સિદ્ધાર્થ રાંદેરિયાની ‘ગુજ્જુભાઇ ધી ગ્રેટ’નું આગમન ગુજરાતી
ફિલ્મોમાં ‘કોમેડી ફિલ્મ’ની એક નવી જ કેટેગરીનો પ્રારંભ છે
‘શ્રાદ્ધ’માં પિક્ચર રિલીઝ કરવા પોતાના ‘જઝ્બા’માં ‘શ્રદ્ધા’
જોઇએ!
શું ઐશ્વર્યારાય અને અક્ષયકુમાર જેવા સ્ટાર્સ પણ
‘શ્રાદ્ધની બીક કરતાં પોતાની મહેનતમાં શ્રદ્ધા વધારે રાખો’ એવી રેશ્નાલિસ્ટ વિચારધારાને
માનતા થઈ ગયા હશે? આ સવાલ થવાનું કારણ એ છે કે ઐશ્વર્યાના પુનરાગમનની ફિલ્મ ‘જઝ્બા’
બીજી ઓક્ટોબરે અને અક્ષયનું મોટું પિક્ચર ‘સિંગ ઇઝ બ્લિંગ’ ૯મી ઓક્ટોબરે એમ બન્ને શ્રાદ્ધ
પક્ષમાં રિલીઝ થઈ રહી છે! ગયા વર્ષે આ કોલમમાં લખ્યું હતું એમ, હવે સિનેમાના ધંધામાં
‘સરાદીયાં’ કહીને જે સમયગાળાને વગોવીને તેમાં સારાં કામ કરવાનું ટાળવામાં આવે છે, તે
પિરીયડની ધાક રહી નથી. સૌએ અનુભવ્યું છે કે ‘દશેરા’, ‘લાભપાંચમ’, ‘અખાત્રીજ’ કે ‘વસંત
પંચમી’ જેવા ‘વગર જોયા મહુરતના’ કાયમી શુભ દિને રજૂ થયેલી ફિલ્મો પણ, તેમાં જો ભલીવાર
ન હોય તો, ફ્લોપ જતી હોય છે. જેમ કે આ સાલ ગણેશોત્સવ જેવા શુભ સમયમાં, ૧૮મી સપ્ટેમ્બરે,
આવેલી ‘કટ્ટી બટ્ટી’નો કદાચ આ સાલની ફ્લૉપ ફિલ્મોમાં સમાવેશ થશે!
‘કટ્ટી બટ્ટી’ પોતાના ભાવ વધાર્યા પછીની કંગનાની
પ્રથમ ફિલ્મ છે અને તેથી નિષ્ફળતા બદલ તેની હરીફ હીરોઇનો ઉપરાંત કેટલાક ‘હીરોલોગ’ પણ
મનમાં મુસ્કુરાતા હશે. કેમ કે ‘ક્વિન’ અને ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ના ૧૦૦ કરોડના બિઝનેસ
પછી કંગનાએ પોતાને પણ સરખી ફી મળવી જોઇએ એવું જાહેરમાં કહ્યું હતું. તેને પગલે બોક્સ
ઓફિસની રાણી તરીકે નવાજવા માટે કંગનાને ‘ક્વિન’ કહેવાનું ચલણ હજી શરૂ થયું જ હતું.
ત્યાં આ ૩૫ કરોડની ફિલ્મ નુકશાનીનો તાકો સાબિત થવા તરફ આગળ વધી રહી છે. અગાઉ વિદ્યા
બાલનને પણ ‘ફિમેલ બીગ બી’ કહેવામાં આવતી હતી, ત્યારે પણ હીરો-હીરોઇનના પેમેન્ટમાં કરોડોના
તફાવતનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. આ સાલ ફિલ્મ સ્ટાર્સના મહેનતાણાના આંકડા ‘ફોર્બસ’
મેગેઝીને પ્રસિદ્ધ કર્યા, ત્યારે આપણા ‘હીરો લોગ’ દુનિયાભરના ટોપ ટ્વેન્ટીમાં હતા અને
હીરોઇનો? એ યાદી પ્રગટ થઈ, ત્યારે બે-ચાર કરોડ લેતી આપણી ટોચની એક્ટ્રેસો પણ વિશ્વની
સરખામણીએ ક્યાંય નહતી! હીરોઇનોને પણ હીરો જેવા પૈસા આપવાના થાય તો બજેટ લેવલ કરવા સરવાળે
એક્ટરોને પોતાની રકમમાં બાંધછોડ કરવાનો વારો આવે; એ સમજતા મોટા અભિનેતાઓમાં હવે પોતાની
સાથે નવી કે ઓછી જાણીતી અભિનેત્રીઓને લેવાનો ટ્રેન્ડ ચાલ્યો છે. (‘સિંગ ઇઝ બ્લિંગ’માં
એમી જેક્સન હીરોઇન છે!)
