Saturday, October 17, 2015

ફિલમની ચિલમ.... ૧૮ ઓક્ટોબર ૨૦૧૫

‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’નું નામ આવતાં શાહરૂખ, કાજોલની સાથે એ પંક્તિના ‘કવિ’ રવીન્દ્ર જૈનને કેટલા યાદ કરતા હશે?


સુમધુર ધૂનોના ‘દાદુ’ સંગીતકાર અને કલ્પનાશીલ ગીતકાર... રવીન્દ્ર જૈન!



સપ્તાહે ૯મી ઓક્ટોબરે રવીન્દ્ર જૈનની ચિરવિદાય સાથે એક ઔર સંગીતકારના સ્વર શાંત થઈ ગયા! તેમની યાદ તાજી કરતાં જ ‘જબ દીપ જલે આના, જબ શામ ઢલે આના...’થી માંડીને ‘સુન સાયબા સુન પ્યાર કી ધૂન’  જેવાં કંઈ કેટલાંય ગીતો મનમાં ગૂંજવા માંડે, ત્યારે મોટાભાગના સૌ તેમને સાદગીભરી અને કર્ણપ્રિય ધૂનોના સંગીતકાર તરીકે યાદ કરે. પરંતુ, બહુ ઓછા ભાવકો તેમને સુંદર કવિતાઓના રચયિતા તરીકે સ્મૃતિમાં સાચવતા હશે. તેમની શરૂઆતી ફિલ્મોમાં ‘ગીત-સંગીત રવીન્દ્ર જૈન’ એમ લખાતું ત્યારે તેમના સુમધુર સંગીતની પ્રશંસામાં એક કવિ તરીકેનું મૂલ્યાંકન ખાસ ના થયું. (કવિ તરીકે તેમને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ ગણી લેવાયા.) તેમની કવિતાઓના શબ્દોનું મહત્વ એ કારણે વધી જાય છે કે, સૌ જાણે છે એમ, રવીન્દ્ર જૈન જન્મથી અંધ હતા. તેમ છતાં તેમની કાવ્ય રચનાઓમાં કેવી કેવી કલ્પનાઓ આવી શકતી તેનો આદર્શ નમૂનો એટલે ‘ગીત ગાતા ચલ મુસાફિર ગુનગુનાતા ચલ’. તેના અંતરામાં એ લખે છે, “ચાંદી સા ચમકતા યે નદિયા કા પાની, પાની કી હરેક બુંદ દેતી જિંદગાની, અંબર સે બરસે જમીન પે ગિરે, નીર કે બિના તો ભૈયા કામ ના ચલે..”


વિચાર તો કરો? જે વ્યક્તિએ જન્મથી કદી પણ કશું જ ના જોયું હોય અને માત્ર આભાસ જ અનુભવ્યા હોય એ નદીના પાણીને ચાંદી જેવું ચમકતું લખે કે પછી આકાશ માટે ‘અંબર’ જેવો શબ્દ વાપરે! તે જ રચનામાં તે એક તબક્કે કહે છે, ‘કુંભલા ન જાયે તેરા મન કહીં કોમલ’. તેમાંનો શુદ્ધ હિન્દી શબ્દપ્રયોગ ‘કુંભલા જાના’ (કરમાઇ જવું) તે ગીત આવતા પહેલાં કે તે પછી ‘હિન્દી’ સિનેમાનાં ગાયનોમાં કેટલી વાર વપરાયો હશે એ સંશોધકોએ ચકાસવા જેવું છે. એ ગીતમાં  હજી જાણે ઓછું કાવ્ય-તત્વ હોય એમ તે પછીની પંક્તિમાં ‘જલ જો ન હોતા તો યે જગ જાતા જલ’ એમ લખીને ‘જલ’ શબ્દના બે અર્થને સાંકળીને એ શ્લેષ અલંકારનો પણ સરસ ઉપયોગ કરી બતાવે છે. તેમની કલમેથી ‘ચોર મચાયે શોર’ના એક ગીત માટે નીકળેલા શબ્દો ‘લે જાયેંગે, લે જાયેંગે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે...’ ફિલ્મી ઇતિહાસની એક સૌથી વધુ સમય ચાલેલી ફિલ્મના ટાઇટલ તરીકે ઉપયોગમાં લેવાયા. એ ફિલ્મનું નામ આવતાં સૌ કોઇને શાહરૂખ, કાજોલ અને આદિત્ય ચોપ્રા યાદ આવે. પરંતુ, કેટલાનું ધ્યાન એ અમર પંક્તિના રચયિતા ‘કવિ’ રવીન્દ્ર જૈન તરફ જતું હશે? તેમનાં લખેલાં ગીતોમાં ‘અંખિયોં કે ઝરોખોં સે મૈને દેખા જો સાંવરે’ અને ‘સુનયના’ના ટાઇટલ ગીત જેવાં આંખોની ખુબસુરતીની તારીફનાં ગાયનપણ છે. ‘સુનયના’ના શિર્ષક ગીતમાં તો એ ‘ઔર મૈં તુમ્હેં દેખતે હુએ દેખું’ એમ લખીને કમાલ કરી જાય છે. જ્યારે હકીકત એ હતી કે ૧૯૪૪ની ૨૮મી ફેબ્રુઆરીએ અલીગઢમાં તેઓ જન્મ્યા ત્યારે તેમની આંખો ખુલી જ નહતી!


