Saturday, November 3, 2012

જ્યોતિષ પ્રેમીઓ અને ધાર્મિક-મજહબી મિત્રોને સવાલ....

કાલ કા પહિયા ઘૂમે ભૈયા!

              ‘બદલાતા સમય’ના સવાલો.....
 

નવેમ્બર મહિનાના પહેલા રવિવારે એટલે કે ૪ તારીખે Day Light Saving Time હેઠળ કેનેડા - અમેરિકા જેવા દેશોમાં સમયમાં એક કલાકનો ફરક કરવામાં આવશે. એ આખી પ્રક્રિયા જ કેટલી જંગમ કહેવાય? તમામ વ્યક્તિગત ઘડિયાળ રીસ્ટ વૉચ, દિવાલ ઘડિયાળ, ટાવર્સ... ટૂંકમાં સમય દર્શાવતાં તમામ ઉપકરણ એક જ સમયે એક કલાકનો ફરક શરૂ કરી દે! એ જ રીતે માર્ચ મહિનો આવતાં એ તમામ યંત્રોને પાછાં કલાક સમય આગળ વધારી દેતાં કરી દેવાનાં. ક્યાંય કોઇ ભૂલ નહીં. માણસે કરેલી આ વ્યવસ્થા છે. પણ જે ચોક્સાઇથી એ અમલમાં મૂકાય છે, It really really fascinates me! કેમ કે તેમાં ઘડિયાળના કાંટા આગળ-પાછળ કરીને પોતાની જરૂરિયાત અનુસાર સમયને નાથવાની માણસની શક્તિનું મને દર્શન થાય છે.



પરંતુ, તેની સાથે જ એક સવાલ જ્યોતિષ અને ધાર્મિક કે મજહબી પ્રક્રિયાઓ તથા ક્રિયાકાંડ અંગે થાય છે. જ્યોતિષ વિદ્યા આકાશમાં ફરતા ગ્રહોની ગોઠવણી પર આધારિત છે.  દરેક ગ્રહની એક ચોક્કસ ગતિ છે અને તે એક ચોક્કસ સમય સુધી એક સ્થાન (ઘર)માં રહે અને તે અનુસાર તેનું શુભ - અશુભ ફળ હોય. એક જ સ્થાનમાં એક કરતાં વધુ ગ્રહો આવે તો યુતિ થાય અને મિત્ર ગ્રહો ભેગા થાય તો વધારે સારું ફળ આપે વગેરે નિયમો છે. કોઇપણ વ્યક્તિની જન્મ કુંડળીમાં કયો ગ્રહ કયા સ્થાનમાં છે તેનો સઘળો આધાર જન્મનું સ્થળ, જન્મનો દિવસ અને ખાસમ ખાસ તો જન્મનો સમય કયો છે, તેના ઉપર આધારિત હોય છે. (હવે તો કંપનીઓની અને રાષ્ટ્રોની કે પ્રધાનમંડળોની પણ કુંડળી મૂકાતી હોય છે; પણ એ અલગ વાત છે!)


આપણે જાણીએ છીએ કે પંચાંગ ભારતમાં તૈયાર થાય છે. તેમાં સેકન્ડે સેકન્ડનો (અથવા જ્યોતિષીઓનો પ્રિય શબ્દ વાપરીએ તો ‘ઘડીએ ઘડીનો’!) હિસાબ માંડીને સૂર્યોદય અને સૂર્યાસ્ત પણ અગાઉથી કહી દેવાય છે; તેમજ ગ્રહોની સ્થિતિ પણ આગાહિત કરી દેવાય છે. તેના ઉપર જ બધા ફળાદેશ થતા હોય છે. તો જ્યોતિષ વિદ્યા ખરેખર જ સાચી છે એમ ગણીએ તો, પરદેશમાં જ્યાં સમય વરસમાં બે વખત આગળ - પાછળ કરી દેવાતો હોય, ત્યાં ગ્રહોની માંડણી કેવી રીતે ચોક્કસ થઇ શકે? અને તેને આધારે થનારું ફળકથન પણ કેટલું વિશ્વાસપાત્ર હોય? કેમ કે શનિ-મંગળ કે ગુરૂ- શુક્ર તો આ પૃથ્વી પરનાં ઘડિયાળોનાં મોહતાજ હોવાનાં જ નહીંને? એ તો તેમની ગતિએ એકથી બીજા સ્થાનમાં ખસ્યા જ કરવાના. 


