Sunday, June 22, 2014

ફિલમની ચિલમ...... જૂન ૨૨, ૨૦૧૪





 બિપાશાના બળાપા સામે સાજીદખાનના બખાળા!

શું બિપાશા બાસુને બહુ મોટો વાંધો પડ્યો હશે? આ અઠવાડિયે ૨૦મી જૂને રિલીઝ થયેલી ફિલ્મ ‘હમશકલ્સ’નું પ્રમોશન જોરશોરથી ચાલ્યું. તેના દિગ્દર્શક સાજીદખાન અને તેમના સ્ટાર્સની ટીમ  ચેનલો પર ત્રણ અભિનેતાઓ સૈફ અલી ખાન, રીતેશ દેશમુખ અને રામકપૂર પિક્ચરમાંની ધમાલનું પેપર ફોડી રહ્યા હતા. પરંતુ, તેમની સાથે હિન્દી ફિલ્મો માટે ઓછી જાણીતી હીરોઇનો તમન્ના અને એશા ગુપ્તા બે જ હોય છે. સ્ટાર હીરોઇન બિપાશા બાસુ પ્રચારના કોઇ પ્રોગ્રામમાં ક્યાંય નથી દેખાતી. એ તો બિપાશાએ ટ્વીટ કરીને જાહેર કર્યું તો આ વિવાદની ખબર પડી. બાકી તો તેના ફિલ્મમાં હોવાની પણ જાણ ન થાત. જોવાનું એ પણ રસપ્રદ હશે કે ફિલ્મમાંનો બિપાશાનો રોલ કેવોક કપાયો હશે? ત્યારે સવાલ એ થાય કે વાંધો શું પડ્યો હશે? એક દેખીતો તર્ક એવો છે કે પૈસાનો પ્રોબ્લેમ હશે. કેમ કે એ તો જાણીતી વાત છે કે હવે મોટા કલાકારો ફિલ્મના પ્રમોશનના દિવસોના જુદા રૂપિયા ચાર્જ કરે છે. હવે તો ફિલ્મની રજૂઆત અગાઉ કરાતી પબ્લિસિટીની પધ્ધતિ બદલાઇ ચૂકી છે. પહેલાં તો સ્ટાર્સ દ્વારા એકાદ-બે મેગેઝીનોને ઇન્ટર્વ્યુ અપાય અને એ રાબેતા મુજબ કહે કે “આ મારી કરિયરનો સૌથી ચેલેન્જિંગ રોલ છે” અથવા/અને “આ ડાયરેક્ટર સાથે કામ કરવું એટલે પિકનિક કરતા હોય એવો માહૌલ સૅટ પર હોય” એટલે વાત પતી જતી.



હવે તો તેમને ટીવી સ્ટુડિયોમાં ન્યૂઝ ચેનલો પર ઇન્ટર્વ્યુથી માંડીને ડાન્સના કાર્યક્રમોમાં આવડે એવું નાચવા અને કોમેડી શોમાં સ્ત્રી બનેલા પુરુષ કલાકારની લાલ ચટક લિપસ્ટિકવાળી ચુમ્મી પોતાના ગાલ પર ચોંટાડવા દેવા સુધીના ત્રાસ સહન કરવા પડે છે! એટલું જ નહીં, વિવિધ શહેરોમાં મોટા મૉલમાં જઇને પ્રશંસકોની ભીડને દૂરથી હાથ હલાવવાથી માંડીને નજીકથી હાથ મિલાવવા સુધીની નમ્રતાની એક્ટિંગ કરવી પડે છે. સાજીદની આ અગાઉની ફિલ્મ ‘હિમ્મતવાલા’ વખતે હીરો અજય દેવગન પ્રમોશન માટે ૨૨ દિવસ ફર્યો હતો.  એટલે કલાકારો અલગથી પૈસા તો માગે ને? બિપાશાના મુદ્દે ટ્વીટર પર જ સાજીદ ખાને આપેલો જવાબ પણ ઘણું કહી જાય છે. એ કહે છે, “આ ફિલ્મ બિપાશા વિશે હોત તો એ જરૂર પ્રચાર કરત.”   (બિપાશાના બળાપા સામે સાજીદના બખાળા!)



