Sunday, June 29, 2014

ફિલમની ચિલમ.... ૨૯ જૂન ૨૦૧૪





કપૂર પરિવારના ‘અરમાન’નો 

‘કરિશ્મા’ દેખાશે કે પછી ‘ઉદય’ થશે?



‘હમશકલ્સ’ને ફિલ્મ સમીક્ષકો દ્વારા માઇનસ સ્ટારનું રેટિંગ મળ્યા પછી સૌથી વધુ ખુદ સાજિદખાન ખુશ થયા હશે. “સાજિદખાનની ‘હમશકલ્સ’ સામે ‘રામ ગોપાલ વર્મા કી આગ’ ક્લાસિક લાગે છે!” એવો ખરાબ રિવ્યુ જોઇને પણ એ દિગ્દર્શકને બોક્સઓફિસનું ક્લેક્શન વધવાની જ આશા થઈ હશે. પોતાના પિક્ચરને સારા રિવ્યુ કે પછી એકાદ-બેથી વધારે સ્ટાર્સ મળે, ત્યારે એક જમાનાના સ્ટાર જિતેન્દ્ર તો માથું કૂટતા. ‘ખુશ્બુ’ કે ‘કિનારા’ જેવી એકાદ ફિલ્મની ટિકિટબારી પરની નિષ્ફળતા પછી તેમણે કહ્યું હતું કે જેવા સારા રિવ્યુ આવ્યા કે અમને ફાળ પડી હતી કે આમાં માર ખાઇશું! જે ફિલ્મ સમીક્ષકોને પસંદ પડે સામાન્ય પ્રેક્ષકને ન ગમે, એવો નિયમ જો કે હવે મલ્ટિપ્લેક્સના સમયમાં કામ નથી કરતો. હવે સારા પિક્ચરને પણ તેની ગુણવત્તા જેવી ડિસન્ટ સફળતા મળી રહે છે.

પરંતુ, પબ્લિસિટીના મારા સાથે એક સામટી હજારો સ્ક્રિન પર આવતી મોટા સ્ટાર્સની ફિલ્મો હજી પણ ત્રીસ-ચાલીસ કરોડ શરૂઆતના દિવસોમાં ઢસડી લાવતી હોય છે. એ રીતે ‘હમશકલ્સ’ને પણ પહેલા ત્રણ દિવસમાં  દેશ અને વિદેશની ટિકિટબારી પર ૫૦ કરોડ મળતાં આવતા અઠવાડિયે તેની સક્સેસ પાર્ટીના ફોટાની અપેક્ષા રાખી શકાય. જો કે પંચોતેર કરોડની લાગતની કહેવાતી આ ફિલ્મ લાંબા ગાળે સરભર ઉપર કેવો બિઝનેસ આપે છે, તેના ઉપર સાચી સફળતા કહેવાશે. તેની અગાઉ આવેલી ‘હોલીડે....’ની પકડ ઢીલી પડતી લાગતાં જ હવે અક્ષય અને સોનાક્ષીનું એક ‘પલંગ તોડ’ ગાયન ઉમેરવામાં આવ્યું છે. (‘પલંગ તોડ હૈં, પલંગ તોડ હૈં રાતેં’ એ ધ્રુવ પંક્તિ છે તે ગાયનની!)

આ રીતે શૂટ કરેલું ગાયન પછી ઉમેરવાથી હજી થોડોક વધુ સમય ટકી શકાય, તો પણ બે-ત્રણ વીક જ ઢગલો મલ્ટિપ્લેક્સમાં રહી શકતી આ ફિલ્મો માટે ‘બકરે કી અમ્મા કિતને દિન ખૈર મનાયેગી?’ વાળો ઘાટ હોય છે. કેમ કે દર અઠવાડિયે ફિલ્મોની ફેક્ટરીમાંથી માલ ઠલવાયા જ કરતો હોય છે. હવે ચોથી જુલાઇએ આવતા એક પિક્ચર ‘લેકર હમ દીવાના દિલ’થી વળી એક સ્ટાર પરિવારના ફરજંદનાં પગલાં સ્ક્રિન પર પડશે. તેનો હીરો અરમાન જૈન દાયકાઓથી ફિલ્મી દુનિયાના ‘ફર્સ્ટ ફેમીલી’ કહેવાતા કપૂર ખાનદાન સાથે સંબંધિત છે. એ રાજકપૂરની દીકરી રીમાનો દીકરો છે. એટલે ‘રિશ્તે મેં તો હમ રણબીર કપૂર, કરિશ્મા ઔર કરિના કપૂર કી ફોઇ કે છોકરે હૈં’ એવું તે કહી શકે! 



અરમાનના પ્રમોશન દરમિયાન સમગ્ર કપૂર પરિવાર ‘સાકટમ’ તેને ટેકો આપવા હાજર રહે છે. (આ ‘સાકટમ’ને તળપદી ભાષામાં ‘હાકેટમ’ પણ કહેવાય છે, તે એક જમાનામાં કેટલીકજ્ઞાતિઓના જમણવારમાં ‘સહકુટુંબ’ નોંતરા માટે વપરાતો હતો.) અરમાન જૈનના એક કાર્યક્રમમાં રણધીર, રીશી, રણબીર, કરિશ્મા, કરિના તો ઠીક ખુદ ક્રિશ્નાજી પણ દીકરીના દીકરાને આશીર્વાદ આપવા ઉપસ્થિત હતાં. પરંતુ, લાખ રૂપિયાનો, બલ્કે આજના હિસાબે તો કરોડ રૂપિયાનો સવાલ એ રહેશે કે અરમાન પણ કરિશ્મા અથવા રણબીરની માફક જવાં દિલોં કી ધડકન બનશે કે પછી તેના રાજીવ મામાની માફક કે તાજા દાખલા અનુસાર ઉદય ચોપ્રાની જેમ ગણત્રીનાં પિક્ચરો કરીને ધંધે-ધાપે લાગી જશે? ઉદય ચોપ્રાએ હમણાં જ જાહેર કર્યું છે કે એક્ટિંગ તેમના દાવનો ખેલ નથી. તેથી પોતે અમેરિકાના લૉસ એન્જલસમાં રહીને ‘યશરાજ’નો ઓવરસીઝ બિઝનેસ સંભાળશે.

