Sunday, May 4, 2014

ફિલમની ચિલમ..... મે ૪, ૨૦૧૪



બૉક્સ ઑફિસે એક જ ઓવરમાં ત્રણ વિકેટ લીધી... હૅટ્રીક!


બૉક્સ ઑફિસે હૅટ્રીક લીધી! (‘આઇપીએલ’ની આ ભરપુર સિઝનમાં બીજી કઈ રીતે કહી શકાય?) કેમ કે આ અઠવાડિયે રિલીઝ થયેલી ત્રણે ત્રણ ફિલ્મો ‘રિવોલ્વર રાની’, ‘કાન્ચી’ અને ‘સમ્રાટ એન્ડ કંપની’ની વિકેટ, વકરાની રીતે, લગભગ પડી ગઈ છે. યાદ રહે, આ ત્રણે કોઇને કોઇ રીતે મહત્વનાં પિક્ચર હતાં. ‘રિવોલ્વર રાની’ એ ‘ક્વીન’થી ટિકિટબારીની ક્વીન કહેવાયેલી કંગનાની તેના પ્રશંસકોને અપાયેલી નવી ભેટ હતી. એ જ રીતે ‘કાન્ચી’ એ સુપરહીટ ફિલ્મોના સર્જક સુભાષ ઘઈની તાજી કૃતિ હતી. જ્યારે ‘સમ્રાટ એન્ડ કંપની’ રાજશ્રી પ્રોડક્શન જેવા માતબર બૅનરનું સર્જન હતું.

તેમ છતાં ‘સમ્રાટ...’ પહેલા ત્રણ દિવસમાં માત્ર પૂરા એક કરોડનો પણ બિઝનેસ ન લાવી શકતાં ઉંધે કાંધ પછડાયા છે. તો રિવોલ્વર રાણી પણ મહેલમાં ક્યાં છે? તેમને પણ માત્ર ચાર કરોડના સાલિયાણાથી સંતોષ માનવો પડ્યો છે. જ્યારે ‘કાન્ચી’નો ત્રણ દિવસમાં આવેલો ફક્ત બે કરોડનો વકરો એ સુભાષ ઘઇની હીટ પિક્ચરો સર્જવાની નજર કાચી પડયાની નિશાની કહી શકાય. શું ‘મુક્તા આર્ટ્સ’ અને ‘રાજશ્રી’ જેવાં બૅનર નવા સમયને અનુરૂપ સ્ટાઇલ અપનાવવામાં નિષ્ફળ જઈ રહ્યાં છે? આ સૌ એમ કહીને પણ આશ્વાસન લઈ શકે એમ નથી કે ચૂંટણીના મધ્યાન્હે ફિલ્મ રિલીઝ કરવાની ભૂલનું આ પરિણામ છે. જો એમ જ હોય તો આગલા અઠવાડિયે જ આવેલી ‘ટુ સ્ટેટ્સ’ આ ‘વીક’ (નબળા) કહેવાતા વીકએન્ડમાં ૧૫ કરોડ લાવીને પોતાનો સ્કોર ૭૫ કરોડની આસપાસ કેવી રીતે પહોંચાડી શકી હોય?



‘ટુ સ્ટેટ્સ’માં ‘એક દુજે કે લિયે’ અને ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ની થીમનું મિશ્રણ કરીને એક નવી ફોર્મ્યુલા બનાવવાનો પ્રયાસ સફળ રહ્યો છે. તેમાં દક્ષિણ ભારતની  છોકરી (આલિયા ભટ્ટ) અને ઉત્તરનો છોકરો અર્જુન કપૂર પ્રેમી છે. તેથી ‘ચેન્નઈ એક્સપ્રેસ’ની દીપિકાની માફક આલિયાને પણ સાઉથ સ્ટાઇલનું “અઈયઈયો’ હિન્દી બોલવાની તક મળી છે. પરંતુ, એ બન્નેની સમકાલિન સોનાક્ષી સિન્હાને તો એક્ચુઅલ તમિલ બોલવાનો ચાન્સ મળી રહ્યો છે. તેને રજનીકાંતની તાજી ફિલ્મ ‘કોચાદૈયન’ના લેખક કે.એસ. રવિશંકરના દિગ્દર્શનની તમિલ ફિલ્મ માટે સાઇન કરવામાં આવી છે. (આમ પણ ‘સોના’ની -શારીરિક- સંપત્તિને લીધે તેની કેટલીક હરીફ એક્ટ્રેસો એવી કૉમેન્ટ કરતી જ હતી કે તે દક્ષિણની હીરોઇન જેવી વધારે લાગે છે!)