 એ જ રીતે, પરદેશમાં શુભ - અશુભ ચોઘડીયાં પણ કેવી રીતે ગણાય? કેમ કે ભારતમાં તો એવો કોઇ સમયનો ફરક ગણત્રીમાં લેવાતો જ નથી. તો ગઇ કાલે પહેલું ચોઘડિયું સવારે ૬ વાગે શરુ થતું હતું તે જ સમય ટાઇમ બદલાવાથી આજે પાંચ કે સાત વાગે થાય! તો એ જ સમયે ‘શુભ’ કે ‘અમૃત’ ને બદલે ‘કાળ’ કે ‘રોગ’ ચોઘડિયું હોય એ શક્ય નથી? મુરતિયા અને કન્યાની કુંડળી મેળવવામાં કે ગુણાંક કાઢવામાં આ બધું ગણત્રીમાં લેવાતું હશે કે?
 

 “દેશકાળ પ્રમાણે...” શું કરવું તેનું બધું માર્ગદર્શન શાસ્ત્રોમાં હોવાનું ગર્વપૂર્વક કહેવાતું હોય છે. ત્યારે આવા સંજોગોનું કોઇ સમાધાન હશે ખરું? એ જ વાતને આગળ વધારીએ તો ભગવાનને જગાડવાના, શણગારના, જમાડવાના, શયનના વગેરે સમયનું શું? મંગળા, થાળ કે આરતીના સમયમાં પણ વરસમાં બે વખત ફેર થાય તો પ્રભુ તેમની જાતે ઍડજ્સ્ટ કરે કે પછી ઘડિયાળમાં એક કલાકનો ફરક થાય ત્યારે ભગવાનને એક સ્પેશ્યલ પ્રાર્થના કરીને હવેથી બદલાયેલા સમય પ્રમાણે જાગવા-સૂવાની વિનંતિ કરાતી હશે?
 
એવું જ નમાઝનું પણ કહી શકાય. તેમાં પણ સૌ સમયના ખુબ પાબંદ હોય છે. નમાઝનો સમય થાય, એટલે કોઇ પણ જગ્યાએ અલ્લાહની બંદગી કરી જ લેવાની એવો કડક નિયમ પાળીને પાંચ વખતની નમાઝ પઢનારા નમાઝીઓ હોય છે. કેટલીય બહેનો પાંચેય ટાઇમની નમાઝ ઘરમાં પઢતી હોય છે. ત્યારે સવાલ એ થાય કે આજે ‘એક વાગ્યો’ એમ ગણીને નમાઝ પઢવામાં આવી હોય એ જ સમયની નમાઝ એક જ દિવસ પછી સમય બદલાયો હોય એટલે બાર વાગે કે બે વાગે પઢાતી હોય છે! તેનો કોઇ ઉકેલ થયો હોય એવું પણ જાણમાં નથી. 

તેથી હું બહુ ગંભીરપણે માનતો થયો છું કે પરદેશમાં રહીને વ્યક્તિના નાસ્તિક થવાના ચાન્સીસ વધી જાય છે.... સૉરી ‘નાસ્તિક’ નહીં ‘રૅશનાલિસ્ટ’ થવાની શક્યતા વધી જાય છે. આ વિષય પર બીજું ઘણું કહી શકાય એમ છે, પણ આજે તો જ્યોતિષીઓ અને ધાર્મિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા મિત્રો આ બાબતે શું માને છે એ જ જાણવાની ઉત્કંઠા છે. મારે માટે આ નવેસરથી વિચારવાનું એલાર્મ -Wake up Call- તો છે જ!



9 comments:

  1. એકદમ તર્કબદ્ધ રીતે સવાલો રજુ કરાયા છે (પણ એના બચાવમાં એકપણ વાત તર્કવાળી નહીં હોય એની આગોતરી ખાતરી છે!)
    આના જેવું જ એક બહુ મોટું ડીંડક વાસ્તુશાસ્ત્ર છે એનો સંપૂર્ણ આધાર દિશાઓ અને ખૂણાઓ છે જે હકીકતમાં અસ્તિત્વમાં છેજ નહીં! બ્રહ્માંડ અનંત છે અને એમાં અસંખ્ય તારામંડળો જેવું એક આપણું તારા મંડળ છે જેમાં આપણો પૃથ્વીનામનો પિંડ તરે છે, જ્યાં ખરેખર કોઇ દિશા કે ખૂણાનું અસ્તિત્વજ નથી અને આપણે આપણી સગવડ માટે કરેલી કલ્પના માત્ર છે, એજ રીતે કશું ઉપર કે નીચે નથી, ઉપર કે નીચે હોવું એ ગૃત્વાકર્ષણને કારણે આપણને થતો ભ્રમ માત્ર છે. છતાં જ્યોતિષિઓ અને વાસ્તુશાસ્ત્રીઓનું ચાલે છે કારણ કે જ્યાં લોભિયા અને મૂરખા વસતા હોય ત્યાં ધુતારા કદી ભૂખે ના મરે!

    ReplyDelete
  2. સલીલદા, તમારા કુતુહલ ના ૨ ભાગ છે.
    ૧. ડે-લાઈટ ટાઈમ સેટિંગ
    ૨. કુદરતી ગ્રહ તારા ની ઘટમાળ નો મેળ (જેનો જ્યોતિષ ઉપયોગ કરે છે)
    -
    પ્રથમ વાત નો તાર્કિક જોડ માનવે બનાવેલી ઘડિયાળ સાથે છે જેને, માનવ પોતાની જરૂરિયાત માટે ફેરફાર કરે છે. ગ્રહ તારા ને આની સાથે કોઈ લેવા દેવા નથી.
    -
    રહી વાત જ્યોતિષ (જે શાસ્ત્ર છે)ની તો, એ તો જી.પી.એસ. નું કામ આપે છે.
    મને રસ્તો ખબર નથી તો ગાઈડ કરે, ૨-૩ ઓપ્સન માંથી મને પસંદ પડે એ રસ્તે જવાની ને તેના ફાયદા-નુકસાન ની જવાબદારી સાથે, ઉપયોગ ની સગવડ છે.
    એના વગર પણ હું અજાણ્યા રસ્તે મારી રીતે જઈ જ શકું છું.

    ReplyDelete
  3. બે ટકના રોટલા રળવા માટે એક ગરીબ માણસ કચોરીનો ખૂમચો શરૂ કરે છે ત્યારે નથી ચોઘડિયું જોતો કે નથી દિશા જોતો. બાજુમાં રહેલી મુતરડી પણ એને નથી નડતી. સમય જતાં ધંધો જામે છે અને એ પૈસેટકે સમૃદ્ધ થાય છે. સારા વિસ્તારમાં દુકાન શરૂ કરે છે ત્યારે...
    *બ્રાહ્મણને બોલાવશે.. ચોઘડિયું જોવડાવશે.
    *વાસ્તુશાસ્ત્રને મહત્વ આપશે.
    *ધાર્મિક આગેવાનના હસ્તે ઉદ્ઘાટન કરાવશે.
    .. આ બધું કરાવવા છતાં ધંધો ચાલવાની ખાતરી નથી. છતાં કરાવશે કારણ કે હવે ત્રેવડ છેને?
    અમુક બાબતોમાં એવું લાગે છે કે આ બધા સુખના ચાળા છે.

    ReplyDelete
    Replies
    1. વાહ ! ખુબ જ સરસ કૉમેન્ટ..
      મંદીરો બંધાવવાથી માડી, જ્યોતીષ, વાસ્તુ, મુહુર્ત, ચોઘડીયાં, શુકન–અપશુકન વગેરેની માયા ખાધેપીધે સુખીઓ માટે જ છે..સુખી વધુ સુખી થવા માટેઆવું બધું કરશે.. ગરીબોને કશું નડતું–આભડતું નથી ..ત્રેવડના આ બધા ચાળા છે..ઉત્તમ.મધુ..સુરત..

      Delete
  4. આટલું તર્કબદ્ધ વિચારી શકનારા બાહ્યાચારની નિરર્થકતા સમજતા હોવા જોઇએ, પણ મગજ નામના યંત્રમાં એવાં ખાનાં હોય છે કે પરસ્પર વિરોધાભાસી ચીજો પણ તેમાં સાથે રહી શકે. 'ઓ માય ગોડ' ફિલ્મ જોઇને તાળીઓ પાડનારામાથી ઘણા એ પ્રકારનાં વિધિવિધાનોમાં અટવાયેલાં હશે. કંઇક એવું જ..