એ જાહેરાત શું યશ ચોપ્રા પરિવારમાં વહેંચાયેલા વેપારના ભાગ હશે? કે પછી ‘રાની ભાભી’ની એન્ટ્રીનું પરિણામ હશે? એવી કોઇ બિનપાયાદાર તુક્કાબાજીમાં ના પડીએ તો પણ કોઇ એક્ટરને મોડે મોડે પણ પોતાની શક્તિઓ વિશે ( કે તેની ઓછી હાજરી અંગે!) આત્મજ્ઞાન થાય એ શું ઓછું છે?  જો કે તેણે અભિનયમાં પોતાનો સાંઠો તો પાછો ખોસી જ રાખ્યો છે. (એટલે કે જગ્યા બોટી રાખી છે.) ઉદય કહે છે કે જ્યારે પણ ‘ધૂમ-૪’ બનશે ત્યારે તેમાં કામ કરવા પોતે ખાસ સમય કાઢશે.  છેલ્લે ‘ધૂમ-૩’માં તેને આમિર અને અભિષેક બચ્ચન સાથે કામ કરવા મળ્યું હતું. તે પછી આમિરની કોઇ ફિલ્મ આવી નથી અને છતાંય પોતાના ટીવી શો ‘સત્યમેવ જયતે’ને કારણે તે પ્રજામાનસમાં છવાયેલો રહ્યો હતો. વળી એ જ કાર્યક્રમના મુદ્દાઓ અંગે ગયા સપ્તાહે તે વડાપ્રધાનશ્રીને મળ્યો, ત્યારે અનેક તર્ક-વિતર્ક વહેતા થયા હતા.

તે પૈકીનું એક ગણિત એવું હતું કે ‘ફના’ની ગુજરાતનાં થિયેટરોમાં રજૂઆત નહતી થઈ શકી તે વખતે થયેલા વિવાદ પછી આમિરનો અભિગમ જોતાં આવું કોઇક સુલેહભર્યું પગલું ભરવામાં નુકશાન નહતું. વળી પોતાનો શો ‘વોટ ફોર ચેન્જ’ એ પણ કેન્દ્રમાં આવેલા બદલાવ માટે જવાબદાર હોવાનો જશ લઈ શકાતો હોય તો શા માટે નહીં? એ મુલાકાત પછી સત્તાવાર ભલે એમ કહેવાયું હોય કે તે  ટીવી કાર્યક્રમમાં ઉઠાવાયેલા મુદ્દાઓ વિશે વાતચીત થઈ હતી. પરંતુ, કેટલાકને એ વિઝીટ સરકારની ‘ગુડ બુક’માં રહેવાનો પ્રયાસ લાગી હોય તો નવાઇ ખરી? જે નર્મદા યોજનાના ડૅમની ઊંચાઇ વધારવા વિરુધ્ધના ઉપવાસ પર તે મેધા પાટકર સાથે બેઠો હતો, તેની હાઇટ વધારવાની પરવાનગી મળી તે પછી આમિર પ્રધાનમંત્રીને મળવા જાય અને ચર્ચામાં તે મુદ્દો જ ના હોય એ વખતે કઈ કહેવત યાદ આવે? “વાર્યા ના માન્યા હોય એ હાર્યા માને”!

આમિરના શો ‘સત્યમેવ જયતે’ની બીજી જ સિઝન થઈ છે, જ્યારે અમિતાભ બચ્ચનના શો ‘કૌન બનેગા કરોડપતિ’ની આઠમી સિઝન શરૂ થઈ રહી છે. ગયા સપ્તાહે ખુદ બચ્ચને જ્યારે સોશ્યલ મીડિયામાં જાહેર કર્યું કે ઑગસ્ટ મહિનાથી સોની ટીવી પર ‘કેબીસી’ ફરી એકવાર આવે છે, ત્યારે ઘણાને થયું કે ગયા વખતે પાંચ કરોડનો જેકપોટ હતો, તો આ વખતે એ ‘પંચકોટિ’ શું ‘સપ્તકોટિ’ કે ‘અષ્ટકોટિ’ કરાશે? સર્વોચ્ચ ઇનામની રકમ સાત કે આઠ કરોડ રૂપિયા થશે કે નહીં  એ તો શો આવશે ત્યારે ખબર પડશે, પણ એંકરને તો દર એપિસોડે અમુક કોટિની ધનવર્ષા થયા જ કરવાની. ‘કેબીસી’ના સેટ પર બચ્ચનદાદાને ૭૧ વરસની ઉંમરે પણ જે રીતે તરોતાજા જોઇએ છીએ ત્યારે થાય કે એક જમાનામાં તેમના સંઘર્ષથી યુવાનોને પ્રેરણા આપનાર અમિતાભ બચ્ચન આજે પોતાની વ્યસ્તતા અને સ્ફુર્તિથી સેવન્ટિ પ્લસના સિનિયર સિટીઝન્સને પણ કેવો સરસ દાખલો પૂરો પાડે છે. (જો કે ઑન સેકન્ડ થૉટ્સ..... અમુક કરોડ મળે તો ૭૦ વર્ષે પણ સ્ફુર્તિ શું કામ ન રહે? પૂછો કોઇપણ રાજકારણીને!)

તિખારો!

‘હમશકલ્સ’ માટે સોશ્યલ મીડિયા પર થયેલી કૉમેન્ટ્સની જોક્સ પિક્ચરમાંની રમૂજો કરતાં ઘણી સરસ હતી. તેમાંની આ એક ટ્વીટ જુઓ:
‘‘પ્રિય સાજિદ, જ્યારે અમે એમ કહ્યું કે ‘હિમ્મતવાલા’થી ખરાબ કોઇ ફિલ્મ બની જ ના શકે, ત્યારે તમને કોઇ ચેલેન્જ નહતી આપી!!”


