‘બજરંગી ભાઇજાન’ સલમાનખાનની
સોનાની થાળીમાં ‘શોભા’ની મેખ!
શોભા ડે તેમની ધારદાર કલમ માટે
જાણીતાં છે અને તેમણે પોતાની કોલમમાં સવાલ કર્યો છે કે શું આ ફિલ્મ સલમાનને એક સજ્જન,
પરોપકારી, લાગણીશીલ વ્યક્તિ તરીકે ચિતરવા ખાસ બનાવાઇ છે? તેમણે એ પિક્ચરને માલપુડાની
ચાસણી જેવું ગળ્યું કહ્યું છે અને પોતાને ડાયાબીટિસ નથી, નહીંતર ઇન્સ્યૂલિનનું એક ઇન્જેક્શન
લેવું પડ્યું હોત એમ પણ મજાકમાં ઉમેર્યું છે. પરંતુ, શોભા ડે પોતાની વાત માત્ર ગમ્મત
કરવા કહે કે? તેમણે લખ્યું છે કે મને તો મનમાં થયું કે એકાદો શો સલમાનના હીટ એન્ડ રન
કેસને સંભાળનારા પોલીસ અધિકારીઓ અને ન્યાયાધીશો માટે પણ યોજી શકાય. કરવું તો બધું કેમ ના
કરવું? તેમણે ફિલ્મની પેટા-વાર્તા (સબ ટેક્સ્ટ) સલમાનને એવા હીરો તરીકે પ્રોજેક્ટ કરતી
હોવાની ગણાવી છે, કે જે કદી જુઠું ન બોલે, જે એટલો દયાળુ હોય કે નાનકડા ફુદાને પણ ના
મારે! આ સબ ટેક્સ્ટને લીધે પિક્ચર એક સારા ડિટરજન્ટની જાહેરાત જેવું બન્યું છે, એમ
કહેતાં લેખિકાએ પોતાના પીસને અંતે જે પાર્ટિંગ શૉટ માર્યો છે તે આખા લેખના સાર જેવો
છે. શોભાજી લખે છે, મોટાભાગના સલમાન-ભક્તો ચિંતાભર્યા એક પ્રશ્ન સાથે બહાર આવતા હતા:
શું શાંતિ અને પ્રેમના દૂત તરીકેનો આ યોગ્ય સમયે કરેલો પરફોર્મન્સ તેમને (સલમાનને)
જેલની બહાર રાખશે ખરો?? (બે પ્રશ્નાર્થ ચિન્હો લેખિકાએ લેખના અંતે મૂક્યાં હોઇ, અહીં
એ જ રિપીટ કર્યાં છે. શું એ સવાલની ગંભીરતા સ્થાપિત કરતાં હશે?)
‘બજરંગી ભાઇજાન’ ફિલ્મની સાથે
સાથે એવા ન્યૂઝ પણ વહેતા થયા છે કે એ પિક્ચરમાંથી પોતાને ભાગે આવનારો નફો સલમાન આત્મહત્યા
કરનારા ખેડૂતોના પરિવારોના કલ્યાણ માટે દાન કરશે.
ખેડૂતોના કલ્યાણ માટેની ગણાનારી સરકારી ચેનલ ‘ડીડી કિસાન’ને
પ્રમોટ કરવા માટે અમિતાભ બચ્ચનને આપવાના ૬ કરોડને ૩૧ લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ પણ ગયા સપ્તાહે જ વિવાદોમાં
આવ્યો અને છેવટે બચ્ચનને એ રકમ છોડવી પડી. એ જંગી રકમ સામે મીડિયાએ અમિતાભનું એ નિવેદન
હાઇલાઇટ કર્યું કે પોતે જનહિતના કામોને પ્રમોટ કરવાની કોઇ ફી લેતા નથી. એ કરાર જે કંપનીએ
કર્યો હતો તે ‘લિન્ટાસે’ હજી સ્ટારને કોઇ પેમેન્ટ કર્યું નહતું. તેથી એ સરકારને પરત જમા કરાવી
દેશે. પણ ઍડ કંપનીની પ્રેસનોટમાં સ્પષ્ટ લખાયું છે કે રકમ અંગે વાટોઘાટો થયા પછી ૧૨મી
મેએ બચ્ચન સાહેબની ઓફિસે સંમતિ આપ્યા બાદ જ એ રકમ સરકાર પાસે માંગવામાં આવી હતી. મતલબ કે અમિતાભની જાણ બહાર આ ફી લેવામાં આવી હોય એવો શકનો લાભ પણ મળે એમ નહતો. હવે બચ્ચનદાદાએ ૬ કરોડ પ્લસ રૂપિયા છોડ્યા છે, એ પણ સલમાન ‘બજરંગી ભાઇજાન’ના સંભવિત નફામાંથી કરવાનો છે તે ઉદાર દાન જેવા જ ગણાશે.
