કલાકારોના વિવાદ અને કૉફી વીથ ‘કારણ’!
ફિલ્મ સ્ટાર્સ જે રીતે
સામ સામા ટૉન્ટ મારી રહ્યા છે, એ જોતાં કરણ જોહરના ટીવી શોને કૉફી વીથ ‘કારણ’ કહેવો
પડે! તેના ગયા વખતના એપિસોડમાં અનુષ્કા શર્માના હોઠના નવા લાગતા આકારને સોશ્યલ મિડીયામાં
જે પ્રકારની ચર્ચા મળી તેનાથી અનુષ્કા શર્માએ બાકાયદા જાહેર સ્પષ્ટતા કરવી પડી. તેણે
નિવેદન બહાર પાડીને કહેવું પડ્યું છે કે પોતે હોઠની કોઇ સર્જરી કરાવી નથી. તેણે ખાસ
પ્રકારના મેકઅપનાં સાધનોનો ઉપયોગ કર્યો હોઇ અલગ દેખાતી હતી.
કરણની કૉફીએ કરિનાને
પણ વિવાદમાં રહેવા કારણ પૂરાં પાડ્યાં. પહેલું તો તેણે એ શોમાં સાથે બેઠેલા કઝિન રણબીર
કપૂરની ગર્લફ્રેન્ડ કટરિના ઉપર ચૂટકી લેતાં તેને ‘ભાભી’ કહીને ‘કૅટ’ના ગુસ્સાનું કારણ
બની. વળી, એ જ શોમાં પોતાના એક્સ બોયફ્રેન્ડ શાહીદ કપૂરની અત્યારની ખાસ મિત્ર ગણાતી
સોનાક્ષી સિન્હાએ શું બનવું જોઇએ? એવા સવાલના જવાબમાં કહ્યું કે ‘ગૃહિણી’ (હાઉસવાઇફ)!
હવે આ પણ મોટા તોફાનનું કારણ બની શકે કે નહીં? કરિનાએ આડકતરી રીતે બન્નેને સપાટામાં
લીધાં હતાં. એ કોમેન્ટનો એક અર્થ એ હતો કે સોનાક્ષીએ એક્ટિંગ મૂકીને હવે ઘર સંભાળવું
જોઇએ! એ શૉટ સીધો શાહીદને પણ વાગતો હતો, જેની સાથે રિયલ લાઇફમાં સોનાક્ષી એ ભૂમિકા
કરી શકે. પરંતુ, આવી મજેદાર કોમેન્ટને વધારે ના ઉકાળે તો કરણ શાના? તેમણે સોનાક્ષીને
પણ કૉફી પીવા બોલાવી અને તેને કરિના માટે વૈકલ્પિક વ્યવસાય પૂછ્યો. ત્યારે શત્રુઘ્નસિન્હા
જેવા વનલાઇનર ઉસ્તાદ પિતાની એ પુત્રીએ કહ્યું કે કરિનાએ ગૉસીપ કૉલમિસ્ટ બનવું જોઇએ!
સોનાક્ષીની છાપ ‘‘આ
તડ ’ને ફડ”ની છે. તેથી જ એ સલમાન ખાન જેવા અત્યારના હૉટ હીરોની ફિલ્મ ‘કીક’ને કીક કરી શકે છે.... અને સલમાનના ભાઇ અરબાઝના પિક્ચર ‘ડૉલી
કી ડોલી’ને પણ ઇનકાર કરી શકે છે. સરવાળે તો જેમ રાજકારણમાં એમ જ ગ્લેમરની દુનિયામાં
પણ ન્યુઝ એટલે કોઇ બનાવ માત્ર નહીં, પણ ટીવી પર આવતી ‘બાઇટ’ પણ ફાઇટનું કારણ બને તે!
ટેલીવિઝન પરની ૨૪ કલાકની ન્યુઝ ચેનલો પર સેલીબ્રીટીના બોલેલા શબ્દો જ ‘સમાચાર’ હોય
છે ને?
