Saturday, June 22, 2013

ફિલમની ચિલમ - ૨૩ જુન, ૨૦૧૩ - મુંબઇ સમાચાર




શું કરણ જોહર વિલન જેવા લાગી શકશે?




હવે અમિતાભ બચ્ચન પણ ટીવી સિરીયલમાં આવશે અને તે પણ અનુરાગ કશ્યપના દિગ્દર્શનમાં! સિનીયર બચ્ચન પહેલીવાર ટેલીવિઝન પર ‘કૌન બનેગા કરોડપતિ’ માટે સંમત થયા, ત્યારે તેમના પરિવારજનો સહિતના સૌને બીક હતી કે મોટો સ્ક્રીન છોડીને ટચુકડા પડદે જવું એ એક રીતે પોતાના સ્ટાન્ડર્ડ કરતાં નીચે ઉતરવા જેવું થશે તો? પણ ત્યારે તેમની આર્થિક કટોકટીમાં જે કામ મળે તે કરી લેવાની મજબુરી છતાં એકવાર સંમતિ આપી તે પછી એ ગેમશોમાં પૂરી નિષ્ઠાથી લાગી ગયા. તેમના બેમિસાલ પરફોરમન્સને કારણે  ‘કેબીસી’એ અપ્રતિમ સફળતા મેળવી. એક રીતે જોઇએ તો, ‘કૌન બનેગા કરોડપતિ’એ બચ્ચનને તો તેમની જિંદગીના સૌથી મોટા આર્થિક સંકટમાંથી ઉગાર્યા જ; સાથે સાથે ફિલ્મ સ્ટાર્સને નાના પડદાના છોછમાંથી મુક્ત પણ કર્યા.




એટલે અમિતાભ ટીવી સિરીયલમાં આવશે તો પણ પોતાની અલગ છાપ છોડશે એ તો ખરું જ, પણ તેનાથી પ્રેરાઇને ફિલ્મ સ્ટાર્સ પણ સિરીયલ્સમાં એક્ટિંગ કરવા માંડશે તો? એમાંય શાહરૂખ જેવાએ તો ટીવી પર ‘ઉમ્મીદ’, ‘વાગલે કી દુનિયા’, ‘ફૌજી’ અને ‘સર્કસ’ જેવી શ્રેણીઓ કરીને જ ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી ને? મઝાની વાત એ છે કે ‘સર્કસ’માં શાહરૂખે કરેલો ‘શેખરન’નો રોલ હકીકતમાં તો એક્ટર પવન મલ્હોત્રા માટે હતો! પરંતુ, પવનને તે જ દિવસોમાં ‘બાગ બહાદુર’ નામની ફિલ્મ મળી હતી. હવે ટીવી સિરીયલનાં શિડ્યુઅલ તો દૂરદર્શને આપેલા સમયમાં પતાવવાનાં જ હોય. તે જ દિવસોમાં ફિલ્મના શુટિંગની તારીખો આવે, ત્યારે બેમાંથી એકની પસંદગી ફરજિયાત કરવાની આવે જ. એ સંજોગોમાં, કોઇપણ એક્ટર સ્વાભાવિક જ ફિલ્મ કરે અને સિરીયલને છોડી દે. પવનનો છોડેલો એ રોલ શાહરૂખે કર્યો. પછી તો પવન પણ ‘સર્કસ’માં હતા. પરંતુ, માલિકના પરદેશથી પાછા આવેલા દીકરા ‘શેખરન’નો રોલ શાહરૂખને ક્યાંથી ક્યાં લઇ ગયો તેની ઇન્ટરેસ્ટીંગ હિસ્ટરીની વાત ફરી ક્યારેક. 
 