Sunday, June 22, 2014

ફિલમની ચિલમ...... જૂન ૨૨, ૨૦૧૪





 બિપાશાના બળાપા સામે સાજીદખાનના બખાળા!

શું બિપાશા બાસુને બહુ મોટો વાંધો પડ્યો હશે? આ અઠવાડિયે ૨૦મી જૂને રિલીઝ થયેલી ફિલ્મ ‘હમશકલ્સ’નું પ્રમોશન જોરશોરથી ચાલ્યું. તેના દિગ્દર્શક સાજીદખાન અને તેમના સ્ટાર્સની ટીમ  ચેનલો પર ત્રણ અભિનેતાઓ સૈફ અલી ખાન, રીતેશ દેશમુખ અને રામકપૂર પિક્ચરમાંની ધમાલનું પેપર ફોડી રહ્યા હતા. પરંતુ, તેમની સાથે હિન્દી ફિલ્મો માટે ઓછી જાણીતી હીરોઇનો તમન્ના અને એશા ગુપ્તા બે જ હોય છે. સ્ટાર હીરોઇન બિપાશા બાસુ પ્રચારના કોઇ પ્રોગ્રામમાં ક્યાંય નથી દેખાતી. એ તો બિપાશાએ ટ્વીટ કરીને જાહેર કર્યું તો આ વિવાદની ખબર પડી. બાકી તો તેના ફિલ્મમાં હોવાની પણ જાણ ન થાત. જોવાનું એ પણ રસપ્રદ હશે કે ફિલ્મમાંનો બિપાશાનો રોલ કેવોક કપાયો હશે? ત્યારે સવાલ એ થાય કે વાંધો શું પડ્યો હશે? એક દેખીતો તર્ક એવો છે કે પૈસાનો પ્રોબ્લેમ હશે. કેમ કે એ તો જાણીતી વાત છે કે હવે મોટા કલાકારો ફિલ્મના પ્રમોશનના દિવસોના જુદા રૂપિયા ચાર્જ કરે છે. હવે તો ફિલ્મની રજૂઆત અગાઉ કરાતી પબ્લિસિટીની પધ્ધતિ બદલાઇ ચૂકી છે. પહેલાં તો સ્ટાર્સ દ્વારા એકાદ-બે મેગેઝીનોને ઇન્ટર્વ્યુ અપાય અને એ રાબેતા મુજબ કહે કે “આ મારી કરિયરનો સૌથી ચેલેન્જિંગ રોલ છે” અથવા/અને “આ ડાયરેક્ટર સાથે કામ કરવું એટલે પિકનિક કરતા હોય એવો માહૌલ સૅટ પર હોય” એટલે વાત પતી જતી.



હવે તો તેમને ટીવી સ્ટુડિયોમાં ન્યૂઝ ચેનલો પર ઇન્ટર્વ્યુથી માંડીને ડાન્સના કાર્યક્રમોમાં આવડે એવું નાચવા અને કોમેડી શોમાં સ્ત્રી બનેલા પુરુષ કલાકારની લાલ ચટક લિપસ્ટિકવાળી ચુમ્મી પોતાના ગાલ પર ચોંટાડવા દેવા સુધીના ત્રાસ સહન કરવા પડે છે! એટલું જ નહીં, વિવિધ શહેરોમાં મોટા મૉલમાં જઇને પ્રશંસકોની ભીડને દૂરથી હાથ હલાવવાથી માંડીને નજીકથી હાથ મિલાવવા સુધીની નમ્રતાની એક્ટિંગ કરવી પડે છે. સાજીદની આ અગાઉની ફિલ્મ ‘હિમ્મતવાલા’ વખતે હીરો અજય દેવગન પ્રમોશન માટે ૨૨ દિવસ ફર્યો હતો.  એટલે કલાકારો અલગથી પૈસા તો માગે ને? બિપાશાના મુદ્દે ટ્વીટર પર જ સાજીદ ખાને આપેલો જવાબ પણ ઘણું કહી જાય છે. એ કહે છે, “આ ફિલ્મ બિપાશા વિશે હોત તો એ જરૂર પ્રચાર કરત.”   (બિપાશાના બળાપા સામે સાજીદના બખાળા!)



 એ રીતે તો ‘હમશક્લ્સ’ તમન્ના અને એશા ગુપ્તા વિશેની જરૂર હશે! જો કે નિર્માતાઓને  હીરો-હીરોઇનોનાં કેવાં નખરાં ઉઠાવવાં પડતાં હોય છે એ રિતિકની આવનારી ફિલ્મ ‘બૅંગ બૅંગ’ની હીરોઇન કટરિનાએ પણ તાજેતરમાં સાબિત કર્યું. ફિલ્મ માટે ફોટોશુટ કરવા તેણે પોતાના જ ફોટોગ્રાફરનો આગ્રહ રાખ્યો. આમ તો તેમાં વાંધો ના આવે. પ્રોબ્લેમ એટલો જ હતો કે શૂટિંગ ગ્રીસમાં હતું! પ્રોડ્યુસર સ્થાનિક ફોટોગ્રાફરને બોલાવવા માગતા હતા. પરંતુ, કટરિનાની ડિમાન્ડ, સોરી હઠ, પર છેવટે મુંબઈથી ભાડું-ભથ્થું આપીને ત્રણ દિવસ માટે ફોટોગ્રાફરને બોલાવાયા. એટલે સાજીદખાનને ‘હમશકલ્સ’ના નિર્માણ દરમિયાન કે પબ્લિસિટી વખતે બિપાશા સાથે શું વાંકું પડ્યું હશે એ ખુલાસા થાય ત્યારે ખરા. 

