Saturday, September 12, 2015

ફિલમની ચિલમ.... ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૫





રાગિની બનકે હવાઓં મેં બિખર જાઉંગા,
 અબ નઈ તર્જ, નયા ગીત ગુનગુનાઉંગા!


 આદેશ શ્રીવાસ્તવના રૂપમાં કેન્સરે એક યુવાન કલાકારને આપણી વચ્ચેથી છીનવી લીધા અને જે રીતે તેમની અંતિમ ક્રિયામાં અને પ્રાર્થનાસભામાં ફિલ્મ ઉદ્યોગના સૌ જોડાયા તે જોતાં એક મ્યુઝિક ડીરેક્ટરને શોભે એવી એ વિદાય હતી. તેમના એ માઠા પ્રસંગે શાન, સુચિત્રા કૃષ્ણમૂર્તિ, અનુપ જલોટા જેવા સંગીતના કલાકારોથી લઈને અમિતાભ બચ્ચન, ઐશ્વર્યારાયથી માંડીને માધુરી દીક્ષિત અને જીતેન્દ્ર સુધીના સૌ સ્ટાર્સ પણ હાજર હતા. રેલ્વેમાં સુપ્રિન્ટેન્ડેન્ટ પિતા અને અધ્યાપક માતાના સંતાન અને કોઇ પારિવારિક કનેક્શન વગર માત્ર પોતાના હુન્નરને સહારે સંગીતના આકાશમાં ચમકવા જબલપુરથી મુંબઈ આવેલા આર્ટિસ્ટ માટે એ એક મોટી ઉપલબ્ધિ હતી. સ્કૂલમાં ભણતા ત્યારથી જ ડ્રમ જેવા તાલવાદ્યને વગાડનાર આદેશનો હાથ તેના પર એવો સરસ બેસી ગયો હતો કે બહુ નાની ઉંમરે જ એ જબલપુરની એક મ્યુઝિક ઓર્કેસ્ટ્રાના એ ‘સ્ટાર’ બની ચૂક્યા હતા. તેમના તે દિવસોના મિત્રો પણ જાણતા હતા કે તેમના જેવી ટેલેન્ટ માટે જબલપુર નાનું પડે એવું હતું. મુંબઈ અને ત્યાંની ફિલ્મી મ્યુઝિકની દુનિયા જ તેમને ન્યાય આપી શકશે એમ સમજતા આદેશ સાવ નાની વયે આવી પહોંચ્યા મુંબઈ!

 
પણ મુંબઈમાં અને તે પણ ફિલ્મી દુનિયામાં કોઇ પ્રકારના વ્યવસ્થિત કનેક્શન વગર કોઇપણ વ્યવસાયમાં એન્ટ્રી મેળવવી ક્યાં સહેલી હોય છે? સ્ટ્રગલના એ દિવસોમાં તે ફ્રીલાન્સ ડ્રમર હતા અને કોઇપણ સંગીતકારને ડ્રમ પ્લેયરની આવશ્યકતા હોય ત્યારે આદેશને કામ મળતું. આ એ સમય હતો, જ્યારે ફિલ્મી ગીતોમાં હજી ભારતીય સંગીતનું પ્રાધાન્ય રહેતું અને તેથી ડ્રમ જેવા પાશ્ચાત્ય વાદ્ય માટે આજના જેવી ડિમાન્ડ નહતી. પરંતુ, થોડા સમયમાં એ ‘બેસ્ટ ડ્રમર’ કહેવાતા થયા અને ધીમે ધીમે સંગીતકારોની નજીક આવ્યા. તેમાંના એક હતા, જતિન-લલિત, જેમનો પંડિત પરિવાર સંગીતથી ભરપુર હતો. ત્યાં જ થયો વિજયેતા સાથે પરિચય. વિજયેતા તે દિવસોમાં ૧૯૮૬માં દિગ્દર્શક સમીર મલ્કાન સાથે કરેલાં લગ્ન પછી સાવ ટૂંકા સમયમાં છુટાછેડા લીધેલી યુવતી હતી. ’૯૦માં આદેશ અને વિજયેતાનાં મેરેજ થયાં. તે જ વર્ષે તેમને માધુરી દીક્ષિતની ફિલ્મ ‘સૈલાબ’માં બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપવાની તક મળી અને લાગ્યું કે તેમના જીવનમાં વિજયેતાની એન્ટ્રી તેમના માટે નસીબદાર સાબિત થઈ રહી છે.

