Saturday, August 12, 2017

દિવ્યા ભારતી (૯)દિવ્યા ભારતી...... યાદોં મેં બસાયા તુમકો! (9
દિવ્યાના અણધાર્યા મૃત્યુ વખતે જે લોકો હાજર હતા તે પૈકીની નાનપણથી તેની આયા ગણો કે કૂક કે પછી સપોર્ટ પર્સન એવી અમૃતાનું પણ એ કમનસીબ ઘટનાના એકાદ માસમાં જ અવસાન થઈ ગયું! પરિણામે જે ગૂંચવાડા હતા તે વધુ ઘેરા થયા. યાદ રહે કે ડિસેમ્બર ’૯૨માં, બાબરી મસ્જીદનો ઢાંચો જમીનદોસ્ત થયો હતો. તે પછી તરતના, એટલે કે ૧૯૯૩ના વર્ષના પ્રારંભિક, મહિનાઓમાં દેશનું અને ખાસ કરીને મુંબઈનું વાતાવરણ ઘણું તંગ હતું. દિવ્યાના અવસાનના માંડ ત્રણ જ અઠવાડિયાં અગાઉ માર્ચમાં એક જ દિવસે, બાર તારીખે, મુંબઈ શહેરમાં એક સાથે ૧૨જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયા હતા અને કોમી તણાવ તેની ચરમસીમાએ હતો. એવા સમયમાં દિવ્યાના મોતના મહિના માસમાં અમૃતાનું અવસાન જાત જાતનાં રહસ્યો ઉભાં કરતું હતું. ખાસ કરીને એટલા માટે કે તપાસ દરમિયાન તેનું નિવેદન લેવાય તે પહેલાં જ તેનું મૃત્યુ થઈ ગયું હતું.


અમૃતાના મોતનું કારણ હ્રદયરોગનો ભારે હુમલો કહેવાયું હતું. મૃત્યુ સમયે દિવ્યાની ઉંમર ૧૯ વર્ષની હતી અને તેને સાચા અર્થમાં ઉછેરનાર એ ‘અમરુ’ તેની સાથે ૧૮ વરસથી હતી! એક રીતે કહીએ, તો એ ‘કામવાલી બાઇ’ ગણાતી અમૃતા દિવ્યા માટે તો ‘માતા યશોદા’ સમાન હતી. તેને દિવ્યાની ‘રહસ્ય મંત્રી’ પણ કહી શકાય. તે જોતાં અમૃતાને સૌથી વધુ આઘાત લાગ્યો હોય એ સ્વાભાવિક હતું.  આખો કેસ સત્તાવાર રીતે પોલીસે અકસ્માત તરીકે ફાઇલ કરી દીધો તે પહેલાંના દિવસોમાં જાત જાતની કથાઓ અને શક્યતાઓ વહેતી રહી હતી. જેમ કે દિવ્યાએ કરેલી ફિલ્મોમાં ‘દિલ હી તો હૈ’ પણ હતી. તેના પ્રોડ્યુસર ‘મેગ્નમ વીડિયો’ના હનીફ કડાવાલા અને સમીર હિંગોરા હતા; જેમનાં નામ સંજયદત્તને શસ્ત્રો પહોંચાડવા બદલ બોમ્બે બ્લાસ્ટ કાવત્રાના આરોપીઓ તરીકે આવ્યાં હતાં. હનીફની તો પછી ગેંગવૉરમાં  હત્યા પણ થઈ ગઈ. જ્યારે સમીર હિંગોરાને કોર્ટે બોમ્બે બ્લાસ્ટના ગુનેગાર સાબિત ઠરાવતાં પ્રોસિક્યુશને ફાંસીની સજાની માગણી કરી હતી. અંડરવર્લ્ડ અને બોલીવુડના સંબંધોની ચર્ચા ત્યારે ૧૯૯૩માં, ડરને કારણે, દબાતા સ્વરે થતી. પરંતુ, હવે તો રીશી કપૂર જેવા સ્પષ્ટવક્તા એક્ટરે ખુલ્લેઆમ તે અંગે જાણકારી આપી છે.
 