    ReplyDelete
    Replies
    1. આત્મીય હસમુખભાઈ,

      ગઈ કાલે ફોન પર તમારો આગ્રહ સમજાયો ન હતો કે શા માટે તમારે
      ફોન પર નહીં પણ મારું મંતવ્ય તમારા બ્લોગ માં જ જોઇએ છીએ, પણ
      હવે સમજાય છે.

      મુળભુત રીતે ફરીથી કહીશ કે ( આ વાંચ્યા પછી પણ) બિલકુલ જરુરી નથી કે
      હું માનું, તે તમે પણ માનો, પણ મને આ માધ્યમ , જ્યોતિષ જેવા અગમ
      વિષય ની ચર્ચા માટે યોગ્ય નથી લાગતું.

      સૌથી પહેલી મારી મર્યાદા કે મને ખબર નથી કે અયનાંશ, ઘડી , પળ ની ગણતરી કેવી રીતે થાય તેની
      સમજ બધાંને હોય, જયોતીષ ની ગણતરી માં ફકત સમય નહીં પણ , અક્ષાંસ -રેખાંશ ની પણ એટલી જ અગ્યતતા છે.
      જ્યોતીષ પાસે સ્થાનિક સમય છે , જન્માક્ષર ના પ્રથમ પાના પર બન્ને સમય લખાયેલા હોય છે, પણ ભાગ્યે જ કોઇક ને
      પ્રશ્ન થાય છે, કે સ્ટાન્ડ્ર્ડ સમય અને સ્થાનિક સમય એમ બંને કેમ લખાયેલા છે? તે કયાંથી આવ્યા? જ્મ્મુ માં બપોરે
      ૧૧.૦૦ છે તો કન્યાકુમારી માં/ભુવનેશ્વર/દ્રારકા માં પણ કેમ ૧૧.૦૦ છે? ( ૧.૦૦ ક્લાક ના ફેર ની ( લાઈટ ) વાત નથી કરતો) .
      ભુવનેશ્વર નો સુર્યોદય નો સમય અને દ્રારકા ના સુર્યોદય નો સમય જુદો કેવી રીતે હોય?

      દીલ્હી યુનિ. ના જ્યોતિષ ના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ માં ફકત "રાહુ- કાલ" ની ગણતરી અને તેની સમજણ માટે ૬ મહિનાનો સમય છે.

      મને માફ કરૉ , જો મને ૦ થી ૯ આવડશે, તો મને ૨+૨=૪, એમ મારો શિક્ષક સમજાવી શક્શે.

      રહ્યો સવાલ ઇબાદત/ પ્રાર્થના ના સમયનો , તો હું મારી અંદર જ રહેલા સમક્ષ ૨૪ કલાક રુબરુ જ હોઉં છું. કયાં કોઇ
      સમય ની અવધિ તેને માટે મને નડે છે? અને જો બહાર જ શોધવો છે? તો હા ! તેને બહાર શોધવાના દરેક વિવાદ રસપ્રદ છે, પણ પરીણામલક્ષી નથી.

      તમને આંમત્રણ છે કયારેક રુબરુ પુરણપોળી ના સહ-ભોજન માં પધારો અને વિશેષ ચર્ચા તે સમયે કરીશું . આપણે તો બંન્ને એક
      જ શહેર ના વતની છીએ , ભારત હોય કે કેનેડા! શું કહો છો!

      Delete
  5. Sirji,

    Its happens only in us and canada..

    ReplyDelete
  6. One of my friend was saying they follow slots of Namaaz. So, 12 to 3 will be time for noon Namaaz and so forth. He's say exact time doesn't really matter.

    ReplyDelete
  7. હું ભગવાનમાં માનું છું, અને કહે છે ને કે જે વસ્તુ નિર્મિત છે એને કોઈ બદલી શકતું નહિ, હવે પ્રશ્ન એ ઉભો થાય કે જ્યોતિષ દ્વારા યોગ્ય રીતે જ કરેલા કર્મો ના ફળ નિર્મિત બદલી શકે? જો નિષ્ફળતા નિર્માણ હયેલી હોય તો જ્યોતિષ શાસ્ત્ર મુજબ કરાયેલી પૂજા/વિધિ સફળતામાં બદલી શકે? અને જો એ બદલી શકે તો સર્વોપરી શક્તિ દ્વારા નિર્મિત ખોટું ન પડે? પરંતુ આજના જમાનામાં જો સામેથી છેતરાવા કોઈ જાય તો વાંક કોનો? છેતાર્નારનો કે છેતરાનાર નો?

    ReplyDelete