Saturday, August 16, 2014

ફિલમની ચિલમ..... ઓગસ્ટ ૧૭, ૨૦૧૪



    દેશભક્તિનાં ગીતો ‘આઇટમ સોંગ’ કેમ ના બની શકે?




લાગે છે કે અક્ષય કુમારની ‘એન્ટરટેઇન્મેન્ટ’ સેન્ડવીચ થઈ જશે. એક તરફ બે વીકથી થિયેટરોમાં વકરાના નવા રેકોર્ડ કરતી સલમાનની ‘કિક’ લાગેલી છે. (છેલ્લા અહેવાલ પ્રમાણે તો, દેશ-વિદેશમાં થઈને ૩૫૦ કરોડના આંકડે પહોંચે એવા અણસાર છે! મોંઘવારી બહુ વધી ગઈ છે એવા સમાચાર મજાક નથી લાગતા?) બીજી બાજુ આ સપ્તાહે ૧૫મી ઓગસ્ટ અને જન્માષ્ટમિની રજાઓનો લાભ લેવા અજય દેવગનની ‘સિંઘમ રિટર્ન્સ’ છે. આ બેઉની વચ્ચે અક્ષયનું ‘એન્ટરટેઇન્મેન્ટ’, તેના ૫૦ જ કરોડના પ્રાથમિક રિપોર્ટ જોતાં, ભીચડાઇ જવાનો ભય ટ્રેડના જાણકારો સેવી રહ્યા છે. ધંધાની રીતે દર સાલ ઓગસ્ટ મહિનો આવે અને હોલીડે મુડના માહૌલમાં રક્ષાબંધનમાં મળેલી રોકડ ભેટ કે  શ્રાવણીયા જુગારમાં જીતેલી રકમને લીધે થનારી છન્નમછન્ના પર સૌની નજર હોય છે. (પોતે ધીરેલા પૈસાની ઉઘરાણી કરવા એક જમાનામાં પઠાણો મીલની બહાર ઉભા રહેતા એમસ્તો!)  પણ જે ફેસ્ટીવલના ઉમંગનો વ્યાપારી કસ કાઢવા નવી ફિલ્મોની લાઇન લાગતી હોય છે, તે તહેવારો જ સિનેમા સંગીતમાંથી ગાયબ થઈ ગયા છે, એ કેવો વિરોધાભાસ!

વિચાર તો કરો ઓગસ્ટ મહિનો એટલે ક્રાંતિનો, રક્ષાબંધનનો, ૧૫મી ઓગસ્ટનો, જન્માષ્ટમિનો વગેરેનો મહિનો અને છતાં કોઇ પિક્ચરમાં આઝાદી માટે શહીદ થયેલા નરબંકાઓ અને નારીઓની ગાથા કહેતી કોઇ કથા તો નહીં જ એકાદું ગાયન પણ નહીં! (મૂકવું હોય તો, અગાઉની જેમ, સ્કૂલ-કોલેજના ‘એન્યુઅલ ડે’ જેવો પ્રસંગ ઉભો કરીને પણ ગાયન મૂકી જ શકાય.) રાખડી અને ભાઇ-બહેનના નિર્મળ પ્રેમનું કયું ગાયન છેલ્લે આવ્યું હતું, યાદ કરો જોઇએ? આજે પણ રેડિયો પર “ભૈયા મેરે છોટી બહન કો ના ભુલાના...” જેવું ‘છોટી બહન’ (૧૯૫૯)નું ૫૦-૫૫ વરસ જુનું કે પછી ૪૦ વરસ પહેલાં ૧૯૭૧માં આવેલું ‘હરે રામા હરે ક્રિશ્ના’નું કિશોર કુમાર અને લતા મંગેશકરે અલગ અલગ ગાયેલું ગીત  “ફુલોં કા તારોં કા સબકા કહના હૈ, એક હજારોં મેં મેરી બહના હૈ...” વાગતું હોય છે. એટલું જ નહીં, ફિલ્મોની વાર્તામાંથી ‘બહેન’નું પાત્ર પણ લગભગ જતું રહ્યું છે એ કેવું? જાણે કે ભારતમાં પણ ચીનની જેમ ‘એક જ બાળક’ની નીતિ હોય અને ભાઇ-બહેનના સંબંધો જ સમાજમાં ના રહ્યા હોય!