 રીશી કપૂરે પોતાની આત્મકથા ‘ખુલ્લંખુલ્લા’માં દુબઈમાં દાઉદ સાથે પોતાના અને અન્ય ફિલ્મ કલાકારોના સંબંધો બોમ્બે બ્લાસ્ટ અગાઉના સમયમાં કેવા હતા તેની વાતો લખી છે. દુબઈ જતા સ્ટાર્સની  કેવી સારી આગતા-સ્વાગતા ‘ડી કંપની’ કરતી એ વાંચીએ તો સમજાય કે જો ’૯૩માં દેશને હચમચાવી દે એવા એ ધડાકા ના કર્યા હોત તો, બોલીવુડને દાઉદના દાણચોરી અને બિલ્ડરો કે સિનેમાના કલાકારો-સર્જકો પાસેથી ખંડણી ઉઘરાવવા જેવા દેશની ઇકોનોમીને ખોખલી કરી દેતા ગુનાઓ કરનારાઓ સાથે સંબંધ રાખવામાં કોઇ છોછ નહોતો! તે દિવસોમાં, દિવ્યાની મજાક-મસ્તી ક્યારેક ચોંકાવનારી થતી, એવી પણ વાતો આવી હતી. એ ૧૯ વરસની થવા છતાં તેનામાં જે છોકરમત હતી, તેને લીધે અણધાર્યાં સાહસ કરવાની વૃત્તિ પણ હતી. દાખલા તરીકે, ’૯૨ના મે મહિનામાં તેણે સાજીદ સાથે લગ્ન કર્યાં, ત્યારે એક વિચિત્ર વાતનો તેને આનંદ હતો.

દિવ્યાની પર્સનાલિટી વિશે તેના અવસાન પછી તરતના મહિને ‘સિને બ્લિટ્ઝ’ મેગેઝીનના કીથ ડિ’કોસ્ટા સાથે વાત કરતાં મમ્મી મીતા ભારતીએ કહ્યું હતું કે, જ્યોતિષીઓએ આગાહી કરી હતી કે દિવ્યા ૨૩ વરસ પછી પરણશે. એટલે વહેલાં લગ્ન કરીને જોશીઓને પોતે કેવા ખોટા પાડ્યા એ વાતે પણ દિવ્યાને મજા પડી હતી! તે જ મહિને  ‘સ્ટાર એન્ડ સ્ટાઇલ’ પખવાડિક સાથેની વાતચીતમાં સાજીદે પણ એક સરસ મુદ્દો કહ્યો હતો. તેમણે કહ્યું કે “દિવ્યા ઓગણીસ વરસની એક નોર્મલ છોકરી હતી. તે ઉંમરે યુવા વ્યક્તિ દરેક વાતે કાયમ એક્સાઇટેડ રહેતી હોય છે. મુશ્કેલી એ હતી કે લોકો તેનામાં ત્રીસ વરસની મહિલાની પરિપક્વતા (મેચ્યોરિટી)ની અપેક્ષા રાખતા. પણ તેને માટે એ શક્ય નહોતું...”  જો કે, દિવ્યાના મોતમાં તેની પર્સનાલિટી કે બીજા કશાનો કોઇ રોલ હતો કે કેમ એ કરતાં વધારે મોટો સવાલ કિસ્મતનો હતો. તે જગ્યાને મનહૂસ ગણનારા કહેતા હતા કે જે બિલ્ડિંગમાં દિવ્યાની દુર્ઘટના થઈ, તેમાં એવી તે ચોથી ઘટના હતી. તેથી લોકો એવા સવાલ પણ કરતા હતા કે શું દિવ્યાની ચિરવિદાય એ નસીબનો ખેલ હતો? બાકી આગલા દિવસે તે મદ્રાસથી મુંબઈ આવી હતી. દુર્ઘટનાની સાંજે તો તેણે ‘અંગરક્ષક’ ફિલ્મના શૂટિંગ માટે હૈદ્રાબાદ જવાનું હતું. તે પછી મદ્રાસથી સાજીદની ફિલ્મ ‘આંદોલન’ના આઉટડોરમાં ભાગ લેવા મોરેશ્યસ જવાનું નક્કી હતું. જો એ પ્લાન મુજબ બધું ચાલ્યું હોત તો પાંચમી એપ્રિલની એ ગોઝારી સાબિત થયેલી રાત્રે તે હૈદ્રાબાદમાં ના હોત?

