Sunday, July 5, 2015

ફિલમની ચિલમ..


સોનમ કપૂર, આલિયા ભટ્ટ, પરિણિતિ ચોપ્રાનું ‘બેટી... બચાવો’ અભિયાન!


હેમામાલિની એક પિક્ચરના ટાઇટલ ગીતમાં ગાય છે...‘નયા જમાના આયા હૈ...’. બોલીવુડમાં પણ ૨૧મી સદીનું આગમન ઍટલિસ્ટ હીરોઇનોના અંગત પારિવારિક જીવનમાં તો થઈ જ ગયું છે. કેમ કે આપણે ત્યાં જૂના સમયમાં કહેવાતું કે “દીકરી પરણીને સાસરે જાય અને દીકરો પરણીને જુદો રહે તો માબાપે ઓછું નહીં લાવવાનું.... એ સંસારનો ક્રમ છે.” પરંતુ, એ ઉક્તિને પેલે પારની પરિસ્થિતિ અત્યારે સર્જાઇ રહી છે. હવે વિદેશોની માફક અહીં પણ લગ્ન થયા વિના જ કુંવારાં દીકરા-દીકરી મા-બાપથી અલગ રહેવા લાગ્યાં છે અને તેમાં છેલ્લો ઉમેરો સોનમ કપૂરનો થઈ રહ્યો છે. અગાઉ રણબીર કપૂરે પોતાનાં પેરેન્ટ્સ રીશી-નીતુના પરંપરાગત હાઉસમાંથી જુદો રહેવા ગયો અને વળી સાથે ગર્લફ્રેન્ડ કટરિનાને પણ સામેલ કરીને  થોડા મહિનાઓ પહેલાં કપૂર પરિવારમાં જ નહીં; સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચકચાર કરી હતી. તેના પડઘા હજી શમ્યા નથી, ત્યાં તો સોનમે પોતાની માલિકીનો લક્ઝુરિયસ ફ્લેટ ખરીદીને સનસનાટી કરી છે.



સોનમની સનસનાટી માત્ર એ કારણસર નથી કે જે બિલ્ડિંગમાં તેણે પોતાનો નિવાસ નક્કી કર્યો છે, તે એક બહુમાળીમાં ખરીદેલા બે ફ્લોર (ત્રીજો અને ચોથો માળ)ની કિંમત ૩૫ કરોડ રૂપિયા છે! કારણ કે જ્યારે તમે સરખી કમાણી કરતા થાવ, ત્યારે તેમાંની બચતને યોગ્ય જગ્યાએ ઇન્વેસ્ટ કરો એ સ્વાભાવિક છે. પરંતુ, અહીં તો સોનમ પોતાના પિતા અનિલકપૂરનું ઘર છોડીને અલગ રહેવા માટે ઇન્ટિરિયર ડેકોરેટર પાસે સજાવટના રૂપિયા પણ ખર્ચી રહી છે. એવું જ આલિયા ભટ્ટે પણ થોડા વખત પહેલાં કર્યું. તે પણ ડેડી મહેશ ભટ્ટથી અલગ પોતાના એપાર્ટમેન્ટમાં જઈ પોતાની આર્થિક બચત બતાવી રહી છે. (આને શું કહીશું? ‘બેટી... બચાવો’ અભિયાન?!) આલિયાની હજી જુમ્મા જુમ્મા પાંચ વરસની કરિયર હોવા છતાં પૈસાની રીતે તેને ‘આલિયા-માલિયા’ની કેટેગરીમાં મૂકવા જેવી નથી. કારણ કે કલર્સ ટીવી ચેનલની નવી બે ઇંગ્લિશ ચેનલો ‘કલર્સ ઇન્ફિનિટિ’ અને ‘કલર્સ ઇન્ફિનિટિ એચડી’ માટે તેને અને કરણ જોહરને ક્યુરેટર્સ તરીકે સાઇન કરાયા છે. ‘કલર્સ’ પોતાના સારા પેમેન્ટ માટે જાણીતી ચેનલ છે. (મની? નોપોબ્લેમ!)
 