જ્યારે પણ સિનેમામાં હિંસાનો અતિરેક ટીકાને પાત્ર બને, ત્યારે સર્જકો એમ કહીને તેને યોગ્ય ઠેરવતા હોય છે કે ફિલ્મો એ તો સમાજનો પડઘો પાડતું માધ્યમ છે; તો શું ભાઇ-બહેનનો નિર્વ્યાજ પ્રેમ એ સામાજિક હકીકત નથી? શું જન્માષ્ટમિએ ગોવિંદાઓએ મટકી ફોડવાનું બંધ કરી દીધું છે? શા માટે આજે પણ “ગોવિંદા આલા રે આલા, જરા મટકી સંભાલ બ્રીજબાલા....” એ ૧૯૬૩ની કલ્યાણજી-આણંદજીની ધૂન પર જ ગલીઓમાં નાચ થતો હોય છે? કોઇ નવું ‘ગોવિંદા ગીત’ પણ જ્યારે ‘મુન્ની’ કે ‘શીલા’ જેવા ડાન્સ-પ્રધાન ગાયનો લોકપ્રિય થતાં હોય એવા સંગીતમાં આઇટમ સોંગ પણ ના બની શકે? જેને ગોકુળ-આઠમ પણ કહે છે એ તહેવારે ગોકુળ-મથુરા કે વૃંદાવન- દ્વારિકાને કોઇ ગીતમાં સ્થાન હોય એવી રચના નવા ગીતકારોએ પણ એક ચેલેન્જ તરીકે કરવી જોઇએ. બાકી આપણા સિનેમાના કવિતા સાહિત્યએ “ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો....” (જહોની મેરા નામ) જેવી માત્ર કૃષ્ણ-ભક્તિની જ નહીં, શ્યામળાને ફરિયાદ કરતી પણ કેવી કેવી રચનાઓ આપી છે?

જેમ કે કૃષ્ણ ભગવાનનો શ્યામ રંગ હોવા છતાં લોકો ‘સુંદર શ્યામ’ કહે અને કોઇ છોકરી ભીને વાને હોય તો, એક સમયે સાસરીયે મ્હેણાં-ટોણાંનો ભોગ બનવું પડતું. એવી સ્ત્રીની વેદના ‘મૈં ભી લડકી હું’માં ગીતકાર રાજેન્દ્ર ક્રિશ્નએ ભગવાન પર રીતસર બદલાનો આરોપ મૂકીને આ રીતે વ્યક્ત કરી હતી, “ક્રિશ્ના... ઓ કાલે ક્રિશ્ના, તુને યે ક્યા કિયા, કૈસા બદલા લિયા, રંગ દેકે મુઝે અપના...” લતામંગેશકરના સ્વરમાં મીના કુમારી અંતરામાં ગાય છે, “પૂજે સભી કાલે ભગવાન કો ઔર ઠુકરાયે સબ કાલે ઇન્સાન કો...”. તો રાજેશ ખન્નાની ફિલ્મ ‘માલિક’માં ફરી એકવાર રાજેન્દ્ર ક્રિશ્ન સુદર્શનધારીને “યદા યદા હી ધર્મસ્ય...” યાદ કરાવતાં લખે છે, “કન્હૈયા કન્હૈયા તુઝે આના પડેગા, વચન ગીતાવાલા નિભાના પડેગા”! જ્યારે ઇન્દીવર ‘ટ્રક ડ્રાઇવર’માં સોનિક ઓમીના સંગીતમાં કેવી અનોખી ફરિયાદ કરે છે, “કાન્હા રે કાન્હા રે તુને લાખોં રાસ રચાયે, ફિર કાહે તોસે ઔર કિસી કા પ્યાર ન દેખા જાયે?....” તે યાદીમાં “યશોમતી મૈયા સે પૂછે નંદલાલા...” (સત્યમ શિવમ સુંદરમ) કે પછી આમિર ખાનની ‘લગાન’માં જાવેદ અખ્તરનું લખેલા “રાધા કૈસે ન જલે” જેવાં યુઝવલ સસ્પેક્ટની હારમાળા ઉમેરી શકાય.