સોનાક્ષી સિન્હાએ પોતાના પિતા શત્રુઘનસિન્હાને ટેમ્પામાં એવોર્ડ આપ્યો. (આ ‘ટેમ્પામાં’ એટલે ટ્રક અને મૅટાડોરવાળા ટેમ્પામાં નહીં પણ અમેરિકાના ફ્લોરિડા રાજ્યના શહેર ટેમ્પામાં!) આ વખતે ‘આઇફા એવોર્ડ’નું આયોજન ટેમ્પામાં હતું અને ત્યાં શૉટગનને ‘લાઇફ ટાઇમ એચીવમૅન્ટ એવોર્ડ’ સોનાક્ષી અને અનિલ કપૂરના હસ્તે અપાયો. એ જ ‘આઇફા’માં દિયા મિર્ઝાએ પોતાના બૉયફ્રેન્ડ સાહિલ સંઘા સાથે સગાઇ કરી લીધી. સાહિલ બિઝનેસમાં તો દિયાનો પાર્ટનર છે જ. હવે એ લાઇફ પાર્ટનર પણ બનશે. બન્નેની કંપની ‘બૉર્ન ફ્રી એન્ટરટેઇનમેન્ટ’ અત્યારે વિદ્યા બાલનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ ‘બૉબી જાસૂસ’ પણ બનાવી રહી છે. ‘આઇફા’ના એ જ સમારંભમાં દીપિકાને પણ ‘શ્રેષ્ઠ અભિનેત્રી’નો અને ‘એન્ટરટેઇનર ઓફ ધી યર’નો એમ બબ્બે પુરસ્કાર મળ્યા.


દીપિકા માટે જો કે એ કરતાં પણ મોટો એવોર્ડ હતો હોલીવુડના જહોન ટ્રાવોલ્ટા જેવા ઇન્ટરનેશનલ સ્ટાર દ્વારા થયેલી પ્રશંસા! જહોને એ ફંક્શનમાં કહ્યું કે “આઇ લવ ધી હીરોઇન ઓફ રામલીલા”. જે પિક્ચરના પહેલા ગાયનમાં દીપિકાને જોઇને જહોનના મુખેથી ‘વાઉ’ નીકળી ગયું હતું એ ‘રામલીલા’ના દિગ્દર્શક સંજય લીલા ભણશાળીને જ ‘આઇફા’નું આમંત્રણ નહતું અપાયું! એવોર્ડ ફંકશન હોય અને આવી કોઇ વિવાદાસ્પદ વાત ના બહાર આવે તો જ નવાઇ. જે ટેમ્પામાં દિયા મિર્ઝાએ સગાઇ કરી અને ટ્વીટર પર ‘એંગેજ્ડ’ની જાહેરાત કરી ત્યાં જ કરિનાએ શાહીદ કપૂરને ‘હાય’ કરીને તથા ‘આઇફા’ના એવોર્ડ સમારંભનું સરસ સંચાલન કરતા શાહીદ કપૂરનાં વખાણ કરીને સૌથી મોટું સરપ્રાઇઝ આપ્યું હતું. તે પણ તેના પતિ સૈફની સાથે સ્ટેજ પર ઉપસ્થિત થતી વખતે જાહેરમાં! પણ આટલા સહ્રદયી વાતાવરણમાં ભાગ લઈને મુંબઈ પાછા ફરેલા રિતિક રોશનને પોતાના લગ્નજીવનનો સત્તાવાર અંત લાવવાનું પગલું ભરવાનું થયું.                