 એ રીતે તો ‘હમશક્લ્સ’ તમન્ના અને એશા ગુપ્તા વિશેની જરૂર હશે! જો કે નિર્માતાઓને  હીરો-હીરોઇનોનાં કેવાં નખરાં ઉઠાવવાં પડતાં હોય છે એ રિતિકની આવનારી ફિલ્મ ‘બૅંગ બૅંગ’ની હીરોઇન કટરિનાએ પણ તાજેતરમાં સાબિત કર્યું. ફિલ્મ માટે ફોટોશુટ કરવા તેણે પોતાના જ ફોટોગ્રાફરનો આગ્રહ રાખ્યો. આમ તો તેમાં વાંધો ના આવે. પ્રોબ્લેમ એટલો જ હતો કે શૂટિંગ ગ્રીસમાં હતું! પ્રોડ્યુસર સ્થાનિક ફોટોગ્રાફરને બોલાવવા માગતા હતા. પરંતુ, કટરિનાની ડિમાન્ડ, સોરી હઠ, પર છેવટે મુંબઈથી ભાડું-ભથ્થું આપીને ત્રણ દિવસ માટે ફોટોગ્રાફરને બોલાવાયા. એટલે સાજીદખાનને ‘હમશકલ્સ’ના નિર્માણ દરમિયાન કે પબ્લિસિટી વખતે બિપાશા સાથે શું વાંકું પડ્યું હશે એ ખુલાસા થાય ત્યારે ખરા. 

છતાં હકીકત તો એ છે કે ગમે એટલી પબ્લિસિટી કરાય પિક્ચરમાં દમ ન હોય તો પ્રારંભિક વકરા પછી ભલભલા ‘હિંમતવાલા’ પણ ડચકાં ખાતા હોય છે. છતાં પહેલાના જેવું નુકશાન કદાચ અત્યારે નહીં થતું હોય. બાકી પહેલાંનો ધંધો યાદ કરીએ તો? એક જમાનામાં મુંબઈ-અમદાવાદમાં રિલીઝ થયાના છ-બાર મહિના પછી નાનાં નગરોમાં પ્રિન્ટ આવી શકતી. તે સમયે જેન્યુઇન હીટ પિક્ચર જ બધે સારો વકરો કરાવતું. ‘ડબ્બો’ જાહેર થયેલી ફિલ્મો ક્યારેક તો નાનાં સેન્ટરમાં આવતી જ નહીં!  જો એક સાથે ઢગલાબંધ સ્ક્રિન પર ફિલ્મો આવતી ન થઈ હોત તો આવો કરોડોનો બિઝનેસ ક્યાં મળવાનો હતો?

જેમ કે ‘હમશકલ્સ’ની પહેલાં આવેલી ‘હોલીડે...’ ૩૫૦૦ પડદા ઉપર રિલીઝ થઈ અને બીજા શુક્રવારે ૬૫ ટકા ઓછું ઑડિયન્સ આવ્યા છતાં બે અઠવાડિયામાં ૧૦૦ કરોડની નજીક (લગભગ ૯૫ કરોડ) સુધી પહોંચી શકી. હવે એવી મોટી ફિલ્મ સલમાન ખાનની ‘કિક’ લાગશે, જે રમઝાન ઇદ પર ૨૫મી જુલાઇએ આવવાની છે. જૂના સમયમાં રમઝાન મહિનો ફિલ્મોની રજૂઆત માટે નવરાત્રી અને દિવાળીની પહેલાંનાં અઠવાડિયાંની જેમ બહુ આશાવાદી નહતો રહેતો. પરંતુ, હવે તો જે શુક્રવાર ખાલી મળે ત્યાં પોતાનું પિક્ચર લગાવવાની હોડ હોય છે. તેથી રમઝાન દરમિયાન પણ એક બે નહીં, ૬ ફિલ્મો પ્લાન થયેલી છે અને તેમાં વિદ્યા બાલનની ‘બોબી જાસુસ’ પણ છે. વિદ્યાને ‘લેડી બીગ બી’ કહેવાતી હોઇ અને પબ્લિસિટીમાં તેનાં સંખ્યાબંધ રૂપ અને વેશભૂષાઓ હાઇલાઇટ થતી હોઇ અપેક્ષાઓ રહેવાની.