પરંતુ, દિવ્યાએ પોતાનાં માતા-પિતા અને ભાઇ માટે ‘નેપ્ચ્યુન’ બિલ્ડિંગમાં ફ્લેટ જોવાનું તે દિવસે રાખ્યું. તેથી પગમાં મામૂલી ઇજાનો પાટો હતો, તેનું કારણ જણાવીને હૈદ્રાબાદ જવાનું ટાળ્યું. જો તે મદ્રાસથી મુંબઈ આવ્યા વગર સીધી જ મદ્રાસથી હૈદ્રાબાદ ગઈ હોત તો? શું એ જીવલેણ ઘડીને થાપ આપીને દિવ્યા બચી ગઈ હોત? એવું થયું હોત તો તેના અવસાન પછી તેની હાથ પરની ફિલ્મોમાં બીજી અભિનેત્રીઓને લેવાનો સવાલ જ ઉભો ન થાત અને તો “તુ ચીજ બડી હૈ મસ્ત મસ્ત...” એમ અક્ષય કુમારે દિવ્યા માટે ગાયું હોત! હા, ‘મોહરા’માં રવીના ટંડનનો નંબર દિવ્યા ભારતીના અવસાન પછી લાગ્યો હતો. જો દિવ્યા તે ફિલ્મમાં રહી હોત તો “ટીપ ટીપ બરસા પાની, પાનીને આગ લગાઈ...” જેવું સેક્સી ગાયન પણ તેને ભાગે આવ્યું હોત. ‘મોહરા’ બોક્સઓફિસ પર ‘હમ આપકે હૈં કૌન’ પછીની બીજા નંબરની હીટ ફિલ્મ સાબિત થઈ હતી. ‘મોહરા’થી રવીનાની ટોપ તરફની યાત્રામાં કેવી ઝડપ આવી હતી એ સૌ જાણે જ છે.  તે જોતાં સ્ટાર રેસમાં દિવ્યા ક્યાં પહોંચી હોત એ કલ્પના કરવી અઘરી નથી. માત્ર ‘મોહરા’ જ શું કામ? દિવ્યાની ફ્લોર પરની બીજી ફિલ્મો પણ કેવી મજબૂત હતી!

