Sunday, October 25, 2015

ફિલમની ચિલમ... ૨૫ ઓક્ટોબર, ૨૦૧૫




હિન્દી સિને સંગીતના આધુનિક ‘સુરદાસ’ રવીન્દ્ર જૈન!
 

મીઠી મીઠી ભારતીય તર્જોના સંગીતકાર અને સમર્થ કવિ રવીન્દ્ર જૈનની શરૂઆત ભલે ‘કાંચ ઔર હીરા’ જેવી સાવ અજાણ્યા કલાકારોની ફિલ્મથી થઈ હતી, જેમાં હીરો હતા પંકજ અને હીરોઇન શાહિન! છતાં તેમાં પણ રફી સાહેબનું એક અમર ગીત આપ્યું જ હતું. ‘પુત્રનાં લક્ષણ પારણામાંથી’ એ કહેવતને સાચી પાડે એવું મજબુત એ ગીત તેમણે પોતે જ લખ્યું હતું. તેના શરૂઆતના આ શબ્દો સાંભળો તો થાય કે રવીન્દ્ર જૈન પોતાનું આત્મકથન કહેતા હતા.....

“નજર આતી નહીં મંઝિલ,
તડપને સે ભી ક્યા હાસિલ,
તકદીર મેં અય મેરે દિલ અંધેરે હી અંધેરે હૈં’!  

આગળ ઉપર એ જ ગીતમાંની આ પંક્તિઓ જુઓ, “નૈંનો સે યું છિન ગઈ જ્યોતિ, સીપ સે જૈસે મોતી...”! એવી જ એક આ શાયરી પણ હ્રદય સોંસરી ઉતરી જાય એવી છે. ગૌર ફરમાઇયેગા..

“ગીત ગાતે હૈં ગુનગુનાતે હૈં, દિલ મેં રખતે હૈં દિલ કે દાગોં કો,
હમ તો દાન ભી કર દેં આંખો કો, પર કૌન લેગા બુઝે ચિરાગોં કો”! 

તેમને માટે પ્રથમ ગીત ગાનાર એ અમર ગાયક અને અલ્લાહના આદમી જેવા સાલસ સ્વભાવના મોહમ્મદ રફી સાહેબ ગુજરી ગયા, ત્યારે રવીન્દ્ર જૈને તેમને શ્રદ્ધાંજલિ આપતાં આવી કવિતા કરી હતી...
નગ્મેં તો તેરે ફિર ભી સુને જાયેંગે લેકિન,
કુછ તેરી જરૂરત હમેં ઇસ કે ભી સિવા થી
નાખુશ હૈ ખુદા અપને ફરિશ્તોં સે, નહીં તો
ધરતી કે ફરિશ્તે કી ઉસે જરૂરત ક્યા થી?


રફી સાહેબની  ૩૩મી પૂણ્યતિથિએ તેમણે ફરી એકવાર રફી સાહેબને યાદ કરતાં આવી શાયરી કરી હતી...

અલ્લાહ, વો રોજા થા કિ થા રોજા-એ-કયામત
ઇફ્તારી કા થા વક્ત ઉધર સર પે કઝા થી
હાજી થા, નમાઝી થા, બડા નેક થા બંદા
ક્યા ઇસકે અલાવા ભી કોઇ ઉસકી ખતા થી?


એટલે સંગીતકાર તરીકેની તેમની કરિયરમાં તેમણે રચેલાં એક એકથી ચઢિયાતાં આલ્બમની પ્રશંસાઓ અને ચર્ચાઓ ખુબ થઈ છે અને હજી થયા કરશે. જેમ કે ‘ચોર મચાયે શોર’ના ગીત ‘ઘૂંઘરુ કી તરહ બજતા હી રહા હું મૈં...’ને ઘણા કિશોરકુમારનાં સ-રસ ગંભીર ગાયનોમાં સામેલ કરતા હોય છે. એ ગીતના રેકોર્ડિંગના દિવસે અન્ય એક સંગીતકારને પણ સમય આપ્યો હતો. પરંતુ, રિહર્સલ દરમિયાન જ કિશોરદાને અંદાજ આવી ગયો હતો કે ખરજમાં શરૂ થઈને ઊંચા સ્વરોમાં પ્રવાસ કરતું આ ગીત તેમની કરિયરનું એક ઉત્કૃષ્ટ સર્જન થવાનું હતું. તેથી પેલા અન્ય મ્યુઝિક ડીરેક્ટરને બેઠક રદ કરવા સંદેશો મોકલી દઈ પોતે ‘દાદુ’ સાથે નિરાંતે ગોઠવાઇ ગયા!