 
જાવેદ અખ્તર, ગુલઝાર કે પ્રસુન જોશી જેવા સૌ સિનિયર કવિઓએ નિર્માતાઓ સમક્ષ કમ સે કમ રાષ્ટ્રભક્તિના ગીત (ઇવન આઇટમ સોંગ તરીકે!) લખવાનો આગ્રહ નહીં તો સુઝાવ તો મૂકવો જ જોઇએ. પ્રસુન જોશીએ આમિરની જ ‘રંગ દે બસંતી’માં  “ખૂન ચલા, ખૂન ચલા....” આપ્યું જ હતુંને? એ જો ‘અબ કી બાર મોદી સરકાર’ જેવું ક્લિક થાય એવું સફળ સ્લોગન કૉઇન કરી શકતા હોય કે પછી નિર્ભયાના બળાત્કાર પછી હચમચી ઉઠેલા દેશની લાગણી વ્યક્ત કરતું “બિન બોલે રહા ન જાયે...” જેવું ગીત આપી શકતા હોય તો આપણા લશ્કરમાં ખૂટતા ઓફિસરોની સંખ્યા પૂરી થાય તે માટે આર્મીને હાઇલાઇટ કરતું એકાદું ગીત લખીને આપી જ શકે. તેને ‘આઇટમ સોંગ’ તરીકે આમિર, શાહરૂખ, સલમાન, અજય, અક્ષય, રણબીર પૈકીના કોઇ અભિનેતા (કે બધા મળીને પણ) ઓછા રૂપિયા લેવાનું આકર્ષણ આપીને કેમ ના કરી શકે?



એક વાર એવું કે રક્ષાબંધનનું, ઇદ કે દીવાળીનું એકાદું ગીત સુપર હીટ થયું કે પછી ચિંતા નહીં કરવાની.... એવું ગાયન પછી તો ફોર્મ્યુલાનો હિસ્સો બનશે અને સૌ પાછળ પાછળ દોડશે. સૌ એટલે ફિલ્મોના પ્રોડ્યુસરો તો ખરા જ. (સુફી ગાયનો ચાલ્યાં તો કેવી કેવી સુંદર રચનાઓ મળી!)  પણ એ ફોર્મ્યુલા પીવા તરફ પ્રેક્ષકોની બહુમતી એવો યુવા વર્ગ પણ ખેંચાશે. તેમને ધ્યાનમાં રાખીને જ તો ‘સમાજનું પ્રતિબિંબ’ એવા ઓઠા હેઠળ દર અઠવાડિયે માઇન્ડલેસ વાયોલન્સ ફટકારાય છે અને લોકોની સમજણ બાપડી દર સપ્તાહે વધુને વધુ લોહીલુહાણ થતી જાય છે..... ૧૦૦-૨૦૦ કે હવે તો ૩૦૦ કરોડના ખર્ચે! 

તિખારો! 

‘એન્ટરટેઇન્મેન્ટ’માં મિથુન અને જહોની લીવર વચ્ચેનો એક સંવાદ...
“અરે વાહ, એન્ટીક ફૅન...”
 “જી”
“મેલ હૈ યા ફિમેલ?”
“જી?”
“મતલબ બજાજ હૈ યા ઉષા?”!!



   

No comments:

Post a Comment