પણ અમિતાભ અને અનુરાગ કશ્યપનું મિલન ટીવી સિરીયલ માટે થાય એ મોટી ઘટના કહેવાય. જો કે અનુરાગને ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ પછી જે જબરદસ્ત માન્યતા કોમર્શિયલ માર્કેટમાં મળી છે, તેને પગલે તેમની સાથે કામ કરવાની ઓફરને બચ્ચન પણ ઇન્કાર કરી શકતા નથી, તો પછી કરણ જોહર કેવે રીતે ના પાડે? કરણ અને અનુરાગે ફિલ્મ ઉદ્યોગની શતાબ્દિ નિમિત્તે બનેલા પિક્ચર ‘બોમ્બે ટોકીઝ’માં એક એક વાર્તાનું ડાયરેક્શન કર્યું હતું. પરંતુ, આ તેની વાત નથી. આ અઠવાડિયે આવેલા સમાચાર સાચા હોય તો અનુરાગે પોતાની નવી ફિલ્મ ‘બોમ્બે વેલ્વેટ’માં કરણ જોહરને એક્ટર તરીકે સાઇન કર્યા છે! એટલું જ નહી, કરણની એ ભૂમિકા નેગેટીવ શેડવાળી હશે.

કરણનો સીધો-સાદો ચહેરો જોતાં એ વિલનની કરડાકી લાવી શકશે? કે એ નિર્દોષ ચહેરે ચાલબાજી કરતા હશે? કે પછી ‘સડક’માં સદાશીવ અમરાપૂરકરના એવોર્ડ વિજેતા ‘મહારાની’ જેવી કોઇ ભૂમિકા હશે?  તેને  માટે વજન ઘટાડવાની સૂચના અપાઇ છે અને તે મુજબ કરણે ૧૨ કિલો ઉતારી પણ દીધું છે. ક્યાં ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’માંનો શાહરૂખનો મિત્ર બનતો ગોળમટોળ સ્થૂળકાય કરણ અને ક્યાં વજન ઉતારવાની આ એક્સરસાઇઝ! કરણ જોહરે તેને માટે રિતિક રોશનના ટ્રેઇનરની સેવાઓ લીધી છે. રિતિક પોતાની ફિટનેસ માટે ખુબ સતર્ક રહે છે. (આજકાલ કયા હીરો એ બાબતમાં આળસ કરી શકે?)

રિતિક રોશન પોતાના ઘરની ફ્રેન્ચાઇઝી એવી  ‘ક્રિશ’ની સિકવલ - ત્રીજા ભાગ - માટે શેપમાં રહેવા નિયમિત તાલીમ લેતો રહે છે. આ ‘ક્રિશ-૩’માં રિતિકના ત્રણ રોલ હશે. આ સિક્વલની ફોર્મ્યુલા સાથે હમણાં હમણાં આવેલી ‘યમલા પગલા દીવાના-ટુ’ માટે વિવેચકોથી માંડીને ઓડિયન્સ સુધીના સૌનો કોઇ ઊંચો રિવ્યુ મળ્યો નથી. છતાં ૫૦ કરોડનો બિઝનેસ થયો હોઇ ત્રીજો ભાગ બનાવવાની શક્યતા ઉર્ફે ધમકી ઉભી જ છે! બિઝનેસની રીતે ‘યે જવાની હૈ દીવાની’નો ઘોડો ૧૭૫ કરોડને અડકી જતાં હવે એ ‘એક થા ટાઇગર’ના ૧૯૯ કરોડને કે નંબર વન ‘થ્રી ઇડીયટ’ના ૨૦૨ કરોડ બેમાંથી કોને ટચ કરે છે અને કોને પાર કુદાવે છે, એ અનુમાનો લાગી રહ્યાં છે. ત્યારે હવે વિદ્યા બાલન અને ઇમરાન હાશ્મીની આવી રહેલી ફિલ્મ ‘ઘનચક્કર’ની પબ્લીસીટીનું પ્રમાણ જોતાં તેના પર ‘યુટીવી’ની સારી એવી આશાઓ હશે. એ માટે વિદ્યા અને ઇમરાન વચ્ચે લીપ ટુ લીપ કીસ હશે કે નહીં? એવી ઉત્કંઠા જગવનારા વર્તારા પણ મિડીયામાં આવવા માંડ્યા છે. પણ જે રીતે ‘ફુકરે’ની પબ્લીસીટી ફરહાન અખ્તરે કરી હતી, છતાં શરૂઆત એટલી પ્રોત્સાહક નહતી. જો કે બીજા-ત્રીજા દિવસે ‘શોલે’ની માફક સ્થિતિ સુધર્યાના રિપોર્ટ પણ છે. 