પરંતુ, પાશ્ચાત્ય સંગીતને બદલે ભારતીય સંગીતને અને ખાસ તો ઢોલક, તબલાં, નાલ, પખાવજ જેવાં તાલ-વાદ્યોને વળગી રહેનારા ગણત્રીના સંગીતકાર તરીકે તેમનું સ્થાન અવિચળ રહેવાનું છે. પરંતુ, અગાઉ કહ્યું છે એમ, એક કવિની હૈસિયતથી પણ તેમનું અલાયદું મૂલ્યાંકન થવું જોઇએ. (ગીતો રચવાની તેમની કાબેલિયતમાં વધારો થાય એવો એક સંજોગ ૧૯૮૨માં થયો, જ્યારે કવિયત્રી દિવ્યા જૈન સાથે તેમનાં લગ્ન થયાં હતાં!) કવિ અને સંગીતકાર ઉપરાંત એક ગાયક તરીકે પણ તેમનો રુતબો અલગ જ હતો. તેમને ‘રામાયણ’ સિરીયલના દરેક હપ્તામાં પ્રસંગને અનુરૂપ કવિતાઓ લખતા અને અન્ય ગાયકો ઉપરાંત પોતે પણ ગાતા એ કોણ ભૂલી શકે? તેમનો અવાજ તાર સપ્તકમાં આસાનીથી જઈ શકતો અને તેને લીધે તેમની સંગીત રચના ગાવામાં ખુદ લતા મંગેશકરને ખચકાટ થતો. 

જીવનસંગિનિ દિવ્યાજી સાથે એક સમારંભમાં

લતાજીએ ‘સૌદાગર’નું ગીત ‘તેરા મેરા સાથ રહે...’ની અંતરાની બંદીશ સાંભળીને રવીન્દ્ર જૈનને પૂછ્યું હતું, “ખરેખર આ મારાથી ગવાશે?” એ પ્રસંગ યાદ કરતાં લતા મંગેશકરે તાજેતરમાં એક શ્રદ્ધાંજલિ ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે “તે વખતે મને ‘આરઝૂ’નું ‘અજી રૂઠકર અબ કહાં જાઇયેગા, જહાં જાઇયેગા હમેં પાઇયેગા...’ યાદ આવી ગયું હતું.” સંગીતના ઇતિહાસને જાણનારા સૌને ખબર છે કે એ ગીતના રિહર્સ્લ-રેકોર્ડિંગ વખતે લતાજીએ શંકર-જયકિશનને પૂછ્યું હતું કે “આપ લોગ કિસ જનમ કા બદલા લે રહે હૈં!” (ક્યારેક સમય મળે તો ‘અજી રૂઠકર..’ સાંભળજો અને સાથે સાથે અંતરો ગાવાનો ખાલી પ્રયત્ન કરી જો જો.)

 એ જ લતાજી પાસે તેમણે ‘રામ તેરી ગંગા મૈલી’માં ટાઇટલ ગીતમાં હોય કે ‘હીના’ના ‘ચિઠ્ઠીયે દર્દ ફિરાક વાલિયે, લે જા લે જા સંદેસા સોણે યાર દા’ જે ઊંચા સ્વરમાં ગવડાવ્યું છે, તેમાં રવીન્દ્ર જૈનનો ટ્રેડમાર્ક દેખાય છે. ‘રામ તેરી...’ તેમને મળ્યું તેનો ઇતિહાસ પણ આમ તો જાણીતો જ છે કે એક લગ્ન સમારંભની ખાનગી બેઠકમાં રાજકપૂરે તેમને સાંભળ્યા અને વાત બની ગઈ હતી. તે મહેફિલમા રવીન્દ્ર જૈને પોતાની રચના શરૂ કરી....
‘ઇક રાધા, ઇક મીરા, દોનોં ને શ્યામ કો ચાહા, 
અંતર ક્યા દોનોં કી ચાહ મેં બોલો, 
ઇક પ્રેમ દીવાની ઇક દરસ દીવાની..’ 