તેથી જ્યારે એવા ન્યૂઝ આવે કે ‘કટ્ટી બટ્ટી’ ભારતમાં
પ્રથમ વીકમાં વીસેક કરોડની આસપાસ એકત્ર કરી શકશે. અથવા વિદેશોના ૭-૮ કરોડની શક્યતા
સાથે બહુ જોર કરીને પણ તે આંકડો ત્રીસેક કરોડે પહોંચે તો ય તેના પર દાવ લગાવનારાઓને
ખાતું સરભર કરવાની મુશ્કેલી તો રહેશે, ત્યારે તેને જરૂર કરતાં વધુ ચગાવવાની દાનત અમુક
મીડિયાની રહેવાની. જ્યારે હકીકત એ છે કે ટોપ સ્ટાર ગણાતા અભિનેતાઓની ફિલ્મો પણ ક્યાં
ફ્લોપ નથી જતી? એટલે જ ‘સુપરસ્ટાર’ કહેવાતા એક્ટરોની ફિલ્મોને સમાંતર નાના કલાકારો
સાથે સસ્તા પડતરનાં પિક્ચરો પણ બની રહ્યાં છે. એવી એક અભિનેત્રી એટલે ‘બીગ બૉસ’થી અને
વધારે તો એ શોમાં સલમાન ખાનની લાડકી તરીકે જાણીતી થયેલી ખુબસુરત વિદેશી અભિનેત્રી એલી
એવરામ. તેની એક જ શુક્રવારે ૨૫મી સપ્ટેમ્બરે બે ફિલ્મો રજૂ થઈ રહી છે! તે પૈકીની ‘ભાગ
જહોની’માં તેનો રોલ કેવડો હશે તેની માત્ર કલ્પના જ કરી શકાય. કેમ કે તેમાં ફિલ્મ સમારંભોમાં
પોતાની આતશબાજીને કારણે જાણીતા મોરાનીબંધુઓ પૈકીના એકની પુત્રી ઝોઆ મોરાની હીરોઇન છે
અને હીરો કુણાલ ખેમુ છે. પરંતુ, એલી એવરામ અબ્બાસ-મસ્તાને બનાવેલી ‘કિસ કિસ કો પ્યાર કરું’ના પ્રમોશનમાં હીરો કપિલ
શર્મા સાથે ઘણી જગ્યાએ દેખાઇ છે. આ લખાણ પ્રસિદ્ધ થતા સુધીમાં કપિલની એ ફિલ્મનું ભાવિ
પણ નક્કી થઈ ચૂક્યું હશે અને સાથે સાથે તે ટીવી પર ‘કોમેડી નાઇટ્સ’ કરતો રહેશે કે નહીં
એ પણ!
કપિલ માટે અત્યારે તો બેઉ હાથમાં લાડુ જ છે. પિક્ચર હીટ જાય તો ‘ફિલ્મસ્ટાર’ અને ના
ચાલે તો ટેલીવિઝનના સુપરસ્ટાર કોમેડિયન તરીકે મજાક-મસ્તી કરતા કરતા બીજાઓની ફિલ્મોનું
પ્રમોશન કરતા રહેવાનું! કપિલની એ ફિલ્મ પછીના જ અઠવાડિયે બીજી ઓક્ટોબરે અક્ષય કુમારની
‘કિંગ ઇઝ બ્લિંગ’ હોઇ ‘કિસ કિસ કો પ્યાર કરું’
જેટલું જોર કરવાનું હશે તે પહેલા વીકમાં જ હશે. તેની સાથે બીજી ત્રણ ફિલ્મો અર્થાત
‘ભાગ જહોની’ ઉપરાંત ‘કેલેન્ડર ગર્લ્સ’ અને ‘ટાઇમ આઉટ’ પણ ૨૫ સપ્ટેમ્બર માટે લાઇન અપ
થયેલી છે. તેથી અત્યારના સમયની સિસ્ટમ પ્રમાણે ‘રાત થોડી અને વેશ ઝાઝા’વાળો ખેલ થવાનો.
પરંતુ, કપિલને પ્રમોશન દરમિયાન જે પ્રકારનો આવકાર મૉલ જેવી વિશાળ જગ્યાઓમાં પણ ભરચક
ઓડિયન્સનો મળે છે, એ જોતાં ઇનિશ્યલ બિઝનેસ મેળવવા જેટલી તેની લોકપ્રિયતા તો દેખાય જ
છે. બાકીનો આધાર, એઝ યુઝવલ, પિક્ચરમાં કેવો માલ ભર્યો છે તેના પર રહેવાનો.
‘કિસ કિસ કો પ્યાર કરું’ના દિગ્દર્શક આપણી ગુજરાતી
બેલડી અબ્બાસ-મસ્તાન છે, જેમણે શાહરૂખને ‘બાઝીગર’, અક્ષય કુમારને ‘ખિલાડી’, સૈફ અલીખાનને
‘રેસ’ અને ‘રેસ ટુ’, આપી છે અને જેમણે ‘ઐતરાઝ’, ‘અજનબી’, ૩૬ ચાઇના ટાઉન’ અને ‘હમરાઝ’
જેવી અંગ્રેજી થ્રિલર પર આધારિત ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીવાળી ફિલ્મો બનાવી છે. તેથી રસપ્રદ
રજૂઆત તો હશે જ. આ જ જોડીએ ત્રીસ વરસ પહેલાં નરેશ કનોડિયા અને સ્નેહલતાને લઈને ગુજરાતી
ફિલ્મો ‘સાજણ તારાં સંભારણાં’ અને ‘મોતી વેરાણાં ચોકમાં’ પણ બનાવી હતી એ કેટલાને યાદ
હશે?
ગુજરાતીમાં એ ગ્રામ્ય પૃષ્ઠભૂમિની ફિલ્મોના એ દૌર
પછી તાજેતરમાં અર્બન ફિલ્મોના ચમકારા આશિષ કક્કડની ‘બેટર હાફ’, અભિષેક જૈનની ‘કેવી
રીતે જઈશ’ અને ‘બે યાર’થી દેખાવા લાગ્યા છે. એવા સમયમાં સિદ્ધાર્થ રાંદેરિયા જેવા હાસ્યના
સિદ્ધહસ્ત કલાકારની ફિલ્મ ‘ગુજ્જુભાઇ ધી ગ્રેટ’નું આગમન ગુજરાતી ફિલ્મોમાં ‘કોમેડી
ફિલ્મ’ની એક નવી જ કેટેગરીનો પ્રારંભ છે. ટ્રેઇલર જોતાં સિદ્ધાર્થભાઇના એક અત્યંત સફળ નાટક ‘ગુજ્જુભાઇએ ગામ ગજાવ્યું’નું ફિલ્મીકરણ જ લાગે છે. પણ જે સળંગ કોમેડી નાટકોમાં સખ્ખત ચાલે છે, તેને સિનેમામાં લાવવાનું યુવાન દિગ્દર્શક ઇશાન રાંદેરિયા અગાઉ કોઇને કેમ નહીં સૂઝ્યું હોય? હાસ્યના નામે ગુજરાતીમાં એક જમાનામાં રમેશ મહેતાનો એક અલગ
કોમેડી ટ્રેક ચલાવવાની પ્રથા હતી. જેમ હિન્દીમાં મહેમૂદ એમ ગુજરાતીમાં રમેશ મહેતા અનિવાર્ય
અંગ હતા. પરંતુ, જેમ મહેમૂદે ‘પડોસન’ કે ‘પ્યાર કિયે જા’ જેવાં રમૂજી ચિત્રો બનાવ્યાં
એવો આઉટ એન્ડ આઉટ કોમેડીનો પ્રયોગ ગુજરાતીમાં થયાનું સાંભરતું નથી. (ભૂલચૂક લેવી દેવી!)
આજે ગ્લોબલાઇઝેશનને લીધે સ્થિતિ એવી છે કે ગુજરાતના ગામડાના પ્રેક્ષકને પણ ‘ગુજુભાઇ
ધી ગ્રેટ’ એવા ઇંગ્લિશ નામનો વાંધો નથી હોતો. તેનો સૌથી મોટો પુરાવો એ છે કે હવે આવતી
હોલીવુડ ફિલ્મોનાં નામ, અગાઉની જેમ, બદલવામાં આવતાં નથી. (યાદ છેને? જેમ્સ બોન્ડના
‘ગોલ્ડ ફિંગર’ની પબ્લિસિટી ‘સુનહરી હસીના કે કાતિલ નખરે’ તરીકે કરાતી?) અંગ્રેજી ટાઇટલની
રીતે છેલ્લે ઇમ્તિયાઝ અલીનો ઉલ્લેખ જરૂરી છે. ઇમ્તિયાઝની રણબીર અને દીપિકાની નવી ફિલ્મ
‘તમાશા’નું મૂળનામ ‘વિન્ડો સીટ’ રાખ્યું હતું. તો ‘જબ વી મેટ’ને શરૂઆતથી ‘ટ્રેઇન’ ટાઇટલ
અપાયું હતું અને સૈફ-દીપિકાની ‘લવ આજકલ’નું શૂટીંગ કયા નામ સાથે થયું હતું, જાણો છો? ‘ઇલાસ્ટિક’!!
તિખારો!
પ્રિયંકા ચોપ્રાની ટીવી સિરીઝ ‘ક્વોન્ટિકો’નાં પોસ્ટર્સ અમેરિકા-કેનેડામાં
ઠેર ઠેર લાગ્યાં છે. તે જોઇને ગૌરવ અનુભવતી સની લિયોનિએ ‘ટ્વીટર’ પર પ્રિયંકાને અભિનંદન
આપ્યા. સૌ જાણે છે એમ, સનીએ કેનેડાથી મુંબઈ આવીને હિન્દી સિનેમામાં એક આગવી જગ્યા બનાવી
છે. એટલે પ્રિયંકાએ સામો જવાબ લખ્યો, “તેં મારા દેશમાં તારા દેશને સન્માન અપાવ્યું
એ જ કામ મેં તારા દેશમાં કર્યું!!”