‘શોલે’ના પહેલા દિવસે ગબ્બરના ‘કિતને આદમી થે?’વાળા ડાયલોગ વખતે “નવો વિલન તો મદારીવેડા કરે છે...” એવી કોમેન્ટ્સ કરતા લોકો થિયેટરમાંથી બહાર નીકળતા હતા. પણ પછી એ જ ડાયલોગ બચ્ચા બચ્ચાની જબાન પર ગોખાયેલા હતા/હજીય છે. હવે એ જ ‘શોલે’ની નવી ‘થ્રી ડી’ એડીશન આવી રહી છે, ત્યારે દોડતા-પડતા ઘોડા, ધસમસતી ટ્રેઇન, ધાણીની માફક ફુટતી ગોળીઓ એ બધું થ્રી ડાયમેન્શનમાં જોવાનો અનુભવ કેવો હશે? સોચો ઠાકુર!



તિખારો!


‘બીગ બોસ’થી વધારે જાણીતી થયેલી અને સલમાન ખાનની આવી રહેલી ફિલ્મ ‘મેન્ટલ’ની હીરોઇન સના ખાનના આગોતરા જામીન કોર્ટે મંજૂર કર્યા એ જોતાં તેના કિસ્સામાં ક્રમ ઉંધો થયો ના કહેવાય? સામાન્ય રીતે કોઇને કોઇ રીતે વિવાદોમાં રહેલી વ્યક્તિઓ ‘બીગ બોસ’ના ઘરમાં રહેવા પસંદ થતી હોય છે. જ્યારે સના બિચારી પહેલી એ કાર્યક્રમમાં રહી અને હવે પોલીસ તપાસ-કોર્ટ-વિવાદ વગેરે શરૂ થયાં!! 









Saturday, June 15, 2013

ફિલમની ચિલમ- જુન ૧૬, ૨૦૧૩



અમિતાભે ‘ટ્વીપ’ પણ શાથી નહીં કર્યું હોય?



 ‘શું દીપિકા પાદુકોણની સેન્ચ્યુરીની હૅટ્રિક થશે?’ આ સવાલ હવે બિઝનેસની દુનિયામાં ‘ટૉક ઑફ ધી ટાઉન’ છે. કેમ કે તેની નવી ફિલ્મ ‘ચેન્નઇ એક્સપ્રેસ’નો હીરો શાહરૂખ છે અને તે ૮મી ઓગસ્ટે એટલે કે ઇદના વીકમાં રિલીઝ થવાની છે. તેથી ૧૦૦ કરોડનું કલેક્શન તો રમતાં રમતાં લાવી દેશે એવી અપેક્ષા છે. ‘ચેન્નઇ એક્સપ્રેસ’ના દિગ્દર્શક રોહિત શેટ્ટી હોઇ મારધાડ પર ભાર વધારે હશે. તેથી દીપિકાને માટે કદાચ શોભામાં અભિવૃદ્ધિ કરવા સિવાયનું ખાસ કામ નહીં હોય. પરંતુ, ફિલ્મનો વકરો તો તેના નામે પણ બોલવાનો જ. ટ્રેડના પંડિતોની નજર એ વાત પર પણ રહેવાની કે ‘યે જવાની હૈ દીવાની’ની માફક જેન્યુઇન સુપર હીટ કલેક્શન હશે કે પછી ડચકાં ખાતે ખાતે સદી સુધી પહોંચે છે.

‘યે જવાની...’ની ટિકિટબારી પરની મસ્તી બીજા અઠવાડિયે પણ ચાલુ રહી છે અને બે વીકમાં દોઢસો કરોડનો આંકડો પાર કરી દીધો છે. સામે પક્ષે તેના પછીના શુક્રવારે રજૂ થયેલી ધર્મેન્દ્ર, સની અને બોબી દેઓલની ‘યમલા પગલા દીવાના-ટુ’નો પહેલા સપ્તાહનો બિઝનેસ પણ ‘યે જવાની...’ના બીજા વીક જેટલો નથી. તેથી સતત બાઉન્ડ્રી મારીને સૈકું પુરું કર્યા પછી પણ ફટકાબાજી ચાલુ રાખતા બેટ્સમેનની અદામાં ‘યે જવાની...’ એક સુપરહીટ ફિલ્મ સાબિત થઇ રહી છે. તેની સફળતામાં નવા પ્રકારની લવ સ્ટોરીની સાથે કરણ જોહરની ટ્રેડમાર્ક તડક-ભડક પ્રોડક્શન વેલ્યુનો ફાળો મોટો છે. એ બધામાં ઉમેરો આજના યંગ્સ્ટરની નાડ પારખીને બનાવાયેલું મ્યુઝિક! પછી તો ‘હોગા યું નશા જો તૈયાર... વો સુપરહીટ હૈ’!!

