Saturday, June 1, 2013

ફિલમની ચિલમ મુંબઇ સમાચાર- ૦૨ જુન, ૨૦૧૩






આજનાં ગીતો આવરદા ચિતાજનક હોય છે!

 


‘પ્રીટિ ઝિન્ટાએ હવે ક્રિકેટની રમત તરફ જ ધ્યાન ‘ફિક્સ’ રાખવું જોઇએ’ એમ કહી શકાય. કેમ કે તેની નવી ફિલ્મ ‘ઇશ્ક ઇન પેરિસ’ ઇન્ટરનેશનલ માર્કેટમાં સાવ સસ્તામાં ખખડી ગઇ. વિચાર તો કરો પહેલા ત્રણ દિવસમાં યુ.કે.માં માત્ર ૧૧ હજાર ડોલર અને અમેરિકામાં સાડા છ હજાર ડોલરનો વકરો એ કદાચ કોઇપણ હિન્દી ફિલ્મ માટેનો સૌથી ઓછો સ્કોર હશે! દેશની જનતાએ પણ લગભગ એવો જ ચુકાદો આપ્યો છે. ફિલ્મની રજૂઆતના પ્રથમ શુક્ર, શનિ અને રવિના શોમાં પણ પાંચ કે દસ ટકા લોકો આવતાં ‘ઇશ્ક ઇન પેરિસ’ને ૨૦૧૩નું સૌથી મોટું ફ્લોપ પિક્ચર કહેવાશે તો નવાઇ નહીં લાગે.

પ્રીટિની આ નવી ફિલ્મ ચાર વરસ પછી આવી હતી અને સ્વાભાવિક જ એક સ્ટારને માટેની ઉત્સુકતા અપેક્ષિત હોય. એવું કશું થયું નહીં. બલ્કે ‘નજરોંસે દૂર તો દિલ સે ભી દૂર’ (આઉટ ઓફ સાઇટ આઉટ ઓફ માઇન્ડ)ની ઉક્તિને સાચી પડતી જોવાઇ. વળી, ફિલ્મના ઓછા પ્રમોશન માટે અન્ય કોઇ પર જવાબદારી નાખી શકાય એવી પણ નહતી. કેમકે પ્રોડ્યુસર પ્રીટિ પોતે જ છે! તેના કરતાં તો આ જ અઠવાડિયે રિલીઝ થયેલી પંજાબી ફિલ્મ ‘જાટ્સ ઇન ગોલમાલ’નું ઇન્ટરનેશનલ કલેક્શન કંઇક ગણું વધારે છે.  

એટલે ગયા સપ્તાહે અહીં આપણે ૧૦૦ કરોડના ફુગ્ગાના ફુટવાની ચિંતા કરતા હતા. જ્યારે અહીં તો ‘ઇશ્ક ઇન પેરિસ’ને કેટલા લાખનો વકરો થશે એ પણ ટેન્શન છે. પેરિસમાં શુટીંગ કરવાથી દેશી નહીં તો કમસે કમ એન.આર. આઇ. ઓડિયન્સ તો ટિકિટબારી છલકાવશે એવી ફોર્મ્યુલાને પણ સ્માર્ટ દર્શકોએ ખોટી પાડી બતાવી છે. હા, પેરિસની નવાઇ હતી ત્યારે અલગ વાત હતી. ‘ઇશ્ક ઇન પેરિસ’ જેવું જ નામ ધરાવતી ફિલ્મ ‘એન ઇવનીંગ ઇન પેરિસ’ જ્યારે ૧૯૬૭માં આવી ત્યારે તેની હિરોઇન શર્મિલા ટાગોર પણ પ્રીટિની માફક ગાલમાં ખાડા પાડતી આકર્ષક અભિનેત્રી હતી. તેના હીરો શમ્મીકપૂર અને ખાસ તો સંગીતકાર શંકર જયકિશનનો એ ઝળહળતો સમય. તેથી પિક્ચરની વાર્તા સાવ ચીલાચાલુ હોવા છતાં ’૬૭માં સૌથી વધુ કમાણી કરાવના્રી ટોપ ટેન ફિલ્મોમાં ‘એન ઇવનીંગ ઇન પેરિસ’ હતી! તેનો યશ બીકીની પહેરેલી નમણી શર્મિલા અને મર્દાના શમ્મી કપૂરના કોમ્બીનેશન જેટલો જ ‘એસ.જે.’નાં ગીતોને આપવો પડે.




શંકર-જયકિશને “અજી ઐસા મૌકા ફિર કહાં મિલેગા...” હોય કે પછી “આસમાન સે આયા ફરિશ્તા, પ્યાર કા સબબ સિખલાને...” અથવા “દીવાને કા હાલ તો પૂછો...”  જેવાં તોફાની ગાયનોમાં શમ્મીકપૂરને તેમની ટ્રેડ માર્ક હરકતો લયમાં કરવાની સગવડ કરી આપી. તે ઉપરાંત પણ “અકેલે અકેલે કહાં જા રહે હો, હમેં સાથ લે લો જહાં જા રહે હો...” તો “રાત કે હમસફર થક કે ઘર કો ચલે...” સરખાં પ્રમાણમાં ધીમા લયનાં ગાયનો પણ સર્જ્યાં. આખું પિક્ચર માત્ર ગાયનોની આસપાસ રચાયું હોય એવું દેખાઇ આવે એવાં ૯ ગીતોના પેટ્રોલ પર સડસડાટ દોડ્યું હતું. મ્યુઝિકનો એવો સપાટો અત્યારે વરસે બે-ચાર ફિલ્મો જ કરી શકે છે. બે-ચાર વરસ પહેલાંનાં લોકપ્રિય ગાયન પણ આજે આખાં બહુ લોકોને યાદ નહીં હોય. એ સ્થિતિ ચિંતાજનક નથી લાગતી?

