Saturday, June 29, 2013

ફિલમની ચિલમ -૩૦ જુન, ૨૦૧૩





આજકાલ બોક્સ ઓફિસ પર ડરના મના હૈ!



શું હવે અમિતાભ બચ્ચનનાં અને બચ્ચન પરિવારના અન્ય સ્ટાર્સનાં દર્શન દુર્લભ થશે? જે રીતે આ અઠવાડિયે અમિતાભ અને અભિષેકના નામે એક બંગલાની ખરીદીના સમાચાર એક અખબારે પ્રસિદ્ધ કર્યા તે પછી આ ચર્ચા શરૂ થઇ છે. તેમણે ૫૦ કરોડ રૂપિયામાં ખરીદેલી આ પ્રોપર્ટી સાથે બચ્ચન કુટુંબનો મુંબઇમાં આ પાંચમો બંગલો થયો! ‘મજકુર મિલકત’ તેમના હાલના બંગલા ‘જલસા’ની પાછળ આવેલી હોઇ, હવે અત્યારે બન્ને વચ્ચેની દિવાલ દૂર કરવાનું કામ ચાલે છે. પછી બચ્ચન પરિવારને ‘જલસા’માં આવવા-જવા માટે બે તરફના રસ્તા ઉપલબ્ધ થશે. તેથી ‘જલસા’ સામે રાહ જોઇને ઉભા રહેનારા ચાહકોને અમિતાભ, જયા, અભિષેક કે ઐશ્વર્યા (અને આરાધ્યા પણ!) એ સૌ પૈકીનું કોઇક તો બંગલે આવતું કે જતું જોવા મળશે જ એવી ખાત્રી હવે નહીં રહે.


આ સમાચારથી કોઇપણ સામાન્ય વ્યક્તિને એક સવાલ જરૂર થાય કે ‘શું ચાર બંગલા હોય તોય પાંચમાની જરૂર હશે?’ કેટલાક જો કે એ અનુમાન કરતા હોય છે કે વાર્તામાં આવતી રાજકુમારીની જેમ રિયલ એસ્ટેટના ભાવ, દિવસે નહીં એટલા રાત્રે અને રાતે નહીં એટલા દહાડે, વધતા હોઇ ઇન્વેસ્ટમેન્ટના હેતુસર જ આ ખરીદી કરાઇ હશે. એ અનુમાન કરનારાઓની વાતને ટેકો મળે એવા માધુરી દિક્ષીતના એક બીજા ન્યૂઝ પણ રિયલ એસ્ટેટના બજારમાં વહેતા થયા જ છે ને? તે અનુસાર તો યારી રોડ પરની જે બિલ્ડીંગમાં પ્રિયંકા ચોપ્રા અને શાહીદ કપુર (અલબત્ત જુદા જુદા ફ્લેટમાં!) રહે છે તેમાં અગિયારમા માળે માધુરીએ પણ બે ફ્લેટ ખરીદ્યા છે.


માધુરીના આ ઇન્વેસ્ટમેન્ટમાં ઇન્ડિયાની એની કમાણી કેટલી હશે અને (અમેરિકન ડોલર સામે રોજ નવું તળિયું જોતા રૂપિયાના દિવસોમાં) ડોક્ટર નેનેના ડોલર કેટલા થાળે પડતા હશે એ વિચાર ઓવરસીઝ બોક્સઓફિસના આંકડા જોતાં આવી શકે ખરો. કેમ કે પરદેશના બજારની કમાણી ડોલરમાં થાય અને એ રકમને અગાઉ ૫૦થી ગુણવામાં આવતી અને એ આજે ૬૦ની નજીક ગુણવાની થાય. એટલે ‘યે જવાની હૈ દીવાની’ને હજી દસ મિલીયન અર્થાત એક કરોડ ડોલરનું કલેક્શન નથી થયું છતાં તેનો ઓવરસીઝ વકરો સાડા અઠ્ઠાવન કરોડ ગણત્રીમાં લેવાય છે. અગાઉના એક્સચેન્જ રેઇટમાં એ પચાસ કરોડ રૂપિયા પણ ના થાત!

