Sunday, May 24, 2015

ફિલમની ચિલમ..... મે 24, ૨૦૧૫



ઓગસ્ટના મીની વેકેશનમાં અક્ષયના ‘બ્રધર્સ’ એકલા કે પછી ટક્કર?


શું સેન્સર બોર્ડના સભ્યો કોઇ પિક્ચરનું પ્રમોશન કરી શકે ખરા? આ નૈતિક સવાલ આ સપ્તાહે રજુ થયેલી ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ના અનુસંધાનમાં પૂછાઇ રહ્યો છે. કેમ કે સેન્સર બોર્ડની સલાહકાર પેનલનાં એક મહિલા સભ્ય ગુરપ્રિત કૌર ચઢ્ઢાએ પિક્ચરના રિલીઝ પહેલાં ટ્વીટર પર તેનાં વખાણ કરીને વિવાદ નોંતર્યો છે. તેમણે લખ્યું હતું કે, “આજે ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ જોઇ. અમેઝિંગ, ક્યુટ કોમિક ફિલ્મ, ફુલ ઓફ લાઇફ.” હીરોઇન કંગના અને હીરો માધવનનાં વખાણ કર્યા પછી લખ્યું, “મને ખાત્રી છે કે બોક્સ ઓફિસ ઉપર ફિલ્મ કમાલ કરશે.” એમાં કોઇ શંકા નથી કે ગુરપ્રિતજીનું મૂલ્યાંકન સાચું હશે અને ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ ખરેખર જ મઝાની કૃતિ હશે જ. તે ટિકિટબારી પર પણ ‘પિકુ’ની માફક ધાર્યા કરતાં સારો બિઝનેસ કરશે. પરંતુ, સેન્સર બોર્ડની એક મર્યાદા હોય છે અને તે ન સચવાય તો કાલે સવારે આનાથી વિરુદ્ધની સ્થિતિ પણ સર્જાવાનો ભય રહે.

મતલબ કે જો આવા અભિપ્રાયોને ન રોકાય તો ભવિષ્યમાં સેન્સર બોર્ડના અન્ય સભ્ય કોઇ બીજી ફિલ્મની ટીકા પણ કરે અને એ ‘બોગસ ફિલમ’ બોક્સ ઓફિસ પર કેવી ઉંધી પડશે તેની ભવિષ્યવાણી પણ કરે તો? સેન્સર બોર્ડ અવલોકન કરનારી જ સંસ્થા કહી શકાય. છતાં તેના સદસ્યોએ જાહેરમાં રિવ્યુ કરવાનું તેમજ ફિલ્મના સંભવિત વકરાની ભવિષ્યવાણીનું કામ ન કરવાનું હોય. જાહેર સમીક્ષકનો રોલ તે કરવા જાય તો તટસ્થતા ભંગ થવાનો આક્ષેપ લાગે. (ચૂંટણી અધિકારી ફોર્મ મંજૂર કર્યા પછી ઇલેક્શનના મતદાન પહેલાં જાહેરમાં એમ ટ્વીટ કરે કે “મને ખાત્રી છે કે ફલાણા ઉમેદવાર ભારે બહુમતિથી જીતવાના છે કે અમુક ડિપોઝીટ ગુમાવે એવા ચાન્સ છે” તો?) આમેય એ જોખમ લેવા જેવું ક્યાં હોય છે, વળી? સિનેમાના ધંધામાં તો ‘બોમ્બે વેલ્વેટ’ જેવી મોટી સ્ટારકાસ્ટવાળી ફિલમ ધબો નારાયણ થઈ જાય ને ‘પિકુ’ સરખી નાલ્લી ગણાતી કૃતિ ૧૦૦ કરોડનો માઇલ સ્ટોન પસાર કરી દે!    