આલિયા અને સોનમ કપૂરની જેમ જ અન્ય એક પ્રમાણમાં નવી હીરોઇન એવી પરિણિતી ચોપ્રાએ પણ ગયા સોમવારે પોતાના એપાર્ટમેન્ટમાં ગૃહપ્રવેશ કર્યો. પરિણિતીએ જો કે પોતાના પરિવાર સાથે રહેવા ચાર બેડરૂમનો ફ્લેટ લીધો છે અને તેના બે ભાઇઓ તથા માતા પણ અંબાલાથી આવી પહોંચ્યાં છે. ભાઇઓને બેડરૂમ ફાળવી દીધો છે અને મમ્મી માટે પણ એક રૂમ રાખ્યો છે. પરિણિતી, સૌ જાણે છે એમ, હજી થોડાંક વરસ પહેલાં તો ‘યશરાજ ફિલ્મ્સ’ની ઓફિસના પી.આર. ડિપાર્ટમેન્ટમાં કામ કરતી હતી. ત્યાંથી યશરાજે તક આપી અને આજે એ પણ પોતાનું એક સ્વતંત્ર સ્થાન બનાવી ચૂકી છે. છતાં ‘યશરાજ’ના બૉસ આદિત્ય ચોપ્રાનો સૉફ્ટ કૉર્નર પોતાની એ શોધ માટે એવો ને એવો જ છે,

કેમ કે હમણાં સલમાન ખાનની ‘સુલતાન’ નામની નવી ફિલ્મનું કાસ્ટિંગ યશરાજમાં ચાલી રહ્યું છે. પરંતુ, અહીં થોડોક ગુંચવાડો છે. સલમાનનું ‘સૂચન’ છે ‘હીરોપન્તી’માં જેકી શ્રોફના દીકરા ટાઇગર સામે ચમકેલી યુવાન કીર્તિ સેનન માટેનું અને યશરાજના ‘આદિ સર’ની દરખાસ્ત પરિણિતિ ચોપ્રા માટે છે. હવે પસંદગીનો કળશ લગભગ તો સલમાનની ચોઇસ પર જ ઢળશે. તેનું કારણ? અગાઉ કહ્યું એમ, મોટાભાગના પ્રોડ્યુસરો ‘આંખેં...’માંના પેલા ‘ડેલ્નાઝ પ્રેમી’ બેંક ક્લાર્ક જેવા જ હોય છે. એટલે ‘ભાઇજાનને બોલા કિ કીર્તિ, તો કીર્તિ હી ઠીક હૈ!” (બાય ધી વે, કીર્તિને શાહરૂખની ફિલ્મ ‘દિલવાલે’માં પણ કામ મળ્યું છે.)

‘ભાઇજાન’ પોતાની નવી ફિલ્મ ‘બજરંગી ભાઇજાન’ના પ્રચાર-પ્રસાર માટે, સ્વાભાવિક જ, કોઇ પ્રયાસ બાકી નથી રાખવાના. તે અંગે જો તાજી ખબર સાચી હોય તો, તેઓ પાકિસ્તાન પણ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. (ઇદની રિલીઝ ડેટ અને પાકિસ્તાનમાં પણ પ્રચાર!) મીનવ્હાઇલ, ઇન્ડિયામાં પ્રમોશન માટે સલમાન બીજી ચેનલો અને પ્રોગ્રામોની સાથે સાથે ‘કલર્સ’ના અત્યંત લોકપ્રિય કાર્યક્રમ ‘કોમેડી નાઇટ્સ વીથ કપિલ’ના એક ઐતિહાસિક એપિસોડમાં પણ ઉપસ્થિત રહેવાના છે. ઐતિહાસિક એટલા માટે કે એ કપિલનો છેલ્લો શો હશે. આ જાહેરાત ખુદ કપિલે જ ટ્વીટર પર કરી છે. કપિલે પોતાની તબિયતનું પણ કારણ આપ્યું છે. પરંતુ, તે ઉપરાંત એક હકીકત એ પણ છે કે કપિલ પોતાની કોમેડી ટીમને લઈને એક લાંબા વિદેશ પ્રવાસે નીકળી રહ્યા છે. અર્થાત તેમનાં કાયમી પાત્રો ‘ગુથ્થી’, ‘દાદી’, ‘પલક’થી માંડીને ‘બુઆ’ અને ‘નોકર રાજુ’ સુધીના સૌને લઈને એ પરદેશમાં હશે. 