તેથી ‘યે જવાની હૈ દીવાની’નો પહેલા ૨૪ દિવસનો વકરો દેશમાં ૧૮૩ કરોડ અને વિદેશોમાં ૫૮ મળીને ૨૪૧ કરોડ સુધી પહોંચી ગયો છે અને તેના પછી આવેલાં ચિત્રો તેને હલાવી શક્યાં નથી. એટલે ટ્રેડની ભાષામાં આ પિક્ચર ‘રૉક સ્ટેડી’ કહેવાય. સામે પક્ષે તેના પછી આવેલી ફિલ્મો ‘ફુકરે’ અને ‘રાંઝણા’ને ધીમી શરૂઆત પછી લોકોના સારા રિવ્યુનો લાભ મળતાં ધીમે ધીમે કલેક્શન સુધર્યાં છે અને એવી આશા રાખી શકાય કે બેઉ પિક્ચર પોતાની લાયકાત જેટલા રૂપિયા જરૂર ખેંચી લાવી શકશે. એમ લાગે છે કે હવે પહેલા દિવસે પહેલા શોમાં પિક્ચર જોવાનો ટ્રેન્ડ ઓછો થઇ રહ્યો છે. કદાચ બહુ પબ્લીસીટી કરાઇ હોય અને મોટી સ્ટારકાસ્ટ હોય તો પહેલા એક-બે શોમાં સારું એવું ઓડિયન્સ મળી જાય પણ ખરું. પરંતુ, પછીના દિવસોમાં છેલ્લે ‘યમલા પગલા દીવાના-ટુ’માં બન્યું એમ ટકવાનું મુશ્કેલ બને છે.


‘યમલા પગલા દીવાના-ટુ’ની રજૂઆતના દિવસોમાં પોતાના દીકરાઓ સની અને બોબી સાથે ઠેર ઠેર હરતા-ફરતા ધર્મેન્દ્રએ તેમની અને હેમામાલિનીની બીજી પુત્રી આહનાની સગાઇમાં આ અઠવાડિયે દીકરીના બાપની ફરજ અદા કરી. મઝાની વાત એ હતી કે મુરતિયો વૈભવ વોરા પપ્પાએ સૂચવેલો છોકરો છે. એ આહનાની મોટી બેન એશાના  મેરેજમાં આવ્યો હતો અને ત્યાંથી થયેલી ઓળખાણ વેવીશાળ સુધી પહોંચી છે. હવે શિયાળામાં લગ્નની રસમ પણ પૂરી કરાશે. એટલે ધર્મેન્દ્ર તેમના અને હેમામાલિનીના ઘરસંસારનાં સંતાનોની પણ લગ્ન જેવી પ્રાથમિક સાંસારિક જવાબદારીઓથી પરવારશે. સમય કેવો દોડે છે! ધરમ-હેમાનું પ્રકરણ જાણે હજી કાલે જ મેગેઝીનોમાં અને પાર્લામેન્ટમાં ચકચાર જગવી રહ્યું હતું અને આજે તેમનાં સંતાનો ઘરસંસાર પણ માંડી રહ્યાં છે.  