‘સૈલાબ’થી શરૂઆત કર્યા છતાં સ્વતંત્ર સંગીતકાર તરીકેની શરૂઆત તો ત્રણ વરસ પછી ૧૯૯૩માં ‘કન્યાદાન’ મળી ત્યારે થઈ. (તે અગાઉ ’૯૧માં ‘ખતરા’ ફિલ્મ મળી હતી ખરી. પણ તે કદાચ બની નહીં.) તેને આદેશ શ્રીવાસ્તવની મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં ઉભી થયેલી ગુડવીલ જ કહી શકાય કે લતા મંગેશકર પણ ‘કન્યાદાન’નાં એક પ્લેબેક સિંગર હતાં. પણ કમનસીબે એ પિક્ચર રિલીઝ જ ના થયું. તેના પછીના ‘જાને તમન્ના’ની પણ એ જ હાલત થઈ. સ્ટ્રગલના કેવા કેવા પ્રકાર હોઇ શકે છે! પણ ૧૯૯૪માં આવેલા ‘આઓ પ્યાર કરેં’થી સૌને આ સંગીતકારની નોંધ લેવી પડી. તેમાંનાં સૈફ અલીખાન અને શિલ્પા શેટ્ટી ઉપર ફિલ્માવાયેલાં બે ગીતો “હાથોં મેં જો આ ગયા રુમાલ આપકા...” અને “ચાંદ સે પર્દા કીજિયે કહીં ચુરા ન લે ચેહરે કા નૂર...” તેમની રિધમને લીધે ખાસ્સાં પોપ્યુલર થયાં હતાં. પછીની તેમની કરિયરમાં તો ‘બાગબાન’ના ‘ચલી ચલી ફિર ચલી ચલી’ અને ‘કભી ખુશી કભી ગમ’ના ‘શાવા શાવા’ જેવાં નાચવા-ઝૂમવાનાં ગાયનો તો આવ્યાં જ; સાથે સાથે ‘રાજનીતિ’ના “મોરા પિયા બોલત નાહીં...” જેવાં ક્લાસિકલ ટચવાળાં તેમજ ‘ચલતે ચલતે’ના “સુનો ના સુનો ના, સુન લો ના...”  જેવાં કર્ણપ્રિય ગીત પણ આવ્યાં.



પરંતુ, એ જ કરિયરમાં ‘હમ કો દીવાના કર ગયે’ ગાયન પણ હતું. ૨૦૦૬માં ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ને આપેલા એક ઇન્ટર્વ્યૂમાં આદેશજીએ એમ કહ્યું હતું કે એ કમ્પોઝીશન અનુ મલિકનું નહીં પણ તેમનું હતું! એટલું જ નહીં, ટાઇટલના એ શબ્દો પણ ગીતકાર સમીરના નહીં આનંદ બક્ષીના હતા. કાનૂની કાર્યવાહી કરવાની તેમણે વાત કરી હતી. પછી એ મામલો કોઇક રીતે સુલઝ્યો જ હશે. કેમ કે અનુ મલિક અને સમીર બન્ને આદેશજીની પ્રાર્થના સભામાં આવ્યા હતા. એવો કોઇ ઉકેલ કદાચ કુમાર ગૌરવે કરવાનો બાકી હશે. કુમારની પ્રથમ ફિલ્મ ‘લવ સ્ટોરી’ની હીરોઇન વિજયેતાના પતિનું અવસાન થયું હોવા છતાં કુમાર ગૌરવ આશ્ચર્યજનક રીતે આ માઠા પ્રસંગે દેખાયા હોવાના કોઇ અહેવાલ નથી.
 


