Sunday, October 11, 2015

ફિલમની ચિલમ... ૧૧ ઓક્ટોબર ૨૦૧૫



હડતાળને લીધે આમિરની ‘દંગલ’ અને સંજય ભણશાળીની ‘બાજીરાવ મસ્તાની’ અને ટીવી પ્રોગ્રામોનું શૂટીંગ અટકી ગયું હતું....
હેં... ડાયરેક્ટરની ફી.. અધધધ ૨૫ કરોડ રૂપિયા?!

‘ચૌબીસ ઘંટે હી કાફી થે’! એવું ફિલ્મી સ્ટાઇલમાં કહી શકાય એટલી ઝડપથી હડતાળનું સમાધાન થઈ ગયું. ફિલ્મોમાં પડદા પાછળ કામ કરતા સૌનાં ૨૨ જેટલાં એસોસિએશનોના બનેલા ફેડરેશન FWICE (ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયન સિને એમ્પ્લોઇસ) દ્વારા પોતાની માગણીઓ માટે ત્રીજી ઓક્ટોબરથી સ્ટ્રાઇક પર જવાની અપાયેલી નોટીસના સમાચાર ગયા સપ્તાહે અહીં અપાયા હતા. તેનું અનુસંધાન એ છે કે નિયત દિવસે હડતાળ પડી. તેને લીધે આમિરની ‘દંગલ’ અને સંજય લીલા ભણશાળીની ‘બાજીરાવ મસ્તાની’ તેમજ ઘણા ટીવી પ્રોગ્રામોનું શૂટીંગ અટકી ગયું હતું. જો કશું સમાધાન ના થાય તો સોમવાર પાંચમી તારીખથી કરોડોની આ ઇન્ડસ્ટ્રી ઠપ્પ થઈ જવાની બિહામણી શક્યતા સૌને દેખાઇ હતી. એટલે તાત્કાલિક બેઠક થઈ. છેવટે સૌને માન્ય એવા સમાધાન પર બેઉ પક્ષ રાજી થયા અને ત્રીજીની મધરાતથી હડતાળ પાછી ખેંચી લેવાની જાહેરાત કરાઇ, ત્યારે સૌના જીવ હેઠા બેઠા! 


 
હડતાળનો એ દિવસ ત્રીજી ઓક્ટોબર શનિવાર હતો તે સારું હતું. (બલ્કે પ્રોડ્યુસરોને છેલ્લો ચાન્સ આપવા એક દિવસનો ચમત્કાર નાના પાયે દેખાડવાની ફેડરેશનની એક ચિમકી પણ હોય!) કેમ કે શનિ-રવિમાં શૂટીંગ જેવાં કામકાજ આમ પણ ઓછાં થતાં હોય છે. કારણ કે ઘણા એક્ટરો અને ડાયરેક્ટરો વીક-એન્ડમાં પરિવાર સાથે રહેવા અને રિલીઝની કે અન્ય ઉજવણીની પાર્ટીઓમાં જવા રજા રાખતા હોય છે. અને એ બધા કેમ લહેર ના કરે? એ સૌ કમાય છે કેવું? બીજી ઓક્ટોબરે રજૂ થયેલી અક્ષયકુમારની ‘સિંગ ઇઝ બ્લિંગ’નું પહેલા ચાર જ દિવસનું કલેક્શન ૮૦ કરોડ થતાં તેણે પોતાનો સિક્કો રણકતો રાખ્યો છે એમ કહી શકાય. પણ કરોડોની કમાણીની એ દુનિયામાં આ અઠવાડિયે દિગ્દર્શક રોહિત શેટ્ટીનો નવો ભાવ સાંભળીને આખો ફિલ્મ ઉદ્યોગ હક્કો બક્કો રહી ગયો છે! રોહિતે નવી ફિલ્મ કેટલામાં સ્વીકારી છે? ૨૫ કરોડ રૂપિયા! એક ડાયરેક્ટર આવો ભાવ ચાર્જ કરી શકે એ શક્ય બનવાનું કારણ એ જ છે... ૧૦૦-૨૦૦ કરોડનો બિઝનેસ, જે રોજે રોજ વધતો જ જાય છે. 