એ જ ’૭૦ના દાયકામાં (૧૯૭૪માં) જન્મેલી કરિશ્મા કપૂર આ ૨૫મી જુને ૪૦મા વરસમાં પ્રવેશી અને તેણે એની ઉજવણી લંડનમાં કરી, જ્યાં કરિના પણ હાજર હતી. એ જ રીતે ’૭૩ના જે પિક્ચરથી અમિતાભ બચ્ચન ‘એંગ્રી યંગ મેન’ બન્યા એ ‘જંજીર’ને પણ ૪૦ પૂરાં થયાં. ‘જંજીર’ની રીમેઇકના અધિકારો માટે કોર્ટમાં ગયેલા પ્રકાશ મેહરાના પુત્રો સુમિત અને પુનિતને તેમના ભાઇ અમિત મેહરા પાસેથી રાઇટ્સ પાછા મળી ગયા છે. તેથી હવે સપ્ટેમ્બરમાં ‘જંજીર’ ‘પ્રકાશ મેહરા પ્રોડક્શન’ના નેજા હેઠળ રિલીઝ થશે. (જો ત્યાં સુધીમાં સલીમ-જાવેદના વળતરની ગૂંચ ઉકલી ગઇ હશે તો!) રિલીઝની રીતે  રમઝાન ઇદના દિવસોમાં ૮મી ઓગસ્ટે શાહરૂખ-દીપિકાની ‘ચેન્નાઇ એક્સપ્રેસ’ની હડફેટે ના અવાય તે માટે એકતા કપૂરની ‘વન્સ અપોન ટાઇમ ઇન મુંબઇ દોબારા’ ૧૫મી ઓગસ્ટ પર ખસેડાઇ છે.

જો કે એવી ટકરામણની કે રમઝાન માસમાં ઓછી ઘરાકી જેવી જુના જમાનાની ચિંતાઓ એકંદરે હવે ઓછી થઇ ગઇ છે. જેમ કે આ દિવાળીએ રિતિક રોશનની ‘ક્રિશ-૩’ રિલીઝ કરવાનું પ્લાનીંગ પુરજોશમાં ચાલી જ રહ્યું છે.... સામે પક્ષે રજનીકાન્તની નવી ફિલ્મ પણ દિવાળીએ જ રજુ થવાની છે, તો ય! પણ સૌથી મોટું આશ્ચર્ય રમઝાનનું ગણાય છે. આ સાલ રમઝાનના ઉપવાસના દિવસો દરમિયાન બે ચાર નહીં, ૧૨થી ૧૪ ફિલ્મો આવી હશે અને તે પણ ‘લૂટેરા’, ‘પોલીસગીરી’, ‘ભાગ મિલ્ખા ભાગ’, ‘સત્યા-ટુ’ સહિતની! સોચો ઠાકુર!!

તિખારો!
“જાણો છો ને? ‘જંજીર’ની રીમેઇકમાં પ્રાણવાળો ‘શેરખાન’નો રોલ સંજયદત્ત કરે છે....”
“એમ? નામ તો સાંભળેલું લાગે છે... એ કોણ?!!” 

Saturday, June 22, 2013

ફિલમની ચિલમ - ૨૩ જુન, ૨૦૧૩ - મુંબઇ સમાચાર




શું કરણ જોહર વિલન જેવા લાગી શકશે?




હવે અમિતાભ બચ્ચન પણ ટીવી સિરીયલમાં આવશે અને તે પણ અનુરાગ કશ્યપના દિગ્દર્શનમાં! સિનીયર બચ્ચન પહેલીવાર ટેલીવિઝન પર ‘કૌન બનેગા કરોડપતિ’ માટે સંમત થયા, ત્યારે તેમના પરિવારજનો સહિતના સૌને બીક હતી કે મોટો સ્ક્રીન છોડીને ટચુકડા પડદે જવું એ એક રીતે પોતાના સ્ટાન્ડર્ડ કરતાં નીચે ઉતરવા જેવું થશે તો? પણ ત્યારે તેમની આર્થિક કટોકટીમાં જે કામ મળે તે કરી લેવાની મજબુરી છતાં એકવાર સંમતિ આપી તે પછી એ ગેમશોમાં પૂરી નિષ્ઠાથી લાગી ગયા. તેમના બેમિસાલ પરફોરમન્સને કારણે  ‘કેબીસી’એ અપ્રતિમ સફળતા મેળવી. એક રીતે જોઇએ તો, ‘કૌન બનેગા કરોડપતિ’એ બચ્ચનને તો તેમની જિંદગીના સૌથી મોટા આર્થિક સંકટમાંથી ઉગાર્યા જ; સાથે સાથે ફિલ્મ સ્ટાર્સને નાના પડદાના છોછમાંથી મુક્ત પણ કર્યા.