‘બોબી જાસૂસ’ ઉપરાંત જુલાઇમાં ‘લેકર હમ દીવાના દિલ’, આલિયા ભટ્ટ અને વરૂણ ધવનની ‘હમ્પ્ટી શર્મા કી દુલહનિયા’, તેમજ ‘હેટ સ્ટોરી -૨’, ‘અમિત સહાની કી લિસ્ટ’ અને ‘પિઝા’ જેવાં નામ ધરાવતી ફિલ્મો પણ લાઇનમાં હશે. તે સૌને રાજકુમાર રાવ અભિનિત ‘સિટીલાઇટ’ની માફક માફકસરની કમાણી અને પ્રશંસાની આશા હશે. રાજકુમાર રાવને ‘શાહીદ’ માટે મળેલા નેશનલ એવોર્ડ પછી ચેતન ભગત લિખિત ‘રિવોલ્યુશન ૨૦૨૦’ મળ્યાના સમાચાર આવ્યા હતા. પરંતુ, તેની સાથે જ રમેશ સિપ્પીએ પણ રાજકુમારને સાઇન કરતાં હવે ચેતન ભગતની વાર્તાવાળી ‘રિવોલ્યુશન ૨૦૨૦’માંથી રાવ નીકળી ગયા છે.

ચેતન ભગતની લખેલી વાર્તાઓ પરથી ‘થ્રી ઇડિયટ્સ’, ‘કાઇપો છે’ અને છેલ્લે આવેલી ‘ટુ સ્ટેટ્સ’ સહિત લગભગ તમામને સફળતા મળી હોઇ તેમની નવી ફિલ્મ છોડવી એ ભારે હિંમતનું કામ કહેવાય. (શું આ રાજકુમાર પણ ‘જાની રાજકુમાર’ની માફક ફિલ્મો સ્વીકારવા અને ખાસ તો નકારવામાં આગવો મિજાજ રાખવાના હશે?) હીટ ફિલ્મો આપવાની ચેતન ભગતની છાપ કેવી દ્દઢ છે તેનો એક દાખલો ‘કિક’ પણ છે. સલમાન ખાનની છેલ્લી (એટલે કે છેલ્લે આવેલી!) ફિલ્મ ‘જય હો!’ને સલમાનના લેવલની કમાણી ના થઈ હોઇ આ વખતે કોઇ ચાન્સ લેવાના નથી. તેથી ‘કિક’ની વાર્તા અને સ્ક્રિનપ્લે બન્ને ચેતન ભગત પાસે લખાવ્યા છે. જો કે તેનું ટ્રેઇલર જોતાં રિતિકના ‘ક્રિશ’ની માફક આંખો પર કાળું મહોરું પહેરીને ‘ડેવીલ ગીરી’ કરવાની વાર્તામાં ચેતન કેવુંક ચેતન લાવ્યા હશે એ, ન્યુઝ ચેનલોની ભાષામાં કહીએ તો, “જોવાનું રહેશે”!  


તિખારો!

પ્રીતિ ઝિન્ટાની ચર્ચા દરેક ચેનલ પર છે, ત્યારે ‘આઇપીએલ’ વખતે બહુ ફરેલો રમૂજી એસએમએસ યાદ આવે છે.  પોતાની ટીમ જીતે એ માટે તે એક બાબા પાસે જાય છે. બાબા ઉપાય બતાવતા પહેલાં પૂછે છે, “ક્યા અચ્છા ખેલને વાલે કો ગલે લગાતી હો?” પ્રીતિ કહે, “હાં બાબા, હરેક કો લગાતી હું...” બાબાએ નિર્મલ નુસ્ખો બતાવ્યો, “હર પ્લેયર કો ગલે લગાના બંધ કરો.... કિરપા રહેગી!!”

1 comment:

  1. Salil Sir,

    The way hamshakals is made I feel heroins have not valued or neither they have good role so better luck to bipasha :)

    Sam

    ReplyDelete