Wednesday, September 9, 2015

ફિલમની ચિલમ... 30 ઓગસ્ટ ૨૦૧૫



રક્ષાબંધનવાળા રવિવારે ૩૦મી ઓગસ્ટે પ્રસિદ્ધ થયેલો લેખ છે.

ફિલ્મનું ટ્રેઇલર એટલે?.... પિક્ચર માટેની ઉત્સુકતાનો આરંભ કે પછી અંત?

 
ટિકિટબારી પણ માર્કેટની માફક ગમે ત્યારે મૂડ બદલી કાઢે છે! આ સપ્તાહે આવેલી બન્ને ફિલ્મો ‘ઑલ ઇઝ વૅલ’ અને ‘માંઝી ધી માઉન્ટેનમેન’ એ બેઉનાં કલેક્શન્સની શરૂઆત ચિંતાજનક થઈ છે. કેમ કે ‘થ્રી ઇડિયટ્સ’માં આમિરખાને ‘આલ ઇઝ વેલ’નું સકારાત્મક સુત્ર આપ્યું હોઇ તે સારા આરંભ માટેનો એ પણ એક ટેકો હતો. તેમાં વળી અભિષેક બચ્ચન જેવા સ્ટારની મુખ્ય ભૂમિકા હોય અને હીરોઇન પણ તાજેતરમાં જ જેનાં લગ્ન નિર્ધાયાની ચર્ચાઓ અખબારોમાં આવતી હોય એવી અસીન હોય; પછી સરખું ઓપનિંગ તો માગે કે નહીં? પણ આગલા અઠવાડિયાઓમાં અક્ષય કુમાર અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ‘બ્રધર્સ’ને સોમવારથી જે ડ્રૉપનો સામનો કરવો પડ્યો અને વકરો ડચકાં ખાતો ખાતો ૮૦-૮૫ કરોડ સુધી પહોંચી શક્યો, તેનાથી જ અગમનાં એંધાણ મળવાં શરૂ થઈ ચૂક્યાં હતાં. ‘ઑલ ઇઝ વૅલ’ના રિવ્યુ ભારે ખરાબ હતા અને તેથી સિનેમાની દુનિયાના રિવર્સ લૉજીકના હિસાબે બોક્સઓફિસ ઉપર પિક્ચર ખુબ ચાલશે એવી આશા હતી!

પરંતુ, રિવ્યુ લખનારા અને પ્રેક્ષકોના પ્રતિભાવ બેઉ એક જ દિશામાં ગયા. ‘‘ઑલ ઇઝ વૅલ’ માટે સમીક્ષા લખનારાઓમાં ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ના રિવ્યુકાર રોહિત વત્સે તો હદ કરી નાખી. તેમણે લખ્યું કે કોઇપણ અવલોકનકાર માટે વ્યાવસાયિક ખતરા-ઓક્યુપેશનલ હેઝાર્ડ-ની હદ જેવી છે આ ફિલ્મ! (એક સમીક્ષક માટે ‘ઓક્યુપેશનલ હેઝાર્ડ’નો અર્થ શું થાય? રોહિત વત્સના કહેવા પ્રમાણે તો, તમે ફાયર બ્રીગેડમાં કામ કરતા હો તો દાઝવાનો ખતરો રહે એમ પિક્ચરના રિવ્યુ લખવાનું ઓક્યુપેશન સ્વીકારો તો ક્યારેક ‘ઓલ ધી બેસ્ટ’ જોવાનું જોખમ પણ રહે!!) ટિકિટબારી પર પણ એવો જ બોદો રણકાર સંભળાયો. અભિષેકની ફિલ્મ હોય, સાથે રીશી કપૂર અને સુપ્રિયા પાઠક હોય, ‘કોમેડી નાઇટ વીથ કપિલ’માં નવી શરતો અને નવા પૈસા નક્કી કરાવીને કપિલ પાછો ફર્યો હોય, ત્યારે તેના પુનરાગમન પછીનું પ્રથમ પ્રમોશન જે પિક્ચરનું બે અઠવાડિયાં સુધી તેના સેટ પર કરવામાં આવ્યું હોય તે પ્રોડક્ટ પહેલા દિવસે માત્ર ૩ કરોડ (૨.૯૦ કરોડ ટુ બી એક્ઝેક્ટ)નો જ વકરો લાવે તો કેવું લાગે?