એટલે અમિતાભ ટીવી સિરીયલમાં આવશે તો પણ પોતાની અલગ છાપ છોડશે એ તો ખરું જ, પણ તેનાથી પ્રેરાઇને ફિલ્મ સ્ટાર્સ પણ સિરીયલ્સમાં એક્ટિંગ કરવા માંડશે તો? એમાંય શાહરૂખ જેવાએ તો ટીવી પર ‘ઉમ્મીદ’, ‘વાગલે કી દુનિયા’, ‘ફૌજી’ અને ‘સર્કસ’ જેવી શ્રેણીઓ કરીને જ ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી ને? મઝાની વાત એ છે કે ‘સર્કસ’માં શાહરૂખે કરેલો ‘શેખરન’નો રોલ હકીકતમાં તો એક્ટર પવન મલ્હોત્રા માટે હતો! પરંતુ, પવનને તે જ દિવસોમાં ‘બાગ બહાદુર’ નામની ફિલ્મ મળી હતી. હવે ટીવી સિરીયલનાં શિડ્યુઅલ તો દૂરદર્શને આપેલા સમયમાં પતાવવાનાં જ હોય. તે જ દિવસોમાં ફિલ્મના શુટિંગની તારીખો આવે, ત્યારે બેમાંથી એકની પસંદગી ફરજિયાત કરવાની આવે જ. એ સંજોગોમાં, કોઇપણ એક્ટર સ્વાભાવિક જ ફિલ્મ કરે અને સિરીયલને છોડી દે. પવનનો છોડેલો એ રોલ શાહરૂખે કર્યો. પછી તો પવન પણ ‘સર્કસ’માં હતા. પરંતુ, માલિકના પરદેશથી પાછા આવેલા દીકરા ‘શેખરન’નો રોલ શાહરૂખને ક્યાંથી ક્યાં લઇ ગયો તેની ઇન્ટરેસ્ટીંગ હિસ્ટરીની વાત ફરી ક્યારેક. 
 

પણ અમિતાભ અને અનુરાગ કશ્યપનું મિલન ટીવી સિરીયલ માટે થાય એ મોટી ઘટના કહેવાય. જો કે અનુરાગને ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ પછી જે જબરદસ્ત માન્યતા કોમર્શિયલ માર્કેટમાં મળી છે, તેને પગલે તેમની સાથે કામ કરવાની ઓફરને બચ્ચન પણ ઇન્કાર કરી શકતા નથી, તો પછી કરણ જોહર કેવે રીતે ના પાડે? કરણ અને અનુરાગે ફિલ્મ ઉદ્યોગની શતાબ્દિ નિમિત્તે બનેલા પિક્ચર ‘બોમ્બે ટોકીઝ’માં એક એક વાર્તાનું ડાયરેક્શન કર્યું હતું. પરંતુ, આ તેની વાત નથી. આ અઠવાડિયે આવેલા સમાચાર સાચા હોય તો અનુરાગે પોતાની નવી ફિલ્મ ‘બોમ્બે વેલ્વેટ’માં કરણ જોહરને એક્ટર તરીકે સાઇન કર્યા છે! એટલું જ નહી, કરણની એ ભૂમિકા નેગેટીવ શેડવાળી હશે.

