Sunday, February 23, 2014

ફિલમની ચિલમ .... ૨૩ ફેબ્રુઆરી, ૨૦૧૪




ગૅંગ વૉર ? માધુરીની ‘ગુલાબ ગેંગ’ પહેલાં આવી ‘ગુલાબી ગેંગ’!
 


‘વેલેન્ટાઇન્સ ડે’ના દિવસે કોઇ રોમેન્ટિક ટાઇટલવાળી ફિલ્મ નહીં પણ ‘ગુન્ડે’ રિલીઝ થાય એને બદલાતા સમયની તાસીર જ કહીશુંને? તેમાં પ્રિયંકા ચોપ્રા, રણવીરસિંગ અને અર્જુનકપૂર જેવા સ્ટાર્સ હોય એટલે પબ્લિસિટી ભારે ધામધૂમથી અને ઘરાકી પણ ધૂમ થવાની ગેરંટી હતી. તેને લીધે આગલા વીકની ‘હસી તો ફસી’ જેવી ફિલ્મ ફસાઇ જવાની શક્યતા હતી. છતાં ઑડિયન્સની પારખુ નજરને સલામ કે પરિણિતિ ચોપ્રાના ધરખમ અભિનયવાળી ફિલ્મ ‘હસી તો ફસી’એ પોતાના પ્રથમ સપ્તાહના કલેક્શનની સરખામણીએ  ટિકિટબારી પર “ગુન્ડે’ સામે માફકસરની ઝીંક ઝીલી છે.  હવે ૨૧મીના શુક્રવારે આવનારી એક ડોક્યુમેન્ટ્રીને કારણે એક નવા વિવાદનો જન્મ થયો છે અને તેની અસર માધુરી દીક્ષિત અને જુહી ચાવલા જેવી એક સમયની બે ટૉપ સ્ટાર્સને લઈને આવી રહેલી ‘ગુલાબ ગેંગ’ પર પડી શકે છે.



‘ગુલાબ ગેંગ’ વિષે એમ કહેવાતું હતું કે માધુરીની એ ફિલ્મની વાર્તા બુંદેલખંડની એક હિંમતવાન મહિલા સંપત પાલ દેવીની જીવનકથા અને કામગીરી પર આધારિત છે. સંપત પાલ દેવીની એ સંસ્થા(?) ‘ગુલાબી ગેંગ’ એવી છે, જેની મેમ્બર્સ ગુલાબી રંગનાં કપડાં પહેરે અને સમાજમાં સ્ત્રીઓ સાથે અત્યાચાર કે બદસલૂકી કરનારાઓને સમૂહમાં જઈને ઘેરાવ કરે, મેથીપાક ચખાડે અને જરૂરી હોય તો લાઠીથી મારીને પણ સીધા દોર કરે! હવે માધુરીની ફિલ્મ ‘ગુલાબ ગેંગ’ના પ્રમો જોનારને એ સંપતજીની ચળવળથી પ્રેરિત લાગ્યા વિના ના રહે. પરંતુ, પિક્ચરના સર્જકો તેને કાલ્પનિક વાર્તા કહીને અન્ય કોઇને તેની ક્રેડિટ આપવા માગતા નથી. ત્યારે સંપત પાલની એ ઑફબીટ કામગીરી પર એક દસ્તાવેજી ફિલ્મ ‘ગુલાબી ગેંગ’ ૨૦૧૨માં બની હતી. તે ડોક્યુમેન્ટ્રી માધુરીની ‘ગુલાબ ગેંગ’ ૭મી માર્ચે (વીમેન્સ ડે નિમિત્તે) આવે તે પહેલાં 
આ સપ્તાહે ૨૧મી ફેબ્રુઆરીએ રજૂ કરાઈ રહી છે!

આમ તો એક દસ્તાવેજી ચિત્ર મોટી સ્ટારકાસ્ટવાળી કોમર્શિયલ ફિલ્મનો મુકાબલો ના જ કરી શકે. પરંતુ, આખા મામલાને નવો મોડ ત્યારે મળ્યો, જ્યારે આમિરખાનનાં પત્ની કિરણ રાવ એ ડોક્યુમેન્ટ્રીને પ્રમોટ કરવા આગળ આવ્યાં. હવે એ આખો વિવાદ વધારે હાઇલાઇટ થવાનો. કિરણે ઑલરેડી એક પ્રેસ શો કર્યો છે. એટલું જ નહીં, કિરણે એ ડોક્યુમેન્ટ્રીને સપોર્ટ જાહેર કર્યો છે. હવે જો આખો ઝમેલો કોર્ટમાં જાય તો પણ ગુલાબી સાડી અને લાઠીધારી હીરોઇન જોઇને પ્રથમદર્શીય સરખાપણું લાગ્યા વિના ના રહે. છેલ્લી ઘડીએ કદાચ નામ બદલે અને ‘બ્લ્યુ ગેંગ’ (કે ‘જુલાબ ગેંગ’!) કરે તો પણ પિક્ચરમાં ગુલાબી સાડી પહેરેલી દેખાતી માધુરી અને સંખ્યાબંધ સ્ત્રીઓને કેવી રીતે બદલી શકે? સંપત પાલ દેવીએ અદાલતની ધમકી તો આપેલી જ છે. સંપતજી પોતાની ‘ગેંગ’ને દેશભરમાં હાઇલાઇટ કરવા ‘બીગ બૉસ-સિક્સ’માં પણ ગયાં હતાં, જેની ૭મી સિઝનની વિજેતા ગૌહરખાન બની હતી.

