Sunday, May 25, 2014

ફિલમની ચિલમ.... ૨૫ મે, ૨૦૧૪








મસાલેદાર હીરો રણબીર પણ હવે મસલદાર થશે?

હાશ.... ચૂંટણી પતી અને ફિલ્મ ઉદ્યોગને હવે ધંધો પાછો પાટે ચઢતો દેખાશે. જો કે ચૂંટણીનાં પરિણામો આવતાં હતાં તે જ દિવસે ઇંગ્લિશ ફિલ્મ ‘ગૉડઝિલા’ની નવી આવૃત્તિ પણ રિલીઝ થઈ. તેમાં જે રીતે એ મહાકાય પ્રાણી  ઝંઝાવાત સર્જે છે એવું જ કાંઇક ભારતીય રાજનીતિના મેદાનમાં થઈ રહ્યું હતું! નરેન્દ્ર મોદીના ઝુઝારુ પ્રચારને પગલે કોંગ્રેસ સહિતના તેમના વિરોધીઓને અધમૂઆ ( કે પોણા મૂઆ?) કરી દેનારી હારનો જે અનુભવ કરવો પડ્યો, તે કોઇ રીતે ‘ગૉડઝીલા’ના મારથી કમ નહતો. ફરક માત્ર એટલો હતો કે અહીંનું નુકશાન બધું વાસ્તવિક હતું..... પિક્ચરની જેમ કોઇ સ્પેશ્યલ ઇફેક્ટ્સ નહતી! એ સપાટામાં ફિલ્મી દુનિયાને લાગે વળગે છે ત્યાં સુધી રાજ બબ્બર, નગ્મા, રવિ કિશન, ગુલ પનાગ, જાવેદ જાફરી જેવા ભાજપ સામે ઉભેલા સૌ આવી ગયા હતા. ‘ગૉડઝીલા’ની સાથે જ રજૂ થયેલી ‘ધી એક્સપોઝ’ને શરૂઆતના શો દરમિયાન ઓછા પ્રેક્ષકો મળ્યા એ સ્વાભાવિક હતું. લોકો સત્તાધારી પક્ષને એક્સપોઝ થતો જોવામાં વધારે રસ ધરાવતા હતા.

‘ધી એક્સપોઝ’ કરતાં ‘ગૉડઝીલા’નો બિઝનેસ વધુ થવાની શક્યતા છે. કેમ કે આપણી હિન્દી ફિલ્મ એક સસ્પેન્સ મુવી છે, જેના કરતાં હોલીવુડની સ્પેશ્યલ ઇફેક્ટ્સને જોનારા વધુ હોવાના. ‘ધી એક્સપોઝ’ના હીરો સંગીતકાર-ગાયક-એક્ટર હિમેશ રેશમિયા છે, જેમના અવાજની ગમે એટલી મજાકો થતી હોય છતાં બૉક્સ ઑફિસ પર તે સંતોષકારક વકરો લઈ જ આવતા હોય છે. ‘ધી એક્સપોઝ’ પણ એવા પ્રમાણસરના ધંધાની આશા જગવે છે. હવે સૌની નજર હવેના શુક્રવારે આવનારી ‘હીરોપન્તી’ ઉપર છે, જેમાં જૅકી શ્રોફના દીકરા ટાઇગરની એન્ટ્રી થવાની છે. ટાઇગરને ‘કોમેડી નાઇટ વીથ કપિલ’માં સ્ટંટ કરતો જોનાર કોઇને પણ એ સમજાય કે એ માત્ર કસરતી બૉડી જ નથી ધરાવતો. માર્શલ આર્ટનો સરસ ખેલાડી પણ છે.

એટલે ‘હીરોપન્તી’ એક રીતે તો ટાઇગરના સ્ક્રિન ટેસ્ટ જેવી ફિલ્મ હોવાની. સાથે સાથે તેને પ્રમોટ કરે એવા સમાચાર પણ પબ્લિસિટીમાં આવ્યા કરવાના. જેમ કે “કરણ જોહર ટાઇગરને લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છે” કે પછી ‘હીરોપન્તી’ના નિર્માતા “સાજીદ નડિયાદવાલા પોતાની આ શોધને બીજા પિક્ચરમાં પણ લેવાનું નક્કી કરી રહ્યા છે” બ્લા બ્લા બ્લા. પણ એ બધા વર્તારાઓ સાચા પડવાનો આધાર ટાઇગર ટિકિટબારી પર કેવીક છલાંગ મારી શકે છે, તેના પર રહેવાનો. ટાઇગર જેવો નવો છોકરો પણ કસાયેલા મસલ્સ અને સિક્સ પૅક સાથે આવતો હોય તો રણબીર કપૂરને પણ સ્પર્ધામાં રહેવા એવી જ કસરતો કરવી પડતી હોય તેની શી નવાઇ? રણબીર દિગ્દર્શક અનુરાગ કશ્યપના ‘બૉમ્બે વૅલ્વેટ’ માટે બૉડી બનાવે છે અને તે પણ એક વિદેશી ટ્રેઇનરના પ્રશિક્ષણ હેઠળ. એટલે ટૂંક સમયમાં મસાલા ફિલ્મોના રણબીરને મસલદાર થવા વેઇટ લિફ્ટિંગ કરતા કે સલમાનની માફક ખુલ્લા બદન સાથેના ફોટામાં જુઓ તો નવાઇ ના પામતા. 