મ્યુઝિકની રીતે સિને રસિકોની એક પેઢીને રણબીરના મોટાકાકા રણધીર કપૂર અને જયા ભાદુરીને ચમકાવતી ‘જવાની દીવાની’માં આર. ડી. બર્મને ’૭૦ના દાયકાના જનરેશનને અપીલ કરનારાં ગાયનો બનાવીને તે દિવસોમાં જે ધૂમ મચાવેલી તેની યાદ તાજી થયા વિના ના રહે. તેમાં પણ “જાને જાં ઢૂંઢતા ફિર રહા હું મૈં યહાં સે વહાં...”માં આશા ભોંસલે એક તબક્કે સાવ નીચા સૂરમાં જે રીતે “તુમ કહાં..” એમ ગાય છે એ જાણે કે કાનમાં કાયમ નિવાસ કરી ગયેલા સ્વરો છે. એ સિવાય પણ “અગર સાજ છેડા તરાને બનેંગે...” હોય કે પછી “નહીં નહીં અભી નહીં, અભી કરો ઇન્તજાર..” જેવાં યુગલ ગીતોની આનંદ (બક્ષી) -મસ્તી હોય એ બધામાં એક તાઝગી હતી. વળી, તેમાં “સામને યે કૌન આયા દિલ મેં હુઇ હલચલ...”ની ધમાલ ઉમેરો તો “હોગા યું નશા જો તૈયાર વો પંચમદા કા મ્યુઝિક હૈ!”

એટલે સંગીતની રીતે ‘યે જવાની..’ આજના જનરેશનની ફિલ્મ કહેવાતી હોય તો તેમાં મ્યુઝિક ડીરેક્ટર પ્રીતમનો ફાળો પણ ખુબ કહી શકાય. પ્રીતમ જેવા આજના સંગીતકારોને એ રીતે પણ શાબાશી આપવી પડે કે તેમણે અગાઉના સમયની ખેલદિલ પ્રણાલિઓ હજી ટકાવી રાખી છે. પ્રીતમના એક રીતે હરિફ કહી શકાય એવા સંગીતકાર વિશાલના અવાજનો ઉપયોગ ફિલ્મનાં કદાચ બે સૌથી લોકપ્રિય ગાયનોમાં કર્યો છે. એ ખેલદિલીભરી પરંપરાની સૌથી મોટી મિસાલ હતા સંગીતકાર હેમંતકુમાર. હેમંતકુમાર જાતે અગ્રણી મ્યુઝિક ડીરેક્ટર અને છતાં તેમના અવાજમાં અન્ય સંગીતકારોનાં કેટલાં બધાં ગીતો છે?થોડાંક જાણીતાં ગાયનો પર જ નજર નાખીએ તો પણ કેવો ખજાનો મળે છે, એ તો જુઓ?



“ઇન્સાફ કી ડગર પે બચ્ચોં દિખાઓ ચલકે...  ( નૌશાદ - ગંગા જમુના) “છુપા લો યું દિલ મેં પ્યાર મેરા, કિ જૈસે મંદિર મેં લૌ દિયે કી” (રોશન - મમતા), “લહરોં પે લહર, ઉલ્ફત હૈ જવાં...” (સ્નેહલ ભાટકર), “તુમ્હેં યાદ હોગા કભી હમ મિલે થે...” (કલ્યાણજી આણંદજી - ) “ગંગા આયે કહાં સે ગંગા જાયે કહાં રે...” (સલિલ ચૌધરી- કાબુલીવાલા), જગત ભર કી રોશની કે લિયે.. સૂરજ રે જલતે રહના...” (લક્ષ્મીકાન્ત પ્યારેલાલ - હરિશ્ચન્દ્ર તારામતિ),  “રાહી તુ મત રૂક જાના...” (કિશોર કુમાર - દૂર ગગન કી છાંવ મેં),  “યે રાત યે ચાંદની ફિર કહાં, સુન જા દિલ કી દાસ્તાં...” (એસ. ડી. બર્મન - જાલ).... 