 અને મુખડું પુરું થતાંમાં તો રાજકપૂર બોલી ઉઠ્યા, “આ ગીત કોઇને આપ્યું તો નથીને?”  દાદુ કહે “આપી દીધું છે...” હજી રાજસાહેબ ‘કોને?’ એમ પૂછે તે પહેલાં કવિ કહે, “રાજકપૂરને!!" તત્કાળ રાજકપૂરે બાજુમાં બેઠેલા ઝુનઝુનવાલા પાસેથી સવા રૂપિયો ઉછીનો લઈને એ ગીત અને સંગીતકાર બન્નેને બોટી લીધા! પછીની મઝા એ હતી કે રાજકપૂર પોતાના સંગીતકારને ગંગા નદીના કિનારે લઈ ગયા અને ત્યાં બેસીને ટાઇટલ ગીત વિચારવા કહ્યું. પોતાના આર્ટિસ્ટ પાસે કામ લેવા રાજસા’બ કેવા લાડ લડાવતા તેનો પણ આ એક દાખલો છે. ગંગા કિનારે બેસીને રવીન્દ્ર જૈનને પિક્ચરના શિર્ષકને અનુરૂપ કેવા અર્થપૂર્ણ શબ્દો સૂઝ્યા? 
‘ગંગા હમારી કહે બાત યે રોતે રોતે, 
 રામ તેરી ગંગા મૈલી હો ગઈ, પાપીયોં કે પાપ ધોતે ધોતે...”! 
 

શ્રદ્ધાળુઓની બેદરકારીને લીધે ગંદી થઈ ગયેલી ગંગાના એ સ્વરૂપને દુષ્કર્મોથી મુક્તિ મેળવવા કરાતા તેના પવિત્ર સ્નાન સાથે જોડી દેવાથી કેવી ચોટદાર કવિતા બની! દેખીતી કચરા-પ્લાસ્ટિક વગેરેની ગંદકીની સાથે સાથે ‘પાપીઓં કે પાપ’ પણ ગંગામાં એક ડૂબકી લગાવવાથી ધોવાઇ જતાં હોય તો પછી એ પાપોનો ગંદવાડ પણ તેમાં જ રહ્યો છે એવો સુક્ષ્મ અર્થ પણ આપીને એ કવિતાને એક નવી જ ઊંચાઇ બક્ષી હતી.
એ આટલાં અર્થસભર ગીતો લખતા અને  એ જ કલમથી ‘પતિ પત્ની ઔર વોહ’માં એક મજેદાર કોમેડી ગીત પણ નીકળ્યું. યાદ છેને? સંજીવકુમાર હાથમાં લોટા સાથે ધ્રુજતા ધ્રુજતા મહેન્દ્ર કપૂરના સ્વરમાં રવીન્દ્ર જૈનની લખેલી આ પંક્યિઓ લલકારે છે...‘ઠંડે ઠંડે પાની સે નહાના ચાહિયે, ગાના આયે યા ન આયે ગાના ચાહિયે’! (લતાજીએ તેમની અંજલિમાં એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે દાદુ જ્યારે મળે ત્યારે ‘રિયલી ફની જોક્સ’ પણ સંભળાવતા.)

