શું કરણ જોહરની ‘શુધ્ધિ’ હવે સલમાન ખાન કરશે?
એક ઑર સ્ટાર સનનું
સફળ આગમન થઈ ગયું! જૅકી શ્રોફના દીકરા ટાઇગરની
પ્રથમ ફિલ્મ ‘હીરોપન્તી’ની ટિકિટબારી પર
શરૂઆત સારી થતાં એ પણ હવે કરોડોનો નહીં તો લાખોનો
‘હીરો’ થઈ ગયો છે. સરખી મૂછો ના ફુટી હોય અને દીકરો સાત આંકડામાં કમાવાનું શરૂ
કરી દે એ ફિલ્મ ઉદ્યોગનાં સ્ટાર માતા-પિતાનો અનુભવ છે જ. તેથી જેકીએ તો એક એવા સ્થાપિત
રસ્તા પર ચાલવાનું હતું, જે કદી અટકવાનો નથી. જેકી અને ટાઇગર ‘દૂર કા રાહી’નું કિશોર કુમારનું પેલું અમર ગીત ગણગણી શકે.... “પંથી હું મૈં ઉસ પથ કા, અંત નહીં જિસકા...”!

આજે તો રણબીર કપૂર
હોય કે ટાઇગર શ્રોફ સૌ કોઇ જોરદાર ડાન્સ શીખીને આવે છે. હવે કોઇ હીરો સની દેઓલ કે સંજય
દત્તની જેમ ‘મારે બે ડાબા પગ છે’ એમ કહીને નાચવાથી બચી ના શકે. એક સમય એવો હતો, જ્યારે
સામાન્ય માન્યતા હતી કે મર્દાના પુરુષો (માચો મેન) ડાન્સ ના કરે. આજે લગભગ દરેક નવા
હીરો મર્દાનગીના પ્રતિક જેવા કસાયેલા મસલ્સ બનાવીને આવે છે અને દરેકને સરસ રીતે નૃત્ય
કરતાં પણ આવડે જ છે. એટલું જ નહીં હવે તો હીરોઇનને કેન્દ્રમાં રાખીને ‘મર્દાની’ એવા ટાઇટલવાળી ફિલમ પણ બને છે અને
તે પણ ‘યશરાજ’ના બેનર તળે.
‘મર્દાની’માં
રાની મુકરજીની મુખ્ય ભૂમિકા છે અને આજકાલ તેના રોલ કરતાં વધારે ચર્ચા તેના નામની છે.
કેમ કે ‘યશરાજ’ના સર્વેસર્વા આદિત્ય ચોપ્રા સાથે લગ્ન કર્યા પછી આવનારી ‘મર્દાની’ એ પ્રથમ ફિલ્મ હશે. રાની ‘મર્દાની’માં એક મહિલા પોલીસ ઓફિસર બનીને એક્શન
દ્રશ્યો કરવાની છે અને હવે ૨૮મી મેથી શરૂ થયેલા અંતિમ શેડ્યુઅલ પછી પિક્ચરને આખરી ઓપ
અપાશે. ત્યારે તેની પબ્લિસિટીમાં રાનીની પાછળ ‘મુકરજી’ લગાડવું કે ‘ચોપ્રા’ એ સવાલ
ચર્ચાઇ રહ્યો છે. એક મત એવો છે કે ‘કરિના કપૂર ખાન’ની જેમ ‘રાની મુકરજી ચોપ્રા’ કરવું
અને બીજાઓની સલાહ છે કે વિદ્યા બાલનની માફક મૂળનામ ‘રાની મુકરજી’ જ રાખવું.

વિદ્યા આ સપ્તાહે કરણ
જોહરની બર્થડે પાર્ટીમાં જે પ્રકારનો ડ્રેસ પહેરીને આવી હતી તેને લીધે ફરી એકવાર એ
ચર્ચામાં હતી. હકીકતમાં તો કરણની પાર્ટીમાં અડધા ઉપરાંત ફિલ્મ ઇન્ડસ્ટ્રી હાજર હોઇ
રૂટિન કરતાં અલગ પહેરવેશ ધારણ કરનાર વિદ્યા વધારે ધ્યાન ખેંચી ગઈ હતી. કરણને ત્યાં આવનારાઓમાં આમિરખાન સજોડે આવતાં એ શક્યતા
વહેતી થઈ હતી કે કરણની ફિલ્મ ‘શુધ્ધિ’માં
કામ કરવા એ સંમત થયો હશે. સૌ જાણે છે એમ, ‘શુધ્ધિ’માં
શરૂઆતમાં રિતિક રોશન અને કરિના હતાં. પછી રિતિકે ફિલ્મ છોડી અને પાછળને પાછળ કરિનાએ
પણ વિદાય લીધી. એટલે રણવીરસિંગ અને દીપિકા પાદુકોણ સાઇન થવાની વાત આવી. એ બન્નેએ ‘બાજીરાવ મસ્તાની’ માટે સંજય લીલા ભણશાળીને
સંમતિ આપતાં આમિરનો સંપર્ક કરાયો હતો.
આમિરે તેની પધ્ધતિ
અનુસાર સ્ક્રિપ્ટ માગી અને તે વાંચી-વિચારીને જવાબ આપવાનું કહ્યું હોવાનું કહેવાતું
હતું. પરંતુ, દરમિયાન કરણે સલમાનને સ્ટોરી સંભળાવી અને દબંગ ખાનને એ પસંદ આવી છે. તેથી
એવું અનુમાન મૂકાઇ રહ્યું છે કે ‘શુધ્ધિ’
છેવટે ટૂંક સમયમાં સેટ પર જશે. ‘શુધ્ધિ’ને
આવતા વર્ષે રિલિઝ કરવાનું પ્લાનિંગ કરણે કરેલું છે. જો સલમાન સંમત થાય તો તેની સામે
હીરોઇન કોણ હોઇ શકે? એમ મનાય છે કે ‘ભાઇ’ કોઇ નવી યુવાન છોકરીનો આગ્રહ ના રાખે તો પ્રીતિ
ઝિન્ટાના ચાન્સીસ સારા હશે. પ્રીતિએ એક તાજા ઇન્ટર્વ્યુમાં જે રીતે સલમાનનું પોતાના
જીવનમાં સ્થાન બતાવ્યું છે, એ જોતાં તો એ બન્નેને કોઇ પિક્ચરમાં સાથે કામ કરવાનું ના
મળે તો પણ ગૉસીપ કરનારાઓને રસપ્રદ વિષય તો જરૂર મળે. પ્રીતિએ મે મહિનાના ‘સ્ટારડસ્ટ’માં
કહ્યું છે કે “આઇ લવ સલમાનખાન મૉર ધેન એની વન એલ્સ..... એન્ડ હી ઇઝ નંબર વન ફોર મી
ઇન ધી હોલ વર્લ્ડ”!
જો કોઇ કુંવારી હીરોઇન પોતાના લગભગ હમઉમ્ર કુંવારા હીરો માટે ( સલમાન
ઉ.વ. ૪૮ અને પ્રીતિ ઉ.વ. ૩૯) આવા શબ્દો વાપરે, ત્યારે બે વત્તા બે ચારને બદલે બે ’ને
બે બાવીસ જોનારા વધારે રહેવાના. તમને શું લાગે છે?
તિખારો!
“જો સની લિયોની અભય દેઓલને પરણે
તો તેનું લગ્ન પછીનું નવું નામ શું કહેવાય?”
“સની દેઓલ!!”
No comments:
Post a Comment