બંધ આંખોવાળા જન્મેલા બાળકનાં નયનોને તેમના પિતાજી ઇન્દ્રમણી જૈનના એક મિત્ર ડોક્ટર મોહનલાલે ઓપરેશન કરીને ખોલ્યાં તો ખરાં પણ સાથે સાથે સૂચના આપી કે આંખોમાં જે કાંઇ મામૂલી તેજ છે, તેના ઉપર શ્રમ ન પડે એ રીતે તેને ઉછેરજો. એટલે કાચના વાસણની સંભાળ રખાય એમ તેમને માતા-પિતા ઉપરાંત તેમના ૭ ભાઇઓ અને એક બહેને સંભાળ્યા. તેમનો ક્રમ પરિવારમાં ચોથો હોઇ મોટાભાઇઓ વાંચી સંભળાવે એ પૌરાણિક વાર્તાઓ-કવિતાઓ તે સાંભળે અને પોતાનાં પ્રજ્ઞા ચક્ષુઓને સતેજ કરતા ગયા. પિતાજીએ પણ આંખોને શ્રમ ન પડે એ માટે સંગીતને પ્રાધાન્ય આપવા માંડ્યું. બાળક રવીન્દ્રએ મંદિરમાં જઈને રોજ એક ભજન તો ગાવાનું જ એવો નિત્યક્રમ બનાવડાવ્યો અને તેના બદલામાં રોજ ‘બાબુજી’ તરફથી એક રૂપિયો મળે. તેથી જાણીતા સંગીતકાર થયા પછીના એક ઇન્ટર્વ્યુમાં રવીન્દ્ર જૈને હસતાં હસતાં કહ્યું હતું કે “મૈં તો પહલે દિન સે હી પેઇડ આર્ટિસ્ટ હું!”


મંદિરમાં દરરોજ જવાને કારણે ધર્મગ્રંથો અને ધાર્મિક-સાંસ્કૃતિક કાવ્યો અને તેનાં અર્થઘટનોથી દૈનિક પરિચય થવા માંડ્યો, જે આગળ જતાં ‘રાધા કા ભી શ્યામ હૈ તો મીરા કા ભી શ્યામ’ જેવાં ફિલ્મી ગીતની રચનાનો પાયો બન્યાં. સંગીતમાં તેમની રૂચિ બરાબર ખીલી રહી હતી તે દિવસોમાં તેમના કાકાના દીકરા પદ્મભાઇએ બંગાળના રવીન્દ્ર સંગીતની વાત કરી અને પિતાજીએ મંજુરી તથા આપેલા ૭૫ રૂપિયા લઈને એ ભાઇ સાથે ઉપડ્યા કલકત્તા. અહીં ફિલ્મો સાથે સંકળાયેલા રાધેશ્યામ ઝુનઝુનવાલા સાથે પરિચય થાય છે અને સંગીતના ટ્યુશનનું કામ મળે છે.... એક ચા અને સમોસાના મહેનતાણાથી! પહેલી નોકરી ‘બાલિકા વિદ્યાભવન’માં ૪૦ રૂપિયાના પગારથી અને કલકત્તામાં એ ટકી ગયા. અહીં તેમની મુલાકાત પંડિત જસરાજ અને પંડિત મણીરામ સાથે થઈ. તો ગાયિકા હેમલતા પણ ત્યાં જ ભેગાં થયાં. બન્ને મળીને એક ગ્રામોફોન કંપની માટે બંગાળી ગીતો બનાવે છે. ત્યાં મળ્યા આપણા હરિભાઇ એટલે કે એક્ટર સંજીવકુમાર. એ પોતે પણ સ્ટ્રગલ કરતા હતા. પરંતુ, સ્ટેજ પ્રોગ્રામોમાં એ વ્યસ્ત જરૂર રહેતા હતા. રવીન્દ્ર જૈન એવા કાર્યક્રમોમાં દોઢસો રૂપિયામાં હાર્મોનિયમ વગાડતા. સંજીવકુમારે તેમને મુંબઈ આવવા કહ્યું હતું. એટલે જ્યારે ૧૯૬૮માં ઝુનઝુનવાલાએ પોતાનો કેમ્પ મુંબઈ ઉઠાવ્યો, ત્યારે રવીન્દ્ર જૈન પણ હરિભાઇના બોલ પર પહોંચ્યા મુંબઈ.