ખેડૂતો માટે સલમાને કરેલી કોઇ
સખાવત કે ‘બજરંગી....’ જેવી ફિલ્મ અદાલતના ન્યાયને અસર કરી શકે છે કે કેમ? એ તો ભવિષ્યમાં
ખબર પડશે; પણ આવી બધી ચર્ચાઓના શોરમાં સુપ્રિમ કોર્ટના આંગણેથી આવેલા એક એવા સમાચાર
ઓછા ચર્ચાયા, જે ફિલ્મો માટે વાર્તા કે સ્ક્રિપ્ટ લખતા સૌ માટે ખુબ અગત્યના હતા. દેશની
સર્વોચ્ચ અદાલતે ૨૦મી જુલાઇએ હુકમ કર્યો કે કુણાલ કોહલીની ફિલ્મ ‘ફિર સે’નાં લેખિકા
જ્યોતિ કપૂરને ૨૫ લાખ રૂપિયા મહેનતાણું અને વાર્તાલેખક તરીકેની ક્રેડિટ બન્ને આપવાં.
એ સમાચારનો પ્રત્યાઘાત આપતાં કુણાલે કહ્યું કે હવે મારા પિક્ચરને રિલીઝ કરવાનો રસ્તો
ખુલી ગયો છે. પરંતુ, ફિલ્મી મીડિયામાં કોઇએ એ મુદ્દો ના ઉપસ્થિત કર્યો કે જ્યોતિની વાર્તા-સ્ક્રિપ્ટની
ઉઠાંતરી થઈ હતી અને સુપ્રિમ સુધીની લડત પછી એ લેખિકાને ન્યાય, નાણાં અને ક્રેડિટ મળ્યાં
હતાં! ‘ફિર સે’ની ચોરીની કથા પણ જાણવા જેવી છે.
જ્યોતિ પોતે પુના ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં
ટ્રેઇનિંગ લીધેલાં હોઇ એ સ્ક્રિપ્ટ તેમણે રજીસ્ટર કરાવેલી હતી. રજીસ્ટર કરાવેલી એ સ્ક્રિપ્ટ
તેમના એજન્ટે કુણાલ કોહલીને ઇમેઇલથી મોકલી. કુણાલે ૨૦૧૩માં જ્યોતિને રૂબરૂ બોલાવીને
પૈસાની લેવડ દેવડથી માંડીને ટાઇટલમાં ક્રેડિટ આપવા સુધીના મુદ્દાઓની ચર્ચા કરી. પણ
વાર્તાની ક્રેડિટ જ્યોતિને નહીં આપવાની શરત હોઇ વાત જામી નહીં. થોડા વખત પછી એ જ વાર્તા જ્યોતિએ
અન્ય નિર્માતા ત્રિલોક મલ્હોત્રાને વેચી. આ બાજુ કુણાલે ‘ફિર સે’ના ટાઇટલ સાથે પિક્ચર બનાવી
દીધું. એક્ટરોની તારીખોના પ્રશ્ન નહતા. કેમ કે ‘સરસ્વતિચંદ્ર’ સિરિયલમાં ‘કુમુદસુંદરી’
બનતી ટીવી એક્ટ્રેસ જેનીફર સાથે ખુદ કુણાલ જ એક્ટિંગના ક્ષેત્રે આ ફિલ્મથી આવી રહ્યા
હતા. (૪૦ વરસે નવોદિત? એવો સવાલ ના થાય તે માટે પિક્ચરની ટૅગ-લાઇન આવી છે: “હું ચાલીસ
વરસનો નથી.... હું તો ૨૨ વરસના અનુભવવાળો ૧૮ વર્ષનો છું!”)
