Saturday, July 15, 2017

દિવ્યાભારતી (૫)



દિવ્યા ભારતી...... યાદોં મેં બસાયા તુમકો! (5)

દિવ્યાએ ‘દિલ આશના હૈ’ના પેમેન્ટ અંગે પત્રકાર ઓમર કુરેશીને કહ્યું હતું કે “હેમાજીને પિક્ચર રિલીઝ કરવામાં આર્થિક તકલીફ પડી રહી હતી. તેથી તેમણે મને કહ્યું કે મારી થોડીક રકમ હું જતી કરું. ફરીથી વિચારું છું તો થાય છે કે એ નાની એમાઉન્ટ નહોતી... દોઢ લાખ રૂપિયાથી પણ વધારે રકમ હતી. હેમાજી પ્રત્યેના આદરભાવને લીધે મેં તે રકમ જવા દીધી હતી....” દિવ્યાને પૂછાયેલો સવાલ એવો હતો કે ‘દિલ આશના હૈ’ના નિર્માણ દરમિયાન તેણે હેમા માલિનીને બહુ હેરાન કર્યાં હતાં? તેના એ ઉત્તરમાં ઓમર કુરેશીને દિવ્યાએ એમ પણ કહ્યું હતું કે તેના સ્ટાફને ચૂકવવાના પાંચ હજાર રૂપિયા જેવી મામૂલી રકમ પણ અપાઇ નહોતી. જો કે તેણે એમ પણ ઉમેર્યું હતું કે હેમાજીને તેમના હાથ નીચેના માણસોનો વર્તાવ કદાચ ખબર નહીં હોય. પણ, મારો સ્ટાફ હેરાન થયો હતો. મારે પોતાને હેમાજી તરફથી ડ્રેસ અને વીગ અંગે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જો આવી મોટી ફિલ્મ એક વરસમાં પૂરી થઈ અને રિલીઝ થઈ શકી હોય તો એમ ચોક્કસ કહી શકાય કે વિલંબ નહોતો થયો. હેમાજી એમ નહીં કહી શકે કે મેં તેમને હેરાન કર્યાં હતાં.
વિચાર તો કરો, ખુલ્લે-આમ હેમા માલિની જેવાં સિનિયર આર્ટિસ્ટ વિશે પ્રિન્ટમાં બોલતાં ન ખચકાય એ નવોદિત છોકરીની હિંમત કેવી કહેવાય? એ જ રીતે તેણે તો વિદેશ યાત્રા દરમિયાન લંડનમાં થયેલા આમીરખાનના અનુભવ વિશે અને સલમાનના ‘બડા દિલ’ અંગે પણ ખુલાસાભેર વાત કરી હતી. તે દિવસોમાં, વિદેશમાં યોજાનારી ‘સ્ટાર નાઇટ્સ’ની ટીમમાં આમીર, સલમાન, જુહી વગેરે સાથે દિવ્યાની પણ પસંદગી થઈ હતી. એવા એક લંડન ખાતેના શોમાં એક ગાયનના ડાન્સ સ્ટેપ્સમાં દિવ્યાથી ભૂલ થઈ ગઈ. તેણે તરત તે કવર કરી લીધું અને મ્યુઝિકની ધમાધમમાં ઓડિયન્સને કાંઇ ખબર ન પડી. દિવ્યાને લાગ્યું કે હાશ, વાત પતી ગઈ. પરંતુ, એ ભૂલ પરફેક્શનના આગ્રહી આમીરની નજરમાંથી છટકે કે? તેણે કહી દીધું કે હવે પછીના શો માટે પોતે કોરિયોગ્રાફરની ‘ચિકલેટ’ નામની આસિસ્ટન્ટ સાથે રિહર્સલ કરશે, દિવ્યા સાથે નહીં. પણ એ તો શરૂઆત જ હતી.નવો શો થયો, ત્યારે આમીર સાથે એ જ ગાયનમાં જુહી ચાવલાની જોડી સ્ટેજ પર બોલાવાઇ!

એટલું ઓછું હોય એમ, જુદાં જુદાં ગાયનોની શરૂઆતની પંક્તિઓ ઉપર સ્ટાર બેલડી ડાન્સ કરે એવી મેડલી પણ આમીર અને દિવ્યાએ સાથે મળીને પ્રસ્તુત કરવાની હતી, તેમાં પણ પંક્ચર પડ્યું. આમીરે ઇનકાર કરી દીધો. દિવ્યાના કહેવા પ્રમાણે તેને કુલ ત્રણ ગીતોમાં હિસ્સો લેવાનો હતો. એક જુહીને ભાગે જતું રહ્યું અને મેડલી પણ જતી રહે, તો તો ‘સાત સમુંદર પાર મૈં તેરે પીછે પીછે આ ગઈ...’ એકલું એક જ ગીત તેને માટે રહે. નિરાશ-હતાશ દિવ્યા રડતી હતી. ત્યારે સલમાને મોટું મન રાખીને, પગમાં ઇજા થયેલી હોવા છતાં, છેલ્લી ઘડીએ દિવ્યાને સાથ આપ્યો. બન્નેએ મળીને મેડલીની નૃત્યભેર રજૂઆત કરી અને ઘીના ઠામમાં ઘી પડ્યું. પરંતુ, એ ખટકો કાયમી રહી ગયો. 

આમીર અને દિવ્યા એક સાથે કોઇ ફિલ્મમાં ન આવ્યાં. હા, એક તબક્કે યશ ચોપ્રાની મલ્ટિસ્ટારર ‘પરમ્પરા’ દિવ્યાને જરૂર ઓફર થઈ હતી, જેમાં આમીરની પણ ભૂમિકા હતી. પરંતુ, દિવ્યાએ તે સ્વીકારી નહોતી. શું તેની પાછળ પેલી ખારાશ જવાબદાર રહી હશે? કે પછી સિમ્પલ મૂડ, જેનો ઉલ્લેખ તેની સાથે કામ કરનાર લગભગ દરેક જણે તેની હયાતિમાં પણ કર્યો જ હતો. દિવ્યાના સાથી કલાકારો તેને (‘સદમા’ની શ્રીદેવીના પાત્ર ‘રેશ્મી’ જેવી?) ‘ચાઇલ્ડ વુમન’ ગણતા, જેનામાં ઉંમર પુખ્ત થવા છતાં બાળપણ ગયું નહોતું. એ ગમે ત્યારે અગત્યની વાત ભૂલી શકે, નાની બાબતે રિસાઇ શકે અને એટલી જ ઝડપથી તેને મનાવી પણ શકાય. જેમ કે ‘શોલા ઔર શબનમ’માં તેની સાથે કામ કરનારી સ્થૂળકાય અભિનેત્રી ગુડ્ડી મારુતિ (એક સમયના કોમેડિયન મારુતિની દીકરી)નો અનુભવ. એ બન્ને ‘બલવાન’માં સાથે કામ કરતાં હતાં. તે ફિલ્મના સેટ પર દિવ્યા પોતાની બર્થડે પાર્ટીમાં નિમંત્રવાના મહેમાનોની યાદી ગુડ્ડી સાથે મળીને બનાવતી હતી. બધાનાં નામ લખાઇ ગયાં, પણ તે લિસ્ટમાં ગુડ્ડીનો કોઇ ઉલ્લેખ નહોતો થયો.

 એટલે કોઇપણ સ્વમાની વ્યક્તિની માફક ગુડ્ડી એ પાર્ટીમાં ના ગઈ. બર્થડે પછીના કોઇ એક દિવસે બન્ને સાજીદ નડિયાદવાલાના પિક્ચર ‘વક્ત હમારા હૈ’ના સેટ પર ભેગાં થયાં, ત્યારે ગુડ્ડીનું કારણ જાણીને તે નાની છોકરીની જેમ બાઝીને રડી પડી અને લાગણીથી જે કહ્યું તેમાં એક નિર્દોષ બાળકી જ દેખાય. દિવ્યાએ કહ્યું કે ‘જો આપણે બેઉ સાથે લિસ્ટ બનાવતાં હોઇએ, તો તારું નામ અલગથી લખવાની મારે શી જરૂર હોય? તારે આવવાનું જ હોય ને?’ પોતાની એ ગલતી સુધારતી હોય એમ, ગુડ્ડીની બર્થડે વખતે એ પાર્ટીમાં પહોંચી ગઈ અને ગ્રીન નંગ જડેલી એક વીંટી ભેટ આપીને કહ્યું, “આ પહેરજે, જલદી લગ્ન થઈ જશે.” તો સામાપક્ષે પોતાને ગમતું કોઇ તેને ન બોલાવે તો પણ એ નારાજ થઈ જાય!