કરણનો સીધો-સાદો ચહેરો જોતાં એ વિલનની કરડાકી લાવી શકશે? કે એ નિર્દોષ ચહેરે ચાલબાજી કરતા હશે? કે પછી ‘સડક’માં સદાશીવ અમરાપૂરકરના એવોર્ડ વિજેતા ‘મહારાની’ જેવી કોઇ ભૂમિકા હશે?  તેને  માટે વજન ઘટાડવાની સૂચના અપાઇ છે અને તે મુજબ કરણે ૧૨ કિલો ઉતારી પણ દીધું છે. ક્યાં ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’માંનો શાહરૂખનો મિત્ર બનતો ગોળમટોળ સ્થૂળકાય કરણ અને ક્યાં વજન ઉતારવાની આ એક્સરસાઇઝ! કરણ જોહરે તેને માટે રિતિક રોશનના ટ્રેઇનરની સેવાઓ લીધી છે. રિતિક પોતાની ફિટનેસ માટે ખુબ સતર્ક રહે છે. (આજકાલ કયા હીરો એ બાબતમાં આળસ કરી શકે?)

રિતિક રોશન પોતાના ઘરની ફ્રેન્ચાઇઝી એવી  ‘ક્રિશ’ની સિકવલ - ત્રીજા ભાગ - માટે શેપમાં રહેવા નિયમિત તાલીમ લેતો રહે છે. આ ‘ક્રિશ-૩’માં રિતિકના ત્રણ રોલ હશે. આ સિક્વલની ફોર્મ્યુલા સાથે હમણાં હમણાં આવેલી ‘યમલા પગલા દીવાના-ટુ’ માટે વિવેચકોથી માંડીને ઓડિયન્સ સુધીના સૌનો કોઇ ઊંચો રિવ્યુ મળ્યો નથી. છતાં ૫૦ કરોડનો બિઝનેસ થયો હોઇ ત્રીજો ભાગ બનાવવાની શક્યતા ઉર્ફે ધમકી ઉભી જ છે! બિઝનેસની રીતે ‘યે જવાની હૈ દીવાની’નો ઘોડો ૧૭૫ કરોડને અડકી જતાં હવે એ ‘એક થા ટાઇગર’ના ૧૯૯ કરોડને કે નંબર વન ‘થ્રી ઇડીયટ’ના ૨૦૨ કરોડ બેમાંથી કોને ટચ કરે છે અને કોને પાર કુદાવે છે, એ અનુમાનો લાગી રહ્યાં છે. ત્યારે હવે વિદ્યા બાલન અને ઇમરાન હાશ્મીની આવી રહેલી ફિલ્મ ‘ઘનચક્કર’ની પબ્લીસીટીનું પ્રમાણ જોતાં તેના પર ‘યુટીવી’ની સારી એવી આશાઓ હશે. એ માટે વિદ્યા અને ઇમરાન વચ્ચે લીપ ટુ લીપ કીસ હશે કે નહીં? એવી ઉત્કંઠા જગવનારા વર્તારા પણ મિડીયામાં આવવા માંડ્યા છે. પણ જે રીતે ‘ફુકરે’ની પબ્લીસીટી ફરહાન અખ્તરે કરી હતી, છતાં શરૂઆત એટલી પ્રોત્સાહક નહતી. જો કે બીજા-ત્રીજા દિવસે ‘શોલે’ની માફક સ્થિતિ સુધર્યાના રિપોર્ટ પણ છે. 


‘શોલે’ના પહેલા દિવસે ગબ્બરના ‘કિતને આદમી થે?’વાળા ડાયલોગ વખતે “નવો વિલન તો મદારીવેડા કરે છે...” એવી કોમેન્ટ્સ કરતા લોકો થિયેટરમાંથી બહાર નીકળતા હતા. પણ પછી એ જ ડાયલોગ બચ્ચા બચ્ચાની જબાન પર ગોખાયેલા હતા/હજીય છે. હવે એ જ ‘શોલે’ની નવી ‘થ્રી ડી’ એડીશન આવી રહી છે, ત્યારે દોડતા-પડતા ઘોડા, ધસમસતી ટ્રેઇન, ધાણીની માફક ફુટતી ગોળીઓ એ બધું થ્રી ડાયમેન્શનમાં જોવાનો અનુભવ કેવો હશે? સોચો ઠાકુર!



તિખારો!


