સઈદ જાફરી...
અવાજથી અભિનય કરવાની કળાના આગવા અદાકાર!
વિક્રમ સંવતના નવા વર્ષે અભિનેતા સઈદ જાફરીની ચિરવિદાયના સમાચારથી કોલમ
લખવાનું શરૂ કરીએ એ કાંઇ બહુ સારી વાત ન કહેવાય. પરંતુ, મૃત્યુ ક્યાં વાર-તહેવાર કે
સારો-ખરાબ દિવસ જોઇને આવતું હોય છે! વળી, ૧૫મી નવેમ્બરે સઈદ જાફરીનું લંડનની
હોસ્પિટલમાં બ્રેઇન હેમરેજથી અવસાન થયું,
ત્યારે તેમની ઉંમર ૮૬ વર્ષની હતી અને તેથી ગામઠી ભાષામાં તેમને ‘ખર્યું પાન’ કહી
શકાય. પણ, જીવનના એ વિશાળ પટ પર એક અભિનેતા તરીકેનું, અને તે પણ ભારતીય મૂળના બ્રિટીશ
અદાકાર તરીકેનું, તેમનું યોગદાન વિવિધ માધ્યમો અને વિવિધ દેશોમાં એટલું બધું હતું
કે બ્રિટનની રાણીએ તેમને ‘ઓબીઈ’ (ઓર્ડર ઓફ બ્રિટીશ એમ્પાયર)નો ખિતાબ આપ્યો હતો.
તેથી નવા વર્ષનો પ્રથમ લેખ તેમને સલામ કરીને લખવામાં ગૌરવની લાગણી થાય. આપણે કોમર્શિયલ હિન્દી સિનેમાના દર્શકોએ તેમને
‘ચશ્મે બદ્દુર’ના પાનવાલા ‘લલ્લન મિયાં’ તરીકે જોયા અને ફારૂક શેખ, રવિ બાસ્વાની
તથા રાકેશ બેદીની ત્રિપુટી પાસે સિગરેટના ઉધાર પૈસાની ઉઘરાણી કરતાં ‘ અબે, તુ કિધર
કુ જા રિયા’ જેવી ટિપીકલ મેરઠ-અલીગઢની છાંટવાળી
હિન્દી બોલતા આ કલાકારને વધાવી લીધા હતા.
‘ચશ્મે બદ્દુર’ની એ ‘મેં કે રિયા હું’ની બોલી માટે જાફરી સાહેબને બહુ મહેનત
કરવાની જરૂર નહીં પડી હોય. કેમ કે તેમના જીવનનાં પ્રારંભિક વર્ષો ભારતમાં એ જ
પ્રદેશમાં વિતાવ્યાં હતાં, જેને આઝાદી પહેલાં ‘યુનાઇટેડ પ્રોવીન્સ ઓફ બ્રિટીશ
ઇન્ડિયા’ કહેતા અને સ્વતંત્ર ભારતમાં ‘ઉત્તર પ્રદેશ’. તેમનો જન્મ ૧૯૨૯માં ૮મી જાન્યુઆરીએ પંજાબના
મલેરકોટલા સ્ટેટમાં થયેલો, જે રાજ્યના દીવાન તેમના મામા ખાનબહાદુર ફઝલે ઇમામ હતા.
તેમના પિતાજી ડો. હમીદ હુસૈન જાફરીની નોકરી સરકારી ડોક્ટર તરીકેની અને તેથી આખા
યુપીમાં ટ્રાન્સ્ફર થયા કરે. પરિણામે કાનપુર, મસુરી, લખનૌ, અલીગઢ, ગોરખપુર, ઝાંસી
જેવાં સ્થળોએ ત્રણ ભાઇઓ (સઈદ, વાહીદ તથા હામીદ) અને એક બહેન (શગુફ્તા)ના પરિવારને
માતા-પિતા સાથે ફરતા રહેવાનું થતું. સ્કૂલો બદલાતી રહે. સ્કૂલમાં તેમનું મૂળ નામ
‘સૈયદ સઈદ-ઉલ ઝમા જાફરી’ એવું લાંબુ હતું એમ તેમણે વિનોદ મેહતાના ‘સન્ડે
ઓબ્ઝર્વર’ને ૧૯૯૫ના નવેમ્બરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો. એક્ટર
બન્યા એટલે ‘સઈદ જાફરી’ એમ ટૂંકું નામ કર્યું. અભિનેતા તો એ પોતાની મિમિક્રીની આવડતથી સ્કૂલ-કોલેજના
દિવસોથી બની ચૂક્યા હતા. આ ૧૯૪૦ના દાયકાની વાત છે, જ્યારે ભણતરનો એવો રિવાજ નહતો.
અને એક્ટિંગ કે કોઇની ગમ્મતભરી નકલ કરવી? એ કાંઇ સારા ખાનદાનના છોકરાઓનું કામ
થોડું હતું?
એવા સમયમાં તે ઇંગ્લિશ લિટરેચર સાથે બી.એ. થયા અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી અને ત્યાંથી જ એમ. એ. વીથ હિસ્ટરી થયા! મા-બાપને એમ કે દીકરો હવે ‘આઇસીએસ’ની પરીક્ષા પાસ કરીને ક્યાંક કલેક્ટરી કે કમિશ્નરી કરે એટલે ભયો ભયો. પણ આ તો કલાકાર જીવ. તેમણે માબાપનું માન પણ રહે અને પોતાની ધખના પણ પૂરી થાય એવી જોબ શોધી કાઢી. તે દિવસોમાં ‘ઓલ ઇન્ડિયા રેડિયો’ને ઇંગ્લિશ બોલી શકે એવા એનાઉન્સર્સની જરૂરિયાત હતી. અરજી કરી અને બીજી જાન્યુઆરી ૧૯૫૧થી આકાશવાણીમાં મહિને ૨૫૦ રૂપિયાના પગારે એક્સટર્નલ સર્વિસમાં નોકરી મળી ગઈ. પણ નોકરીમાં માત્ર અંગ્રેજીમાં ઉદ્ઘોષણાઓ કરીને બેસી રહેવાને બદલે બાપુએ તો ડ્રામા અને મોનોલોગ પણ હાથ અજમાવવા માંડ્યો. તેમનામાં અવાજ પાસે કામ લેવાની આવડત કેવી હતી એ તો પછી સૌએ જોયું; જ્યારે ‘આર્ટ ઓફ લવ’ નામે તેમના સ્વરમાં રેકોર્ડ થયેલા ‘કામસુત્ર’ના અંગ્રેજી વાંચનને ‘ટાઇમ’ મેગેઝીને ૧૯૯૬માં વિશ્વના પાંચ ‘બેસ્ટ રેકોર્ડેડ નરેશન’માં કાયમી સ્થાન આપ્યું હતું!
એ જ રીતે
૧૯૯૭માં ‘બીબીસી’ પરથી વિક્રમ સેઠની નવલકથા ‘એ સ્યુટેબલ બૉય’નાં તમામ ૮૬ પાત્રોને
સઈદ જાફરીએ અવાજ આપ્યો હતો. એમ તો તે દિલ્હી રેડિયોમાં હતા, ત્યારે એક નાટકનાં ૩૦
ઉપરાંતનાં પાત્રોને એક પોતાના જ અવાજથી ભજવી બતાવ્યાં હોવાની વાત તે દિવસોમાં ‘ટૉક
ઑફ ધી ટાઉન’ બની હતી. તેને પગલે તેમને ડ્રામાનો અભ્યાસ કરવા અમેરિકાની ‘ફુલબ્રાઇટ
સ્કોલરશીપ’ મળી અને ત્યાંની યુનિવર્સિટીના ‘સ્પીચ એન્ડ ડ્રામા’ વિભાગમાંથી એમ.