રોહિત શેટ્ટીને સંગીતા આહિર નામનાં નિર્માત્રીએ આ તોતીંગ રકમ આપવાની સંમતિ એક તામિલ કોમેડી ફિલ્મને હિન્દીમાં ઉતારવા માટેની આપી છે. તે પિક્ચરના કલાકારો કોણ હશે એ હજી નક્કી થયું નથી. પરંતુ, રોહિતની ‘ગોલમાલ’ સિરીઝ હોય કે ‘સિંઘમ’ની બ્રાન્ડ, કે પછી ‘ચેન્નાઇ એક્સપ્રેસ’ એમ હીટ પર હીટ આપવાની ક્રેડિટ એવી છે કે શાહરૂખ હોય કે અજય દેવગન કોઇપણ ટોપસ્ટાર તેની ટીમમાં ખુશી ખુશી જોડાશે. રોહિત શેટ્ટી અને રાજકુમાર હીરાણી જેવા ડાયરેક્ટરોએ હવે પોતાની ફી નક્કી કરવાની નવી પદ્ધતિ અપનાવી છે. તેઓ કોઇ નિયત ફી લેવાને બદલે ફિલ્મમાં નિર્માતા તરીકે જોડાય છે. તેમની કળા એ જ તેમનું ઇન્વેસ્ટમેન્ટ! તેને માટે જેટલા ટકા નક્કી કરાય તે તેમની ફી. હવે ‘પીકે’ જેવી ફિલ્મમાંથી રાજુ હીરાણીને નાનકડો હિસ્સો મળ્યો હશે તો પણ રૂપિયાનો કેવો ઢગલો થઈ ગયો હશે? ‘પીકે’નો એકલા ચીનમાંથી ૧૦૦ કરોડનો બિઝનેસ મળ્યાના ન્યુઝ છેલ્લે આવ્યા જ હતાને? એવા ટોપ ડાયરેક્ટરો પૈકીના આપણા ગુજરાતી અબ્બાસ-મસ્તાને જુદું (કે ગુજ્જુ?) ગણિત અપનાવ્યું. તેમણે ‘કિસ કિસ કો પ્યાર કરું’માં કપિલ શર્મા જેવા નવોદિતને અને સાથે ચાર નવી કે ઓછી જાણીતી અભિનેત્રીઓને લઈને સાવ સસ્તામાં પડતર થાય એવી ફિલ્મ વિનસ રેકોર્ડસ સાથે મળીને પોતે પ્રોડ્યુસ કરી! પરિણામ? કપિલની ટીવી પરની લોકપ્રિયતાને લીધે પહેલા જ દિવસે ૧૦ કરોડનો વકરો થયો જે કોઇપણ નવોદિતની પ્રથમ ફિલ્મ માટેનો નવો રેકોર્ડ હતો! (અગાઉ એ વિક્રમ ‘સ્ટુડન્ટ ઓફ ધી યર’નો હતો જેમાં એક સાથે આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરૂણ ધવનને ઇન્ટ્રોડ્યુસ કરાયા હતા.)

‘કિસ કિસ કો પ્યાર કરું’એ પહેલું વીક (દેશમાં ૪૨ અને પરદેશમાં ૯ કરોડ મળીને) ૫૧ કરોડના ટોટલ સાથે પૂરું કર્યું અને ૨૦૧૫ની ટોપ ૧૦ હીટમાં સ્થાન પણ પ્રાપ્ત કરી લીધું. હવે ૯મીએ રિલીઝ થઈ રહેલી ઐશ્વર્યાના પુનરાગમનની ફિલ્મ ‘જઝબા’ના પ્રમોશન માટે હીરોઇને પણ ટીવી શોમાં આવવું પડે એ છેલ્લાં થોડાંક વર્ષોમાં પબ્લિસિટીની બદલાયેલી તાસીર છે. એવા પ્રચારને ઇન્ટેરેસ્ટિંગ બનાવવા સ્ટાર કશીક ઓછી જાણીતી માહિતી પણ આપતા હોય છે. ઐશ્વર્યાએ પણ કપિલના શોમાં કહ્યું કે તેને પહેલી ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની’ ઓફર થઈ હતી. તો અન્ય એક જગ્યાએ આપેલા ઇન્ટર્વ્યૂમાં ખુલાસો કર્યો કે અત્યારે સંજય લીલા ભણશાળી જે ફિલ્મ રણવીરસિંગ અને દીપિકા સાથે કરી રહ્યા છે તે ‘બાજીરાવ મસ્તાની’માં તેણે ‘મસ્તાની’નો રોલ કરવાનો હતો. એ સમય હતો ‘હમ દિલ દે ચૂકે સનમ’ની સફળતાનો અને સલમાન-ઐશ્વર્યાની ગાઢ દોસ્તીનો.


