Sunday, August 3, 2014

ફિલમની ચિલમ..... ઓગસ્ટ ૦૩, ૨૦૧૪

સ્ટાર-પાવરની કિક એટલે  
                 કરોડોના બિઝનેસનું એન્ટરટેઇન્મેન્ટ!

સલમાન ખાનની ‘કિક’ને કેવો વકરો મળ્યો તેના આંકડા અખબારોમાં રોજે રોજ ટામેટાના ભાવની સાથે ચમકતા સમાચાર હોઇ અહીં સવાસો કરોડની ફિગર લખીએ, તો શક્યતા એવી ખરી કે લખાણ પ્રસિધ્ધ થતાં સુધીમાં તે આંકડો દોઢસો કે ઇવન બસ્સો કરોડ સુધી પહોંચી ગયો હોય. પરંતુ, ૧૦૦ કરોડનું રોકાણ કરીને બનેલી કહેવાતી એ ફિલ્મ માટે એટલો તો વકરો અપેક્ષિત જ હોયને? તેના મેકર્સને ચિંતા થાય એવું કલેક્શન સોમવારનું હતું. રોજ પચીસ-છવીસ કરોડ એકત્ર કરતા એ પિક્ચરને સોમવારે (૧૪ કરોડ લાવતાં) ૫૦%નો ડ્રૉપ જોવો પડ્યો હતો એ વાત ક્યાંય હાઇલાઇટ નથી થઈ. અલબત્ત, મંગળવારે ઇદ નિમિત્તે ૩૦નો આંકડો આવતાં સૌને રાહત થઈ. પરંતુ, ઇદના માહૌલ પછીનું શું? 

એ વાત સાચી કે આવતા અઠવાડિયે હજી કોઇ મોટું પિક્ચર રિલીઝ થતું નથી અને તેથી, ડીસ્ટ્ર્રીબ્યુટર્સની ભાષામાં કહીએ તો, ચૌદ દિવસનો ‘ક્લિયર રન’ છે. તે પછીના શુક્રવારે ૮મીએ અક્ષયકુમારની ‘એન્ટરટેઇનમેન્ટ’ આવવાની છે. તેનું મૂળ નામ ‘ઇટ્સ એન્ટરટેઇનમેન્ટ’ હતું. તેમાં કૂતરાનું નામ ‘એન્ટરટેઇનમેન્ટ’ હોઇ એ જ નામ રાખવાનું પ્લાનિંગ હતું. પરંતુ, એ ટાઇટલ અન્ય નિર્માતાએ રજીસ્ટર કરાવેલું હતું. છેવટે તેમની સાથે સમાધાન (એટલે કે ‘સોદો’?) થતાં ‘એન્ટરટેઇનમેન્ટ’ એ નામ મળ્યું છે. તેથી હવે બધી પબ્લિસિટી ‘ઇટ્સ એન્ટરટેઇનમેન્ટ’ને બદલે ‘એન્ટરટેઇનમેન્ટ’ ટાઇટલ સાથે થશે. તેના પછી ૧૫મીએ અજય દેવગનની ‘સિંઘમ રિટર્ન્સ’ અને ૨૨મીએ યશરાજ ફિલ્મ્સ દ્વારા રાની મુકર્જીની ‘મરદાની’ આવે એમ બૅક ટુ બૅક મોટાં પિક્ચર પ્લાન થયેલાં જ છે.  (બાય ધી વે, ‘યશરાજ’ની કપિલ શર્માવાળી કોમેડી ફિલ્મ ‘બેંક ચોર’માં કપિલની જગ્યાએ રિતેશ દેશમુખ અને સાથે વિવેક ઓબેરોયની પસંદગી થઈ છે.)