છતાં હકીકત તો એ છે કે ગમે એટલી પબ્લિસિટી કરાય પિક્ચરમાં દમ ન હોય તો પ્રારંભિક વકરા પછી ભલભલા ‘હિંમતવાલા’ પણ ડચકાં ખાતા હોય છે. છતાં પહેલાના જેવું નુકશાન કદાચ અત્યારે નહીં થતું હોય. બાકી પહેલાંનો ધંધો યાદ કરીએ તો? એક જમાનામાં મુંબઈ-અમદાવાદમાં રિલીઝ થયાના છ-બાર મહિના પછી નાનાં નગરોમાં પ્રિન્ટ આવી શકતી. તે સમયે જેન્યુઇન હીટ પિક્ચર જ બધે સારો વકરો કરાવતું. ‘ડબ્બો’ જાહેર થયેલી ફિલ્મો ક્યારેક તો નાનાં સેન્ટરમાં આવતી જ નહીં!  જો એક સાથે ઢગલાબંધ સ્ક્રિન પર ફિલ્મો આવતી ન થઈ હોત તો આવો કરોડોનો બિઝનેસ ક્યાં મળવાનો હતો?

જેમ કે ‘હમશકલ્સ’ની પહેલાં આવેલી ‘હોલીડે...’ ૩૫૦૦ પડદા ઉપર રિલીઝ થઈ અને બીજા શુક્રવારે ૬૫ ટકા ઓછું ઑડિયન્સ આવ્યા છતાં બે અઠવાડિયામાં ૧૦૦ કરોડની નજીક (લગભગ ૯૫ કરોડ) સુધી પહોંચી શકી. હવે એવી મોટી ફિલ્મ સલમાન ખાનની ‘કિક’ લાગશે, જે રમઝાન ઇદ પર ૨૫મી જુલાઇએ આવવાની છે. જૂના સમયમાં રમઝાન મહિનો ફિલ્મોની રજૂઆત માટે નવરાત્રી અને દિવાળીની પહેલાંનાં અઠવાડિયાંની જેમ બહુ આશાવાદી નહતો રહેતો. પરંતુ, હવે તો જે શુક્રવાર ખાલી મળે ત્યાં પોતાનું પિક્ચર લગાવવાની હોડ હોય છે. તેથી રમઝાન દરમિયાન પણ એક બે નહીં, ૬ ફિલ્મો પ્લાન થયેલી છે અને તેમાં વિદ્યા બાલનની ‘બોબી જાસુસ’ પણ છે. વિદ્યાને ‘લેડી બીગ બી’ કહેવાતી હોઇ અને પબ્લિસિટીમાં તેનાં સંખ્યાબંધ રૂપ અને વેશભૂષાઓ હાઇલાઇટ થતી હોઇ અપેક્ષાઓ રહેવાની.

‘બોબી જાસૂસ’ ઉપરાંત જુલાઇમાં ‘લેકર હમ દીવાના દિલ’, આલિયા ભટ્ટ અને વરૂણ ધવનની ‘હમ્પ્ટી શર્મા કી દુલહનિયા’, તેમજ ‘હેટ સ્ટોરી -૨’, ‘અમિત સહાની કી લિસ્ટ’ અને ‘પિઝા’ જેવાં નામ ધરાવતી ફિલ્મો પણ લાઇનમાં હશે. તે સૌને રાજકુમાર રાવ અભિનિત ‘સિટીલાઇટ’ની માફક માફકસરની કમાણી અને પ્રશંસાની આશા હશે. રાજકુમાર રાવને ‘શાહીદ’ માટે મળેલા નેશનલ એવોર્ડ પછી ચેતન ભગત લિખિત ‘રિવોલ્યુશન ૨૦૨૦’ મળ્યાના સમાચાર આવ્યા હતા. પરંતુ, તેની સાથે જ રમેશ સિપ્પીએ પણ રાજકુમારને સાઇન કરતાં હવે ચેતન ભગતની વાર્તાવાળી ‘રિવોલ્યુશન ૨૦૨૦’માંથી રાવ નીકળી ગયા છે.

ચેતન ભગતની લખેલી વાર્તાઓ પરથી ‘થ્રી ઇડિયટ્સ’, ‘કાઇપો છે’ અને છેલ્લે આવેલી ‘ટુ સ્ટેટ્સ’ સહિત લગભગ તમામને સફળતા મળી હોઇ તેમની નવી ફિલ્મ છોડવી એ ભારે હિંમતનું કામ કહેવાય. (શું આ રાજકુમાર પણ ‘જાની રાજકુમાર’ની માફક ફિલ્મો સ્વીકારવા અને ખાસ તો નકારવામાં આગવો મિજાજ રાખવાના હશે?) હીટ ફિલ્મો આપવાની ચેતન ભગતની છાપ કેવી દ્દઢ છે તેનો એક દાખલો ‘કિક’ પણ છે. સલમાન ખાનની છેલ્લી (એટલે કે છેલ્લે આવેલી!) ફિલ્મ ‘જય હો!’ને સલમાનના લેવલની કમાણી ના થઈ હોઇ આ વખતે કોઇ ચાન્સ લેવાના નથી. તેથી ‘કિક’ની વાર્તા અને સ્ક્રિનપ્લે બન્ને ચેતન ભગત પાસે લખાવ્યા છે. જો કે તેનું ટ્રેઇલર જોતાં રિતિકના ‘ક્રિશ’ની માફક આંખો પર કાળું મહોરું પહેરીને ‘ડેવીલ ગીરી’ કરવાની વાર્તામાં ચેતન કેવુંક ચેતન લાવ્યા હશે એ, ન્યુઝ ચેનલોની ભાષામાં કહીએ તો, “જોવાનું રહેશે”!  


તિખારો!

પ્રીતિ ઝિન્ટાની ચર્ચા દરેક ચેનલ પર છે, ત્યારે ‘આઇપીએલ’ વખતે બહુ ફરેલો રમૂજી એસએમએસ યાદ આવે છે.  પોતાની ટીમ જીતે એ માટે તે એક બાબા પાસે જાય છે. બાબા ઉપાય બતાવતા પહેલાં પૂછે છે, “ક્યા અચ્છા ખેલને વાલે કો ગલે લગાતી હો?” પ્રીતિ કહે, “હાં બાબા, હરેક કો લગાતી હું...” બાબાએ નિર્મલ નુસ્ખો બતાવ્યો, “હર પ્લેયર કો ગલે લગાના બંધ કરો.... કિરપા રહેગી!!”