ગૌહરખાન માટે ‘બીગ બૉસ’ની એ સિઝનમાં પચાસ લાખ રૂપિયાના પ્રાઇઝ મની ઉપરાંત કુશલ ટંડન સાથેના સ્નેહબંધનની પણ કમાણી થઈ હતી અને તેથી એ બન્નેને એક અન્ય ટીવી શો ‘ફિયર ફેક્ટર’ માટે સિલેક્ટ થયાં હતાં. પરંતુ, ‘બીગ બૉસ’માં એજાઝ ખાનની એન્ટ્રી પછી ગૌહર, કુશલ અને એજાઝનો ત્રિકોણ થયો હતો અને તેમાં એક કરતાં વધુ વખત કદરૂપાં દ્રશ્યો (સાદી ભાષામાં કહીએ તો ‘અગ્લી સીન્સ’!) થયા હતા. શું એવા જ સીન હવે ‘ફિયર ફેક્ટર’ના સેટ પર સાઉથ આફ્રિકાના કૅપ ટાઉનમાં થશે? એવી ફિયર આ અઠવાડિયે શરૂ થઈ હતી. કેમ કે એ શોમાં હવે એજાઝ ખાન પણ સિલેક્ટ થયો છે. પરંતુ, તે દક્ષિણ આફ્રિકા પહોંચતાં જ કુશલ ટંડને એ શો છોડી દીધો છે! શું તેની પાછળ પાછળ એ ‘કપલ’નું બીજું પાત્ર ગૌહર પણ રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનતો આ શો છોડી દેશે?


ગૌહર અને કુશલની માફક છેલ્લા ઘણા વખતથી બિપાસા બાસુ અને હરમન બાવેજા પણ બિનસત્તાવાર રીતે ‘કપલ’ ગણાતાં. પરંતુ, આ અઠવાડિયે તેમને માટે એ શબ્દ ઓફિશ્યલ થઈ ગયો. કેમ કે બિપાસાએ જાહેર જનતા જોગ ટ્વીટેદન (અર્થાત ટ્વીટ કરીને નિવેદન!) કર્યું છે કે “યસ હરમન એન્ડ મી આર એ કપલ”. જો કે એમ ટહુકાર કરતા પહેલાં જે ‘બે-ત્રણ શબ્દો’ કહ્યા છે તેને માટે તો ‘બીપ બીપ હુર્રે’ કહી શકાય. બિપાસાએ ટ્વીટની પ્રસ્તાવનામાં લખ્યું છે, ‘સ્ટેટીંગ ધી ઓબ્વીયસ....’ એટલે કે જે બધા જાણે જ છે, તે કહું તો....! મતલબ કે હરમન સાથે પોતે લાંબા સમયથી સજોડે ફરતી હતી એ જગજાહેર હતું. આવી નિખાલસતા બિપાસા સિવાયની બીજી કઈ અભિનેત્રીએ બતાવી હશે? મોટાભાગના સ્ટાર્સ તો દુનિયા આખી જુએ એમ સજોડે જ ફરતા હોય અને છતાં કશું લખાય તો મિડીયાને ભાંડવાનું એમ કહીને કે ‘વી આર જસ્ટ ગુડ ફ્રેન્ડ્સ !


‘ગુડ ફ્રેન્ડ’ બનવાનાં કે તે પછી લગ્ન થવાના ચાન્સ અંદરોઅંદર કલાકારોમાં જ સૌથી વધારે હોયને? એટલે જ્યારે ‘ગ્રીક ગૉડ’ કહેવાતો રિતિક રોશન જેવો એક્ટર પત્નીથી અલગ થાય, ત્યારે એ સ્કાયલેબ ક્યાં પડશે તેની ચિંતા દરેક બોયફ્રેન્ડને રહે. રિતિક અને કટરિના હમણાં મનીલામાં ‘બેંગ બેંગ’નું એક શિડ્યુઅલ પતાવી આવ્યા પછી સ્કાયલેબની ચિંતા રણબીર કપૂરને કરવી પડશે એમ ફિલ્મી ખગોળશાસ્ત્રીઓએ ગોળો જરૂર ગબડાવ્યો છે! સોચો ઠાકુર!!

તિખારો!

સંસદમાં અન્ય સભ્યોની આંખમાં પૅપરસ્પ્રે  (મરચાંની ભુકી) છાંટીને ૧૩મી ફેબ્રુઆરીએ પાર્લામેન્ટમાં અંધાધૂંધી ફેલાવાઇ અને બીજા જ દિવસે  કોમેન્ટ આવી.... “દિલ્હીમાં ‘ગુન્ડે’ એક દિવસ વહેલી રિલીઝ થઈ હતી!!”








1 comment:

  1. Sir,

    Mota bhag nu Gulab Gang vise tame lakhi nakhyu, have hu su lakhis? :)

    Sam

    ReplyDelete