‘ઑલ ઇઝ વૅલ’નું રવિવાર સુધીનું કલેક્શન બારેક કરોડે પહોંચ્યું છે અને આવનારા દિવસોમાં કોઇ ચમત્કાર થાય તો જ ફિલ્મનું ટાઇટલ બિઝનેસને લાગુ પાડી શકાય. જો કે ‘ઑલ ઇઝ વૅલ’ને (એટલે કે અભિષેકને!) આશ્વાસન લેવું હોય તો એ રીતે લઈ શકે કે ‘બ્રધર્સ’ જેવી મોટી ફિલ્મને પણ બીજા અઠવાડિયાના શુક્રવારે જો ૮૫ ટકાના ઘટાડા સાથે ફક્ત દોઢ કરોડથી સંતોષ માનવો પડ્યો હોય તો પોતાની ફિલ્મ ઇદ, નાતાલ કે દિવાળી જેવા તહેવારના ‘વેલ ટાઇમ’માં નથી રજૂ ન થઈ હોવાથી આમ બન્યું છે. એ ઉપરાંત અન્ય એક વાતે પણ તસલ્લી લઈ શકે કે ‘ઑલ ઇઝ વૅલ’ની સાથે જ રિલીઝ થયેલી બહુ ચર્ચિત ‘માંઝી- ધી માઉન્ટેઇન મેન’ને પણ ત્રણ દિવસમાં છ કરોડથી સંતોષ માનવો પડ્યો છે. ‘માંઝી....’ નવાજુદ્દીન સિદ્દીકીને બિહારના દશરથ માંઝી નામના એકલવીરની ભૂમિકામાં ચમકાવતી બાયોપિક છે અને જેણે પણ એ પિક્ચરનું ટ્રેઇલર જોયું તેણે નવજુદ્દીનની એક્ટિંગના ચમકારાનાં પહાડ જેવાં ઊંચાં વખાણ કર્યાં હતાં.

પરંતુ, તે ટ્રેઇલર જ કદાચ નડતર બન્યું એવી પણ એક થિયરી છે. માત્ર ‘માંઝી...’ જ નહીં, અત્યારની ઘણી ફિલ્મોને આ સંશોધન લાગુ પડે છે. ટ્રેઇલરને સામાન્ય રીતે ઇન્તેજારી જગવવા માટે બનાવવામાં આવે છે. પરંતુ, હવે તો લગભગ આખી સ્ટોરી જ બે મિનિટમાં આપી દેવાતી હોય એવાં, ‘સિનોપ્સિસ’ (ટૂંક સાર) જેવાં, ટ્રેઇલર બને છે. તેને લીધે ઉત્સુકતા બનાવી રાખવી મુશ્કેલ બને છે. જેમ કે ‘માંઝી...’માં જેને હાઇપોઇન્ટ કહેવાય એવા સંવાદો ટ્રેઇલરમાં હતા અને દશરથ માંઝીએ એકલે હાથે પહાડ કાપીને રસ્તો બનાવ્યો એ વાર્તા પણ ‘સત્યમેવ જયતે’માં આમિરખાને અગાઉ બતાવી દીધેલી હોઇ તે પણ જાણીતી કથા હતી. એટલે પિક્ચર કદાચ ના જોવાય તો પણ અફસોસ ના રહે.... સિવાય કે તમે નવાજુદ્દીન આશિક હો! (ખરા અર્થમાં ‘ટીઝર’ કે ‘ટ્રેઇલર’ જોવું હોય તો અમિતાભ બચ્ચન અને ફરહાન અખ્તરની ફિલ્મ ‘વઝીર’નો દાખલો હાજર છે. સિમ્પ્લી સુપર્બ!)  

‘માંઝી.....’ના ટ્રેઇલરની જેમ જ ઐશ્વર્યા રાય બચ્ચનના પુનરાગમનની ફિલ્મ ‘જઝબા’નું ટ્રેઇલર જુઓ તો પણ સ્ટોરીનો આછો-પાતળો ખ્યાલ આવી જાય. ‘જઝબા’નું પ્રમોશન કરવા ઐશ્વર્યાએ પણ હવે પબ્લિકમાં નીકળવાનું શરૂ કરી દીધું છે. તેણે ૨૦૦૭માં લગ્ન પછી છેલ્લે ૨૦૦૮માં ‘જોધા અકબર’ની રજૂઆત વખતે અખબારો-મેગેઝીનોને ઇન્ટરવ્યૂ આપવા જેવો જે કાંઇ નાનો-મોટો પ્રચાર કર્યો હોય તેના કરતાં છેલ્લાં પાંચ વરસમાં તો પ્રમોશનનું પ્રમાણ સાવ અલગ થઈ ગયું છે. હવે ખાનગીમાં કે ફોન પર પોતાના ફાવતા પત્રકાર સાથે વાતચીત કરવાથી પ્રચાર નથી થઈ જતો. હવે તો જુદાં જુદાં શહેરો અને નાનાં નગરોમાં પણ મલ્ટિપ્લેક્સ અને મૉલમાં લોકો વચ્ચે જવાનું હોય છે. રિયાલિટી શોમાં હાજરી આપવાની હોય છે અને કપિલના શોમાં જઈને ‘દાદી’ બનતા પુરૂષ કલાકાર (અલી અસગર)ની પપ્પીઓ પણ સહન કરવાની હોય છે!