એક વાર ‘શોલા ઔર શબનમ’ના સેટ પર તે આવી, ત્યારે ફિલ્મના નિર્માતા (અત્યારના તો સેન્સર ચીફ એવા) પેહલાજ નિહલાનીનાં પત્ની કોઇની સાથે વાત કરવામાં વ્યસ્ત હતાં. એટલે તેના તરફ ધ્યાન ના ગયું. તો રિસાઇ ગઈ અને પછી એ ‘કાન્તુ મમ્મા’એ મનાવી તો તરત માની પણ ગઈ. (એ કેવી પર્સનાલિટી કહેવાય? પોતે ના બોલાવે તો તમારે નારાજ નહીં થવાનું અને કોઇ તેને અવગણે તો ખોટું લગાડવાનું!) તે બાળસહજ કુતૂહલથી પણ ભરપૂર હતી. જ્યારે ‘દીવાના’ રિલીઝ થવાનું હતું ત્યારે તેનાં મોટાં મોટાં હોર્ડિંગ્સ મુંબઈમાં ઠેર ઠેર ચઢ્યાં હતાં. ‘દીવાના’ના સર્જનમાં નિર્માત્રી શબનમ કપૂરના પતિ લલિત કપૂર ‘સ્વીટી’ના મિત્રો પણ સામેલ હતા. તેને એ વિશાળકાય બોર્ડ્સ અને કરાયેલી રોશની એ બધું જોવાની એટલી તો ઉત્સુકતા હતી કે ‘બલવાન’ ફિલ્મનું પોતાનું ડબીંગ તે રાત્રે પતે, તે પહેલાં ‘સ્વીટી’ને એ જ્યાં હોય ત્યાંથી સ્ટુડિયો પર હાજર થઈ જવા રીતસર આદેશ કર્યો. 

‘સ્વીટી અંકલ’ સમયસર આવી પહોંચ્યા અને ડબીંગ પૂરું થયા પછી તેમની સાથે ‘બોમ્બે બાય મીડનાઇટ’ જેવી મધ્યરાત્રીની યાત્રા કરી. તે નાઇટ આઉટમાં પોતાનાં બોર્ડ રીશીકપૂર જેવા તે સમયના હૉટ સ્ટાર સાથે જોઇ એક નાની બાળકીની માફક રાજી રાજી થતી ઘેર ગઈ. તેના એવા સ્વભાવને લીધે પૈસાની બાબતમાં પણ તે બેદરકાર કહી શકાય એવી હતી એમ તેના સુધાકર બોકાડે જેવા નિર્માતાનો અનુભવ સાંભળીએ તો અંદાજ મૂકી શકાય. સુધાકર બોકાડે એટલે સલમાન, સંજયદત્ત અને માધુરી દીક્ષિતની ‘સાજન’ અને નાના પાટેકરની અદભૂત ફિલ્મ ‘પ્રહાર’ના નિર્માતા. તેમણે તે દિવસોમાં દિવ્યાને લઈને એક ફિલ્મ ‘કન્યાદાન’ શરૂ કરી હતી. તે માટે પ્રથમ તબક્કે ૨૫ હજાર રૂપિયા આપ્યા પછી, જ્યારે પણ બીજા પૈસા આપવાનું કહ્યું ત્યારે, બોકાડે કહે કે, દિવ્યાનો એક જ જવાબ હતો, “તમારા પૈસા ક્યાં જતા રહેવાના છે, અંકલ?” 

એટલે પ્રોડ્યુસર્સને નિરાંત રહેતી કે સ્ટાર્સના સેક્રેટરીઓની ફેમસ-રૂટિન ધમકી ‘ઇન્સ્ટોલમેન્ટ કા પૈસા ભેજો, ફિર મેમ સાબ શૂટિંગ કે લિયે નિકલેગી...’ દિવ્યાના કિસ્સામાં નહીં આવે. તેનું એક કારણ એ પણ હતું કે દિવ્યાનું કામ સંભાળનાર કોઇ બાકાયદા સેક્રેટરી નહોતા. મોટાભાગનાં ડિલિંગ તેનાં મમ્મી કરતાં અને તે પણ કીટી પાર્ટીમાં પત્તાં રમવાનાં શોખીન મહિલા હતાં. જ્યારે દિવ્યાના પિતાજી ઓ.પી. ભારતી, સૌ જાણે છે એમ, ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપનીમાં મેનેજર હોઇ ઘર પૈસે ટકે સુખી હતું. પિતાજીએ તેમના પ્રથમ લગ્નના છૂટછેડા પછી મીતાજી સાથે શાદી કર્યાની વાતનો અને પોતાનાં સાવકાં ભાઇબહેન વેકેશનમાં સાથે રહેવા આવતાં હોવાનું ખુદ દિવ્યાએ પત્રકાર નીલોફર કુરેશી સાથેના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું.  જો કે પપ્પા ઓમપ્રકાશ વિશે કદાચ બહુ ઓછી જાણીતી વાત એ પણ છે કે કોઇ સમયે ખુદ ભારતીજીની એક્ટર થવાની ઇચ્છા હતી. તેમણે એવા કોઇ કારણસર પોતાનાં માતા-પિતા, પત્ની બે બાળકો (એક દીકરો અને એક દીકરી) તમામને છોડ્યાં હતાં કે કેમ એ સ્પષ્ટ થતું નથી. પણ, ભારતી સાહેબે ‘શો ટાઇમ’ મેગેઝીનની પત્રકાર મારિયા ડી’કોસ્ટાને પોતે આટલી ફિલ્મોમાં નાની નાની ભૂમિકાઓ કરી હોવાનું ફેબ્રુઆરી ૧૯૯૩ના અંકમાં જણાવ્યું હતું... ‘હાથ કી સફાઇ’, ‘લાવારિસ’, ‘ઇમાનદાર’, ‘ખતરનાક ઇરાદા’ અને ‘ઘૂંઘરુ’! 


