Sunday, November 4, 2012

યશ ચોપ્રા (૨): “મૈં યહાં હૂં યહાં હૂં...!”




યશ ચોપ્રા અને સાહિર લુધિયાનવીની જુગલબંધીની એક મિસાલ ‘કાલા પથ્થર’ જેવા ચિત્રમાં પણ જોવા મળી હતી. તેમાં પણ તક મળી અને એક ગીતમાં સાહિરે મજદૂરોના પ્રશ્નો અને તેમના ઉકેલથી થનારા સુખદ ભાવિની કલ્પના કરી બતાવી હતી. ફિલ્મની આખી મલ્ટી સ્ટાર કાસ્ટ (અમિતાભ, રાખી, શશિકપૂર, પરવીન બાબી, નીતુ સિંગ, શત્રુઘ્નસિન્હા, પૂનમ ધિલ્લોન,પરીક્ષિત સહાની) ને એકત્ર કરી આનંદ ઉત્સવ કરતા એ ગીત “ધૂમ મચી ધૂમ આજ કી રૈના, ભોર હુએ તક નાચે જવાની...” માં એક તબક્કે શાયર કહે છે, 


“પલે ના સોગ યહાં, સુખી હો લોગ જહાં, 
હમકો હૈ સાથી ઐસી દુનિયા બસાની; 
સીનોંમેં આગ લિયે, હોટોંપે રાગ લિયે,
હમકો અંધેરે મેં હૈ શમ્મેં જલાની, 
કાલે પથ્થર કી કસમ,જબ તલક દમ મેં હૈ દમ, 
હમ યે દેખેંગે રસ્મેં પુરાની,  કર ન પાયે યહાં હુકમરાની,
હૈ આજ હમને યે દિલમેં થાની, લાયેંગે ઇક નઇ ઋત સુહાની..”

એ ગીત અહીં  મૂક્યું છે. તે જુઓ અને નીતુસિંગને મુક્ત મને નૃત્ય કરતાં જોવામાં  સાહિરના શબ્દો ચૂકી ના જવાય તેનું પણ ધ્યાન રાખજો!

  
સાહિર માત્ર જલદ જ લખતા અને સૌમ્ય નહતા લખી શકતા એમ કોઇએ ના માનવું. ‘કાલા પથ્થર’માં જ શશિકપૂર અને પરવીન બાબી પર ફિલ્માવાયેલા ગીત “બાહોં મેં તેરી મસ્તી કે ફેરે, સાંસોં મેં તેરી ખુશ્બુ કે ડેરે...”ના શબ્દો પણ માણવા જેવા છે અને સોહામણા શશિ સાથે બિન્દાસ બાબીની જોડીની મઝા તો સોને પે સુહાગા!

સાહિર લુધિયાનવી અને યશ ચોપ્રાની જોડીના ‘ત્રિશૂલ’માં સલીમ જાવેદની ચુસ્ત પટકથાને કારણે ગાયનની કોઇ ખાસ ગુંજાઇશ નહતી. છતાં તેમણે અમિતાભ બચ્ચનને તેમના (નાજાયઝ પિતા સંજીવકુમાર) સામે બદલો લેવા નાનપણથી તૈયાર કરતી માતા (વહીદા રહેમાન)ના હાલરડાની આપેલી કવિતા “તુ મેરે સાથ રહેગા મુન્ને...” પણ કેટલી ચોટદાર હતી! તેમાં છેલ્લે આવતા આ શબ્દો,“મેરી બર્બાદી કે જામીન અગર આબાદ રહે, મૈં તુઝે દૂધ ન બક્ષુંગી તુઝે યાદ રહે!” તો પરાકાષ્ટા સમાન હતા.
 
પરંતુ, એ ક્લાઇમેક્સ પર પહોંચતા પહેલાં સાહિર સાહેબ માતાનું જે સ્વરૂપ તેમની કવિતાથી સર્જે છે, તે શિવાજીને તલવારોના ખખડાટ વચ્ચે હાલરડાં સંભળાવતાં માતા જીજાબાઇની સ્મૃતિ તાજી કરાવી દે છે. સામાન્ય રીતે મા પોતાના દીકરાને પંપાળીને લાડ- કોડમાં ઉછેરે એવી ઇમેજથી તદ્દન વિપરિત અહીં તો માતા પોતાની રોજ ગાવાની લોરીમાં સ્પષ્ટ કહે છે, મૈં તુઝે રહમ કે સાયે મેં ન પલને દુંગી, જિન્દગી કી કડી ધૂપ મેં જલને દુંગી, તાકિ તપ તપ કે તુ ફૌલાદ બને, માં કી ઔલાદ બને...”
‘માનો દીકરો બનજે’ આ શબ્દોમાં (પ્રેમિકાને પ્રેગ્નન્ટ કરીને લગ્ન નહીં કરતા) બાપ જેવા કાયર નહીં બનવાનો આડકતરો ઇશારો પણ છે. છેલ્લે  પોતાની જીવનભરની બદનામી અને જિલ્લતની સોંપણી કરતાં એ વસિયત કરવાની અદામાં કહે છે, 

