Friday, February 14, 2014

વેલેન્ટાઇન ડે....!


વેલેન્ટાઇન ડે: “પ્યાર જિંદગી હૈ, પ્યાર બંદગી હૈ!”




આજે ‘વેલેન્ટાઇન ડે’ છે અને ફિલ્મી ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે “પ્યાર હી પ્યાર હૈ ઇન હવાઓં મેં..”  જો કે પ્રિય કવિ ગુલઝાર તો કહે છે કે “સિર્ફ એહસાસ હૈ યે રૂહ સે મેહસૂસ કરો, પ્યાર કો પ્યાર હી રહને દો કોઇ નામ ન દો...”. પરંતુ, પ્યારને ઇશ્ક, મોહબ્બત, પ્રેમ, પ્રણય એમ કેટકેટલાં નામ ઑલરેડી અપાઇ જ ચૂક્યાં છે. ફિલ્મી કવિઓએ તો ‘રોઝ ડે’ અને ‘ચોકલેટ ડે’ જેવા માર્કેટિંગના તુક્કાઓ આવે તે પહેલાંથી પ્રેમનો મહિમા કરેલો છે. પ્રેમની તરોતાજા હવાની અભિવ્યક્તિ ‘મુકદ્દર કા સિકંદર’ના આ શબ્દોથી કેવી સરસ થઈ છે... “પ્યાર જિંદગી હૈ, પ્યાર બંદગી હૈ...”! એવાં તો હજારો ફિલ્મી ગીતો છે, જેમાં ‘પ્યાર’ શબ્દ આવતો હોય અને જુદી જુદી અભિવ્યક્તિ સાથે. કોઇ કહેશે “મેરા પ્યાર ભી તુ હૈ, યે બહાર ભી તુ હૈ...” તો અન્ય પોતાની પીડા વ્યક્ત કરતાં ગાશે, “હમ પ્યાર મેં જલને વાલોં કો ચૈન કહાં હાયે આરામ કહાં?”

 પરંતુ, આજે એ હજારો ફિલ્મી ગાયનો પૈકી જેમાં પ્રથમ શબ્દ ‘પ્યાર’ આવતો હોય એવાં ગીતો પર ઉડતી નજર નાખીને વેલેન્ટાઇન ડે નિમિત્તે પ્રેમદેવતાને અંજલિ આપીએ. પ્રેમની આ સૂરાવલીઓમાં દરેક પેઢીને ગાવું ગમે એવું ‘શ્રી ૪૨૦’નું ગીત “પ્યાર હુઆ ઇકરાર હુઆ હૈ, પ્યાર સે ફિર ક્યું ડરતા હૈ દિલ...” પહેલું યાદ આવે.  જ્યારે પણ પ્રેમ કરતાં ડરવાની વાત આવે, ત્યારે “પ્યાર કિયા તો ડરના ક્યા?” એમ ગાતી અનારકલી પ્રત્યેક જનરેશનને પ્રેરણા આપતી આવી છે. કેમ કે તેમાં મુદ્દાનો સવાલ ઉઠાવાયેલો છે, “પ્યાર કિયા કોઇ ચોરી નહીં કી, છુપ છુપ આહેં ભરના ક્યા?” એ જ ભાવ ‘કભી કભી’ના એક ગાયનમાં છે જ ને? “પ્યાર કર લિયા તો ક્યા પ્યાર હૈ ખતા નહીં, તેરી મેરી ઉમ્ર મેં કિસને યે કિયા નહીં...”