કસરતનું મહાત્મ્ય આજકાલના માત્ર હીરોને જ નહીં હીરોઇનોને પણ કેટલું હોય છે, એ પ્રિયંકા ચોપ્રાને કપિલના ‘કોમેડી શો’માં કરેલા કરતબ જોતાં પણ ખ્યાલ આવે છે. પ્રિયંકાને આપણી બૉક્સર ‘મેરી કૉમ’ના જીવન પરની ફિલ્મ માટેની તૈયારી વખતે એક્સરસાઇઝનો એક ચોક્કસ નિત્યક્રમ કેળવવો પડ્યો હતો. મિસ  ચોપ્રા હમણાં સ્પેનના બાર્સેલોના ગયાં છે, જે પણ રમતગમત માટેનું અનેરું સ્થળ છે. (હવે પ્રિયંકાને ‘મિસ ચોપ્રા’ અને રાની મુકરજીને ‘મિસીસ ચોપ્રા’ કહેવાય છે!)  પ્રિયંકાએ બાર્સેલોના જતાં પહેલાં મધુર ભંડારકર સાથે મળીને ‘મૅડમજી’ નામની ફિલ્મને પ્રોડ્યુસ કરવાનું પણ નક્કી કરી લીધું. ૧૬મી મેના દિવસે પ્રિયંકાએ ટ્વીટ કરીને જાહેર કર્યું કે મેરી કોમનું તેનું કામ પૂર્ણ થયું છે. મેરી કોમ એ પાંચ વખત બૉક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતેલાં એક અદભૂત રમતવીર છે અને તેમના જીવન પર આધારિત બનેલી ફિલ્મ માટે ‘પી સી’ને શરીર કસવાનો એવો લહાવો મળ્યો, જેવો ‘ભાગ મિલ્ખા ભાગ’ નિમિત્તે ફરહાન અખ્તરને મળ્યો હતો.



ફરહાન અને પ્રિયંકા જેવા કલાકારો રમતવીરને પડદા પર જીવંત કરે છે, ત્યારે અભિષેક બચ્ચન કબડ્ડી સરખી દેશી રમતને પણ પ્રોત્સાહન આપે છે. ‘અભિ’એ ક્રિકેટની ‘આઇપીએલ’ની માફક રમાનારી કબડ્ડીની મેચો માટે પોતાની ટીમ ‘જયપુર પિંક પૅન્થર્સ’ રાખી છે. તે સ્પર્ધા ‘પ્રો કબડ્ડી લીગ’ માટેના ખેલાડીઓની હરાજીમાં લાખો રૂપિયાની બોલી લગાવીને તેણે પ્લેયર્સ પણ ખરીદી લીધા છે. (ક્રિકેટની માફક કરોડો રૂપિયાના ભાવ પડવાની હજી વાર છે!) અભિષેક એક તરફ પિન્ક ટીમથી દેશમાં ભારતીય રમતોના ચાહકોના દિલમાં આગવું સ્થાન પાક્કું કરતો હતો, ત્યારે તેમનાં ‘મિસીસ’ ગોલ્ડન ડ્રેસથી દુનિયાના મીડિયાને ચકાચૌંધ કરતાં હતાં. 



‘અભિ’એ ટ્વીટ કરીને કાન્સ ફિલ્મ ફૅસ્ટિવલમાં રેડ કાર્પેટ પર ઐશ્વર્યાના સૅક્સી ગોલ્ડન ડ્રેસ સાથેનો ફોટો મૂકીને તેની સનસનાટીને આ શબ્દોમાં વધાવી હતી.... “ બાવન કલાકથી સૂતો નથી. આંખો ઢળી રહી છે અને (ત્યાં જ) મિસીસ આ રીતે દર્શન દે છે.... ઓકે, આંખો પહોળી થઈ ગઈ છે, હવે!” જો કે એટલી થકાન પછી પણ છોટે બચ્ચન કાન્સ ઉપડી ગયા છે, જ્યાં રેડ કાર્પેટ પર સનસનાટી મચાવવાનું ઐશ્વર્યાનું આ ૧૩મું વરસ છે. ત્યાંથી પરત આવીને ‘ઍશ’ આરામ કરશે કે પછી સંજય ગુપ્તાની ફિલ્મથી પોતાના કમબૅકની જાહેરાત કરશે? એ સવાલ હતો. પરંતુ, હવે એ ગૂચવાડો રહ્યો નથી. આમ તો ઐશ્વર્યા જેવી અભિનેત્રીનું માતૃત્વ પછીનું ‘પુનરાગમન’ એક મોટું સિક્રેટ ગણાય. પરંતુ, હવે નહીં. કેમ કે સંજય ગુપ્તાએ પોતે ટ્વીટ કરીને પેપર ફોડી દીધું છે. તેમણે લખ્યું છે કે ઐશ્વર્યા રાય બચ્ચન તેમની ફિલ્મ કરે છે! તેનું નામ ‘જઝબા’ હશે એ પણ તેમણે જાહેર કરી દીધું છે. તેથી હવે સંભવિત પ્રેગ્નન્સીની બધી અફવાઓ હાલ પૂરતી તો વિદ્યા બાલનના ખુલતા ડ્રેસની આસપાસ ઉડ્યા કરશે!

તિખારો!
 
કપિલના ‘કોમેડી શો’માં ‘પલક’ બનતો કલાકાર કીકુ શારદા એક ઇતિહાસ સર્જવાનો છે. તે કલર્સના જ એક રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’માં એક હરીફ તરીકે પણ પસંદ થયો 
છે. પરંતુ, ઐતિહાસિક બાબત એ છે કે તે ‘કીકુ’ તરીકે નહીં પણ છોકરી ‘પલક’ બનીને જ આવશે. તેની સ્થૂળ કાયા છતાં જે સહજતા અને મસ્તીથી કીકુ ડાન્સ કરે છે, એ જોતાં તે પ્રોગ્રામનું નામ ભવિષ્યમાં કદાચ આવું થઈ જશે.... ‘પલક દિખલા જા’!!          





No comments:

Post a Comment