‘બોમ્બે વેલ્વેટ’ અનુરાગ કશ્યપના અને રણબીર - અનુષ્કાના હરીફોની અપેક્ષા મુજબ પછડાઇ. ફિલ્મ પહેલા ત્રણ દિવસમાં ફક્ત ૧૬ કરોડનું કલેક્શન લાવી તે રણબીરના સ્ટાન્ડર્ડ પ્રમાણે કેટલું ઓછું કહેવાય તેનો અંદાજ એ વાત પરથી પણ આવી શકશે; કે આ વર્ષે જ ફેબ્રુઆરીમાં આવેલી ‘રોય’ને પ્રથમ વીક એન્ડમાં ૨૯ કરોડ મળ્યા હતા. યાદ રહે, એ પિક્ચરમાં રણબીરનો નાનક્ડો રોલ હતો અને પોસ્ટર પર તેનો (મોટકડો!) ફોટો જ હતો. એક સરખામણી એ પણ થઈ રહી છે કે ‘બોમ્બે વેલ્વેટ’નો પહેલા દિવસનો વકરો સની લિયોનિની ફિલ્મ ‘એક પહેલી લીલા’ કરતાં પણ ઓછો હતો.   ટૂંકમાં, ‘બોમ્બે વેલ્વેટ’ પછડાઇ તે કેવી? શાહબુદ્દીનભાઇ (રાઠોડ)ના શબ્દોમાં કહીએ તો, ‘ઊંધે કાંયધ પડી’! આ પછડાટ વધારે એટલા માટે પણ ચચરે કે બનીને તૈયાર થયા પછી તેને રિલીઝ થવામાં વરસ દહાડો નીકળી ગયો હતો અને તેથી નુકશાનીમાં વ્યાજના ઘોડાની લાતોનો માર પણ ઉમેરવાનો રહે. એટલું ઓછું હોય એમ, આગલા અઠવાડિયે રિલીઝ થયેલી નાનકડી ઘોડી જેવી ‘પિકુ’ પોતાની રફતારને બરકરાર રાખીને ઓડિયન્સને માફકસર પ્રમાણમાં થિયેટરોમાં લઈ આવતી રહી.


તેથી ‘પિકુ’ની હીરોઇન દીપિકાએ એક પાર્ટી પણ આપી; જે સામાન્ય સંજોગોમાં હીરોલોગ આપતા હોય છે કે પછી નિર્માતા કે દિગ્દર્શક એ આયોજન કરતા હોય છે. પરંતુ, ‘પિકુ’માં તો દીપિકા જ ‘હીરો’ કહેવાયને? તેણે ૮૬ કરોડના બિઝનેસના આંકડા આવ્યા પછી પાર્ટી કરી, જેમાં તેના સાથી કલાકાર ઇરફાન ઉપરાંત કંગના, આલિયા, રણવીર, અર્જુન કપૂર, આદિત્ય રોય કપૂર, કરણ જોહર, સિદ્ધાર્થ મલ્હોત્રા, સોહૈલ ખાન, અરબાઝખાન, મલૈકા અરોરા, વિશાલ ભારદ્વાજ, કલ્કિ કોચલિન જેવા સૌ આવ્યા હતા. એ પાર્ટીને સાર્થક કરાતી હોય એમ, ૧૩મા દિવસે તો પિકુની બોક્સ ઓફિસનો વિશ્વભરનો ગ્રોસ વકરો ૧૦૦ કરોડને પાર કરી ગયો. એ પાર્ટીમાં આવેલા શાહરૂખ ખાનને મોટાભાગના સૌ તબિયતના સમાચાર પૂછતા હતા. કારણ કે તે દિવસોમાં જ ઇન્ડસ્ટ્રીમાં એ ખબર ગરમ હતી  કે તેની આગામી ફિલ્મ ‘રઈસ’ના શૂટીંગ દરમિયાન ‘એસ આર કે’એ ઘૂંટણમાં પીડાની ફરિયાદ કરી હતી. ઘણાને એ પિક્ચરની પબ્લિસિટીનો ભાગ લાગી હતી. પરંતુ, છેવટે હકીકત એ બની કે આ સપ્તાહે જ શાહરૂખે બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ થઇને ઘૂંટણનું ઓપરેશન કરાવી લીધું. તેને લીધે ડાયરી અસ્તવ્યસ્ત થવાના ચાન્સ વધી ગયા છે.