મેરા હર દર્દ તુઝે સીને મેં બસાના હોગા
મૈં તેરી માં હું મેરા કર્ઝ ચુકાના હોગા
મેરી બર્બાદી કે જામીન અગર આબાદ રહે, 
મૈં તુઝે દૂધ ન બક્ષુંગી તુઝે યાદ રહે!

મતલબ કે “જો મને આજીવન બદનામી અને સંતાપમાં છોડી જનારો તારો ભાગેડુ બાપ સુખી રહે તો તું મારું ધાવણ લજવીશ!”  સલીમ-જાવેદની સ્ક્રીપ્ટમાં બદલો લેતા દીકરાનું અને તે માટે તેને તૈયાર કરતી માતાનાં જે પાત્રો લખાયાં હતાં, તેને સાહિરની આ કવિતા કેટલી સચોટતાથી ઉજાગર કરે છે. ફિલ્મમાં પોતાના જ પિતાને દરેક તબક્કે ધંધામાં પછડાટ આપીને ખુવાર કરતા અમિતાભના પાત્ર માટે એક ક્ષણ માટે પણ પ્રેક્ષકોમાં અભાવ થતો નથી. માતાના અવસાન અને અગ્નિ સંસ્કાર વખતેના બચ્ચન સાહેબના ચહેરાના હાવભાવ પણ એક્ટીંગના કોઇ પણ વિદ્યાર્થી માટે ટેક્સ્ટ બુકના પાઠ જેવા છે. Hats off! 

પણ એવા મજબુત સીન્સ બદલ લેખક, દિગ્દર્શક અને એક્ટર ત્રણેને દાદ આપતી વખતે શાયરની આવી જલદ કવિતાનો અણમોલ ફાળો કેટલા યાદ રાખતા હશે?  તેથી જ સાહિરનું અવસાન ૧૯૮૦ની ૨૫મી ઑક્ટોબરે થયા પછી યશ ચોપ્રાને એવી સારી-ચોટદાર- કવિતા માટે મુશ્કેલી પડવી શરૂ થઇ. એ તકલીફનો અંદાજ ‘ત્રિશૂલ’ પછીની તેમની ૧૯૮૧ની ફિલ્મ ‘સિલસિલા’માં તેમણે લેવા પડેલા પાંચ પાંચ કવિઓ પરથી ખ્યાલ આવે છે!


‘સિલસિલા’માં અમિતાભના પિતા હરિવંશરાય બચ્ચનની “રંગ બરસે...” પણ લીધી. જાવેદ અખ્તર પાસે “નીલા આસમાં સો ગયા...”, “દેખા ઇક ખ્વાબ તો યે સિલસિલે હુએ..” અને “મૈં ઔર મેરી તન્હાઇ...” લખાવ્યાં. ઉપરાંત  રાજેન્દ્ર કૃષ્ણની કલમે “પહલી પહલી બાર દેખા ઐસા જલવા...” તો હસન  કમાલ પાસે “સરસે સરકે સર કી ચુનરિયા...” અને  નીદા ફાઝલીની ગઝલ “ખુદસે જો વાદા કિયા થા, નિભાયા ન ગયા...” જે યશજીનાં પત્ની પમેલા ચોપ્રા પાસે ગવડાવી હતી. (પણ જે ફિલ્મમાં કદાચ રહી નહતી.) તે સિવાય મીરાંબાઇની ભક્તિ રચના “જો તુમ તોડો પિયા...” પણ ઉમેરો કે પછી પરંપરાગત પંજાબી ગુરુબાનીનું ભજન “બાંહ જિનાંદી પકડીયે....” પણ ગણત્રીમાં લો તો સાહિરની ખોટ કેવી લાગી હશે તે સમજાય. 