કપિલ પોતાની આખી ટીમ સાથે જુલાઇના છેલ્લા વીકમાં કેનેડામાં આવતો હોવાની જાહેરાતો ત્યાંનાં સ્થાનિક અખબારોમાં આવવા લાગી છે. કપિલે અબ્બાસ મસ્તાનના નિર્દેશનમાં એક હિન્દી ફિલ્મના હીરો તરીકે આવવાનું પગલું પણ ભરેલું જ છે. તેથી સવાલ એ પણ થવાનો કે શું આ ટુર પછી એ પાછો ટીવી પર આવશે? કે પછી પોતાની કરિયર સિનેમાના પડદે હીરો તરીકે જમાવવામાં ધ્યાન આપશે? આમ જુઓ તો અત્યારે તેણે બુધ્ધિપૂર્વકનું આયોજન કર્યું છે. ફિલ્મનું શૂટિંગ અને પોસ્ટ પ્રોડક્શન પતતાં જેટલા સમયની જરૂર હશે એટલો સમય એ મહિના-બે મહિના દરમિયાન ટુર વડે પોતાની કોમેડી બ્રાન્ડનો પ્રચાર, ચેનલથી સ્વતંત્ર રીતે, દુનિયાભરમાં કરશે.  જો ફિલ્મ હીટ થાય તો સિનેમામાં હીરોગીરી કરવાની અને ના ચાલી તો પાછા નવી સિઝન લઈને ‘કલર્સ’ ( કે વધારે ભાવ આપતી અન્ય કોઇ ચેનલ?) પર જમાવટ કરી જ શકાય છેને? પણ કપિલ માટે ખરી જવાબદારી અને પરીક્ષા તો અલગ પ્રકારની છે.



કપિલ અગાઉ મેહમૂદ અને દેવેન વર્મા જેવા કોમેડિયનોના દાખલા ઇતિહાસમાં મોજુદ છે. કોમેડિયનો પોતાની રમૂજી ઇમેજને માસ્કની માફક ઉતારી શકતા નથી. રાજકપૂરે ગાયું હતુંને? “ગમ જબ સતાયે, સીટી બજાના, પર મસ્ખરે સે દિલ ના લગાના”! એટલે શત્રુઘન સિન્હા અને વિનોદ ખન્ના વિલનમાંથી હીરો થઈ શક્યા. પરંતુ, હીરો જેવી પર્સનાલિટી અને તમામ પ્રકારનો અભિનય કરવા છતાં મેહમૂદને વિદુષકના ચેનચાળા જ કરવા પડ્યા હતા. બાકી  મેહમૂદની કોમેડી, તેમના વિવિધ ભાષાના અને પ્રદેશોના લોકો વિષેનાં નિરીક્ષણો આજે પણ ટેક્સ્ટ બુક જેવાં ગણાય છે. ફિલ્મોમાં આજે પણ ‘ઐયૈયો’ કરતા સાઉથ ઇન્ડિયનથી માંડીને ‘ભાયા’ એમ કહીને બોલાતી રાજસ્થાની ઍક્સેન્ટ અને સિંધી, પંજાબી, ગુજરાતી, પારસી, બંગાળી કે ભોજપુરી પાત્રો મેહમૂદની જેમ જ બોલતાં જણાય છે. એટલે પ્રાદેશિક ઉચ્ચારોની હિન્દી સિનેમાની ડિક્ષનેરી મેહમૂદ ભાઇજાનની ભેટ છે. જયારે દેવેન વર્મા બિચારા ‘દેવર’ અને ‘અનુપમા’ જેવી ફિલ્મમાં ધર્મેન્દ્ર અને શર્મિલા ટાગોર સાથે સેકન્ડ હીરો તરીકે આરંભ કરીને છેવટે કોમેડિયનમાં ખપી ગયા. આજે તો  સક્સેસ ફોર્મ્યુલામાં અગાઉની માફક કોમેડીનો અલગ ટ્રેક પણ હોતો નથી. આઇ.એસ. જોહર કે કિશોર કુમારની જેમ પોતાની ફિલ્મો પ્રોડ્યુસ કરવાનો અન્ય રસ્તો પણ એક હાસ્ય કલાકાર માટે ઉપલબ્ધ હોઇ શકે છે. ત્યારે કપિલ શું કરશે?

તિખારો!

૭મીએ જેનાં લગ્ન છે એ શાહિદ કપૂરને તેની ભાવિ પત્ની મીરા રાજપૂત લાડથી શું કહે છે, જાણો છો? ‘લડ્ડુ’ની માફક “શદ્દુ”! એટલે એમ કહી શકાય કે  સોમવારે થશે ‘શદ્દુ કી શાદી’!


1 comment: