Sunday, August 10, 2014

ફિલમની ચિલમ..... ઓગસ્ટ ૧૦, ૨૦૧૪






સેન્સરની નવી કાતર એટલે ફિલ્મ ઉદ્યોગ માટે નવા ‘યુધ્ધ’ની ચિંતા?




શું શાહરૂખ ખાનને એકલા પાડવાનું કોઇ નવું સમીકરણ જાણે-અજાણે ઉભું થઈ રહ્યાની વાતો સાચી હશે? કેમ કે એક તરફ સલમાનની ‘કિક’ વિશ્વસ્તરના બિઝનેસમાં ૩૦૦ કરોડને પાર કરી ગઈ છે અને છેલ્લા થોડા સમયથી આમિર અને સલમાનની દોસ્તીની ચર્ચાઓ વધી રહી છે. એ બન્ને મોડી રાત સુધી બેઠક કરતા હોવાના રિપોર્ટ પણ હમણાં આવ્યા હતા. બીજી તરફ શાહરૂખના ઘર જેવા બેનર ‘યશરાજ ફિલ્મ્સ’માં યશજીની વિદાય પછી ઉભરતા સ્ટાર્સ સાથે ‘સસ્તું ભાડું અને સિધ્ધપુરની જાત્રા’ કરવાનો કીમિયો સફળ રીતે અમલમાં મૂકાતાં તેના જેવા મોંઘા સ્ટાર્સને લેવાનું જોખમ ઓછું લેવાય છે. શાહરૂખનો રેટ કેવો ટિંકચર જેવો ચચરાવનારો હશે તેની કલ્પના એ વાયકાથી પણ આવી શકશે કે કરણ જોહરે આમિરને પોતાની ફિલ્મ માટે ૧૫૦ કરોડ ઓફર કર્યા છે! આ ગુબ્બારો ગયા અઠવાડિયે બજારમાં આવ્યા પછી અમુક લોકો પૂછતા થયા છે કે એવા રૂપિયા સ્ટાર્સને આપીને પછી એવા પ્રોડ્યુસર, પ્રેમ ચોપ્રાની ભાષામાં કહીએ તો, ‘નહાયેગા ક્યા ઔર નિચોડેગા ક્યા?’

નહાવા-નિચોવવાની એ કહેવત સાચી પાડવાની હોય એમ ગયા વીકમાં જ આમિરને એક રેડિયો કમ ટેપરેકોર્ડર એવા ‘ટુ ઇન વન’ના ઓથે દિગંબર અવસ્થામાં રેલ્વેના પાટાઓ વચ્ચે ઉભેલો બતાવતું તેની નવી ફિલ્મ ‘પીકે’નું પોસ્ટર બહાર આવ્યું છે. રેલ્વે લાઇનની આજુબાજુ કુદરતી હાજતે જવા બેસતા લોકોને તેમ ન કરવાનો મેસેજ આપવા માટે આ ‘શૉક ટ્રિટમૅન્ટ’ જરૂરી હતી એમ કેટલાક કહે છે. પરંતુ, સેન્સરના વલણમાં નવી સરકારના આગમન પછી આવેલા બદલાવના આ સમયમાં ચિંતા કરાવે એવો સવાલ એ છે કે આ ચોંકાવવાના આશયથી કરાયેલું નંગાપન સેન્સર ચલાવશે ખરું? સેન્સરની શરૂ થયેલી ધારદાર કાતરને લીધે ફિલ્મ ઉદ્યોગને તે સામે ભવિષ્યમાં જંગ કરવો પડશે કે શું? એ ચિંતાનાં બીજ પણ રોપાયાં છે.  કેમ કે સેન્સર તો અત્યારે પાત્રોનાં નામ માટે પણ વાંધો લે છે, એ અક્ષય કુમારના ‘એન્ટરટેઇનમેન્ટ’ને છેલ્લી ઘડીએ કરવા પડેલા ફેરફારથી સમજાય છે.