જો કે લતા મંગેશકરને બદલે રવીન્દ્ર જૈને પોતાનાં ઠેઠ કલકતાનાં સાથી હેમલતા પાસે જ મોટાભાગનાં શરૂઆતી ગીતો ગવડાવ્યાં હતાં. (તેમની પ્રથમ ફિલ્મ ‘કાંચ ઔર હીરા’માં પણ હેમલતાનું એક ગીત હતું!) તેમણે જસપાલસિંગ જેવા હિન્દી સિનેમા માટે સાવ અજાણ્યા ગાયકને લાવીને ‘ગીત ગાતા ચલ’ના દિવસોમાં જે હલચલ મચાવી હતી તે હજીય યાદ છે. એ જ રીતે યેસુદાસને મલયાલમ ફિલ્મોમાંથી ‘જબ દીપ જલે આના, જબ શામ ઢલે આના’ કે પછી ‘તુ જો મેરે સુર મેં સુર મિલા લે...’ જેવાં ગાયનો સાથે મુંબઈના સિનેસંગીતમાં અધિકારપૂર્વક જગ્યા કરી આપી. તો સુરેશ વાડકરને શાસ્ત્રીય સંગીતની એક સ્પર્ધાના જજ તરીકે તેમણે પારખ્યા અને વિજેતા જાહેર કર્યા હતા. એ સૌ પણ રવીન્દ્ર જૈનના વિવિધ સમારંભોમાં ઉપસ્થિત રહેતા, જે સંબંધો જાળવવાની ‘દાદુ સ્ટાઇલ’ને પણ આભારી કહી શકાય.

 
એટલે તેમના દેહાવસાન પછીની પ્રાર્થનાસભામાં સુરેશ વાડકર, ઉદિત નારાયણ, અનુપ જલોટા, પીનાઝ મસાણી, દુર્ગા જસરાજ, ભપ્પી લહેરી, લલિત પંડિત વગેરે જેવા સંગીતના કલાકારોની સાથે જ ‘હીના’ના ડાયરેક્ટર રણધીર કપૂર અને રાજશ્રી પ્રોડક્શનના સૂરજ બડજાત્યા સહિતના સૌ હાજર હતા. તેમાં હેમામાલિની પણ ઉપસ્થિત હતાં, જેમની ટેલીસિરીઝ ‘નૂપુર’માં દાદુનું સંગીત હતું. સાથે સાથે એ પણ હકીકત છે કે ’૯૦ના દશક પછી મ્યુઝિકમાં પાશ્ચાત્ય રિધમનું પ્રમાણ વધતાં તેમનું કામ ઘટતું ચાલ્યું. પછી તો તેમની વરસે એકાદ-બે ફિલ્મો આવતી હતી. એ અવકાશના સમયમાં તેમણે એક પુસ્તક ‘દિલ કી નઝર સે’ પણ લખ્યું (લખાવ્યું). એટલું જ નહીં, તેના વિમોચનમાં મુખ્ય મહેમાન તરીકે રેખા અને હેમામાલિની જેવી એક સમયની સુપરસ્ટાર હીરોઇનો ઉપસ્થિત પણ રહી. 


હજી આ વરસે જ ૮મી એપ્રિલ, ૨૦૧૫ના રોજ તેમને ભારતની સમગ્ર પ્રજાના આદર જેવું પદ્મશ્રીનું સન્માન રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુકરજીના હસ્તે અર્પણ થયું હતું! આમ, સિનેમા જેવા વિઝ્યુઅલના માધ્યમમાં ચર્મચક્ષુઓના અભાવમાં પણ આટલી સરસ કાવ્ય રચનાઓ અને ભારતીય સંગીતની સરવાણીઓ વહાવનાર રવીન્દ્ર જૈનનું જીવન કોઇ પણ નિરાશ વ્યક્તિને પ્રેરણા આપી શકે એવું હતું. તેમને શ્રદ્ધાંજલિ આપતાં તેમની જ એક શાયરી યાદ કરીએ. પોતાનાં પ્રજ્ઞાચક્ષુઓ વિશે સ્ટેજ પ્રોગ્રામમાં તે કાયમ પોતાનો આ શેર કહેતા....

“ચાંદ સૂરજ કે જો હો ખુદ મોહતાજ, ભીખ ન માંગો ઉન ઉજાલોં કી,
બંધ આંખોં સે કરો ઐસે કામ, કિ આંખ ખુલ જાય આંખવાલોં કી..”!

1 comment:

  1. Dear Salilbhai, Really really wonderful article written by you about a wonderful music director, lyricist and person who achieved so much in life through sheer hard work and unfailing belief in his own ability inspite of vision impairment . I really like your unique style of writing with in depth study of the person and the subject.

    ReplyDelete