એક મજબુત શાયરની શોધ કરવાની રીતે તેમણે ‘મશાલ’માં જાવેદ અખ્તરને ગીતો પણ સોંપ્યાં. વાર્તા પણ ઝુંપડપટ્ટીમાં રહેતા ગરીબની હતી. એમાં કવિતાથી સમાજ વ્યવસ્થા ઉપર પ્રહાર કરવા સહિતની ભરપુર તકો હતી. જાવેદે “ફુટપાથોં કે હમ રહનેવાલે....” જેવું વિષયને અનુરૂપ વિજળીના ચમકારા જેવું એક ગીત જરૂર આપ્યું. પરંતુ, સાહિર જેવી કવિતાની ચોટ જાવેદ જ શું કામ કોઇ પણ અન્ય શાયર ક્યાંથી લાવે? છતાં કવિ હ્રદય યશજીની શોધખોળ જારી જ હતી. તેમણે ‘ફાસલે’માં શાયર શહરયારને લીધા તો ‘વિજય’માં નીદા ફાઝલીને અને છતાં વાત જામતી નહતી. છેવટે ‘ચાંદની’માં સરળ શબ્દોના રમતિયાળ પ્રયોગ કરતા આનંદ બક્ષી આવ્યા અને જાણે કે તલાશ પૂરી થઇ. તેમણે ‘લમ્હે’, ‘ડર’ અને ‘દિલ તો પાગલ હૈ’નાં ગીતો લખ્યાં. (‘દિલવાલે દુલ્હનિયા....’ અને ‘મોહબ્બતેં’ પણ યાદ છે. પરંતુ એ આદિત્ય ચોપ્રાના નિર્દેશનની ફિલ્મો હતી.)
 
આનંદ બક્ષી પાસે યશ ચોપ્રાએ પોતાની એક પ્રયોગશીલ કહી શકાય એવી ‘દિલ તો પાગલ હૈ’માં પણ ગીતો લખાવ્યાં. તેમાં વિષય રંગમંચ તથા અસલી જીવનની ભેળસેળનો હતો. તેના સંગીતકાર ઉત્તમસિંગ અને બક્ષીબાબુએ ભેગા મળીને તેમાં કોરસ તથા `અનોખે બોલ'નો એક અનોખો વિક્રમ સર્જ્યો! લગભગ  દરેક ગાયનમાં “અરેરે...” “ઓહોહો...” કે પછી “લા લા લા લા...” અને “તુરુરુતતુ ...” જેવા સામૂહિક સ્વરો સમાવાય એવા શબ્દ અને સંગીતની રચના કરી. ઉપરાંત એક ગીતમાં ‘ઢોલના’ તો “ભોલી સી સુરત આંખોં મેં મસ્તી...”માં ‘આયે હાયે’ જેવા શબ્દો મૂક્યા. વળી વર્ષા ગીત “ઘોડે જૈસી ચાલ હાથી જૈસી દૂમ...”માં “ચાક ધુમ ધુમ...”ના અનોખે બોલનો પ્રાસ બેસાડ્યો. એ આખું આલ્બમ સાંભળો અને વિષય તેમજ સંગીતકારની સ્ટાઇલને અનુરૂપ શબ્દો લખવાની આનંદ બક્ષીની આવડત પર ઓવારી જવાય.

યશ ચોપ્રાએ તે પછીની ‘વીરઝારા’ બનાવી, ત્યારે તો બક્ષીજી પણ મોટા ગામતરે ઉપડી ગયા હતા. ફરી એક વાર જાવેદ અખ્તરને ફિલ્મનાં તમામ ગીત આપ્યાં. હવે જાવેદ મંજાઇ ચૂક્યા હતા. તેમની કસાયેલી કલમમાંથી “દો પલ રૂકા ખ્વાબોં કા કાફિલા ઔર ફિર ચલ દિયે તુમ કહાં હમ કહાં...” અને “તેરે લિયે હમ હૈં જિયે, હોંટોં કો સિયે....” જેવાં જબરદસ્ત ગીતો મળ્યાં. યશ ચોપ્રાની ફિલ્મોના સંગીત વિષે દરેક એંગલથી ચર્ચા કરવાનો આનંદ જ કંઇક જુદો જ હોય છે. એવા સર્જક સિનેમાપ્રેમીઓથી કદી દૂર જઇ શકે ખરા? તેથી તેમની કવિતા પારખુ દ્રષ્ટિમાંથી ચળાઇને આવેલી રચનાઓ સાંભળતી વખતે તેમના ચાહકોને યશજી એમ જ કહેતા હશે કે, “જાનમ, દેખ લો મિટ ગઇ દુરિયાં, મૈં યહાં હૂં યહાં હૂં...!”
માણો એ ગીત અહીં યશજીને પ્રિય એવાં ફુલો અને પ્રણયનાં ચિત્રોના સાનિધ્યમાં....



(મિત્રો જાણે છે એમ, ‘વીરઝારા’ આવ્યા પછી ભારતમાંના મારા સૅલફોનમાં  આ જ ગીત “મૈં યહાં હું...યહાં હું...યહાં....કૉલર ટ્યુન તરીકે વાગતું  હોય છે. Enjoy the whole song and feel the presence of Yashji.)


No comments:

Post a Comment