‘એન્ટરટેઇનમેન્ટ’ ૮મીએ રિલીઝ કરતાં પહેલાં, આમ તો તેના નામની ગુંચ માંડ ઉકલી હતી. નિર્માતાને શરૂઆતથી એ પિક્ચરનું નામ ‘એન્ટરટેઇનમેન્ટ’ રાખવું હતું. કારણ કે ફિલ્મના અગત્યના પાત્ર એવા કૂતરાનું એ નામ છે. પરંતુ, તે ટાઇટલ ઑલરેડી રજીસ્ટર થઈ ચૂકેલું હતું. તેથી ‘ઇટ્સ એન્ટરટેઇનમેન્ટ’ એમ રાખીને શૂટિંગ પૂરું કર્યું. પબ્લિસિટિ એ જ નામથી શરૂ કરાઇ અને સારા નસીબે સમાધાન થતાં ‘એન્ટરટેઇનમેન્ટ’ ટાઇટલ મળી શક્યું. એટલે હવે ‘નવા નાકે નવી દીવાળી’ એમ પ્રચારની બધી સામગ્રીમાં નામ ‘એન્ટરટેઇનમેન્ટ’ કરવાનું થયું. એ  ઓછું હોય એમ, સેન્સરે પિક્ચરમાં એક અગત્યનું પાત્ર ભજવતા જહોની લીવરના નામ ‘અબ્દુલ્લા’ને બદલવાનો આગ્રહ રાખ્યો. છેલ્લી ઘડીએ કોણ લડે? બાકી અગાઉ ‘અબ્દુલ્લા’ નામનું આખું પિક્ચર આવી ગયું હતું. પરંતુ, લડત આપવા જતાં સમય જાય અને રિલીઝની તારીખ આઘી-પાછી થાય તો કરોડોના ખાડામાં ઉતરવું પડે. એટલે હવે જહોની લીવરના એ મજાકીયા પાત્રનું નામ ‘હબીબુલ્લાહ’ રખાયું છે! નવેસરથી સંવાદોને ડબ કરવાના થયા એ વધારાનું કમઠાણ! એ જ ફિલ્મમાંના ત્રિશુળના ઉપયોગવાળો સીન પણ કાઢવાનો થયો. સવાલ એ થાય છે કે સમય જતાં આપણો સમાજ અસહિષ્ણુ થતો જાય છે કે શું?

તેથી ‘એન્ટરટેઇનમેન્ટ’ની પાછળ જ ૧૫મી ઓગસ્ટે આવતા ‘સિંઘમ રિટર્ન્સ’ની પણ ચિંતા થાય અને તે પછીની ‘મર્દાની’ માટે પણ. કારણ કે બેઉમાં ‘પોલીસ સ્ટોરી’ છે. યુનિફોર્મવાળાં પાત્રો અંગે પણ મૌજુદા સેન્સર એવી જ ધારદાર કાતર ચલાવશે કે? ‘સિંઘમ’માં બાજીરાવ હવામાં મારામારી કરતા હતા. તે જોતાં હવે ‘રિટર્ન’ થતા એ જ ઇન્સ્પેક્ટર એવી કે એનાથી વધુ સનસનાટીભરી ફાઈટ કરશે કે જીપ અને ગાડીઓ અધ્ધર ઉછાળશે તો દિમાગ ધરાવતા પ્રેક્ષકોની લાગણી નહીં દુભાય? (એ સૌ વતી સેન્સર કહી શકશે કે “આત્તા માઝી સટકલી”?!) એવો જ બીજો સવાલ એ છે કે ‘મર્દાની’માં રાની મુકરજીને મર્દાના ગાળો બોલતી દેખાડવાની ‘સરકાર’ની ઇચ્છા પૂરી થઇ શકશે કે? (ગેરસમજ ના કરતા.... ફિલ્મના દિગ્દર્શક પ્રદીપ સરકાર છે!)



