Saturday, August 5, 2017

દિવ્યા ભારતી (૮)



દિવ્યા ભારતી...... યાદોં મેં બસાયા તુમકો! (8)



દિવ્યા ભારતીનો મૃતદેહ કૅઝુઅલ્ટિ વોર્ડમાં એક ટ્રોલી ઉપર પડ્યો હતો. રાતના દોઢ વાગ્યા સુધી કોઇ ખાસ આવ્યું નહોતું. પિતા ઓમપ્રકાશ ભારતીજીને ઇંજેક્શન આપ્યું હોવા છતાં તે શાંત નહોતા થયા. એ ટ્રોલીની બાજુમાં ભીંતને અઢેલીને “મેરી બેટી કો માર દિયા...” જેવી તત્કાળ અકળામણ કરતા, કલ્પાંત કરતા, બેઠા હતા. તેમને સાચવવા દીકરો કુણાલ સાથે હતો. સાજીદ આવ્યા અને તે બેહોશ થતાં તેમને ‘આઇસીયુ’માં ખસેડાયા. દિવ્યાની સાથે તે રાત્રે હતી તે તેને નાનપણથી સાચવતી અને રસોઇ તથા મીતાજીને ઘરકામમાં કાયમ સહાય કરતી બાઇ અમૃતા, ત્યાંથી ભારતી પરિવારને ખબર આપવા ઘેર દોડી ગઈ હતી, જેને લીધે પિતા-પુત્ર તો તરત આવી ગયા હતા. પણ હજી સુધી મમ્મી મીતા ભારતી આવ્યાં નહોતાં. એ દિવસોમાં મોબાઇલ ફોન ક્યાં હતા કે પત્તાંનાં શોખીન મીતા ભારતીને તરત ખબર આપી શકાય? જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ ઇન્ડસ્ટ્રીના લોકોનું આવવાનું શરૂ થયું. સૌથી પહેલા આવ્યા પેહલાજ નિહલાની. તે તેમનાં પત્ની અને પુત્રો સાથે આવી પહોંચ્યા હતા. તેમણે આવીને તરત એક વડીલની અદામાં આખો મામલો હાથમાં લઈ લીધો.

નિહલાનીજીએ ડોક્ટરો સાથે મળીને સૌ પ્રથમ તો નર્વસ બ્રેકડાઉનનો ભોગ બનેલા દિવ્યાના પિતાજીને   શાંત કરવા હોસ્પિટલમાં જ પણ દીકરીના શબથી દૂર અન્યત્ર ખસેડાવ્યા. દરમિયાનમાં ગોવિંદા, બોની કપૂર, સંજય કપૂર, સૈફ અલી ખાન અને કમલ સદાના જેવા સહકલાકારો તથા પ્રોડ્યુસર રાજુ માવાણી વગેરે આવી પહોંચ્યા. સાજીદભાઇનાં માતાપિતા તથા પરિવારજનો પણ દોડી આવ્યા હતા. ગોવિંદા રડતો રડતો બોલતો હતો, “ઉસે નજર લગ ગઈ...”. સાડા ત્રણેક વાગે થોડાક સ્વસ્થ થયેલા ભારતીજી પાછા ત્યાં આવ્યા અને પોણા ચારના અરસામાં છેવટે મીતા ભારતી આવી પહોંચ્યાં. તે વખતે હોસ્પિટલમાં હાજર એવા અનિલ મૈનીના કહેવા પ્રમાણે, પત્નીને જોતાં જ ગુસ્સામાં ઓમપ્રકાશજીએ તેમને ઝાપટ મારી દીધી. હાજર ડોક્ટર અને વોર્ડબોય સૌએ મળીને તેમને પકડી રાખ્યા. મીતાજીએ ટ્રોલી પાસે જઈને દિવ્યાના ચહેરા પરનું કપડું હટાવ્યું. પોતાની વહાલસોયી દીકરીની છાતી પર માથું મૂકીને મીતાજી રડ્યાં અને પાછાં નીકળી ગયાં. છઠ્ઠીની વહેલી સવાર થતા સુધીમાં તો પોલીસ પણ આવી ગઈ હતી.