એ.ની બીજી ડીગ્રી મેળવી. હવે ડબલ પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા એ એક્ટર માટે પરદેશની
ધરતીમાં જ કામ મળવાનું શરૂ થયું. અમેરિકામાં શેક્સપિયરનાં નાટકોની ‘યાત્રા’ શરૂ
કરનાર પ્રથમ ભારતીય કલાકાર એ થયા. ત્યાંથી એ લંડનમાં નાટકો કરતા થયા; કારણ તેમનાં
પત્ની મધુરે ત્યાંની ‘રોયલ એકેડમી ઓફ ડ્રામેટિક આર્ટ’ (રાડા)માં ડ્રામાનો અભ્યાસ
કર્યો હતો. બન્નેનું લગ્ન, ત્રણ દીકરીઓ છતાં, લાંબું ના ચાલ્યું. કારણ કે સઈદ
જાફરીના અન્ય સ્ત્રીઓ સાથેના સંબંધો અને તેમની શરાબની લત મધુજીથી સહન થતી નહતી. (પછી તો મધુર જાફરીએ પોતાની આગવી કરિયર શરૂ કરી અને આજે તો એ પણ ૮૨ વર્ષનાં છે અને પાકશાસ્ત્રનાં ઇન્ટરનેશનલ નિષ્ણાત ગણાય છે) એ
છુટાછેડા પછી લગભગ પંદરેક વર્ષ બાદ ૧૯૮૦માં સઈદ જાફરીએ ‘બીબીસી’માં નોકરી કરતાં
જેનીફર સાથે લગ્ન કર્યાં
જેનીફરે જોબ
છોડીને પતિની મેનેજર તરીકે કામગીરી સંભાળી અને તેમની અંગત જિંદગીને તેમજ કારકિર્દીને
સ્થિર કરી. તે પછી સઈદ જાફરી માટે ભારતીય સિનેમાના દરવાજા ખુલ્યા અને તે પણ
સત્યજીત રે સરખા ઇન્ટરનેશનલ ડાયરેક્ટરની ફિલ્મ ‘શતરંજ કે ખિલાડી’થી. જેનીફરને સત્યજીત રે જેવા દિગ્દર્શક પાસે પોતાના
હસ્બન્ડની ટેલેન્ટનું માર્કેટિંગ કરવા હોલીવુડની ફિલ્મોનો રેફરન્સ પૂરતો હતો. સઈદ
જાફરીએ ‘ધી મેન હુ વુડ બી કિંગ’માં માઇકલ કેઇન અને શોન કોનરી જેવા ધરખમ અભિનેતાઓ
સાથે કામ કર્યું હતું. વાચકોને યાદ હશે જ કે શોન કોનરી એ ‘જેમ્સ બોન્ડ’ની ભૂમિકા
કરનાર પ્રથમ અભિનેતા હતા અને પછી એ જ રોલ કરનાર બીજા એક્ટર પિઅર્સ બ્રોસ્નન જોડે
પણ સઈદ જાફરીએ કામ કર્યું હતું. હકીકતમાં તો આપણા કલાકારોમાંથી કોઇને પણ નામો
ફેંકવાનો (ઇંગ્લિશમાં જેને ‘નેમ્સ ડ્રોપિંગ’ કહે છે તેનો) અધિકાર હોય તો તે સિર્ફ
સઈદ જાફરીને જ! નેશનલ અને ઇન્ટરનેશનલ કેવા કેવા એક્ટર્સ અને ડીરેક્ટર્સ સાથે તેમણે
કામ કર્યું હતું!