‘બીગ બોસ’થી વધારે જાણીતી થયેલી અને સલમાન ખાનની આવી રહેલી ફિલ્મ ‘મેન્ટલ’ની હીરોઇન સના ખાનના આગોતરા જામીન કોર્ટે મંજૂર કર્યા એ જોતાં તેના કિસ્સામાં ક્રમ ઉંધો થયો ના કહેવાય? સામાન્ય રીતે કોઇને કોઇ રીતે વિવાદોમાં રહેલી વ્યક્તિઓ ‘બીગ બોસ’ના ઘરમાં રહેવા પસંદ થતી હોય છે. જ્યારે સના બિચારી પહેલી એ કાર્યક્રમમાં રહી અને હવે પોલીસ તપાસ-કોર્ટ-વિવાદ વગેરે શરૂ થયાં!! 









Saturday, June 15, 2013

ફિલમની ચિલમ- જુન ૧૬, ૨૦૧૩



અમિતાભે ‘ટ્વીપ’ પણ શાથી નહીં કર્યું હોય?



 ‘શું દીપિકા પાદુકોણની સેન્ચ્યુરીની હૅટ્રિક થશે?’ આ સવાલ હવે બિઝનેસની દુનિયામાં ‘ટૉક ઑફ ધી ટાઉન’ છે. કેમ કે તેની નવી ફિલ્મ ‘ચેન્નઇ એક્સપ્રેસ’નો હીરો શાહરૂખ છે અને તે ૮મી ઓગસ્ટે એટલે કે ઇદના વીકમાં રિલીઝ થવાની છે. તેથી ૧૦૦ કરોડનું કલેક્શન તો રમતાં રમતાં લાવી દેશે એવી અપેક્ષા છે. ‘ચેન્નઇ એક્સપ્રેસ’ના દિગ્દર્શક રોહિત શેટ્ટી હોઇ મારધાડ પર ભાર વધારે હશે. તેથી દીપિકાને માટે કદાચ શોભામાં અભિવૃદ્ધિ કરવા સિવાયનું ખાસ કામ નહીં હોય. પરંતુ, ફિલ્મનો વકરો તો તેના નામે પણ બોલવાનો જ. ટ્રેડના પંડિતોની નજર એ વાત પર પણ રહેવાની કે ‘યે જવાની હૈ દીવાની’ની માફક જેન્યુઇન સુપર હીટ કલેક્શન હશે કે પછી ડચકાં ખાતે ખાતે સદી સુધી પહોંચે છે.

‘યે જવાની...’ની ટિકિટબારી પરની મસ્તી બીજા અઠવાડિયે પણ ચાલુ રહી છે અને બે વીકમાં દોઢસો કરોડનો આંકડો પાર કરી દીધો છે. સામે પક્ષે તેના પછીના શુક્રવારે રજૂ થયેલી ધર્મેન્દ્ર, સની અને બોબી દેઓલની ‘યમલા પગલા દીવાના-ટુ’નો પહેલા સપ્તાહનો બિઝનેસ પણ ‘યે જવાની...’ના બીજા વીક જેટલો નથી. તેથી સતત બાઉન્ડ્રી મારીને સૈકું પુરું કર્યા પછી પણ ફટકાબાજી ચાલુ રાખતા બેટ્સમેનની અદામાં ‘યે જવાની...’ એક સુપરહીટ ફિલ્મ સાબિત થઇ રહી છે. તેની સફળતામાં નવા પ્રકારની લવ સ્ટોરીની સાથે કરણ જોહરની ટ્રેડમાર્ક તડક-ભડક પ્રોડક્શન વેલ્યુનો ફાળો મોટો છે. એ બધામાં ઉમેરો આજના યંગ્સ્ટરની નાડ પારખીને બનાવાયેલું મ્યુઝિક! પછી તો ‘હોગા યું નશા જો તૈયાર... વો સુપરહીટ હૈ’!!

મ્યુઝિકની રીતે સિને રસિકોની એક પેઢીને રણબીરના મોટાકાકા રણધીર કપૂર અને જયા ભાદુરીને ચમકાવતી ‘જવાની દીવાની’માં આર. ડી. બર્મને ’૭૦ના દાયકાના જનરેશનને અપીલ કરનારાં ગાયનો બનાવીને તે દિવસોમાં જે ધૂમ મચાવેલી તેની યાદ તાજી થયા વિના ના રહે. તેમાં પણ “જાને જાં ઢૂંઢતા ફિર રહા હું મૈં યહાં સે વહાં...”માં આશા ભોંસલે એક તબક્કે સાવ નીચા સૂરમાં જે રીતે “તુમ કહાં..” એમ ગાય છે એ જાણે કે કાનમાં કાયમ નિવાસ કરી ગયેલા સ્વરો છે. એ સિવાય પણ “અગર સાજ છેડા તરાને બનેંગે...” હોય કે પછી “નહીં નહીં અભી નહીં, અભી કરો ઇન્તજાર..” જેવાં યુગલ ગીતોની આનંદ (બક્ષી) -મસ્તી હોય એ બધામાં એક તાઝગી હતી. વળી, તેમાં “સામને યે કૌન આયા દિલ મેં હુઇ હલચલ...”ની ધમાલ ઉમેરો તો “હોગા યું નશા જો તૈયાર વો પંચમદા કા મ્યુઝિક હૈ!”

એટલે સંગીતની રીતે ‘યે જવાની..’ આજના જનરેશનની ફિલ્મ કહેવાતી હોય તો તેમાં મ્યુઝિક ડીરેક્ટર પ્રીતમનો ફાળો પણ ખુબ કહી શકાય. પ્રીતમ જેવા આજના સંગીતકારોને એ રીતે પણ શાબાશી આપવી પડે કે તેમણે અગાઉના સમયની ખેલદિલ પ્રણાલિઓ હજી ટકાવી રાખી છે. પ્રીતમના એક રીતે હરિફ કહી શકાય એવા સંગીતકાર વિશાલના અવાજનો ઉપયોગ ફિલ્મનાં કદાચ બે સૌથી લોકપ્રિય ગાયનોમાં કર્યો છે. એ ખેલદિલીભરી પરંપરાની સૌથી મોટી મિસાલ હતા સંગીતકાર હેમંતકુમાર. હેમંતકુમાર જાતે અગ્રણી મ્યુઝિક ડીરેક્ટર અને છતાં તેમના અવાજમાં અન્ય સંગીતકારોનાં કેટલાં બધાં ગીતો છે?થોડાંક જાણીતાં ગાયનો પર જ નજર નાખીએ તો પણ કેવો ખજાનો મળે છે, એ તો જુઓ?



“ઇન્સાફ કી ડગર પે બચ્ચોં દિખાઓ ચલકે...  ( નૌશાદ - ગંગા જમુના) “છુપા લો યું દિલ મેં પ્યાર મેરા, કિ જૈસે મંદિર મેં લૌ દિયે કી” (રોશન - મમતા), “લહરોં પે લહર, ઉલ્ફત હૈ જવાં...” (સ્નેહલ ભાટકર), “તુમ્હેં યાદ હોગા કભી હમ મિલે થે...” (કલ્યાણજી આણંદજી - ) “ગંગા આયે કહાં સે ગંગા જાયે કહાં રે...” (સલિલ ચૌધરી- કાબુલીવાલા), જગત ભર કી રોશની કે લિયે.. સૂરજ રે જલતે રહના...” (લક્ષ્મીકાન્ત પ્યારેલાલ - હરિશ્ચન્દ્ર તારામતિ),  “રાહી તુ મત રૂક જાના...” (કિશોર કુમાર - દૂર ગગન કી છાંવ મેં),  “યે રાત યે ચાંદની ફિર કહાં, સુન જા દિલ કી દાસ્તાં...” (એસ. ડી. બર્મન - જાલ).... 


 પ્રીતમે “બલમ પિચકારી...”માં અને માધુરીના આઇટમ સોંગ “ઘાઘરા...” એ બન્ને ગીતોમાં પુરુષ અવાજ વિશાલ ડડલાનીનો લીધો છે. એટલું જ નહીં, “ઘાઘરા...” ગીતમાંનો મહિલા સ્વર રેખા ભારદ્વાજનો છે, જે પાછાં અન્ય એક સંગીતકાર વિશાલ ભારદ્વાજનાં પત્ની છે! એટલે આમ ગમે એટલી સ્પર્ધા હોય તો પણ ફિલ્મ ઉદ્યોગ અંતે તો એક પરિવારની જેમ જ છે. ધંધાકીય હરિફાઇ છતાં સારા-માઠા પ્રસંગે સૌ એક બીજાની પડખે ઉભા રહેતા હોય છે. એવો એક પ્રસંગ આ સપ્તાહે પ્રિયંકા ચોપ્રાના જીવનમાં બન્યો, ત્યારે ફરી એકવાર ઇન્ડસ્ટ્રીએ પોતાની એકતા બતાવી.
  
પ્રિયંકાના પિતાજી ડો. અશોક ચોપ્રા ગયા સોમવારે ૯મી જુને બાસઠ જ વર્ષની વયે કેન્સરમાં અવસાન પામ્યા ત્યારે તેમની પ્રાર્થના સભામાં ઇન્ડસ્ટ્રીના સૌ પહોંચી ગયા હતા, જેમાં કરિના કપૂર, દીપિકા પાદુકોણ અને વિદ્યા બાલન જેવી તેની હરીફોનો પણ સમાવેશ થતો હતો. પણ દરેક ઘટના પછી થતી કાનાફુસીથી આ પ્રસંગો પણ બાકાત નહતા. કેમ કે શાહરૂખખાન પોતાના ખભાની સર્જરીને કારણે હાથ મેડીકલ ઝોળીમાં લટકાવીને સ્મશાનયાત્રા તથા બેસણા બન્નેમાં ઉપસ્થિત હતો અને તેને લીધે અન્ય હીરો લોગની ગેરહાજરી બિન સત્તાવાર ચર્ચાનું કારણ બની હતી.


ખાસ કરીને બચ્ચન પરિવારની હાજરી ક્યાંય દેખાઇ નથી. જો કે બચ્ચન ફેમિલીના સદસ્ય જેવા (અને અમિતજીના બ્લોગ પર જેનો એક કરતાં વધુ વખત ઉલ્લેખ થયેલો છે એવા) તેમના શ્વાનનું નિધન પણ તાજેતરમાં થયું હોઇ સમગ્ર કુટુંબ શોક પાળતું હોય એ શક્ય છે. પણ ખાંચો એ નીકળે છે કે નાની વાતે ટ્વીટ કરતા અને પ્રિયંકાના પિતાજીના નિધનના દિવસોમાં પણ એવા નાના સંદેશા મૂકતા રહેલા બચ્ચન બાબુએ એકાદું ‘ટ્વીપ’ (ટ્વીટર પર મૂકાતા શોકસંદેશાને સોશ્યલ મિડીયાની ભાષામાં ‘ટ્વીપ’ કહેવાય છે તે) પણ ડો. ચોપ્રાના આત્માની શાંતિ અર્થે ના મૂક્યું? જોઇએ હવે અમિતાભ ‘ટ્વીટ’ના આ આખા મુદ્દાને કેવી રીતે ‘ટ્ર્રીટ’ કરે છે!
તિખારો!
જિયા ખાન આત્મહત્યા કેસમાં સૂરજ પંચોલી સામે જે રીતે પોલીસની કાર્યવાહી થઇ રહી છે, તે જોતાં ‘બીગ બોસ’ની નવી સિઝન માટે સૂરજ ક્વોલીફાય થઇ ગયો કહેવાય!!