તેની હાથ પરની ફિલ્મોમાં અનિલ કપૂર સાથેની ‘લાડલા’ પણ હતી, જેમાં શ્રીદેવીએ તેનું સ્થાન લીધું. એ જ ‘શ્રી’ કે જેની કોપી દિવ્યા ગણાતી હતી, તેનું સ્થાન તે ઓરિજિનલ એક્ટ્રેસે લીધું. દિવ્યા માટે તે સૌથી મોટું કોમ્પ્લિમેન્ટ કહી શકાય. તેમાં અનિલ કપૂર સાથે “ધીક તનાના ધીક તનાના...” ગીતમાં શ્રીદેવી જે સેક્સી અદાઓ બતાવે છે, તે દિવ્યાને કરવાની આવી હોત. એ જ રીતે, ‘વિજયપથ’માં અજય દેવગન સાથે પણ દિવ્યા જ હતી. તેની જગ્યાએ આવેલી તબુની રજૂ થયેલી પ્રથમ ફિલ્મ સાબિત થઈ. હાલાકિ તબુ તો હીરોઇન તરીકે સંજય કપૂર સાથેના ‘પ્રેમ’માં ઇન્ટ્રોડ્યુસ થવાની હતી. ‘પ્રેમ’ તે પછીના વર્ષે ’૯૫માં રિલીઝ થઈ શક્યું હતું. તબુને ‘વિજયપથ’ના જે ગાયને ભારે લોકપ્રિયતા અપાવી એ ‘રૂક રૂક રૂક, અરે બાબા રૂક, ઓ માય ડાર્લિંગ, ગીવ મી એ લૂક...” પર દિવ્યાએ ડાન્સ કર્યો હોત! તો ‘કર્તવ્ય’માં દિવ્યાનું સ્થાન જુહી ચાવલાએ લીધું અને તેને કારણે ડીમ્પલે એ પિક્ચર છોડી દીધું હતું!
ડીમ્પલની ભૂમિકા ‘કર્તવ્ય’માં દિવ્યાનાં મમ્મીની હતી. તેમની દલીલ હતી કે જુહી ચાવલાની ઉંમર દિવ્યા કરતાં દસેક વરસ મોટી હતી. એ ‘ગ્રુપ’ની હીરોઇનની માતા તરીકે પોતે યોગ્ય ન કહેવાય. માતાનો એ રોલ પછી કદાચ મૌસમી ચેટરજીએ કર્યો હતો. તો સાજીદની પોતાની ‘આંદોલન’માં દિવ્યાની જગ્યાએ મમતા કુલકર્ણીની પસંદગી કરાઈ હતી. જ્યારે તેના અવસાન પછી ન બની શકેલી ફિલ્મોમાં અક્ષય કુમાર સાથેની ‘પરિણામ’ પણ હતી. તો રીશી કપૂર જોડે દિવ્યાને લઈને બનનારી ‘કન્યાદાન’ અને જેકી શ્રોફ સાથેની ‘ચાલ પે ચાલ’ એ બધી પણ અભરાઇએ ચઢાવવી પડી હતી. તેના નિધન પછી દિવ્યાને અપાયેલી શ્રધ્ધાંજલિઓમાં સૌ સામયિકોએ પોતપોતાની રીતે એ હીરોઇનની અણમોલ યાદોની નિશાનીઓ વાચકોને આપી તે નોંધપાત્ર હતી. જો ‘ફિલ્મફેર’માં તેના હસ્તાક્ષરમાં સાજીદ માટે લખાયેલા પત્રો જોવા મળ્યા, તો ‘સિને બ્લિટ્ઝ’માં દિવ્યાના નાનપણના ફોટા જોવા મળ્યા. જ્યારે તેની વરસી નિમિત્તે ફેબ્રુઆરી’૯૪ના ‘શો ટાઇમ’માં, દિવ્યાની અંગત સહેલી હોવાનો દાવો કરી શકે એવી, પત્રકાર સુજાતાએ પ્રશંસકોએ પોતાની પ્રિય અભિનેત્રી (દિવ્યા)ને લખેલા પત્રો રજૂ કર્યા.

તો ‘સ્ટારડસ્ટ’માં ઓમર કુરેશીએ ‘ફેરવેલ ટુ એ ફ્રેન્ડ!’માં એ વાત યાદ કરી હતી, જ્યારે તેમની ઓફિસમાં આવીને દિવ્યાએ કહ્યું હતું કે પોતે એટલું બધું કરવા માંગે છે કે સમય ઓછો પડી રહ્યો છે. “હું તો ઇમાનદારીથી જે હોય તે મોંઢા પર કહી દઉં છું.... આફ્ટર ઓલ, આ જિંદગી તો સાવ નાનકડી છે...” (કેવા સાચા પડ્યા એ શબ્દો!) એ જ સામયિકના જર્નાલિસ્ટ ટ્રોય રિબિરોએ જો કે પોતાના આર્ટિકલમાં એ વાતનો અફસોસ કર્યો હતો કે એક નીતિન મનમોહનને બાદ કરતાં કોઇ નિર્માતાએ દિવ્યાના શોકમાં પોતાનું શૂટિંગ રદ કર્યું નહોતું. ઇન્ડસ્ટ્રીનું મોટાભાગનું કામકાજ રાબેતા મુજબ ચાલતું રહ્યું. એટલું જ નહીં, દિવ્યાની વિદાયના દિવસે જીતેન્દ્રને ત્યાં બર્થડે પાર્ટી હતી તે કેન્સલ નહોતી કરાઈ! જ્યારે પછીનાં વર્ષોમાં ‘ફિઝા’ જેવું ચિત્ર બનાવનાર પત્રકાર ખાલીદ મોહમ્મદે એક માહિતી એવી આપી, જેની બહુ ઓછાને જાણ હતી.