આમ જુઓ તો વિજયેતા અને આદેશ શ્રીવાસ્તવને એવો આઘાત તેમને કેન્સરની જાણ પહેલી વાર ૨૦૧૦માં થઈ ત્યારે જ લાગ્યો હતો. તે દિવસોમાં એટલે કે ૨૦૧૧માં એક હિન્દી પત્રકારને આપેલા ઇન્ટર્વ્યૂમાં આદેશે આ શબ્દો કહ્યા હતા, “એકદમ સે બીમાર પડના બહુત કષ્ટ ભરા હૈ. જિન લોગોં કે સાથ મૈંને બરસોં કામ કિયા ઉનકે ઠંડે રુખને મુઝે બીમારી સે જ્યાદા તકલીફ પહુંચાઇ હૈ. જબ મૈં બીમાર હુઆ તો કોઇ મુઝ સે મિલને નહીં આયા.” છેવટના દિવસોમાં લાખો રૂપિયાની કિંમતનાં ઇન્જેક્શનો અને દવાઓ લાવવાનાં થતાં. ત્યારે નૈતિક સહારો (મોરલ સપોર્ટ) આપવા વિજયેતા અને આદેશ શ્રીવાસ્તવનું મિત્રોનું એક અલગ જ ગ્રુપ સતત સાથે રહ્યું હતું. તેમાં પૂનમ ધિલ્લોન, આયેશા ઝુલ્કા, અલકા યાજ્ઞિક અને સુનિધિ ચૌહાણ એ મહિલાઓ તો હતી જ; સાથે સાથે તેમાં એક એવું નામ પણ હતું જેને આજે લોકો કદાચ વિસરી ગયા છે. એ હતા ‘માસુમ’ જેવી સેન્સિટીવ ફિલ્મના ડાયરેક્ટર શેખર કપૂર! નવાઇ લાગશે પણ આદેશજી તેમના બીમારીના દિવસોમાં શેખરના હાથે જ જમતા હતા અને તેથી રોજ સાંજે/રાત્રે શેખર અચૂક હોસ્પિટલમાં આવતા અને આદેશને જમાડતા!


આદેશને અપાયેલી શ્રદ્ધાંજલિઓમાં તેમના સાર્વજનિક કામનો ખાસ ઉલ્લેખ ન દેખાયો. બાકી ૨૦૧૩માં ઉત્તરાખંડના ભયાનક પુર વખતે તેમના કવિ મિત્ર આલોક શ્રીવાસ્તવને દિલ્હી ફોન કરીને તાત્કાલિક એક ગીત લખવા કહ્યું અને તાત્કાલિક તેને ગાયક શાન સાથે મળીને પોતે ગાયું. એ ગીત “ન જીવન બચા, ન જીવન કી નિશાની, પહાડોં પે બરસા પહાડોં કા પાની...” ચેનલો પર ચાલ્યું અને રાહત ભંડોળમાં નાણાં છલકાવવામાં મદદરૂપ થયા. તો એ અગાઉ નાની બાળકીઓ પર થતા બળાત્કાર અંગે જાગૃતિ લાવવા એ જ કવિ પાસે કવિતા લખાવી અને તેને માસુમ ગાયિકા અર્પણા પંડિત પાસે ગવડાવી. એ કવિતા, “નજર આતા હૈ ડર હી ડર અમ્મા, નહીં આના મુઝે ઇતને બુરે સંસાર મેં...” ને ‘આજતક’ ચેનલે દિવસો સુધી ચલાવી હતી. પરંતુ એક વાત ખટકી. આદેશ શ્રીવાસ્તવના પણ સંગીતવાળી ફિલ્મ ‘વૅલકમ બૅક’ તેમના અવસાનના દિવસોમાં જ રિલીઝ થઈ હતી અને તે પિક્ચરનો એકાદ શો પણ બંધ રહ્યાના રિપોર્ટ જોવામાં આવ્યા નથી. નો ડાઉટ, તેમને શ્રધ્ધાંજલિ બધાએ આપી. પરંતુ, અમને સ્પર્શી ગઈ આદેશના મિત્ર કવિ આલોક શ્રીવાસ્તવની શ્રદ્ધાંજલિની આ પંક્તિઓ.... “રાગિની બનકે હવાઓં મેં બિખર જાઉંગા, અબ નઈ તર્જ, નયા ગીત ગુનગુનાઉંગા!”


 


4 comments:

  1. Very nice write up It contains so many things that we were not aware of.

    ReplyDelete
  2. Thanks, Salilbhai - had no idea about this sad news! May God give strength to Adarsh's family to deal with this terrible ordeal!

    ReplyDelete
  3. As usual માહિતી સભર શ્રધ્ધાંજલિ. આદેશ ને ઉપર વાળા નો આદેશ થયો અને તે તેમણે સ્વીકારી વાસ્તવમાં આપણને, સંગીત રસિયાઓ ને એક ઝાટકે છોડીને જતા રહ્યા - અમિત શાહ ઈસનપુર અમદાવાદ

    ReplyDelete