કેમ કે સંગીત આપણી ફિલ્મોનું કેવું અગત્યનું અંગ રહ્યું છે એ ક્યાં કોઇથી અજાણ્યું છે? ‘એન ઇવનીંગ ઇન પેરિસ’ના વરસ ૧૯૬૭ની જ કેટલીક ફિલ્મોનાં માત્ર નામ જ જાણો અને નક્કી કરો કે આજે લગભગ ૫૦ વરસ પછી પણ તેમાંનાં કયાં કયાં ગાયન મનમાં ગૂંજવા માંડે છે? (એક એક સેમ્પલ કૌંસમાં છે!) .... ‘ઉપકાર’  (મેરે દેશ કી ધરતી સોના),  ‘મિલન’ (સાવન કા મહિના પવન કરે સોર), ‘જ્વેલથીફ’ (હોઠોં મેં ઐસી બાત મૈં છુપાકે ચલી આઇ),  ‘ફર્ઝ’ (મસ્ત બહારોં કા મૈં આશિક), ‘રામ ઔર શ્યામ’ (આજ કી રાત મેરે દિલ કી સલામી લે લે), ‘મેહરબાન’ (અય મેરે દોસ્ત અય મેરે હમદમ), ‘શાગીર્દ’ (દિલ વિલ પ્યાર વ્યાર મૈં ક્યા જાનું રે), ‘દુલ્હન એક રાત કી’ (મૈંને રંગ લી આજ ચુનરિયા, સજના તેરે રંગ મેં), ‘રાત ઔર દિન’ (રાત ઔર દિન દિયા જલે, મેરે મન મેં ફિર ભી અંધિયારા હૈ), ‘પથ્થર કે સનમ’ (તૌબા યે મતવાલી ચાલ, ઝૂક જાયે ફુલોં કી ડાલ), ‘તકદીર’ (જબ જબ બહાર આઇ ઔર ફુલ મુસ્કુરાયે, મુઝે તુમ યાદ આયે....)! નો ડાઉટ,  આજે પણ સારાં સારાં ગીતો અને સંગીત જરૂર સર્જાય છે. પણ તેનો આવરદા ચિંતાજનક હોય છે. જો કે આજની ફાસ્ટ લાઇફમાં જ્યાં સંજયદત્તનો કારાવાસ પણ મેચ ફિક્સીંગની ધમાલમાં ભૂલાઇ જતો હોય તો બે-ત્રણ વીક જ થિયેટરમાં ટકતાં પિક્ચરોનાં ગાયનોની શી વિસાત?

 
સંજયદત્ત અને જુહી ચાવલાને પણ ચમકાવતી નવી ફિલ્મ ‘હમ હૈ રાહી કાર કે’ નો બોક્સ ઓફિસ પરનો દેખાવ તો ‘ઇશ્ક ઇન પેરિસ’ને સારો કહેવડાવે એવો થતાં સંજયદત્તની ફિલ્મો પર આધાર રાખનારાઓને પણ ટેન્શન થવાની શક્યતાઓ વધી ગઇ છે. કેમ કે ‘જંજીર’ની રીમેકમાં હીરો અમિતાભ બચ્ચનવાળો રોલ કરનાર એક્ટર રામચરણ તેજાને કોઇ ખાસ હજી ઓળખતું નથી અને બધો મદાર સંજયદત્ત બહજવશે એ પાત્ર ‘શેરખાન’ની સ્ટારવેલ્યુ પર રહેવાનો. એ જ રીતે ‘શૌકીન’ની રીમેકને અક્ષયકુમારના નામનો લાભ મળવાનો. આ સપ્તાહે અક્ષયને મિથુન ચક્રવર્તીવાળી ભૂમિકા માટે સાઇન કરી લેવાયો છે અને રતિ અગ્નિહોત્રીવાળા રોલમાં નરગીસ ફખ્રી હશે. રીમેકની માફક જ અત્યારે ચાલતી સિક્વલની ફોર્મ્યુલામાં હવે ‘ધડકન’ પણ ઉમેરાયું છે. ‘ધડકન-ટુ’નું પ્લાનીંગ ધર્મેશ દર્શન કરી રહ્યા છે,  જેમાં સ્ટારકાસ્ટનું નવેસરથી વિચારવું પડશે એમ લાગે છે. અક્ષય કુમારની સ્ટારવેલ્યુ જોતાં એ તો હશે જ. પણ સુનિલ શેટ્ટીને તો કદાચ જીપીએસ વગર સ્ટુડિયોનો રસ્તો પણ હવે યાદ નહીં હોય. જ્યારે ‘ધડકન’ની હિરોઇન શિલ્પા શેટ્ટીએ તો ક્રિકેટમાં ધ્યાન ‘ફિક્સ’ કરી જ દીધું છેને?! 



તિખારો!

 સપ્તાહની સૌથી રમૂજી દલીલ કઇ?.....

“મેચ ફિક્સીંગમાં ધરપકડ થવાથી વિન્દુ દારાસિંગની ફિલ્મી કરિયરને નુકશાન થયું છે!!”







No comments:

Post a Comment