એટલે ભલે થોડાક દિવસના આરામ પછી કિંગ ખાન કામે લાગી જાય, તો પણ તેમની આગામી ફિલ્મ ‘ફૅન’ જુલાઇમાં ઇદ પર રિલીઝ થવાનું શિડ્યુલ જોખમમાં છે. એ જ રીતે પોતાની ફિલ્મ માટે ઇદનો આગ્રહ રાખતા સલમાનખાનની ફિલ્મ ‘બજરંગી ભાઇજાન’ માટે પણ જુલાઇના મધ્યમાં એ પિક્ચર રજૂ કરવાનું શક્ય બનવાનું લાગતું નથી. એ સૌ ખસીને જો ૧૪મી ઓગસ્ટના મીની વેકેશન જેવા સપ્તાહમાં પહોંચ્યા, તો જબરદસ્ત ટકરાવ થઈ શકે છે. કેમ કે એ તારીખ ઑલરેડી અક્ષય કુમારની મોટી ફિલ્મ ‘બ્રધર્સ’ માટે બુક થયેલી છે. અક્ષય, શાહરૂખ અને સલમાન ત્રણની ટક્કર એક જ શુક્રવારે? અસંભવ! નિર્માતાઓ અને ડિસ્ટ્રીબ્યુટરો કોઇ રસ્તો કાઢશે. પણ નાનપણમાં આવતી વાર્તાના શિર્ષકને યાદ કરીએ તો પૂછવાનું મન થાય કે ‘કોણ કોને મારગ આપે?’
બીજો સવાલ એ પણ ખરો કે જો ‘બજરંગી...’ ઓગસ્ટ સુધીમાં તૈયાર થઈ જાય તો સલમાનને સજા થઈ તે કોર્ટના ચુકાદાના દિવસોમાં સહાનુભૂતિ વ્યક્ત કરવા ગેલેક્સી એપાર્ટમેન્ટ અને ટ્વીટરને છલકાવી દેનારી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ધંધામાં એવી સિમ્પથી બતાવશે? (કે પછી ‘બાપ બડા ના ભૈયા, ધ હોલ થિંગ ઇઝ ધેટ કિ ભૈયા, સબ સે બડા રૂપૈયા’નું મહેમૂદે અમર કરેલું સૂત્ર અમલમાં મૂકશે?) સલમાન ખાને આ સપ્તાહે કરણ જોહરની ‘શુધ્ધિ’ ફિલ્મ છોડી દીધી છે અને તે રોલ હવે વરૂણ ધવન કરવાનો છે એવી જાહેરાત ખુદ ‘ભાઇજાને’ ટ્વીટર પર કરી છે. તેને લીધે એમ અંદાજ મૂકાઇ રહ્યો છે કે સલમાનને તેમના લિગલ સલાહકારોએ કદાચ હાઇકોર્ટમાંથી સજા રદ થવા કરતાં ઘટવાના ચાન્સ વધારે હોવાની સલાહ આપી હશે. શું લાગે છે?

તિખારો!
શબાના આઝમીએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર ચાલવા માટે હાઇ હીલ્સની ચપ્પલ/સેન્ડલ પહેરવી ફરજિયાત કર્યાનો વાંધો લીધો છે. જો કે બહુ હોબાળા પછી ફેસ્ટિવલ તરફથી ખુલાસો થયો છે કે એવો કોઇ નિયમ નથી. પણ હાઇ હીલ્સનાં પગરખાં પહેરવાના આદેશ અંગે અભિનેત્રી એમ્લિ બ્લન્ટે તો ત્યાં સુધી કહ્યું કે તેના વિરોધમાં રેડ કાર્પેટ પર ચાલવા આમંત્રણ મેળવનાર તમામ મહિલાઓએ સપાટ પગરખાં (ફ્લૅટ ફુટવૅર) પહેરીને જ આવવું જોઇએ અને પુરૂષોએ હાઇ હીલ્સ!! (‘બ્લન્ટ’ અટક અમસ્તી થોડી હશે?!)

ઊંચી એડી તે મારા બ્લન્ટની રે!

   






No comments:

Post a Comment