રાની મુકર્જીના ચહેરા પર અત્યારે જે ભરાવો અને બેશુમાર પ્રસન્નતા દેખાય છે, તેનાથી રાની પ્રથમવારની પ્રેગ્નન્ટ સ્ત્રી વધારે લાગે છે; એ અનુમાન કરવા માટે કોઇ દાયણની કે ગાઇનેકની જરૂર નહીં પડે. (સિનેમાના ગોસિપ રાઇટર પૂરતા છે!) એક અંદાજ મુજબ, આ વરસના અંત સુધીમાં ‘સારા સમાચાર’ આપીને રાની પત્રકારો અને ફોટોગ્રાફરોને ડબલ મિઠાઇ ખવડાવશે. યાદ છે ને? રાનીએ પોતાના લગ્ન પછીની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ વખતે સૌને મિઠાઇ વહેંચાવી હતી. તે વખતે જ્યારે કોઇએ એમ પૂછ્યું કે ‘આ પ્રેગ્નન્ટ હોવાની સ્વીટ છે?’ ત્યારે તેણે કહ્યું હતું કે “તબ તો ડબલ ખિલાઉંગી...”! એક વાર રાનીની ‘મર્દાની’ પતશે કે તેમની પારિવારિક પેઢી ‘યશરાજ ફિલ્મ્સ’માંથી ‘દાવત-એ-ઇશ્ક’ પાંચમી સપ્ટેમ્બરે આવશે; જેના પ્રમોશન માટે અમિતાભ બચ્ચનના શો ‘કૌન બનેગા કરોડપતિ’માં એક એપિસોડ શૂટ થઈ ગયો.

અમિતાભ બચ્ચનને નવી ટીવી સિરીઝ ‘યુધ્ધ’ના શરૂઆતના હપ્તાઓમાં જે પ્રકારની ઇન્ટેન્સ એક્ટિંગ કરાવવામાં આવી છે, તે જોતાં બચ્ચનદાદાની દયા આવે. આ ઉંમરે આટલા બધા તનાવની એક્ટિંગ પણ આરોગ્ય પર અસર કરી શકે. વર્ષો પહેલાં દિલીપકુમારે સતત ભગ્ન પ્રેમીના નિરાશાજનક મનોવૃત્તિવાળા રોલ કરવાને કારણે સાઇક્યાટ્રિસ્ટની સારવાર લેવી પડી હતી. તેમણે પછી તો ડોક્ટરની સલાહ મુજબ ‘આઝાદ’, ‘કોહીનૂર’ અને ‘રામ ઔર શ્યામ’ જેવી હલકા-ફુલકા પાત્રોવાળી ભૂમિકાઓ સ્વીકારી હતી. દિલીપ સા’બે તેમની ભર યુવાનીમાં મનોચિકિત્સકની ટ્રિટમેન્ટ લેવી પડી હતી. ત્યારે બચ્ચનજી તો ૭૧ વરસના અદા છે! તેમણે તો ‘કેબીસી ૮’ના સેટ પર ‘દાવત-એ-ઇશ્ક’ના પ્રમોશન માટે પરિણિતિ ચોપ્રા સાથે કર્યા એવા ડાન્સ મસ્તીથી કરવાના હોય. કપિલ શર્માની સાથે હંસી-મજાક કરવાની હોય. એ રીતે જોઇએ તો ‘યુધ્ધ’ને પૂરતા ટીઆરપી ના મળતા હોય તો અમિતાભ બચ્ચનના આરોગ્ય માટે ચિંતા ધરાવનાર સૌને એ શક્યતાથી પણ આનંદ થશે કે ‘યુધ્ધ’ લાંબું નહીં ચાલે!  
 




તિખારો!

‘પી કે’નું પોસ્ટર આવ્યા પછી આવેલી અનેક મજાકો પૈકીની સૌથી લોકપ્રિય કદાચ આ થઈ છે.... સંપૂર્ણ નગ્નાવસ્થામાં આમિરે બે હાથે એક રેડિયો પકડીને તેનાથી પોતાના કમર નીચેના અગત્યના ભાગને ઢાંક્યો છે. તે સંજોગોમાં, ગબ્બરસિંગ આવે અને કહે કે “યે હાથ મુઝે દે દે, ઠાકુર....” તો?!  
   

  

No comments:

Post a Comment