રિતિક અને સુઝેનના ‘ગોલ્ડન કપલે’ ૩૦મી માર્ચે ડિવોર્સ પેપર ફાઇલ કરી દીધાં  એ તો હવે જગજાહેર છે. પરંતુ, માંહોમાહેની સમજૂતીથી થનારા આ છૂટાછેડાની ખાધાખોરાકીની રકમનો કોઇ ફોડ પડ્યો નથી. જો કે સમય જતાં એ પણ બહાર આવશે. બાકી એક તબક્કે ૧૦૦ કરોડનો આંકડો ફિલ્મી માર્કેટમાં ફરતો હતો. (અત્યારના સેંકડો કરોડના બિઝનેસના દિવસોમાં આ અજુગતું પણ નહીં હોય!) પણ રિતિક આ સંબંધમાંથી મુક્ત થયા પછી હંમેશાં એકલો રહેશે કે પછી એ સ્કાયલૅબ કોઇક રિલેશનશીપમાં પડશે? ઑલરેડી ‘આઇફા’ના અહેવાલોમાં પ્રિયંકા ચોપ્રા અને રિતિકને એક બીજા સાથે ખપ પૂરતા વાત કરતા જોઇને અનુભવીઓને રેખાનો ગોલ્ડન રૂલ યાદ આવ્યો છે. 

રેખા મૅડમનો ફેમસ ફંડા છે કે જ્યારે બે આકર્ષક પાત્રો જાહેરમાં એકબીજાને ટાળતાં કે જરૂર પૂરતી વાતચીત કરતાં દેખાય તો બન્ને વચ્ચે કશુંક રંધાઇ રહ્યાના ચાન્સ વધારે સમજવા. રેખા એવોર્ડ સમારંભમાં જેમની સાથે ખપ પૂરતા નિર્દોષ નમસ્કાર કરે તો પણ જે બ્રેકીંગ ન્યૂઝ કહેવાય છે એ અમિતાભ બચ્ચન અને તેમનાં પત્ની જયાજી ખાનગી વાત જાહેરમાં કેવી રીતે કરે છે, જાણો છો? એ બન્ને બંગાળીમાં શરૂ થઈ જાય છે! એવી કોઇ ભારતીય ભાષાને કોડ લેંગ્વેજ તરીકે જો સૈફ અને કરિનાને વાપરવાની હોય તો હવે ગુજરાતીના ચાન્સીસ વધારે છે. કારણ કે તેની આવનારી ફિલ્મ ‘હમશકલ્સ’માં સૈફ ઘણા ડાયલોગ ગુજરાતીમાં બોલવાનો છે. ‘હમશકલ્સ’ એ સાજીદખાનની કોમેડી હોઇ પાત્રોની મજાક કરવા આપણી ભાષા હાથવગી થશે, જેમ ગરબા અને રાસલીલા થાય છે એમ સ્તો! (ગુજરાત મોડલ આજકાલ ચર્ચામાં અમસ્તું હશે?)


તિખારો!

જીતેન્દ્રને ‘દાદા સાહેબ ફાળકે રતન’ એ નામનો એવોર્ડ એક ખાનગી ‘એકેડેમી’ તરફથી અપાશે એમ કહેવાને બદલે (પછીથી ગુલઝાર સાહેબને જાહેર કરાયો તે) સરકારી પુરસ્કાર અપાશે એવા ભળતા સમાચાર થોડા વખત પહેલાં આવ્યા હતા. તે વખતે સોશ્યલ મીડિયામાં એક કોમેન્ટ આવી થઈ હતી, “જો જીતેન્દ્રને સરકારનો સર્વોચ્ચ એવોર્ડ એવો ‘દાદા સાહેબ ફાળકે પુરસ્કાર’ અપાય તો હવે તુષાર કપૂરને પદ્મભૂષણ અને જેકી ભગનાનીને પદ્મશ્રી મળે તો પણ  નવાઇ ના લાગવી જોઇએ!!”




1 comment: