Saturday, July 13, 2013

ફિલમની ચિલમ - ૧૪ જુલાઇ, ૨૦૧૩











કરિના ખાનદાનનું  નામ હવે  લાંબું કરે છે!

અપેક્ષા મુજબ જ ‘ઘનચક્કર’ ને ધન પ્રાપ્તિના યોગ ઓછા પડી રહ્યા છે. છતાંય જે રીતે પિક્ચર ખુલ્લા અંતવાળી (ઓપન ઍન્ડેડ) રખાઇ છે, એ જોતાં ભવિષ્યમાં ‘ઘનચક્કર-ટુ’ (કે ‘ઘનચક્કર-તુ’!) બને તો ચકરાવામાં ના પડશો. કેમ કે ૪૦-૫૦ કરોડનો બિઝનેસ આપનારી ફિલ્મને ‘બ્રાન્ડ’ તરીકે પ્રમોટ કરી જ શકાશે.  સરખામણીએ ‘રાંઝણા’ને મળેલો આવકાર વધારે સારો રહ્યો અને તેથી હીરોઇન સોનમ કપૂરની હવે આ સપ્તાહે, ૧૨મી જુલાઇએ, રજૂ થનારી ફિલ્મ ‘ભાગ મિલ્ખા ભાગ’ને લાભ મળશે. આમ તો  એ દોડવીર મિલ્ખાસિંગના જીવન પર આધારિત હોઇ હીરો ફરહાન અખ્તર ઉપર જ સ્પૉટ લાઇટ રહેશે. વળી, આ પિક્ચર માટે ફરહાને જે પ્રકારનું કસરતી બૉડી બનાવ્યું છે એને લીધે પણ એ ખાસ્સો ચર્ચામાં છે જ. ફિલ્મનો પ્રિવ્યુ જોવા આવેલા અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનથી લઇને ઇન્ડસ્ટ્રીના સૌએ ફરહાનની મહેનતનાં વખાણ ટ્વીટ કર્યાં છે.



આ ટ્વીટની સગવડ હવે એટલી હાથવગી હોય છે કે કોઇ પત્રકારની આવશ્યકતા જ નહીં.... રાત્રે બાર કે એક વાગે પણ પોતાની કારમાં બેઠા બેઠા સાવ ટૂંકાણમાં વખાણની વાટકી મોકલી શકાય! તેમાં પણ ‘વાટકી વહેવાર’ ચાલતા રહે છે. હવે ઓગસ્ટમાં અમિતાભની ‘સત્યાગ્રહ’ આવવાની, ત્યારે પાછા બચ્ચનદાદાને સૌ મીઠો ટહુકો ( એટલે ‘ટ્વીટ’ સ્તો!) કરવાના. (બાય ધી વે, ‘સત્યાગ્રહ’ એ પ્રથમ ફિલ્મ હશે, જેમાં કરીનાનું નામ સત્તાવાર ‘કરીના કપૂર ખાન’ લખાશે!) ‘સત્યાગ્રહ’માં અન્ના હજારેની માફક ઉપવાસ પર ઉતરતા અમિતાભ હવેના દિવસોમાં ‘કૌન બનેગા કરોડપતિ’ રમાડવાના છે.

કેબીસી’માં નસીબ અજમાવવા આતુર સૌએ સમયસર કમર કસવી પડશે. કેમ કે આ વખતે “રાત થોડી ’ને વેશ ઝાઝા”નો ખેલ થવાનો છે. ‘કેબીસી’ની આ સિઝનમાં દર વખતની માફક ૫૦-૫૨  એપિસોડ્સને બદલે ૩૬ જ હપ્તા હશે. તેમાંથી પણ નવરાત્રી-દિવાળી જેવા વિશેષ પ્રસંગોના ખાસ એપિસોડ કે કોઇ ફિલ્મના પ્રમોશનના હપ્તા બાદ કરો તો? અમિતાભ માટે એક બીક એવી પણ બતાવાય છે કે તેમનો ટીવી પર ઓવરડોઝ તો નહીં થઇ જાયને? કેમ કે ‘બાપુ’ને લઇને અનુરાગ કશ્યપ પણ ટીવી સિરીયલ બનાવવાના છે.

અનુરાગ એક જમાનામાં પ્રિવ્યુ થિયેટરના અને વિવેચકોના ડીરેક્ટર કહેવાતા. પરંતુ, ‘ગેંગ્સ ઑફ વાસેપુર’ને પગલે વ્યાવસાયિક રીતે કદ એવું વિસ્તર્યું છે કે આ અઠવાડિયે તેમના નામને કારણે પાંચ ટૂંકી ફિલ્મોનો સંપુટ એક જ કૃતિ ‘શૉર્ટ્સ’ તરીકે થિયેટર્સમાં રિલીઝ થઇ શકશે. આ બહુ મોટી સિધ્ધી કહી શકાય. હા, એક જમાનામાં ટીવી પર ‘એક કહાની’ કે ‘કથા સાગર’ જેવી સિરીઝમાં એક કે બે હપ્તામાં પૂરી થતી ટૂંકી વાર્તાઓ જરૂર આવતી. તેમજ એ સાહિત્યિક કૃતિઓની માવજત પણ અદભૂત થતી! જ્યારે ફિલ્મોમાં ‘દસ કહાનિયાં’ એક સાથે પ્રસ્તુત કરતી ફિલ્મ ૨૦૦૭માં આવી હતી અને આ સાલ ભારતીય સિનેમાની શતાબ્દિ નિમિત્તે ‘બૉમ્બે ટૉકિઝ’માં અનુરાગ કશ્યપ  ઉપરાંત કરણ જોહર, ઝોયા અખ્તર અને દિબાકર બેનરજી જેવા ચાર કમર્શિયલ નિર્દેશકોની વાર્તાઓ રજૂ થઇ હતી.