એટલે એ બીજા વીકમાં સરેરાશ ૧૦૦નો આંકડો પકડી રાખશે એ નક્કી મનાય છે. હાલના તબક્કે અઢીસો કરોડ સુધી તો પહોંચવાની ગણત્રી છે જ. તેથી ‘કિક’ને ‘જય હો!’ જેવી સ્થિતિનો સામનો કરવાનો વારો નહીં આવે એ ચોક્કસ. ‘જય હો!’માં ધંધાદારીઓને પડેલા મારનું વળતર આ ‘કિક’થી મળશે? એ સવાલ છે. કેમ કે ‘જય હો!’ સફળ નહતું થયું અને છતાં તે ફિલ્મના સર્જન સાથે સંકળાયેલા એવા લગભગ ૨૦૦ જેટલા કલાકારો તથા કસબીઓ કે જેમને દસ લાખ રૂપિયાથી ઓછું વળતર મળ્યું હતું; તેમને દરેકને નિર્માતા સોહૈલ ખાન તરફથી એક લાખ અગિયાર હજાર રૂપિયાનો ચેક અપાયો હતો. ‘કિક’ જોયા પછી થાય કે તે સંપૂર્ણપણે સલમાનના ચાહકો માટેની જ ફિલ્મ છે. સલમાનની જગ્યાએ તેમાં વિદ્યુત જામવાલ જેવો કોઇ મજબુત બોડી ધરાવતો પણ ઓછો જાણીતો એક્ટર હોત તો આ પિક્ચર ચાલત ખરું? એ જ સવાલ શાહરૂખ, આમિર, અજય, અક્ષય કે ઇવન રણબીરની કેટલીક ફિલ્મોના કિસ્સામાં પૂછી શકાય એમ છે. તેથી સ્ટાર્સની લોકપ્રિયતા અને તેને લીધે થતી અપ્રતિમ કમાણીને સ્વીકારીને જ ચાલવું પડે.

તેથી ‘કિક’ને સ્ટાર પાવરના એક તાજા ઉદાહરણ તરીકે લઈ શકાય. બાકી તેના લેખનમાં ચેતન ભગત જેવાની હાજરી છતાં સ્ક્રિનપ્લેમાં એવા કોઇ ચમકારા નથી. તેમાં સારું કેમેરા વર્ક, લોકપ્રિય ગાયનો અને કેટલાક સ્ટંટની નવિનતાનું આકર્ષણ હોવા છતાં સલમાન પાત્રમાં ઓતપ્રોત થયેલો લાગતો જ નથી. એક ક્ષણ માટે પણ એ જાતે ભૂલતો નથી અને તમને ભૂલવા દેતો નથી કે તે પોતે કેમેરા સામે છે અને એક્ટિંગ કરી રહ્યો છે! (ક્યારેક તો આપણને થાય કે હમણાં આપણને પૂછશે કે “કૈસા થા? શૉટ અચ્છા થા ના?”!) જેમ રાજેન્દ્રકુમાર કે રાજેશખન્નાની કેટલીક ફિલ્મોને મૂલવવા બેસતા ઘણા આજે પૂછતા હોય છે કે “આ પિક્ચરમાં એવું તે શું હતું કે તેના સમયમાં એ સુપર હિટ થયું હતું?” (એ સમજવા તમારે એ સમયમાં જવું પડે, સિમ્પલ!) દસ વરસ પછી સલમાનની કે ફૉર ધૅટ મૅટર ૧૦૦ કરોડની બ્લોકબસ્ટર ગણાયેલી ઘણી ફિલ્મો માટે એવું પૂછાશે તો નવાઇ નહીં લાગે. 

‘કિક’માં આમ તો સોંગ-ડાન્સ અને ફાઇટ ઉપરાંતના સફળતાના બધા કિમિયા કામે લગાડાયા છે. તેમાં ‘ક્રિશ થ્રી’ના રિતિકની જેમ સલમાન આંખો પર કાળું જ મહોરું પહેરે છે, તો ‘ધૂમ થ્રી’ના આમિરની જેમ ચોર-પોલીસની ચેલેન્જ કરવાની રમત પણ રમે છે. છતાં ‘કિક’ એ બન્નેના બિઝનેસ સુધી સહેલાઇથી પહોંચી શકે એમ નથી લાગતું. તેમાંય વળી અત્યાર સુધીમાં રૂ. ૫૩૩ કરોડનો વિશ્વવ્યાપી ધંધો કરનારી ‘ધૂમ-થ્રી’ને યશરાજ ફિલ્મ્સે ૨૫ જુલાઇના ‘કિક’વાળા જ વીકમાં ચીનમાં મોટા પાયે રજૂ કરી. ચાયનામાં એક સાથે બે હજાર સ્ક્રિન્સ પર ‘ધૂમ થ્રી’ રિલીઝ કરાઇ છે અને ‘યશરાજ’ની પ્રેસનોટમાં જણાવાયું છે એમ, પ્રથમ ત્રણ જ દિવસના કલેક્શનના આધારે તે ચીનના ‘ટોપ ટેન’માં પહોંચી ચૂકી છે!