પોલીસને અકુદરતી મોતની ખબર હોસ્પિટલ તરફથી અપાય એટલે તે નિયમ અનુસાર પોતાનું કામ કરે.ણ પોલીસ અને હોસ્પિટલની કાગળની કાર્યવાહી તો તેની ઝડપે જ થાય. અકુદરતી મોત હોઇ દિવ્યાના શબનું પોસ્ટમોર્ટમ કરવાનું થતું હતું. ત્યારે ‘ફિલ્મફેર’નાં પત્રકાર પરવીના ભરદ્વાજનો રિપોર્ટ છે કે બોની કપૂરે મુંબઈના તે વખતના પોલિસ કમિશનર એ.એસ. સામરાને દરમિયાનગીરી કરવા વિનંતિ કરી હતી. એ પાછળ એક હીરોઇનના શરીરને એવી વાઢકાપમાંથી ના ગૂજરવું પડે અને બને એટલી વહેલી અંતિમ ક્રિયા પતે એવો કોઇ આશય હશે. પરંતુ, કાયદેસરની કાર્યવાહીમાં કોઇ બાંધછોડ ના થાય. તેમાંય આ તો હાઇ પ્રોફાઇલ કેસ હતો. દિવ્યાનાં મમ્મીએ પોતાનાં આંસુ રોકીને સ્વસ્થતાથી બધું પેપરવર્ક પૂરું કરાવ્યું. પોસ્ટમોર્ટમ રૂમની બહાર ફિલ્મી વ્યક્તિઓ મોટી સંખ્યામાં રાહ જોતા ઉભા હતા. તેમાં ગોવિંદા, રાજ બબ્બર, ઉર્મિલા માતોંડકર, રાજીવ રાય, દેબુ મુકરજી, સુધાકર બોકાડે, અમિતા, સાબિયા, મહેશ આનંદ, પેહલાજ નિહલાની, ડેવિડ ધવન વગેરે હાજર હતા. થોડી વારે સિને આર્ટિસ્ટ એસોસિએશનના વિકાસ આનંદે આવીને એક અગત્યની જાહેરાત કરી.




વિકાસજીએ કહ્યું કે અંતિમ સંસ્કાર બીજા દિવસે એટલે કે ૭મી એપ્રિલે થશે. કારણ કે દિવ્યાના પિતાજી અને સાજીદભાઇ બન્ને સારવાર હેઠળ છે, જેમની તબિયત સરખી થવા માટે થોડાક કલાકની જરૂર છે. તેમજ ભારતી અને નડિયાદવાલા બન્ને પરિવારો વચ્ચે એ નિર્ણય થવાનો બાકી છે કે દિવ્યાના હિન્દુ ધર્મ અનુસાર અગ્નિ સંસ્કાર કરવા  કે પછી ઇસ્લામ મુજબ દફનવિધિ કરવી? આ અંગે દિવ્યાના મૃત્યુના પછીના મહિને (મે ૧૯૯૩માં) આવેલા ‘સ્ટારડસ્ટ’નો રિપોર્ટ વિગતવાર છે. તે અનુસાર, પોલીસે જે નિવેદનો નોંધ્યાં તેમાં સાજીદના પિતાજીએ કહ્યું હતું કે “સાજીદ અને દિવ્યા પરણ્યાં નહોતાં. હકીકતમાં એ બન્ને ત્રણ મહિના પછી લગ્ન કરવાનાં હતાં...”  પણ ખુદ સાજીદે પોતે લગ્ન કર્યાં હોવાનું ડોક્ટરને જણાવ્યું હોવાથી સૌએ નક્કી કર્યું કે તેની દફનવિધિ કરવી. બધું નક્કી થતું હતું ત્યારે સાજીદભાઇનાં મમ્મીએ સખત વિરોધ કર્યો. તેમનું કહેવું હતું કે જ્યારે મને શાદીની ખબર જ નથી, ત્યારે હું કેવી રીતે સંમતિ આપું? દિવ્યા તરફથી તેનાં મમ્મી એકલાં જવાબ આપે એ સ્થિતિમાં હતાં. તેમણે કહ્યું કે ‘અમે તો અમારી દીકરી ગુમાવી છે. હવે તમે એને બાળો કે દાટો શું ફરક પડે છે?’