 પ્રીતમે “બલમ પિચકારી...”માં અને માધુરીના આઇટમ સોંગ “ઘાઘરા...” એ બન્ને ગીતોમાં પુરુષ અવાજ વિશાલ ડડલાનીનો લીધો છે. એટલું જ નહીં, “ઘાઘરા...” ગીતમાંનો મહિલા સ્વર રેખા ભારદ્વાજનો છે, જે પાછાં અન્ય એક સંગીતકાર વિશાલ ભારદ્વાજનાં પત્ની છે! એટલે આમ ગમે એટલી સ્પર્ધા હોય તો પણ ફિલ્મ ઉદ્યોગ અંતે તો એક પરિવારની જેમ જ છે. ધંધાકીય હરિફાઇ છતાં સારા-માઠા પ્રસંગે સૌ એક બીજાની પડખે ઉભા રહેતા હોય છે. એવો એક પ્રસંગ આ સપ્તાહે પ્રિયંકા ચોપ્રાના જીવનમાં બન્યો, ત્યારે ફરી એકવાર ઇન્ડસ્ટ્રીએ પોતાની એકતા બતાવી.
  
પ્રિયંકાના પિતાજી ડો. અશોક ચોપ્રા ગયા સોમવારે ૯મી જુને બાસઠ જ વર્ષની વયે કેન્સરમાં અવસાન પામ્યા ત્યારે તેમની પ્રાર્થના સભામાં ઇન્ડસ્ટ્રીના સૌ પહોંચી ગયા હતા, જેમાં કરિના કપૂર, દીપિકા પાદુકોણ અને વિદ્યા બાલન જેવી તેની હરીફોનો પણ સમાવેશ થતો હતો. પણ દરેક ઘટના પછી થતી કાનાફુસીથી આ પ્રસંગો પણ બાકાત નહતા. કેમ કે શાહરૂખખાન પોતાના ખભાની સર્જરીને કારણે હાથ મેડીકલ ઝોળીમાં લટકાવીને સ્મશાનયાત્રા તથા બેસણા બન્નેમાં ઉપસ્થિત હતો અને તેને લીધે અન્ય હીરો લોગની ગેરહાજરી બિન સત્તાવાર ચર્ચાનું કારણ બની હતી.


ખાસ કરીને બચ્ચન પરિવારની હાજરી ક્યાંય દેખાઇ નથી. જો કે બચ્ચન ફેમિલીના સદસ્ય જેવા (અને અમિતજીના બ્લોગ પર જેનો એક કરતાં વધુ વખત ઉલ્લેખ થયેલો છે એવા) તેમના શ્વાનનું નિધન પણ તાજેતરમાં થયું હોઇ સમગ્ર કુટુંબ શોક પાળતું હોય એ શક્ય છે. પણ ખાંચો એ નીકળે છે કે નાની વાતે ટ્વીટ કરતા અને પ્રિયંકાના પિતાજીના નિધનના દિવસોમાં પણ એવા નાના સંદેશા મૂકતા રહેલા બચ્ચન બાબુએ એકાદું ‘ટ્વીપ’ (ટ્વીટર પર મૂકાતા શોકસંદેશાને સોશ્યલ મિડીયાની ભાષામાં ‘ટ્વીપ’ કહેવાય છે તે) પણ ડો. ચોપ્રાના આત્માની શાંતિ અર્થે ના મૂક્યું? જોઇએ હવે અમિતાભ ‘ટ્વીટ’ના આ આખા મુદ્દાને કેવી રીતે ‘ટ્ર્રીટ’ કરે છે!
તિખારો!
જિયા ખાન આત્મહત્યા કેસમાં સૂરજ પંચોલી સામે જે રીતે પોલીસની કાર્યવાહી થઇ રહી છે, તે જોતાં ‘બીગ બોસ’ની નવી સિઝન માટે સૂરજ ક્વોલીફાય થઇ ગયો કહેવાય!!