Monday, June 16, 2014

ફિલમની ચિલમ.... જૂન ૧૫, ૨૦૧૪




‘હોલીડે’ પર જાય લૉજિક 
                      અને લઈ આવે ૬૫ કરોડ!



શું શાહરૂખખાનને આમિરખાનની હાજરીનો વાંધો પડ્યો હશે? ૯મી જૂનના રોજ જ્યારે દિલીપકુમારની જીવનકથાનું ‘લોકાર્પણ’ થયું, ત્યારે શાહરૂખની ગેરહાજરીની નોંધ તો સૌએ લીધી જ, સાથે સાથે પોતપોતાના તર્ક પણ કામે લગાડ્યા. તેમાંનો એક તર્ક એ પણ હતો કે અમિતાભ અને આમિર બન્ને ઉપસ્થિત હોય એવા સમારંભમાં ‘ઑલ્સો રેન’ તરીકે હાજર રહેવાનું કદાચ કીંગ ખાનને અનુકૂળ નહીં હોય. બાકી દિલીપ સા’બની એક્ટિંગમાંથી પ્રેરણા લીધેલા કલાકારોની પેઢીઓ હોવા છતાંય તેમના જેવા લુક્સ ધરાવતો સુપરસ્ટાર તો શાહરૂખ જ છે. વળી, છેલ્લે દિલીપ કુમારની બર્થડે વખતે પણ તે હાજર હતો. શું તેની પણ લતા મંગેશકરની માફક છેલ્લી ઘડીએ તબીયત બગડી હશે?


લતાજી તો ખરેખર આ સમારંભનાં મુખ્ય અતિથિ હતાં. પરંતુ, સાવ છેલ્લા દિવસે સ્વાસ્થ્ય બગડતાં તેમણે ના પાડી અને વૈજયંતિમાલાજીને એ સ્થાન અપાયું. દિલીપ કુમાર અને વૈજયંતિમાલા એટલે ‘મધુમતી’, ‘નયા દૌર’, ‘દેવદાસ’, ‘પૈગામ’, ‘ગંગા જમના’, ‘લીડર’, ‘સંઘર્ષ’ જેવી ફિલ્મોની યાદગાર જોડી! દિલીપ કુમારની નાયિકાઓ બાબતની કાર્યપધ્ધતિની ચર્ચા હંમેશા રહી હતી. મધુબાલા સાથે લગ્ન સુધીની વાત આવી હતી અને તેમના ભાવિ સસરા અતાઉલ્લાહ ખાનને પ્રોડ્યુસ કરવા ધારેલી એક ફિલ્મમાં કામ કરવાનો ઇન્કાર દિલીપ કુમારે કર્યો અને એ સંબંધ તૂટ્યો. તેને લીધે ‘નયા દૌર’માંથી મધુબાલાની વિદાય થઈ અને વૈજયંતિમાલાની એન્ટ્રી થઈ. તે પછી તેમની જોડી વૈજયંતિમાલા સાથે બની અને ‘સંઘર્ષ’ દરમિયાન અબોલા થયા, તો એ રોલ વહીદાજીને ગયા જેને માટે વૈજયંતિમાલા નક્કી હતાં! 
વહીદા રેહમાન સાથે દિલીપકુમારની જોડી ‘રામ ઔર શ્યામ’, ‘દિલ દિયા દર્દ લિયા’ અને ‘આદમી’માં હતી. એ બન્નેનાં તો લગ્ન થશે? એવી પણ વાયકા જે તે સમયે ચાલી હતી. છતાંય (કે કદાચ એટલે જ!) વહીદાજી પણ પુસ્તક વિમોચનમા અનુપસ્થિત હતાં. તેમની હીરોઇનો સાથેના સંબંધો અંગે દિલીપ કુમાર ક્યારેય મોકળાશથી બોલ્યા નથી. તેથી આ પુસ્તકને જો તેમની ‘ઑથેન્ટિક બાયોગ્રાફી’ કહેવાતી હોય તો સવાલ એ થાય કે તે તમામ નાયિકાઓ સાથેની તેમની કેમેસ્ટ્રીની વાતો તેમાં હશે કે? અસ્મા સાથેની તેમની દુસરી શાદી વિષે વિગતે કહેવાયું હશે કે? તેમના પરિવારજનો બાબતે યુસુફભાઇએ કહ્યું હશે કે?  

તેમના ભાઇઓએ ગયા વર્ષે દિલીપ કુમારના પાલીહીલ ખાતેના બંગલા બાબતે લીગલ નોટિસ આપતાં ભાઇઓ વચ્ચે આ ઉંમરે સંબંધો તંગ થયા છે, એ તો જગ જાહેર છે. પરંતુ, પુસ્તકમાં તેનો કોઇ હવાલો હશે કે કેમ? પુસ્તક વિમોચનમાં અમિતાભ અને આમિર ઉપરાંત ધર્મેન્દ્ર, ઝિન્નત અમાન, માધુરી દીક્ષિત, પ્રિયંકા ચોપ્રા વગેરે પણ ઉપસ્થિત હતાં. એ સૌની સાથે સાથે સરોદ વાદક ઉસ્તાદ અમજદ અલીખાં સાહેબ અને સંતુર વાદક પંડિત શિવકુમાર શર્માજી પણ ઑડિયન્સમાં હાજર હતા. પરંતુ, તેમને પ્રથમ કે બીજી હરોળમાં નહીં પણ ઠેઠ સાતમી લાઇનમાં બેસાડાયા હતા, તેની પણ નોંધ લેવાઈ હતી. (સાત સૂરોની સાતમી લાઇન?) દિલીપકુમાર વિશેનું અગાઉ વર્ષો પહેલાં લખાયેલું બન્ની રૂબેનનું પુસ્તક પણ ‘દિલીપકુમારની સત્તાવાર જીવનકથા’ તરીકે બહાર પડાયું હતું. તેમાં મધુબાલા સાથેના સંબંધોની વિગતે અને સરસ છણાવટ હતી. જો કે આ વખતની બુકમાં શ્રીમતી દિલીપકુમાર યાનિ કિ સાઇરાબાનુએ જાતે રસ લીધો હોઇ એક અંતરંગ વ્યક્તિની દેખરેખ હેઠળ તૈયાર થયેલી ‘જીવનકથા’માં વિગતોની ચોક્સાઇ જરૂર હશે. પરંતુ, બન્ની રૂબેનના મધુબાલા વિશેના હતા એવા જો કોઇ સનસનીખેજ ખુલાસા નહીં હોય તો? અત્યારના માર્કેટમાં તો  કેવો રિસ્પોન્સ મળશે?