 ‘સ્ટારડસ્ટ’ના એ રિપોર્ટ અનુસાર, દફનવિધિની બધી તૈયારીઓ થવા માંડી હતી, ત્યારે મીતા ભારતીએ પોતાનો મત બદલ્યો. તેમણે કહ્યું કે “મારી દીકરીએ સાજીદ સાથે લગ્ન કર્યાં હોય તો પણ શું થઈ ગયું? તેણે ધર્મ બદલ્યો નહોતો. જો તેણે એમ કર્યું હોય તો તેના કાગળો બતાવો. નહીં તો તેના અગ્નિ સંસ્કાર જ થશે...” સાજીદ હોસ્પિટલમાં જ હતા અને તે થોડા સ્વસ્થ થયા હોઇ એ સંદેશો લઈને મિત્રો તેમની પાસે ગયા. તેમણે પણ લગ્નનો ઇનકાર કર્યો! તેમના મિત્રોએ એક જ કલાકમાં નિકાહનામાની નકલ લાવી આપવાની તૈયારી બતાવી. પરંતુ, સાજીદે પોતાની વાત પકડી રાખી. છેવટે નક્કી થયું કે અગ્નિસંસ્કાર કરવા. દિવ્યાના અવસાન પછીના સમયમાં, મે ’૯૩માં આવેલા ‘ફિલ્મફેર’ના અંકમાં, પણ દિવ્યાના અંતિમ સંસ્કાર કયા ધર્મ અનુસાર કરવા તેની ઉભી થયેલી મુંઝવણનો ઉલ્લેખ છે. તેમાં જણાવ્યા મુજબ, તે અંગેનો નિર્ણય સાજીદ પર છોડવામાં આવ્યો હતો અને સાજીદ-દિવ્યાનાં લગ્ન જાહેર ન થયાં હોઇ અગ્નિ સંસ્કાર કરવાનું નક્કી થયું હતું.

તો લોકપ્રિય હિન્દી સાપ્તાહિક ‘ફિલ્મસિટી’ના પત્રકાર હનીફ ઝવેરીએ પણ એ જ ચર્ચાનો ઉલ્લેખ પોતાના રિપોર્ટમાં કર્યો હતો. તે મુજબ, કઈ ધાર્મિક વિધિ અનુસાર દિવ્યાને અંતિમ વિદાય આપવી એ માટે ભારતી પરિવાર અને નડિયાદવાલા કુટુંબના સભ્યોની છેવટે એક સંયુક્ત બેઠક થઈ હતી. તેમાં સાજીદભાઇના પરિવારજનોએ કહ્યું કે “અમારી પુત્રવધુ બની તે પહેલાં દિવ્યા તમારી બેટી હતી. તેથી તેની રૂખસત તમે જે રીતે ઇચ્છશો એ રીતે થશે...” હનીફ ઝવેરીએ તે નિર્ણયને હિન્દુ-મુસ્લિમ એકતાના સરસ દ્દષ્ટાંત તરીકે પ્રસ્તુત કર્યો હતો. હકીકતમાં તો, આવી ઘટનાઓમાં હકીકતો અને નિવેદનોની સચ્ચાઇને ચકાસવાનું, અને તે પણ આટલાં વરસો પછી તો ખાસ, કાયમ જ મુશ્કેલ હોય. કેમ કે અચાનક થયેલા જવાન મોતના કિસ્સામાં નજીકના કુટુંબીજનો એટલા ભયંકર આઘાતમાં હોય છે કે ક્યાં શું બની રહ્યું છે, સગા-વહાલા અને મિત્રો સંબંધીઓ વગેરે કોણ શું કરી રહ્યું છે અથવા પોતે શું બોલી રહ્યા છે એ કશાનું ભાન હોતું નથી. આ સામયિકોના અહેવાલોનો ઉલ્લેખ કરવાનો આશય એ સમયની ગૂંચવાડાભરી સ્થિતિનો અંદાજ આપવા પૂરતો છે. બધી અનિશ્ચિતતાઓને અંતે છેવટે નક્કી થયું કે દિવ્યાની અંતિમ યાત્રા કબ્રસ્તાન તરફ નહીં પણ સ્મશાનભૂમિમાં પહોંચશે.