વાચકોને યાદ હશે જ કે એ પ્રપોઝલમાં ‘બાજીરાવ’ની ભૂમિકા સલમાન ખાનને કરવાની હતી અને ‘કાશીબાઇ’નું જે પાત્ર અત્યારે પ્રિયંકા ચોપ્રા કરે છે તે રાની મુકરજીએ કરવાનું હતું. પણ સલમાન અને ઐશ્વર્યાના સંબંધો જે રીતે વણસ્યા અને ‘ચલતે ચલતે’ના સેટ પર પહોંચી ગયેલા સલમાનને લીધે બેઉ વચ્ચે મોટો ઝગડો થયો એ ફિલ્મી ઇતિહાસની એવી યાદગાર ઘટનાઓમાં સામેલ છે. ‘ચલતે ચલતે’ના નિર્માતા તરીકે શાહરૂખે પોતાની ફિલ્મના શૂટીંગ સમયે હીરોઇનને તેના કામમાં દખલ નહીં કરવા સલમાન સાથે કરેલી દલીલો અને તેને પગલે બન્ને ખાન વચ્ચે લાંબા સમય સુધી અબોલા રહ્યા હતા, તે કોણ નથી જાણતું? એ બધી બબાલથી કંટાળીને શાહરૂખે ઐશ્વર્યાને વિદાય કરીને રાનીને એ પિક્ચરમાં લીધી. તો રાની અને અભિષેક બચ્ચનના સંભવિત લગ્ન સુધીની અફવાઓ એક તબક્કે, એટલે કે ‘બન્ટી ઔર બબલી’ના શૂટીંગ વખતે, સંભળાતી હતી. જ્યારે છેવટે થયું શું? એ જ પિક્ચરના ગાયન ‘કજરા રે...’માં એક આઇટમ સોંગ કરવા આવેલી ઐશ્વર્યા સાથે અભિષેકનાં લગ્ન થયાં! આજે તો રાની પણ પરણીને પ્રેગ્નન્ટ થઈ ચૂકી છે અને ઐશ્વર્યા પણ આરાધ્યાનું માતૃત્વ પ્રાપ્ત કરીને પાછી રૂપેરી પડદે પ્રવૃત્ત થઈ છે.

પણ ઐશ્વર્યા જ્યારે આરાધ્યા સાથે ભારે પગે હતી, ત્યારે તેની ‘પ્રેગ્નન્ટાવસ્થા’નો લાભ લઈને ‘કહાની’ના ડાયરેક્ટર સુજોય ઘોષે એ ફિલ્મ ઐશ્વર્યાને ઓફર કરી હતી. જો કે ‘બચ્ચા ઔર જચ્ચા કી સેહત કો ધ્યાન મેં રખતે હુએ’ એ દરખાસ્ત નામંજૂર કરાઇ હતી. એ જ ભૂમિકા અંતે વિદ્યા બાલને કરી અને તે એને કેવી ફળી?  તે કુંવારી હોવા છતાં મોટાભાગના પિક્ચરમાં તેણે પ્રેગ્નન્ટ હોવાનો વેશ ધારણ કર્યો અને ફિલ્મફેર સહિતના બેસ્ટ એક્ટ્રેસના એવોર્ડ જીતી ગઈ. પણ ઐશ્વર્યાએ જ કહ્યું છે કે એવા સવાલ ના કરવા કે વિદ્યાને બદલે ઐશ્વર્યાએ ‘કહાની’ કે પછી કરિશ્માની જગ્યાએ ‘રાજા હિન્દુસ્તાની’ કરી હોત તો? અથવા ‘બાજીરાવ મસ્તાની’ રણવીર-દીપિકા અને પ્રિયંકાને બદલે સલમાન-ઐશ્વર્યા અને રાની સાથે બની હોત તો? કારણ કે ઐશ્વર્યા કહે છે કે ‘દરેક ફિલ્મની પોતાની તકદીર (ડૅસ્ટિની) હોય છે!’ તમને શું લાગે છે?

તિખારો!     
‘કિસ કિસ કો પ્યાર કરું’ની સફળતાની નોંધ કપિલે પોતાની રીતે કેવી લીધી? તે શોમાં ‘જઝ્બા’નું પ્રમોશન કરવા આવેલાં ઐશ્વર્યા અને ઇરફાને એમ કહીને અભિનંદન આપ્યા કે ‘આપકી પિક્ચર અચ્છી જા રહી હૈ’, ત્યારે કપિલે હસતાં હસતાં કહ્યું “સારા માલ તો અબ્બાસ-મસ્તાન ઔર રતન જૈન લે ગયે!”

No comments:

Post a Comment