જેમ કે આમીરખાને ‘સાગર મુવીટોન’ એ બીરેન કોઠારી લિખિત પુસ્તકના લોકાર્પણ સમયે
કહ્યું કે તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં રસ છે અને એ પણ વાજબી રીતે જ ગયા સપ્તાહના એક ધ્યાન ખેંચનારા સમાચાર હતા. એ પુસ્તક ‘સાગર મુવીટોન’ એક એવી નિર્માણ સંસ્થાના ઇતિહાસની કહાણી છે કે જેણે ફિલ્મ ઉદ્યોગના સાવ શરૂઆતના દિવસોથી આ મિડીયમમાં પોતાનું જબરદસ્ત યોગદાન આપ્યું હતું. એક ગુજરાતી ચીમનલાલ દેસાઇના સાહસના ઇતિહાસનો રસપ્રદ આલેખ કરતું પુસ્તક ‘સાર્થક પ્રકાશન’ના અમારા ઘરના કહી શકાય એવા મિત્રો દ્વારા થાય એ વળી ઑર ગૌરવની વાત હતી. તે સમારંભમાં ફિલ્મ ઉદ્યોગની જાણીતી હસ્તિઓ અનિલ કપૂર, વિધુ વિનોદ ચોપ્રા, પ્રસૂન જોશી, રવીન્દ્ર જૈન વગેરે પણ હાજર રહ્યા હોય એ ગુજરાતી પ્રકાશન માટે પણ એક નોંધપાત્ર ઘટના કહી શકાય. આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પાર પાડવા બદલ ‘સાર્થક’ના મિત્રો ઉર્વીશ કોઠારી, ધૈવત ત્રિવેદી અને દીપક સોલીયા તેમજ અપૂર્વ આશર તથા ચંદ્રશેખર વૈદ્ય એ સૌને ખાસ ખાસ અભિનંદન! ક્યારેક સવાલ થાય કે આજના સિનેમા જગતના સંદર્ભ ઇતિહાસ માટે ભવિષ્યમાં
‘સાગર મુવીટોન’ જેવી કોઇ સૉલીડ માહિતી હશે કે પછી કલાકારો ક્સબીઓની બાઇટની જ લાઇટ હશે?
બાઇટની રીતે ગયા સપ્તાહને
‘ખુલાસા વીક’ કહી શકાય. એક તરફ કરિના-સોનાક્ષીનો વિવાદ તો બીજી બાજુ પ્રીટિ ઝિન્ટાએ
પણ જાહેર કરવું પડ્યું છે કે પોતાની પાસે પૂરતા પૈસા છે અને તેણે દેવાળું નથી કાઢ્યું!
પ્રીટિને આજકાલ બાઉન્સ થયેલા ચૅકના એક કેસમાં અદાલત જવાનું હોય છે અને બીજી તરફ પોતે
આપેલા બે કરોડ રૂપિયાની રિકવરી માટે પણ કોરટ-કચેરીની દોડદોડ રહે છે. ત્યારે કેટલાકે
એવી વાત ફેલાવી હતી કે પૈસાનો જોગ કરવા એ પોતાનો ફ્લેટ ભાડે આપવાની છે. પ્રીટિએ ખુલાસો
કર્યો છે કે તેની પાસે પૂરતા પૈસા છે (‘મેં દેવાળું કાઢ્યું નથી!’) અને એ પુરવાર કરતી
હોય એમ ‘આઇપીએલ’ની હરાજીમાં કરોડો ખર્ચીને ખેલાડીઓ અંકે પણ કર્યા.
ક્રિકેટર્સની બોલી
કરોડોમાં બોલાય છે, ત્યારે ફિલ્મી દુનિયાની પ્રીટિ ઝિન્ટા, શિલ્પા શેટ્ટી કે જુહી ચાવલા
જેવી માનૂનીઓ પણ બિઝનેસ વુમનની અદાથી સોદાઓ પાર પાડીને એ પુરુષપ્રધાન વ્યવસાયમાં પોતાની
ધાક જમાવી રહી છે. બાકી ક્રિકેટરોના આકર્ષણમાં ખેંચાતી અભિનેત્રીઓ વિશેના એક સવાલના
જવાબમાં, એક જમાનામાં, આઇ. એસ. જોહરે કહ્યું હતું કે એ લોકોને લેગબ્રેક અને લંચબ્રેક
વચ્ચેનો તફાવત ખબર પડે તો ય ઘણું છે!
ક્રિકેટરો અને હીરોઇનો
વચ્ચેના આકર્ષણનો એક નવો કિસ્સો અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનો હોવાનો સવાલ ‘કૉફી
વીથ કરણ’માં કરીને કરણે એક નવી ચર્ચાને કારણ આપ્યું હતું. બિચારી અનુષ્કાએ સ્પષ્ટ કહ્યું
કે એ માત્ર એક જાહેરાતનું શૂટિંગ હતું અને તેનાથી વિશેષ કાંઇ નહતું. તો પણ માને કોણ?
લોકો તો એ જ યાદ કરે ને કે અમૃતા સિંગ અને રવિ શાસ્ત્રી પણ એક ઍડમાં સાથે આવ્યા પછી
જ તેમની વાતો ગંભીર રીતે ચર્ચાઇ હતી. કે પછી અઝહર અને સંગીતા પણ એક સૂટની જાહેરાતના
શૂટ દરમિયાન નજીક આવ્યાં હતાં અને પરણ્યાં હતાં ને?
તિખારો!
‘ક્રિશ થ્રી’ની ધૂમ સફળતા પછી તેનો વધુમાં વધુ લાભ
લેવાને બદલે એક્ટિંગમાંથી બ્રેક લેવાની અને પેરિસ જઈ બૅકરીનો કોર્સ ભણવા જવાનું ઇન્ટર્વ્યુમાં
કહેનાર કંગના રનાવતનું કેટલાકે નવું નામ પાડ્યું છે, ‘કંગના રન-આઉટ’!
No comments:
Post a Comment