અત્યારના માર્કેટમાં તો એક્શન હીરો અક્ષય કુમારની ‘હોલીડે....’ જેવી લોજીક વગરની ફિલ્મ આવે તો પણ પ્રથમ સપ્તાહને અંતે ૬૫ કરોડનો આંકડો પાર કરી જાય એમ લાગે છે. તેમાંનો બેઝિક મુદ્દો ઘરમાં જ બેઠેલા ગદ્દારો (સ્લીપર સેલ) સારો છે. પરંતુ, ગળે ના ઉતરે એવા એટલા બધા પ્રસંગો છે, કે પેલી ત્રાસવાદની થીમ પણ તેની ગંભીરતા ગુમાવી દે છે. તેમાં ઉમેરો સોનાક્ષી અને અક્ષયનાં બિનજરૂરી અને વાર્તાના પ્રવાહને રૂંધતાં ગાયનો અને લાગે કે તમિલમાં આવેલી ઓરિજિનલ ફિલ્મને જેમની તેમ ઉતારાઇ છે.... દિમાગને હોલીડે પર મોકલીને. છતાંય પહેલા વીકમાં ૬૫ કરોડ આવ્યા છે તો સેન્ચુરી વાગવાની શક્યતા તો ખરી જ! (૧૦૦ કરોડ પાર કરનારી કેટલી ફિલ્મોમાં લૉજિક હોય છે?)  

‘હોલીડે...’ની રજૂઆત અને દિલીપ સા’બના પુસ્તક વિમોચન સાથે જ ગત સપ્તાહનો એક જાહેર કાર્યક્રમ પ્રિયંકા ચોપ્રાના પિતાશ્રી અશોક ચોપ્રાના નામના માર્ગના વિધિવત ઉદઘાટનનો હતો. નેચરલી, પ્રિયંકા અને તેની કઝિન પરિણિતિ ચોપ્રા પણ ત્યાં ઉપસ્થિત હોય. પ્રિયંકાએ પોતાના હાથ પર ‘પપ્પાની નાનકડી છોકરી’ (ડેડી’સ લી’લ ગર્લ!) એવું ટેટુ ચિતરાવેલું છે અને તેના વરદ હસ્તે જ પિતાનું બહુમાન કરતા માર્ગનું ઉદઘાટન હોય એ દીકરી માટે કેવી ગૌરવની ઘડી કહેવાય. એવી પુત્રીના ડેડી બનવાનું પણ સદનસીબ કહેવાય. ડૉટરના ડેડી બનવાનું સદનસીબ આમિર ખાનના ભાણીયા એક્ટર ઇમરાન ખાનને પણ ઉપલબ્ધ થયું છે. તેની પત્ની અવંતિકાએ, ૯મી જૂને, પહેલે ખોળે દીકરીને જન્મ આપ્યો હોઇ ‘લક્ષ્મીજી પધાર્યાં’ એમ કહી શકાય. એ જ રીતે રીતેશ દેશમુખની પત્ની અને અભિનેત્રી જિનેલિયા ડી’સોઝાને પણ સારા દિવસો જાય છે.


રીતેશના સૈફ અલી ખાન સાથેની ‘હમશકલ્સ’માં ત્રણ રોલ છે અને સાજીદખાનની ફિલ્મ હોઇ કોમેડીની  ધમાચકડી અને ધમાલ હશે. કોમેડીની ‘ગોલમાલ’ કરતા અન્ય એક દિગ્દર્શક રોહિત શેટ્ટીએ ગયા વીકમાં એક મોટો ચમત્કાર સર્જ્યો. તેમની ફિલ્મ ‘સિંઘમ રિટર્ન્સ’ના સેટ પર તે અજય દેવગન સાથે શૂટિંગ કરી રહ્યા હતા. ત્યારે તેમની જ એક સુપર હીટ ફિલ્મ ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ના હીરો શાહરુખખાને એન્ટ્રી કરી. એટલું જ નહીં, બન્નેએ હાથ મિલાવ્યા અને ભેટ્યા પણ! આ મુલાકાતનું મહત્વ ભલે સાર્ક દેશોના વડાઓના દિલ્હી આગમનના સમાચારો વચ્ચે ઓછું અંકાયું હોય. પરંતુ, ફિલ્મ કલાકારોના સંબંધોના સમીક્ષકો માટે એ સૌથી મોટા ન્યુઝ હતા. ખાસ કરીને એટલા માટે કે અજયની પત્ની કાજોલ અને શાહરૂખ સારા સહકલાકારો હોવા છતાં ‘જબ તક હૈ જાન’ તથા  ‘સન ઓફ સરદાર’ના રિલીઝ વખતે થયેલી ટસલ હવે સટલ થતી જશે અને સંબંધો સેટલ થશે. તેથી ભવિષ્યમાં રોહિત શેટ્ટી અજય અને શાહરૂખને લઈને કોઇ ફિલ્મ પ્લાન કરે તો? અને તેમાં કાજોલ પણ હોય તો? સોચો ઠાકુર. (સોચને મેં કહાં પૈસા લગતા હૈ?!) 


તિખારો!
આપણી હિન્દી ફિલ્મો અતિશયોક્તિથી ભરપુર હોય છે અને માનવામાં ના આવે એવું તેમાં ઘણું બધું હોય છે. છતાં ‘હોલિડે...’એ તો હદ કરી જ નાખી છે...... તેમાં તો ગોળમટોળગોવિંદાને આર્મીનો સિનિયર ઓફિસર બનાવાયો છે અને તે પણ સિરીયસ્લી, બોલો!!

Sunday, June 8, 2014

ફિલમની ચિલમ...... જૂન ૦૮, ૨૦૧૪





બૉલીવુડના યુધિષ્ઠિરનો રથ 
સોશ્યલ મીડિયામાં ચાર આંગળ અધ્ધર!
‘યે તો હોના હી થા!’ જ્યારથી દીપિકાએ એકની પાછળ બીજું એમ ૧૦૦ કરોડની કમાણી કરાવનારી ફિલ્મોની લાઇન લગાડી હતી, ત્યારથી તેના મહેનતાણામાં ફુગાવાની આશંકા હતી જ. હવે એ ખુલાસો થઈ રહ્યો છે કે સંજય લીલા ભણશાળીની ‘બાજીરાવ મસ્તાની’ માટે દીપિકાએ હીરોઇનો માટેની સૌથી વધુ ‘ફી’ લઈને એક નવો રેકોર્ડ કર્યો છે. દીપિકાએ કરણ જોહરની ફિલ્મ ‘શુધ્ધિ’નો ઇનકાર કર્યો, તે વખતે કોઇને ખ્યાલ નહતો કે તેમાં કોઇ આર્થિક કારણ પણ હશે. હવે લાગે છે કે ‘આઇપીએલ’ની જેમ અહીં પણ આ સેન્ચુરી પ્લેયરને ‘હાઇએસ્ટ બીડર’ની ટીમ લઈ ગઈ. કેમ કે ‘બાજીરાવ મસ્તાની’ માટે દીપિકાને અધધધ.... આઠ કરોડ રૂપિયામાં સાઇન કરાઇ છે!
 



દીપિકાનું અત્યારે, પત્તાંની ભાષામાં કહીએ તો, જબ્બર પાનું ચાલે છે. એટલે એ ‘વૉગ’ જેવા ફૅશનના સૌથી જાણીતા મેગેઝીનના કવર પર પણ આ મહિને ચમકવાની છે. (આ પ્રગટ થતા સુધીમાં તો ચમકી પણ ચૂકી હશે.)  એ સામયિકને શોભે એવા હિંમતભર્યા ફોટા પડાવ્યાની ચર્ચા ગયા મહિને હતી. તે વખતે એવી વાત પણ આવી હતી કે દીપિકાએ પોતાની પીઠેથી (હકીકતમાં તો બોચીએથી!) રણબીર કપૂર નામનું - ‘આર.કે.’નું - ટેટુ કઢાવી નાખ્યું છે. એવાં છૂંદણાં જ્યારે પણ ત્રોફાવાય, ત્યારે આજીવન સાથે રહેવાના કૉલ સાથે છપાતા હોય છે. પણ રણબીરને અન્ય સ્ત્રી મિત્ર (‘અભિનેત્રી’ એમ વાંચો!) સાથે રંગે હાથો પકડ્યા પછી દીપિકાએ તે સંબંધ તોડી નાખ્યો હતો. 



જો કે તેણે ટૅટુ કઢાવી નાખ્યાની વાતને શંકાથી જોનારા એમ પણ કહે છે કે જે ઠંડા પીણાની જાહેરાતમાં એ છૂંદણું ગાયબ થયાનું દેખાય છે, તેમાં કોમ્પ્યુટરના ફોટોશોપ  સૉફ્ટવૅરની પણ કમાલ હોઇ શકે છે. દીપિકાની એ ઍડ અનુરાગ કશ્યપે બનાવી છે. અત્યારે અનુરાગ કશ્યપ અમિતાભ બચ્ચનની પ્રથમ ટીવી સિરીયલ ‘યુધ્ધ’ના ડાયરેક્ટર તરીકે પણ ચર્ચાતું નામ છે. સામે એક વાયકા એવી પણ આવી છે કે તેમના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ‘બૉમ્બે વૅલ્વેટ’ પૂરી કર્યા પછી ઇન્ડિયાને કાયમ માટે ‘રામ રામ’ કરીને પરદેશની ધરતી પર સ્થાયી થવાના છે. અનુરગ સર્જિત અમિતાભ બચ્ચનની સિરીયલ ‘યુધ્ધ’ને ‘કેબીસી’ જેવો આવકાર મળે એ માટે બચ્ચન દાદા કોઇ કસર બાકી નહીં રાખે. સિરીયલમાં અમિતાભ બચ્ચનનું નામ ‘યુધિષ્ઠિર’ છે. એ રીતે જોઇએ તો મહાભારતના ધર્મરાજાની જેમ બોલીવુડના આ રાજાનો રથ પણ સોશ્યલ મીડિયાના રણ મેદાનમાં લાખ્ખો અનુયાયીઓ સાથે આજકાલ ચાર આંગળ અધ્ધર છે. ગયા અઠવાડિયે જ અમિતજીએ ટ્વીટ કરીને ‘ફેસબુક’ પર પોતાના ૧૩ મિલીયન (એક કરોડને ત્રીસ લાખ) અને ટ્વીટર પર ૯ મિલીયન (નેવું લાખ) ફૉલોઅર્સ હોવાનું ગૌરવભેર જાહેર કર્યું હોઇ સોશ્યલ મીડિયા પર ‘યુધ્ધ’નો પ્રચાર યુધ્ધના ધોરણે થવાનો એ નક્કી.