એ જો રિચર્ડ
એટનબરોની ‘ગાંધી’માં સરદાર વલ્લભભાઇ પટેલ બન્યા હતા તો શ્યામ બેનેગલની ટીવી
સિરીઝમાં તે જવાહરલાલ નહેરુ બન્યા હતા! લગભગ ૧૭૫ જેટલી ફિલ્મો કરનાર સઈદ જાફરીનાં
તમામ ચિત્રોની યાદી આ નાનકડા શ્રદ્ધાંજલિ લેખમાં ક્યાં સમાવવી? પણ એટલું જાણવું પૂરતું
થશે કે તેમણે રાજકપૂરની ‘રામ તેરી ગંગા મૈલી’માં, સુભાષ ઘઈની ‘રામ લખન’માં, યશ
ચોપ્રાની ‘મશાલ’માં, રમેશ સિપ્પીની ‘સાગર’માં, ‘માસુમ’માં શેખર કપૂર એમ હિન્દી સિનેમાના ઘણા માંધાતા
સર્જકોની કૃતિઓમાં કામ કર્યું હતું. ફિલ્મો ઉપરાંત ટીવીની દુનિયામાં પણ તેમનું
યોગદાન યાદ કરવા જેવું છે. આજે જે ‘હિંગ્લિશ’ના લાડકા નામથી ઓળખાય છે તે હિન્દી
અને ઇંગ્લિશના મિશ્રણ જેવી ભાષાનો પ્રયોગ ઠેઠ ’૮૦ના દાયકાની શરૂઆતમાં ‘બીબીસી’ ઉપર
‘તંદુરી નાઇટ્સ’ નામની સિરીઝમાં કરાયો હતો! ત્યારે બ્રિટનના ઇમિગ્રન્ટ્સની મજાક
અવળા પ્રત્યાઘાતો પાડશે એવો ભય પ્રોગ્રામ ઓફિસર્સે દેખાડ્યો હતો. પરંતુ, એ શ્રેણી એવી તો પોપ્યુલર
થઈ કે પછી તો લંડનના સાઉથહોલની ભાષાની એ સિરીઝ અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા
જેવા દેશોની ચેનલોએ પણ દેખાડી. તેના લેખક ફરોખ ધોન્ડીને બીબીસીએ ઇમિગ્રન્ટ્સ
માટેના કાર્યક્રમોના અધિકારી બનાવ્યા.
એટલી લોકપ્રિય
થયેલી એ સિરીઝ ભારતમાં રજૂ કરવા જાફરીએ ૧૯૮૪માં દરખાસ્ત કરી હતી. પરંતુ, મંડી
હાઉસમાં એ ધૂળ ખાતી પડી રહી. ૯ વર્ષ પછી જ્યારે ૧૯૯૩ના નવા વર્ષમાં ‘સ્ટાર’ના
ઇંગ્લિશ પ્રોગ્રામ અને ‘ઝી’ના હિન્દી કાર્યક્રમોએ દૂરદર્શનની ઊંઘ ઉડાડી દીધી હતી,
ત્યારે ‘તંદુરી નાઇટ્સ’ને મંજુરી મળી. જાન્યુઆરી ’૯૩માં જ્યારે મુંબઈમાં
શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો થયા હતા, તે વખતેનાં કોમી તોફાનોના સમાચારો વચ્ચે આ
ટીવી સિરીઝ હળવી મુસ્કાન સર્જી જતી હતી. આજે તો ‘હિંગ્લિશ’ કે ‘ગુજલિશ’માં કવિતાઓ પણ
લખાતી થઈ ચૂકી છે. પરંતુ, તેને જાહેર માધ્યમોમાં હળવાશથી પગલું પડાવવાનો યશ તેના
લેખકની સાથે સાથે મુખ્ય અભિનેતા તરીકે સઈદ જાફરીને પણ આપવો પડે. ટૂંકમાં,
બ્રોડવેનાં નાટકો, હોલીવુડનાં ચિત્રો, બોલીવુડની મસાલા ફિલ્મો, ટેલીવિઝનની વિદેશી
શ્રેણીઓ, ડોક્યુમેન્ટ્રીમાં અવાજ, રેડિયો ડ્રામા એમ દરેક ક્ષેત્રમાં આગવું પ્રદાન
કરનાર અને સદાય આંખોથી હસતા સઈદ જાફરી આપણા સૌના દિલ-દિમાગમાં હમેશાં યાદ રહેશે!
Very interesting details,,,,
ReplyDeleteસઈદ સાહેબ દિલો દિમાગ માં હંમેશા જીવીટ રહેશે...
ReplyDelete