એટલે ૭મીની સવારે દિવ્યાની બૉડી તેના પિયરના ઘેર એટલે કે જુહુ પાર્લે સ્કિમમાં ‘અર્ચના કુટિર’ એપાર્ટમેન્ટના પાંચમા માળે, ઓમપ્રકાશ ભારતીના નિવાસસ્થાને, લઈ જવાઇ. ઉપર જ્યાં દિવ્યાનો દેહ રખાયો હતો ત્યાં ફક્ત નજીકના સગાઓને અને ગણત્રીના જ ફિલ્મી વ્યક્તિઓને જવાની છૂટ હતી. તેથી કલાકારો કસબીઓ અને પ્રેસના સૌ બિલ્ડિંગના પ્રાંગણમાં જ રાહ જોતા ઉભા રહ્યા હતા. ત્યાં આશા પારેખ, હેમા માલિની, જુહી ચાવલા, મનીષા કોઇરાલા, બબીતા, કરિશ્મા કપૂર, સોનુ વાલિયા, અરૂણા ઇરાની, શિલ્પા શિરોડકર, સંગીતા બિજલાની જેવી સાથી અભિનેત્રીઓ ઉપરાંત ડેવિડ ધવન, લોરેન્સ ડિસોઝા, સુધાકર બોકાડે, ગોવિંદા, અમરીશ પુરી, રઝા મુરાદ, ભરત રંગાચારી, નદીમ શ્રવણ એમ ફિલ્મો સાથે સંકળાયેલી લગભગ દરેક ક્ષેત્રની વ્યક્તિઓ હાજર હતી. દિવ્યાના પિતાજીને છઠ્ઠીની રાત્રે જ દવાખાનેથી ઘેર લાવી દેવાયા હતા. જ્યારે સાજીદને ૭મીની સવારે સવા દસના સુમારે હોસ્પિટલથી લવાયા. સાડા દસ પછી મરુન રંગની સાડી ઉપર લાલ ચુંદડીથી સૌભાગ્યવંતીની જેમ સેંથમાં સિંદૂર સહિત સજાવેલો દિવ્યાનો મૃતદેહ નીચે લવાયો. પંડિતજીએ મંત્રોચ્ચાર શરૂ કર્યા અને દિવ્યાના પિતાજીએ મોટી પોક મૂકી.



તેમને પેહલાજ નિહલાની તથા અમરીશ પુરીએ  સાંત્વના આપી. તે પછી જ્યારે દિવ્યાની અર્થી ઉઠી ત્યારે તેને સૌ પ્રથમ ખભો દેવામાં ઓમપ્રકાશ ભારતીજીની સાથે પેહલાજજી અને અમરીશજી પણ હતા. લગભગ પોણા બારના સુમારે એમ્બ્યુલેન્સમાં અંતિમ યાત્રા વિલે પાર્લેના સ્મશાનગૃહમાં પહોંચી. ત્યાં પહેલેથી જ અનિલ કપૂર, સંજય કપૂર, અવિનાશ વાધવાન, આલોકનાથ, ચંદ્રશેખર, જાવેદ ખાન, એન. ચન્દ્રા, ગિરિજા શંકર, શશિલાલ નાયર વગેરે આવી ગયા હતા. હિન્દુ વિધિ મુજબ પૂજા વિધિ પછી દિવ્યાના વહાલા નાનાભાઇ કુણાલે મુખાગ્નિ અર્પીને અગ્નિદાહ દીધો અને ૭મી એપ્રિલની એ બપોરે ખૂબસુરત દિવ્યાનો દેહ રાખ થઈ ગયો! સ્મશાનમાં ઉડતી ધુમ્રસેરોમાં કંઇ કેટલાંય રહસ્યો દિવ્યા પોતાની સાથે લઈ ગઈ અને પોતાના રડતા ચાહકો માટે અધૂરી ફિલ્મો ઉપરાંત આત્મહત્યા કે ખૂન કે અકસ્માત જેવી અધકચરી અટકળો પણ મૂકતી ગઈ. એવી અટકળોને વેગ મળે એવી એક રહસ્યમય ઘટના દિવ્યાના અવસાનના એક મહિના પછી બની. (ક્રમશઃ)




ખાંખાખોળા!

દિવ્યા ભારતીની માંડ ત્રણ વરસની કરિયરમાં લોકપ્રિયતાની એ ચરમસીમા હતી કે એ નવોદિત કહેવાય એવી હીરોઇન પણ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાણીતા ઉત્પાદનોમાં ચમકવા માંડી હતી. મારા સંગ્રહમાંથી પ્રસ્તુત છે એવી એક એડ... ‘સીમા’ ઇલેક્ટ્રિકસની!





No comments:

Post a Comment