એવા જ ભાવ સાથે ‘શાન’માં કહેવાયું હતું, “પ્યાર કરને વાલે પ્યાર કરતે હૈં શાન સે, જીતે હૈં શાન સે મરતે હૈં શાન સે...”! તો અમિતાભની  એક ઓર ફિલ્મ ‘સત્તે પે સત્તા’માં સવાલ એવો થાય છે કે “પ્યાર હમેં કિસ મોડ પે લે આયા...”  જ્યારે ‘કટી પતંગ’માં રાજેશ ખન્ના પ્રેમની વ્યાખ્યા કરતાં ગાય છે, “પ્યાર દીવાના હોતા હૈ, મસ્તાના હોતા હૈ, હર ખુશી સે હર ગમ સે બેગાના હોતા હૈ...” એ જ રીતે રિતિક રોશન પોતાની પ્રથમ ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’માં પ્રેમી પંખીડાંની ઉડાનનું વર્ણન કરતાં પણ પ્રથમ શબ્દ ‘પ્યાર’નો ઉપયોગ કરતાં ગાય છે, “પ્યાર કી કશ્તી મેં, લહરોં કી મસ્તી મેં, પવન કે શોર શોર મેં ચલેં હમ જોર જોર મેં, ગગન સે દૂર....”  



પરંતુ, પ્રેમ એ કાંઇ ગગનથી દૂર જવાની ક્લ્પનાઓનો વિહાર માત્ર નથી. તેમાં જીવનની વાસ્તવિકતાઓ પણ પોતાનો રંગ દેખાડતી હોય છે. એવો એક સવાલ ‘સાથ સાથ’ના હીરો ફારૂક શેખ પોતાની પ્રેમિકા (દીપ્તિ નવલ)ને જગજીતસિંગના સ્વરમાં પૂછે છે, “પ્યાર મુઝસે જો કિયા તુમને તો ક્યા પાઓગી?”  

જ્યારે શાહરૂખ અને રાની મુકરજીની ‘ચલતે ચલતે’માં જાવેદ અખ્તર ‘પ્યાર’થી શરૂ થતા ગીતમાં એવી સ્થિતિને અભિવ્યક્ત કરે છે, જે દરેક યુગલના જીવનમાં કોઇને કોઇ તબક્કે આવતી હોય છે. જુઓ આ શબ્દો, “પ્યાર હમ કો ભી હૈ પ્યાર તુમકો ભી હૈ, તો યે ક્યા સિલસિલે હો ગયે, બેવફા હમ નહીં બેવફા તુમ નહીં તો ક્યું ઇતને ગિલે હો ગયે, ચલતે ચલતે કૈસે યે ફાસલે હો ગયે, ક્યા પતા હમ કહાં ચલે...” તો અજય દેવગન અને કાજોલ જે ફિલ્મથી સૌથી નજીક આવ્યા હતા તે પિક્ચરનું નામ (અને ટાઇટલ સોંગ પણ) આવું હતું, ‘પ્યાર તો હોના હી થા’! 



જો કે એવું પણ નથી કે ‘પ્યાર’ શબ્દથી શરૂ થતાં ગાયનોમાં મસ્તી નથી હોતી. જેમકે ‘કર્તવ્ય’નું આ ગીત “પ્યાર મેં દિલ કા મુર્ગા બોલે કૂકડે કુ...”  જતાં જતાં બપ્પી લહેરીની બીજી જ ફિલ્મ ‘ચલતે ચલતે’ના આ શબ્દો કેવા ઉપયુક્ત લાગે છે... “પ્યાર મેં કભી કભી ઐસા હો જાતા હૈ, છોટી સી બાત કા ફસાના બન જાતા હૈ....” કેમ કે ‘પ્યાર’ શબ્દથી શરૂ થતાં ગીતો શોધવાની નાનકડી વાત હતી અને નાનકડી પણ કેવી સરસ સફર થઈ શકી. આજે ‘વેલેન્ટાઇન ડે’ નિમિત્તે માત્ર  ‘પ્યાર’ જ શું કામ ‘પ્રેમ’, ‘મોહબ્બત’, ‘ઇશ્ક’ કે ‘લવ’ જેવા શબ્દોથી પણ શરૂ થતાં ગાયનો યાદ આવે છે કે? સોચો ઠાકુર!

No comments:

Post a Comment