Saturday, June 8, 2013

ફિલમની ચિલમ- ૦૯ જુન, ૨૦૧૩-મુંબઇ સમાચાર

દીપિકાની આ સાલ ડબલ સેન્ચ્યુરી!


વિધિની એ કેવી વિચિત્રતા કહેવાય કે ત્રીજી જુનની રાત્રે જ્યારે કરણ જોહરની નવી ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’ના બમ્પર ઓપનીંગ બિઝનેસની ચર્ચા ઇન્ડસ્ટ્રીમાં થતી હતી; ત્યારે જ પચીસ વરસની જવાનીથી ભરપુર એક અભિનેત્રી ગળે ફાંસો ખાઇને જીવન ટૂંકાવી રહી હતી! જવાનીમાં ગાંડપણ (દીવાનગી) જરૂર હોય છે, પણ એવુંય શું પાગલપન કે પોતાનું નામ ‘જિયા’ હોય અને પૂરતું જિયા વગર આત્મહત્યા કરી લેવાની? જિયાએ  અમિતાભ બચ્ચન સાથે ‘નિશબ્દ’, આમિર ખાન જોડે ‘ગજિની’ અને અક્ષયકુમારની ‘હાઉસફુલ-ટુ’ જેવી ફિલ્મો કરી હોઇ પોતે એક અલગ જ લીગમાં હોવાનું માનવા લલચાય એ સ્વાભાવિક હતું. તેથી તેનાથી ઓછી સ્ટારકાસ્ટની ઓફરને નહીં ગણકારવાની શું પોલીસી રાખી હતી? અને તેથી કરિયરની રીતે ધારી સફળતા નહીં મેળવવાથી પોતે હતાશ હતી? કે પછી તેની અંગત જિંદગીમાં આદિત્ય પંચોલીના દીકરા સૂરજ સાથેના સંબંધોમાં થયેલી સમસ્યાથી નિરાશાએ તેને આપઘાત કરવા મજબુર કરી એ તો પોલીસ તપાસમાં જ્યારે બહાર આવે ત્યારે ખરું.

પરંતુ, જિયા ખાનનું અણધાર્યું મૃત્યુ ફરી એકવાર શો બિઝનેસમાં, નાની ઉંમરે મળતી પ્રસિદ્ધી તથા લોકપ્રિયતાની સાથે, આવતાં પર્સનલ પ્રેશર્સ અને તેનો સામનો કરવાની તાલીમની આવશ્યકતાને કેન્દ્રમાં લાવ્યું છે. એવા કોઇ પ્રોફેશનલ પાસે ટ્રેઇનીંગ ના પોસાય એ સૌને હિન્દી ફિલ્મોનાં ગીતોના દીવાના તરીકે અમે તો ઇન્દીવર જેવા કવિની સિને-કવિતાઓમાંથી શીખ મેળવવા સૂચવી શકીએ. જેમકે આપઘાતને જ નિશાન બનાવીને લખાયેલું તેમનું ‘આખિર ક્યૂં’ માં મહંમદ અઝીઝના કંઠે ગવાયેલું ગીત. તેમાં ઇન્દીવરજીએ કહ્યું છે, “એક અંધેરા લાખ સિતારે, એક નિરાશા લાખ સહારે, સબસે બડી સૌગાત હૈ જીવન, નાદાં હૈ જો જીવન સે હારે..”! (લેખના અંતે આખા ગીતના શબ્દો તથા વિડીયો મૂક્યા છે, જે ફુરસદે વાંચવા-જોવા વિનંતિ છે.)
 