એટલે ઐશ્વર્યાએ પણ ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’માં હાજરી આપીને શરૂઆત કરી છે. તેની સાથે ઇરફાનખાન પણ હતો. પરંતુ, ફિલ્મનું ટ્રેઇલર જોનાર સૌ કબૂલ કરશે કે તેને ‘હીરો’ કહેવા કરતાં એ ટાઇટલ ઐશ્વર્યાને વધુ લાગુ પડે છે અને તે સ્વાભાવિક પણ છે. કારણ, ઐશ્વર્યાએ તેની બીજી ઇનિંગ્સમાં ‘જઝબા’ માટે પાંચ કરોડ રૂપિયા ચાર્જ કરીને શરૂઆત કરી છે! આ આંકડો ‘ફોર્બસ’ મેગેઝીને આપ્યો છે. તેમાં હીરોની યાદી પછી વિશ્વના સિનેમા ઉદ્યોગમાં કઈ હીરોઇનો સૌથી વધુ ફી લે છે, તેના ફીગર્સ આ સપ્તાહે આવ્યા છે. એ લીસ્ટમાં નેચરલી, ટૉપ પર કંગના છે, જેણે ‘ક્વીન’ અને ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’માં બંપર બિઝનેસ આપ્યો (‘ક્વીન’ ૮૦ કરોડ અને ‘તનુ...’ ૧૦૦ કરોડ!) હતો. કંગનાએ એવો જબ્બર બિઝનેસ કોઇ મોટા હીરો વગર એકલે હાથે આપ્યા પછી ‘સિમરન’ માટે અગિયાર કરોડ રૂપિયા ફી ચાર્જ કરી હોવાનો ‘ફોર્બસ’નો રિપોર્ટ છે. 



જો કે આ રકમ હોલીવુડની હીરોઇનોની તો ઠીક આપણા હીરોલોગની સરખામણીએ પણ ચણા-મમરા જ કહેવાય. છતાં દીપિકાના ૭ કરોડ અને કટરિનાના ચાર કરોડ કે પછી કરિના, અનુષ્કાના ત્રણ કરોડ અને પ્રિયંકા ચોપ્રાના ચાર કરોડ એ ઓછી રકમ તો ના જ કહેવાય. તેને ‘ગર્લ રાઇઝિંગ’ (મહિલા ઉથાન?) પણ કહી શકાય! ‘ગર્લ રાઇઝિંગ’ એ પ્રિયંકા ચોપ્રાએ સરકાર સાથે મળીને પ્રોડ્યુસ કરેલી ડોક્યુમેન્ટ્રી છે, જે રક્ષાબંધન નિમિત્તે રિલીઝ કરવાની હોઇ આ લખાણ પ્રસિદ્ધ થતા સુધીમાં ટીવી પર જોવા મળી ચૂકી હશે. તેમાં પ્રિયંકાએ પોતાના અંગત સંબંધો કામે લગાડીને માધુરી, કરિના, સુષ્મિતા, આલિયા, પરિણિતી, નંદિતા સેન જેવી અભિનેત્રીઓને સરકારના ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ કાર્યક્રમના પ્રચાર માટે સંમત કરી છે. એટલે કરોડોમાં કમાતી એ હીરોઇનોએ કરોડો લોકો માટે ઉપયોગી એવું પ્રમોશન કરીને કહ્યું છે એ જ આપણે પણ કહીએ.... ‘હૅપ્પી રક્ષાબંધન!’

તિખારો!

‘ઓલ ધી બેસ્ટ’ના પ્રમોશન માટે કપિલના શોમાં આવેલા અભિષેક બચ્ચને તેમાં દિલથી મઝા કરી અને કરાવી. તે એપિસોડમાં કપિલની ટીમમાં એક ઓછી હાઇટવાળી નવી કલાકાર પણ હતી. તેને માટે ‘અભિ’ની કોમેન્ટ, “આપકે સામને તો મેરી માં ભી અમિતાભ બચ્ચન લગતી હૈ!!’

No comments:

Post a Comment