે એ સમયગાળામાં લઈ લેવાનો. કેમકે દર અઠવાડિયે નવી નવી પ્રોડક્ટ હાજર જ હોય છે. ‘રંગ રસિયા’ અને ‘શૌકીન્સ’નો એક વીકનો રન પૂરો થતાં જ ૧૪મી નવેંબરના શુક્રવારે ‘કીલ દિલ’ મોટાભાગના સ્ક્રીન્સ કબજે કરી લેશે. એટલે ‘રંગ રસિયા’ને ગમે એટલા સારા રિવ્યુ મળ્યા હોય, માઉથ પબ્લિસિટિ પણ સારી હોય અને પૂરી થયાના પાંચ વરસ પછી રજૂ થતી હોઇ એક પ્રકારની સહાનુભૂતિ પણ હોય; છતાં બિઝનેસની દ્રષ્ટિએ તેને એક વીકમાં કૉસ્ટ-રીકવરીની મુશ્કેલી પડવાની એ નક્કી. કારણ કે સામે નવા સપ્તાહના ઓપોઝીશન ‘કીલ દિલ’માં રણવીરસિંગ, પરિણિતી ચોપ્રા અને ગોવિન્દા જેવી સ્ટારકાસ્ટ છે અને મોટાભાગના સ્ક્રીન્સ પણ તે કબજે કરી લેશે. વળી, કેરલમાં પ્રતિબંધ મૂકાયાના સમાચાર સિવાય અન્ય કોઇ રીતે તે વિવાદમાં પણ નથી! એ રીતે રણબીર કપૂર કે કેટરિનાની ફિલ્મને સારા ઓપનિંગની કોઇ મુશ્કેલી ના પડે. કારણ કે એ કશું નહીં તો તેમના નવા ભાડે રાખેલા પેન્ટહાઉસ ફ્લેટના માસિક ભાડાને લીધે પણ ચર્ચામાં રહી શકે છે. એ ફ્લેટનું મહિનાનું ભાડું? ૧૫ લાખ રૂપિયા! (તો તેમને ત્યાં વાસણ-કપડાં કે કચરા-પોતા કરનારનો ભાવ શું હશે? સોચો ઠાકુર!)


તિખારો!

કપિલના શોમાં તેના કલાકારોનો અભિનય તો સરસ જ હોય છે. પણ સૌથી વધુ મઝા સ્ક્રિપ્ટની હોય છે. તાજો દાખલો ‘કીલ દિલ’ના પ્રમોશન દરમિયાન જોવા મળ્યો. ‘ગુથ્થી’એ એક પગમાં બ્લેક મોજો પહેર્યો હતો અને બીજામાં વ્હાઇટ. સ્ક્રિપ્ટ અનુસાર સ્ક્રીન પર એ મોજાનો ક્લોઝ અપ આવ્યો અને સિધ્ધુએ કારણ પૂછ્યું. ત્યારે ગુથ્થીનો જવાબ: “યે મેરે દાદાજી કે હૈં.... બ્લેક એન્ડ વ્હાઇટ!!" 


No comments:

Post a Comment