એવી જ રીતે ‘સરસ્વતિચંદ્ર’માં લતાજીના કંઠે ગવાયેલું ગીત, “છોડ દે સારી દુનિયા કિસી કે લિયે, યે મુનાસિબ નહીં આદમી કે લિયે...” અને જો જિયાએ પ્રેમસંબંધને કારણે જીવનનો અંત આણ્યો હોય તો હવે પછીની પંક્તિ એવા કિસ્સાઓમાં કેટલી સરસ રીતે લાગુ પડે છે... “પ્યાર સે ભી જરૂરી કઇ કામ હૈ, પ્યાર સબ કુછ નહીં જિંદગી કે લિયે...”! એવું જ એમણે ‘સફર’ના ગાયન “તુઝકો ચલના હોગા...”માં લખ્યું છે ને? એક તબક્કે તેમાં આ શબ્દો આવે છે, “પાર હુઆ વો રહા જો સફર મેં, જો ભી રૂકા બહ ગયા વો ભંવર મેં...” શો બિઝનેસની દોડ રસ્તા કે મેદાનમાં કરાતી દોડ નથી. વરસો પહેલાં કદાચ રણધીર કપૂરે કહ્યું હતું કે સિનેમાની કારકિર્દી તો ટ્રેડ મીલ પર ચાલવા જેવી છે. જો સતત ચાલતા ના રહો અને અટકો તો ગબડી પડો!


વળી, આ તો ૨૧મી સદી છે. તેમાં પ્રેમ પ્રકરણની નિરાશાને કારણે આત્મહત્યા કરવાનું ચલણ ક્યાં છે? અત્યારે તો દીપિકા પાદુકોણ અને રણબીર કપૂરના દાખલામાંથી જ શીખવાનું ક્યાં ઉપલબ્ધ નથી? એ બન્નેએ એક કરતાં વધુ વખત જાહેર ઇન્ટર્વ્યુમાં કહેલું છે કે ‘બચના અય હસીનોં’ વખતે એ બેઉ એક બીજાના પ્રેમમાં ગંભીર રીતે હતાં. તે એટલે સુધી કે દીપિકાએ પોતાની ડોક અને ખભા વચ્ચે રણબીરના નામનું ‘આરકે’ એવું ટેટુ પણ ચિતરાવ્યું હતું. (ભગવતીકુમાર શર્માની એક કવિતામાં આવે છે ને એમ, “છાતીના છુંદણામાં ત્રોફાવવાનું નામ...”! તેનો એક સરસ શેર પણ યાદ કરતા ચાલીએ, “સ્પર્શી તને વહે છે એનું અલગ છે નામ, હોતું નથી જ શ્વાસ બધીયે હવાનું નામ...!”)   


દીપિકાએ શરીર પર રણબીરનું નામ ત્રોફાવ્યા પછી પણ જ્યારે તે બીજી છોકરી સાથે હરતો-ફરતો જણાયો, ત્યારે આજની છોકરી એવી દીપિકાએ સંબંધ કાપી નાખ્યો. એટલું જ નહીં, જાહેરમાં એ કહ્યું પણ ખરું કે પોતે કોઇપણ સંજોગોમાં પ્લાસ્ટિક સર્જરી કે લેસરથી એ નામ ત્યાંથી કઢાવશે નહીં. એ પોતાના જીવનનો એક અવિસ્મરણીય હિસ્સો છે. કરણ જોહરે પોતાના ટૉક શો ‘કૉફી વીથ કરણ’ની સિઝન થ્રીમાં મજાકમાં પૂછ્યું હતું કે “આર.કે. નામવાળો જ બીજો કોઇ બૉયફ્રેન્ડ શોધી લે... જેમ કે રાજીવ ખંડેલવાલ!”

એ જ કરણ જોહરે દીપિકા અને રણબીરને જ લઇને ‘યે જવાની હૈ દીવાની’ બનાવી અને એ બેઉએ પ્રોફેશનલને છાજે એ રીતે પિક્ચરમાં જુવાનિયાંની મસ્તી પેટભરીને કરી બતાવી. કરણના પ્રોડક્શન હાઉસ ‘ધર્મા’એ પણ ફિલ્મના પ્રમોશન અને પબ્લીસીટીમાં કોઇ કસર ના રાખી. રણબીર અને દીપિકાને લગભગ દરેક ચેનલ ઉપર કોઇને કોઇ બહાને મોકલ્યા. પછી એ કોઇ ન્યુઝ ચેનલના સિનેમા વિભાગમાં હાજર રહેવાનું  હોય કે પછી રજત શર્માની ‘આપકી અદાલત’ હોય.  ‘આપકી અદાલત’માં તો દીપિકાએ એમ પણ કહ્યું (અને રણબીરે કબુલ પણ કર્યું) કે રણબીરને રાત્રે સૂતા પહેલાં બ્રશ કરવાનું ગમતું નથી. (છતાં પિક્ચરને પ્રમોટ કરવા એ બન્ને  ક્લોઝ અપ ટુથપેસ્ટના ઇવેન્ટમાં હાજર રહ્યાં હતાં, એ અલગ વાત છે!)