‘ફિર સે’ને ૨૧ મે ૨૦૧૪ના રોજ
ફિલ્મ રિલીઝ કરવાના પ્લાન સાથે તેની પબ્લિસિટી માર્કેટમાં આવી. તે જ્યોતિએ જોઇ અને
સમજાઇ ગયું કે આ તેમની જ સ્ક્રિપ્ટ છે. તેમણે ફિલ્મ રાઇટર્સ એસોસિએશનમાં ફરિયાદ કરી.
એસોસિએશને બન્ને સ્ક્રિપ્ટની સરખામણી એક્સ્પર્ટ પાસે કરાવી. ચુકાદો જ્યોતિના પક્ષમાં
આવ્યો કે તેમની જ સ્ક્રિપ્ટની ઉઠાંતરી હતી. એ ચુકાદો હોવા છતાં ફિલ્મની રજૂઆત અટકી
નહતી. તેથી લેખિકાએ હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા અને ત્યાંથી સ્ટે મળ્યો. ખરેખર તો આ
તબક્કે જ મામલો સુલઝી જવો જોઇતો હતો. પરંતુ, એ સ્ટે ઉઠાવવા નિર્માતા સુપ્રિમ કોર્ટમાં
ગયા. ત્યાં સર્વોચ્ચ અદાલતે બન્ને ક્રિએટિવ વ્યક્તિઓ ઝગડે તે યોગ્ય ન કહેવાય એમ કહી સર્વસંમત રસ્તો
કાઢવા સૂચન કર્યું. છેવટે ૨૫ લાખ રૂપિયાનું વળતર તેમજ ટાઇટલમાં લેખિકા તરીકે જ્યોતિ
કપૂરનું નામ લખવા સહિતની શરતો સાથેના સમાધાનને માન્ય રાખીને સુપ્રિમે ઓર્ડર કર્યો!
આટલી જબ્બર લડત લેખિકાએ આપી અને ઉઠાંતરી સાબિત થયેલી હતી. છતાં માહૌલ એવો બનાવાય છે જાણે
કે નિર્માતાએ પોતાના પિક્ચરને નડતો કોઇ અંતરાય દૂર કરવા સમાધાન કર્યું હોય. “આખરે તો
આપણે બધા એક જ કુટુંબના સભ્યો છીએ” જેવાં સુવાક્યો બોલીને આખો મામલો ટાઢો પડાય છે.
પણ કોઇ સામો સવાલ નથી પૂછતું કે શું પરિવારના જ ઓછી આર્થિક તાકાતવાળા એક સભ્યની ઇન્ટલએક્ચ્યુઅલ
પ્રોપર્ટીની ચોરી કરાય કે? (સોચો ઠાકુર!)
તિખારો!
અમિતાભ બચ્ચનને શબ્દોની કળા વારસામાં મળી
છે, તેનો વધુ એક પુરાવો. હમણાં તેમણે એક ફોટો સોશ્યલ મીડિયામાં બહુ ચર્ચાયો. તેમાં
સાઉથના એક પરિવાર સાથે વિશાળ ડાઇનિંગ ટેબલ પર જાત જાતની વાનગીઓ સાથે, ‘હેડ ઓફ ધી ફેમિલી’ના
સ્થાને બચ્ચન સાહેબ બેઠેલા દેખાય છે. એ વિશે એવી ચર્ચા ચાલી હતી કે ‘બીગ બી’ સોનાની
થાળીમાં જમ્યા હતા. ‘ગરીબ દેશમાં સંપત્તિનો આવો વલ્ગર દેખાડો? અને અમિતાભ તેમાં સાથ
આપે?’ બચ્ચન દાદાએ જવાબ લખ્યો, “મેં સોનાની થાળીમાં જમણ નહતું લીધું. કેળનાં પાનમાં જમણ પીરસાયું હતું, પણ હા, તે સમયે ગાળેલી
પળો જરૂર ગોલ્ડન (સોનેરી) હતી.”!