અમિતાભ બચ્ચન માટે તો ક્યાં બ્લૉગ પર તેમના લાંબા પણ સરસ અભિવ્યક્તિવાળા રોજીંદા આલેખોને મળતા પાંચસો- હજાર કે ક્યારેક બે હજાર પ્રતિભાવો અને ક્યાં આ રોજ લાખોની સંખ્યામાં વંચાતા તેમના ટ્વીટ્સ અને ફેસબુકના ટચૂકડા સંદેશાઓ! ટ્વેન્ટી ટ્વેન્ટીના આ જમાનામાં લોકોને પણ ‘થોડામાં ઘણું’ જ વાંચવાનું ગમતું હોય છે. (ટ્વેન્ટી ટ્વેન્ટીમાં ૨૫ બોલમાં ૮૭ રન ઝૂડી નાખનાર સુરેશ રૈના સાથે જ શ્રુતિ હસન કે વિરાટ કોહલી સરખા ધુંઆધાર બેટધર સાથે જ અનુષ્કા શર્મા જેવી રૂપાળી હીરોઇનો ડેટ પર જતી હોય છેને?) બચ્ચન બાબુએ હમણાં તેમના લગ્નજીવનની એકતાલીસમી વર્ષગાંઠ પત્ની જયાજી મુંબઈમાં હાજર નહોઇ દીકરા અભિષેક સાથે ઘરમાં સળંગ બે પિક્ચર જોઇને ઉજવી એ ન્યૂઝ પણ સોશ્યલ મીડિયા પર શેર કર્યા હતા. પણ તેમના લગ્નને ૪૧ વરસ થયાં એમ એ જાહેર કરે તો તેના પગલે અભિષેક બચ્ચન ૩૮નો થયાની યાદ તાજી થાય અને પાછળ જ ‘અભિ’થી બે વરસ મોટી ઐશ્વર્યાએ પણ ૪૦નો ઉંબરો વટાવ્યાની જાણ થાય.

છતાંય ઐશ્વર્યા ‘લાઇફ બિગીન્સ એટ ફોર્ટી’ એવું કશું જ કહ્યા વગર સંજય ગુપ્તાની ફિલ્મ ‘જઝ્બા’ માટે વિદેશી સ્ટંટ માસ્ટર પાસે ટ્રેઇનિંગ લેવા તૈયાર થઈ છે. એ જ રીતે પ્રિયંકા ચોપ્રાએ પણ બોક્સિંગ ચેમ્પિયન મેરી કૉમની જીવનકથાને પડદા પર સાકાર કરવા પ્રોટીન શેક પીને અને ટ્રેઇનરની બતાવેલી કસરતો કરી કરીને વજન અને મસલ્સ વધાર્યા હતા. પરંતુ, તેના પછી સેટ પર ગયેલી ઝોયા અખ્તરની ફિલ્મ ‘દિલ ધડકને દો’ માટે વજન ઉતારવાનું કહેવામાં આવ્યું. એટલે વળી પાછા જિમ અને ટીચરના હવાલે અને થોડાંક જ સપ્તાહમાં ‘પી.સી.’એ સાત કિલો વેઇટ ઉતારીને ‘ફેશન’ની હીરોઇન જેવા શેઇપમાં આવી ગઈ છે. પરંતુ, ઘણાને એમ છે કે આવું ઝાઝુ વજન ઉતરવામાં તેના ભૂતપૂર્વ બિઝનેસ મેનેજર જાજુનો પણ ફાળો હશે. પ્રિયંકાના આ એક સમયના આ રહસ્ય સચિવ સંજય બારૂ વાળી કરી રહ્યા છે. બારૂએ ‘એન એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ લખીને સનસનાટી કરી હતી, જ્યારે પ્રકાશ જાજુ પોતાની કથા આલેખી રહ્યા છે અને તેને પુસ્તક રૂપે નહીં, પણ ફિલ્મ સ્વરૂપે પ્રગટ કરવા જઈ રહ્યા છે. 

તેમની એ ફિલ્મ ‘સિક્સટી સેવન ડેઝ’માં પ્રકાશભાઇ તેમનાં જૂનાં શેઠાણી પ્રિયંકા વિશે ઝાઝો પ્રકાશ પાડશે, એ ભીતિને કારણે પ્રિયંકાએ લીગલ નોટિસ મોકલ્યાના સમાચારો અખબારોમાં આવ્યા હતા. ત્યારે ઘણાને યાદ આવ્યું હતું કે પ્રિયંકાના પિતાજીની ફરિયાદને આધારે જાજુની ધરપકડ પણ થઈ હતી. તેમના બાકી નીકળતા કહેવાતા અમુક લાખ રૂપિયા વસુલ કરવા પ્રકાશ જાજુએ પ્રયાસ કર્યા પછી તે દિવસોમાં તેમને બે મહિના જેવું જેલમાં પણ રહેવું પડ્યું હતું. એ વાત ૨૦૦૮ની અને એ પછીનાં પાંચ-છ વર્ષ વાતાવરણ ઠંડું રહ્યા પછી જાજુ હવે પાછા આવ્યા છે. આ વખતે તેમની સાથે પ્રિયંકાના મોડેલિંગના દિવસોના ‘મિત્ર’ અસિમ મર્ચન્ટ પણ જોડાયા છે. અસિમ એ ફિલ્મ ‘સિક્સટી સેવન ડેઝ’નું દિગ્દર્શન સંભાળવાના છે. પ્રિયંકાએ ફિલ્મને બનતી રોકવા આપેલી નોટિસ અંગે અસિમભાઇએ ખુલાસો કર્યો છે કે “અમે તો પ્રકાશ જાજુના જીવનની ફિલ્મ બનાવીએ છીએ, પ્રિયંકાની નહીં. તે તો તેમાં એક ચેપ્ટર જ છે.” એ ‘પ્રકરણ’ કેવું હશે? છેવટે એવું પણ બને કે કોઇ રીતે કૉમ્પ્રો એટલે કે ‘માંડવાલી’ થાય તો ફિલમ અભરાઇએ પણ ચઢી જાય, કોને ખબર?

તિખારો!

કરણ જોહરના ‘કૉફી’ શોમાં દીપિકા અને સોનમ કપૂર આવ્યાં, ત્યારે કરણે દીપિકાને પૂછ્યું હતું કે “રણબીરે શાની જાહેરાતમાં મોડેલીંગ કરવું જોઇએ?” ત્યારે તેણે કહ્યું હતું, “કોન્ડોમ.”  (એ એક જ શબ્દના જવાબમાં કેટલું બધું કહી દીધું હતું, દીપિકાએ!)