એ બધી પબ્લીસીટીનું પરિણામ અપેક્ષા મુજબનું જ રહ્યું... ‘યે જવાની હૈ દીવાની’એ જબરદસ્ત ઓપનીંગ લીધું અને પહેલા અઠવાડિયે જ ૧૦૦ કરોડનો આંકડો પાર કરી દીધો! વળી, જે રીતે પોઝીટીવ રિસ્પોન્સ ચાલ્યો છે એ જોતાં આવનારા દિવસોમાં કલેક્શન સ્ટેડી રહેવાની પૂરી શક્યતા છે. કેમ કે માધુરીનું આઇટમ સોંગ અને ફિલ્મનાં લગભગ તમામ ગાયનો હિટ હોઇ તેમજ યંગસ્ટર્સને અપીલ કરી શકી હોઇ પિક્ચર ૨૦૧૩નું અત્યાર સુધીનું સૌથી હિટ સાબિત થાય એ શક્યતા નકારી શકાય એમ નથી. મઝાની વાત એ છે કે આ વરસે ૧૦૦ કરોડ ક્રૉસ કરનાર પ્રથમ ફિલ્મ ‘રેસ-ટુ’ની હિરોઇન પણ દીપિકા હતી અને તેથી આ તેની સતત બીજી સેન્ચ્યુરી છે. એટલે અત્યારની નાયિકાઓમાં રાતોરાત દીપિકાની પોઝીશન ટોચે પહોંચી ગઇ છે. પણ જો એ પ્રેમપ્રકરણમાં નિરાશ થવાથી હતાશ થઇ ગઇ હોત અને જિયા જેવું કશુંક અમંગળ પગલું ભરી બેઠી હોત તો? સોચો ઠાકુર!



તિખારો!

“રણબીરકપૂર અને શ્રીસંતની કરિયરમાં ટુવાલનો ફાળો શું?”

“ટુવાલથી એકની કરિયર બની અને બીજાની...!!” 

**********************************************************************************

 

આ અદભૂત કવિતાના કવિ ઇન્દીવર કે પડદા પર તે ગીત અભિનિત કરનાર રાજેશ ખન્ના અને સ્મિતા પાટિલ આજે હયાત નથી. એ રીતે એ ત્રણેય દિવંગતોને  આ શ્રધ્ધાંજલિ પણ છે. મહંમદ રફી જેવો અવાજ ધરાવતા મુન્ના અઝીઝના કંઠે  ઇન્દીવરજીના શબ્દોની તાકાતનો અનુભવ કરો!


એક અંધેરા લાખ સિતારે, એક નિરાશા લાખ સહારે

સબસે બડી સૌગાત હૈ જીવન, નાદાં હૈ જો જીવન સે હારે


દુનિયા કી યે બગીયા ઐસી, જિતને કાંટે  ફુલ ભી ઉતને

દામન મેં ખુદ આ જાયેંગે જિનકી તરફ તુ હાથ પસારે


બીતે હુએ કલ કી ખાતિર તુ આનેવાલા કલ મત ખોના

જાને કૌન કહાં સે આકર રાહે તેરી ફિરસે સંવારે 


દુઃખ સે અગર પેહચાન ન હો તો કૈસા સુખ ઔર કૈસી ખુશિયાં

તુફાનોં સે લડકર હી તો લગતે હૈં સાહિલ ઇતને પ્યારે 


એક અંધેરા લાખ સિતારે, એક નિરાશા લાખ સહારે

સબસે બડી સૌગાત હૈ જીવન, નાદાં હૈ જો જીવન સે હારે