તેનાથી પ્રેરાઇને હવે વિવિધ આંતરરાષ્ટ્રીય ફેસ્ટીવલ્સમાં પ્રશંસા પામેલી શોર્ટ ફિલ્મ્સને વ્યાવસાયિક રીતે રજૂ કરવાની હિંમત અનુરાગ કશ્યપ કરી રહ્યા છે. એ રીતે ભારતીય દર્શક માટે અને આપણી બૉક્સ ઑફિસ માટે પણ આ નવતર પ્રયોગ હશે. કેમ કે ‘શૉર્ટ્સ’માં નવાઝુદ્દીન સિદ્દીકી, હુમા કુરેશી અને રીચા ચઢ્ઢા જેવાં ‘વાસેપુર’થી હવે જાણીતાં થયેલાં નામો જરૂર છે. પરંતુ, દિગ્દર્શકોમાં સાવ અજાણ્યાં નામ છે અને એ માટે અનુરાગ કશ્યપને જેટલી શાબાશી આપીએ એટલી ઓછી છે! બાકી શ્લોક શર્મા, નીરજ  ઘયવાન, સિધ્ધાર્થ ગુપ્તા, અનિર્બન રૉય અને રોહિત પાન્ડે જેવા ડાયરેક્ટર્સને એક સાથે આટલાં થિયેટર્સમાં પોતાની ફિલ્મ રિલીઝ થતી કદી જોવા મળત ખરી? અનુરાગે એ રીતે પોતાના સ્ટાર સ્ટેટસનો એવો સરસ ઉપયોગ કરી બતાવ્યો છે, જેને પરિણામે સ્ટ્રગલ કરતી વખતે તેમને પોતાને એક સમયે પડેલી તકલીફો આ નવા-સવા સર્જકોને નહીં પડે.


અનુરાગ એક તરફ પોતાની ‘બોમ્બે વેલ્વેટ’ ફિલ્મમાં કોમર્શિયલ ફિલ્મોના ખેરખાં જેવા કરણ જોહરને એક્ટર તરીકે લે છે અને બીજી તરફ શોર્ટ ફિલ્મોના પ્રયોગને પણ દિલથી પ્રમોટ કરે છે. બાકી એકવાર ગાડી ટોપ ગિયરમાં પડી ગયા પછી કોણ પાછું વળીને જોતું હોય છે? એ માત્ર બચ્ચન જેવા સ્ટારની કોઇ જૂની ફિલમ નવેસરથી ઉતારવામાં જ લાગી શક્યા હોત અને એવી રીમેઇકનો ક્યાં તોટો હોય છે? આ અઠવાડિયે જ અમિતાભની ‘અંધા કાનૂન’ અને ‘આખરી રાસ્તા’ એમ બે જૂની ફિલ્મોના રાઇટ્સ ‘પેન ઇન્ડિયા’ એ ખરીદ્યાના સમાચાર આવ્યા છે. હવે એ ચર્ચાઓ શરૂ થશે કે બેઉમાં સિનીયર બચ્ચનના રોલ કોણ કરશે?  ‘ડોન’નો શાહરૂખ, ‘અગ્નિપથ’નો રિતિક રોશન કે પછી ‘જંજીર’માં આવનારો સાઉથનો રામ ચરણ?  ‘અંધા કાનૂન’માં અમિતાભ ઉપરાંત સાઉથના સુપર સ્ટાર રજનીકાન્ત પણ હતા, જેમને ‘રાંઝણા’ની સફળતા પછી હિન્દી ફિલ્મોના દર્શકો હવે ફિલ્મના નાયક ‘ધનુષના સસરા’ તરીકે ઓળખશે તો પણ નવાઇ નહીં લાગે!



તિખારો!
સંજય દત્તે પહેલાં ગાંધીગીરી કરી હતી અને આ સપ્તાહે ‘પોલીસગીરી’ કરી છે. તો પછી ધોરણસરની એક્ટીંગ-ગીરી ક્યારે શરૂ કરશે?!



2 comments:

  1. nice sir enjoyed your sweet branded, filam ni chilam...

    ReplyDelete
  2. Respected Salil Sir,

    I been able to read today. There is a channel on BBC network which shows short films only. My first real creation was also short film which was nominated in Cannes Film Festival...

    Love your reading always...
    Sam

    ReplyDelete