પરંતુ, ‘કિક’ અને ‘ધૂમ થ્રી’ના કરોડોના બિઝનેસ કરતાં પણ ગયા અઠવાડિયાના સૌથી ચર્ચાસ્પદ સમાચાર હતા, રિતિકથી અલગ થયેલી તેની પત્ની સુઝેને ભરણપોષણ માટે (એલીમની તરીકે) કરેલી રૂ.૪૦૦ કરોડની કહેવાતી માગણી! તાત્કાલિક સત્તાવાર ખુલાસો આવ્યો કે ‘બન્ને વચ્ચેની નાણાંકીય બાબતોનો મુદ્દો તો હજી ચર્ચામાં આવ્યો જ નથી.’ પણ સોશ્યલ મીડિયામાં તો ગમ્મત પસંદ લોકોની સૃજનશક્તિ (ક્રિયેટિવિટી) ખીલી ઉઠી. કોઇએ લખ્યું કે રિતિક કરતાં સુઝેન ૪૦૦ કરોડના આંકડાને પહેલી પહોંચી. તો અન્યને ‘ઓમ શાંતિ ઓમ’ની દીપિકાનો ડાયલોગ યાદ આવ્યો, “એક ચુટકી સિંદૂર કી કિમત તુમ ક્યા જાનો, બાબુ!” (૪૦૦ કરોડ?!) પણ બધી ગમ્મતો અને ખુલાસાઓ બાજુ પર રાખીએ તો, મીડિયાના અનુભવે એટલું તો અવશ્ય કહી શકાય કે આ સાવ નિરાધાર વાત કે આંકડો નહીં હોય. 
 
છૂટાછેડાના કેસમાં ‘એલીમની’ અર્થાત ભરણપોષણની રકમનું સેટલમેન્ટ એક અગત્યની બાબત હોય જ છે. તેમાં જીવનસાથીની મિલકતો પરના હક્ક દાવાનો પણ સમાવેશ થવાનો. તેથી આજે નહીં તો કાલે એ મુદ્દો આવવાનો. શક્ય છે કે જેને આજે ‘ઉપજાવી કાઢેલો’ (ફેબ્રીકેટેડ) રિપોર્ટ કહેવાય છે, એ કોઇ અંદરના વ્યક્તિ દ્વારા સહેતુ લીક કરાયેલી વિગત હોય. જેને કોર્ટની ભાષામાં ‘બેઉ પક્ષોની માંહોમાંહેની સમજૂતી’ કહેવાય છે એવું કોઇ સમાધાન થાય તો પણ કરોડોના મામલાની લેવડ-દેવડ ઓફિશ્યલ થવાની. તેથી તેની વિગતો આજે નહીં ને ભવિષ્યમાં આવશે ત્યારે પણ તે આંકડો આ ૪૦૦ કરોડની કેટલો નજીક હશે એ જોવા જેવું હશે.  કેમ કે ‘પડ્યો પોદળો ધૂળ લઈને ઉપડે’ એ ન્યાયે ૪૦૦ કરોડની હવા બજારમાં ઓલરેડી વહેતી હોય, ત્યારે ચર્ચા માટે બેસતી પાર્ટીઓ પાંચ-દસ કરોડના નાના સેટલમેન્ટની વાતથી તો શરૂઆત જ ના કરી શકે ને? (સોચો ઠાકુર!)

તિખારો!

‘કિક’ રજૂ થયા પછી આવેલી કોમેન્ટ્સમાં એક વિનોદી દર્શકે ‘દબંગ’માંના સોનાક્ષી સિન્હાના પ્રખ્યાત ડાયલોગની પેરોડી આમ કરી છે, “થપ્પડ સે ડર નહીં લગતા સા’બ... ‘કિક’ સે લગતા હૈ!”



No comments:

Post a Comment