Saturday, May 16, 2015

ફિલમની ચિલમ.... મે ૧૭, ૨૦૧૫





બૉક્સ ઑફિસનું અજબ-ગજબ....

‘પિકુ’નો બિઝનેસ વીક એન્ડમાં રોજ ‘પિક અપ’!



સલમાનખાનની સજા હાઇકોર્ટે મોકુફ રાખી અને તેના નિવાસસ્થાનની બિલ્ડિંગ ‘ગૅલેક્સી’ સાચેસાચ ‘ગૅલેક્સી ઓફ સ્ટાર્સ’ બની ચૂકી હતી. ત્યાં જાણે કે ૧૦૦-૨૦૦ કરોડના બિઝનેસની શક્યતાવાળા કોઇ પિક્ચરનો પ્રિમિયર હોય એવું વાતાવરણ થયું હતું. એક પછી એક સ્ટાર્સ અને ફિલ્મી હસ્તિઓ જાણે રેડકાર્પેટ પર આવતી હોય એમ હજારો લોકો તેમને જોવા અને મીડિયાના કેમેરા તેમની એક એક ક્ષણને ઝડપવા (અને પછી ચાર-પાંચ સેકન્ડના એ વિઝુઅલને સતત ૨૪ કલાક બતાવવા!) હાજર હતા. લોકોએ તો ફુટપાથ અને રોડ બેઉ ભરચક કરી દીધા હતા. (છતાં થૅન્ક ગૉડ કે કોઇની લૅન્ડક્રુઝરે કોઇને હડફેટે નહતા લીધા!) ચારે બાજુ ‘સલમાન ઇઝ બૅક’ની ચર્ચા અક્ષયકુમારની તાજી રિલીઝ ફિલ્મ ‘ગબ્બર ઇઝ બૅક’ કરતાં વધારે હતી. અક્ષયકુમાર કે અજય દેવગન અને બચ્ચન પરિવાર સરખા ઘણાય ટૉપ સ્ટાર્સે સલમાનને સહાનુભૂતિનો જાહેર ઇઝહાર કર્યો નહતો, તેની પણ નોંધ લેવાઇ હતી.
 


જો કે બચ્ચન પરિવારના કિસ્સામાં તો સલમાનના આ વિવાદી અકસ્માત પ્રકરણ માટે ઐશ્વર્યાને પણ કેટલાંક તત્વો જવાબદાર ગણતાં હોવાની કોમેન્ટ્સને કારણે નારાજગી પણ હતી. બાકી હકીકત એ છે કે સલમાન સાથેના સંબંધો ૨૦૦૧માં પૂરા થયા પછી ઐશ્વર્યાએ એપ્રિલ ૨૦૦૩માં પોતાના પગે થયેલા ફ્રેક્ચરના ઇલાજ માટે હિન્દુજા હોસ્પિટલના બિછાનેથી એક સ્ટેટમેન્ટ સલમાન પ્રકરણ માટે જ ઇશ્યુ કર્યું હતું. તેમાં ‘વર્બલ, ફિઝીકલ, ઇમોશ્નલ એબ્યુઝ’ (મૌખિક, શારીરિક, લાગણીઓના દુર્વ્યવહાર) સહન કર્યાની વાત કરી હતી. ઐશ્વર્યા અંગે સલમાને વિવેક ઓબેરોયને કરેલા સંખ્યાબંધ એસએમએસના જાહેર પ્રકરણ પછીના સમયમાં ઇન્ડસ્ટ્રીમાં એવી ધાક હતી કે અંગત રીતે ઐશ્વર્યાની નજીક જવાની કોઇ હિંમત ના કરે. એવા વાતાવરણમાં અભિષેક બચ્ચનનો પ્રવેશ થાય અને ૨૦૦૭માં તે બચ્ચન પરિવારની પુત્રવધુ બની, જે ફિલ્મ ઉદ્યોગનું ‘ફર્સ્ટ ફેમિલી’ હતું/છે; જ્યાં કોઇ ખાનદાનની દખલ સંભવ નહતી.

તે પછી જ સૌ જાણે છે એમ, ઐશ્વર્યાએ શાંતિથી ગૃહસ્થી સંભાળી, માતા બની અને આજે ‘જઝબા’ ફિલ્મથી અભિનયમાં પરત આવી રહી છે. એટલું જ નહીં, પોતાની ઇન્ટરનેશનલ ઇમેજનો લાભ તે ફિલ્મને આપી રહી છે. અત્યારે તે વિશ્વ પ્રસિધ્ધ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજર છે. ત્યાં એ ભારતીય સ્ત્રીઓની સ્થિતિ વિશે પોતાનું વક્તવ્ય આપશે અને ૧૯મીએ મીડિયા ઇવેન્ટ દરમિયાન ‘જઝબા’નો ફર્સ્ટ લુક જાહેર કરશે. સલમાનના વિવાદના દિવસોમાં જ આવેલી અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને ઇરફાનખાનની સરસ ફિલ્મ ‘પિકુ’એ કોઇપણ જાતના વિવાદના સહારા વગર પોતાની તાકાત પર ‘ડિસન્ટ કલેક્શન’ સાથે શરૂઆત કરીને ટ્રેડના પંડિતોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. કેમ કે તેનો વકરો શુક્રવારે પાંચ કરોડ હતો તે શનિવારે ૮ કરોડ અને રવિવારે તો ૧૧ કરોડ થયો હતો. 

 
નો ડાઉટ, તેના પ્રમોશન માટે અમિતાભ રેડિયો મિર્ચી પર, તો ઇરફાન રેડ એફ એમ રેડિયો પર, દીપિકા તથા ઇરફાન કપિલના કોમેડી શોમાં, દીપિકા એકલી ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ સુપર મોમ્સ’માં; એમ સ્ટાર્સ ઠેર ઠેર હાજર રહ્યા હતા. પણ એવું પ્રમોશન તો હવે દરેક પિક્ચર માટે અનિવાર્ય હોય છે. છતાં કેટલી વખત એવું બન્યું હશે કે શુક્રવાર કરતાં રવિવારે ડબ્બલ કલેક્શન મળ્યાં હોય? ટૂંકમાં, અક્ષયની ‘ગબ્બર ઇઝ બૅક’ને પહેલા સપ્તાહે ૫૦ કરોડ મળ્યાનો જેટલો આનંદ ડિસ્ટ્રીબ્યુટર્સને હશે તેના કરતાં વધારે ‘પિકુ’ના પાંત્રીસ કરોડ પ્લસના બિઝનેસનો હશે.

‘ગબ્બર ઇઝ બૅક’ને આજકાલ ડોક્ટર્સના વિરોધનો સામનો કરવાનો આવતાં એક નવો વિવાદ છેડાયો છે. તે ફિલ્મમાં મૃત્યુ પામેલા દર્દીની સારવાર કરતા હોવાનું બતાવીને ડોક્ટર પોતાનો ચાર્જ વસુલતા હોવાનું દર્શાવાયું છે. તે દાક્તરી વ્યવસાયની છાપ બગાડનારું છે; એમ માનતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશને અક્ષયકુમાર અને ફિલ્મના સર્જક સંજય લીલા ભણશાળીને લિગલ નોટિસ આપી છે. નોટિસ અપાયાના ન્યૂઝ ઉપરના લોકોના ઓનલાઇન પ્રત્યાઘાતોમાં ઘણાએ પોતાના સગા કે મિત્રોના દાખલા ટાંકીને લખ્યું છે કે તેમાં કોઇ અતિશયોક્તિ નથી દર્શાવાઇ. જો કે એ નોટિસનો જવાબ કે તેના ઉપરની લિગલ કાર્યવાહી પતતાં સુધીમાં તો પિક્ચર ટિકિટબારી ઉપરની પોતાની ઇનિંગ્સ પૂરી કરી દેશે. લિગલ નોટિસના સમાચારમાં આ સપ્તાહે શાહરૂખ ખાન અને જુહી ચાવલા પણ ચમક્યાં જ છેને? એ બન્નેને ‘કલકત્તા નાઇટ રાઇડર્સ’ ટીમના માલિકો તરીકે વિદેશી હુંડિયામણના કાયદા ફોરેક્સના ભંગ બદલ નોટિસ અપાઇ છે.  

નોટિસોના આ સમયમાં કરિના કપૂર પણ એક લિગલ નોટિસ આપવા તૈયાર છે. કરિનાને એક વજન ઉતારવાની ગોળીઓની જાહેરાતમાં બતાવવામાં આવતાં બેગમ સ્વાભાવિક રીતે જ ગુસ્સામાં છે. એ પોતે આરોગ્યપ્રદ આહાર અને જરૂરી કસરતોને કારણે પોતાની ‘ઝીરો ફિગર’ને મેઇન્ટેઇન કરે છે. તેમાં આવી વેઇટલોસની પિલ્સનો કોઇ સહારો એ લેતી ન હોઇ એ જાહેરાત સામે કાનૂની નોટિસ આપવા સુધીનાં પગલાં ભરવા એ તૈયાર છે. તો રણવીરસિંગને પણ તેણે કરેલી એક જાહેરાત માટે પ્રાણીઓના હક્કો માટે લડતી સંસ્થા ‘પેટા’એ નોટિસ આપી છે. એક બનિયાનની જાહેરાતમાં રણવીર આવે છે અને તે શાર્ક માછલી સાથે લડે છે. તેને લીધે પ્રાણીઓને મારવાનો પ્રચાર થાય છે. એવાં દ્રશ્યો ફિલ્મમાં બતાવવા પર તો પ્રતિબંધ છે જ; સર્કસમાં પણ એવા ખેલ બંધ કરાયા છે. ત્યારે એક બનિયાનની જાહેરાતમાં એવો સીન ક્વી રીતે ચાલે? 



બાય ધી વે, આમ જુઓ તો કોઇ એક્ટર આજકાલ બંડી પહેરતા નથી. દરેકને પોતાની જિમમાં બનાવેલી બોડી બતાવવી હોય છે અને તેથી શર્ટ કાઢતાં જ બનિયાન દેખાવાને બદલે છાતીના, વાળ ઉતરાવેલા. મસલ્સ જ દેખાતા હોય છે. છતાં યાદ કરો તો કેટલા સ્ટાર્સને તમે બંડીની એડમાં જોયા હતા? સલમાનખાન, રિતિક રોશન, અક્ષયકુમાર, સૈફ અલી ખાનને ડિક્સી, અમૂલ માચો, ડોલર, રૂપા એમ જુદી જુદી બ્રાન્ડની બંડીઓ વેચતા જોયા હશે. પણ એ પોતે, એટલીસ્ટ સ્ક્રિન પર તો, બનિયાન પહેરેલા ક્યાં દેખાય છે? સોચો ઠાકુર!


 તિખારો!

‘બીગ બૉસ’ની છેલ્લી સિઝન દરમિયાનનાં ગુજરાતી પ્રેમી પંખીડાં ઉપેન પટેલ અને કરિશ્મા તન્નાએ ‘નચ બલિયે’ના સેટ પર સગાઇ કર્યાની વાતો ચાલી રહી છે; ત્યારે એ બન્નેની જોડી માટેનું ટૂંકાક્ષરી નામ શું પડાયું છે, જાણો છો?...... ઉપમા!!


No comments:

Post a Comment