મુંબઈમાં સંજીવકુમારે બોલ પાળ્યો અને ‘પારસ’ ફિલ્મના સેટ પર નિર્માતા એન. એન. સિપ્પી સાથે મુલાકાત કરાવી. તેમની ફિલ્મો ‘ચોર મચાયે શોર’ અને ‘ફકીરા’ના સંગીતની ધૂમ સફળતા પછી રવીન્દ્ર જૈન કોમર્શિયલ ફિલ્મોના મ્યુઝિક ડીરેક્ટર તરીકે પણ માન્ય થયા એ કોણ નથી જાણતું? તે અગાઉ મુખ્યત્વે ‘રાજશ્રી’ના સંગીતકાર તરીકે અને મિત્રવર્તુળોમાં એ ‘દાદુ’ તરીકે જાણીતા હતા. ‘રાજશ્રી’ના તારાચંદ બડજાત્યા સાથે તેમની મુલાકાત હિન્દીના જાણીતા કવિ રામરીખ મનહર દ્વારા થઈ હતી. તે રીતે જુઓ તો કવિતાએ જ તેમને માટે સાચા અર્થમાં ફિલ્મ સંગીતના દરવાજા ખોલ્યા હતા. તે વખતે ‘રાજશ્રી’ની ‘સૌદાગર’ બની રહી હતી અને તેમાં ગોળ વેચતા શ્રમિકની ભૂમિકામાં અમિતાભ બચ્ચનને નૂતન સામે લીધા હતા. ગીતોનો અવકાશ ઓછો હતો અને છતાં રવીન્દ્ર જૈને આપેલી રચનાઓમાં ‘તેરા મેરા સાથ રહે..’ એ લતા મંગેશકરની, ‘સજના હૈ મુઝે...’ આશા ભોંસલેની, ‘દૂર હૈ કિનારા...’ મન્નાડેની અને ‘હર હસીં ચીજ કા મૈં તલબગાર હું, રસ કા ફુલોં કા, ગીતોં કા બીમાર હું...’ કિશોરકુમારની ટોપ ટ્વેન્ટી જેવી યાદીમાં અધિકારપૂર્વક સામેલ થઈ શકે એવી ‘દાદુ’  છે. 
‘રાજશ્રી’માં ત્યાં સુધીમાં લક્ષ્મીકાન્ત પ્યારેલાલે ‘દોસ્તી’, ‘તકદીર’, ‘જીવન મૃત્યુ’, ‘ઉપહાર’ અને ‘પિયા કા ઘર’ જેવાં સફળ આલ્બમ આપ્યાં હોઇ એન્ટ્રીમાં રિસ્ક લેવા જેવું નહતું. તેથી પ્રથમ ફિલ્મમાં આ બધા જાણીતા પાર્શ્વગાયકોને લીધા. પણ તે પછીની ફિલ્મ ‘ગીત ગાતા ચલ’માં ૯માંથી સાત ગાયનો નવા ગાયકો પાસે ગવડાવવા છતાં સુપરહીટ આલ્બમ આપીને પોતાનો સિક્કો રણકતો કર્યો. હિન્દીમાં કહી તો, ‘અપના લોહા મનવાયા’! પણ આ તો હજી શરૂઆત જ હતી. રવીન્દ્ર જૈનના રસપ્રદ સંગીત-જીવન અને દોઢસો જેટલી ફિલ્મોની કારકિર્દી એક લેખમાં ક્યાં પૂરી થાય એવી છે? એ બધી બાકીની વાતો આવતા રવિવારે! આજે તો તેમને  હ્રદયપૂર્વક શ્રદ્ધાંજલિ! 




1 comment:

  1. Very nice write up on Ravindran Jain, a really talented lyricist and composer. He has certainly left an undeniable and indelible mark on the music of Indian Cinema. May his musical and lyrical heart rest in eternal peace.

    ReplyDelete