 ખાલીદભાઇના જણાવ્યા મુજબ તો, તે સમયે દિવ્યા ભારતી લોકપ્રિયતાના મોજા પર એવી સવાર હતી કે દિલ્હીમાં યોજાનારા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ઉદ્ઘાટનનો દીપ પ્રગટાવવા માહિતી અને પ્રસારણ ખાતા તરફથી તેને નિમંત્રણ અપાયું હતું. એ સમારંભ અગાઉ, દિવ્યાએ અશોકા હોટલના પોતાના સ્યુઇટમાંથી દૂરદર્શનને મુલાકાત પણ આપવાની હતી. કેટકેટલી સુખદ ઘડીઓ તેની રાહ જોઇ રહી હતી! અને અચાનક મૃત્યુનો તમાચો પરિવાર અને ચાહકો પર પડ્યો. એ માની ન શકાય એવા ન્યૂઝ આવ્યા તે દિવસને યાદ કરીએ, તો સિનેમા જોનારા સૌને આજે પણ એ હચમચાવી જનારો એ આંચકો ફરી અનુભવાય છે. એટલે કુટુંબીજનોને તો એ ઘા જીરવવો કે તેમાંથી બહાર આવવું કેટલું મુશ્કેલ રહ્યું હશે એ સમજાય એવું છે. દિવ્યાના અવસાનના એક વરસ પછી ૧૯૯૪ના મે મહિનામાં ‘ફિલ્મફેર’નાં નિલોફર કુરેશીને આપેલા ઇન્ટરવ્યૂમાં  સાજીદભાઇએ કહ્યું હતું કે “કોઇની સાથે અફેર કરવાનો કે ફરીથી લગ્ન કરવાનો સવાલ જ ઉપસ્થિત થતો નથી...” 

પરંતુ, જીવન કાંઇ અટકતું નથી. સમય જ દરેક દુઃખનો ઇલાજ હોય છે. ‘દુઃખનું ઓસડ દહાડા’ એ ન્યાયે દિવ્યાના અવસાનના ૭ વરસ પછી ૨૦૦૦ની સાલમાં ૧૮ નવેમ્બરે સાજીદખાને વર્દા ખાન નામનાં મહિલા પત્રકાર સાથે શાદી કરી. એ બન્ને પ્રથમ વાર દિવ્યાની પ્રથમ પૂણ્યતિથિએ મળ્યાં હતાં, જ્યારે વર્દાએ સાજીદનો ઇન્ટરવ્યૂ કર્યો હતો. તેમને બે પુત્રો ‘સુભાન અને ‘સુફિયાન’ પણ છે. દિવ્યાના ભાઇ કુણાલનાં પણ ૨૦૦૩માં લગ્ન થયાં અને તે પણ એક દીકરીનો પિતા બની ચૂક્યો છે. દિવ્યાનાં મમ્મી મીતા ભારતી કહે છે કે એ પૌત્રી ‘અલિકા’માં તે દિવ્યાને જુએ છે. આપણે સિનેપ્રેમીઓએ પણ દિવ્યાને તેની ફિલ્મો અને તેનાં ગાયનોમાં આ પંક્તિ ગાતા જોતા રહેવાનું છે... ‘ખ્વાબોં મેં છુપાયા તુમ કો, યાદોં મેં બસાયા તુમકો...’! (સમાપ્ત)
 
ખાંખાખોળા! 
બોલીવુડની માત્ર બે-ત્રણ જ વર્ષની કારકિર્દીમાં દિવ્યાએ મેળવેલી અપાર લોકપ્રિયતાનો એક ઓર પુરાવો:
અમારા સંગ્રહમાંના મેગેઝનમાંથી મળ્યું, સૌંદર્ય પ્રસાધનની પ્રતિષ્ઠિત કંપની ‘ઇમામી’ની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કરેલી એડનું આ એક પાનું..!

 
 1 comment:

  1. After reading nine chapters on Divya Bharti, reader still wanders if her death was an accident or a murder?

    ReplyDelete