તેથી સિનેમા અને તેની દુનિયાથી ભારતી પરિવાર અજાણ હતો એવું નહોતું. (‘તો શું પિતાની અધૂરી મહેચ્છાઓ પુત્રી મારફત પૂરી કરાતી હતી?’) કુટુંબના સૌને ખબર હતી કે કોઇને ગમે કે ના ગમે, હીરો-હીરોઇન વચ્ચેના રોમાન્સની સાચી ખોટી ગપશપ મેગેઝીનોમાં ફેલાવાની જ. એટલે દિવ્યા સાથે ‘દુશ્મન ઝમાના’માં કામ કરતા અરમાન કોહલી જેવા હીરો સાથેના સંબંધો ચર્ચાતા હતા, જેને પિક્ચરની પબ્લિસિટી માટે અનિવાર્ય સ્ટ્રેટેજીનો ભાગ ગણીને સૌએ હસી કાઢી હતી. તો બીજી બાજુ ‘આંદોલન’ના નિર્માતા સાજીદ નડિયાદવાલાના અમિતા સાથેના પ્રણયસંબંધના ત્રીજા ખૂણા તરીકે દિવ્યા ખલનાયિકા ચિતરાતી હતી. સાજીદનું નામ તે દિવસોમાં અમિતા નાંગિયા નામની ટીવી અભિનેત્રી સાથે ગંભીર રીતે લેવાતું હતું. અમિતા અને સાજીદ ત્રણ વર્ષથી સ્ટેડી હતાં. એવામાં દિવ્યાની એન્ટ્રિ સાજીદના જીવનમાં થતાં અમિતા સાથેના સંબંધોમાં તણાવ આવ્યાની ચર્ચાઓ મેગેઝીનો કરતાં જ હતાં, ત્યાં એક વિદેશી ધડાકો થયો. ફોરિનથી એક દિવસ ચોંકાવનારા પણ કન્ફર્મ સમાચાર આવ્યા કે દિવ્યા ભારતી અને સલમાનખાનની લંડનમાં ધરપકડ થઇ હતી! (ક્રમશ:)






 ખાંખાંખોળા!

આજી એક અનોખા નવા વિભાગન શરઆત કરીએ છીએ.
આપણે ત્યાં ફિલ્મોની જાહેરાતો લખવાને પણ એક કળા તરીકે વિકસાવાઇ હત. 

યાદ છે ને, ‘પાંચમું પચરંગી સપ્તાહ’ અને ‘દસમું દમદાર અઠવાડિયું’ જેવી જાહેરાતો? 

એક સમયે માત્રને માત્ર અખબારો જ પ્રચારનું મુખ્ય સાધન હતાં. એટલે વધુને વધુ પ્રેક્કોને આકર્ષવા એડ લખનારાઓની જવાબદારી સૌી વધુ રહેતી.  

આજે આપણા નવયુવાન કવિ ભાવેભટ્ટે વોટ્સએપ મારફત મોકલેલએક જાહેરાતઆરંભ કરીએ. 

મિત્ર ભાવેજ એક કવિતાના શબ્દોનો સહારો લઈને કહીએ તો,


“કૈં’ક કિસ્સાઓ તણાતા જાય છે,
કોણે ખોલી ડાયરી વરસાદમાં”!

 તમારી ડાયરીમાં સચવાયું છે, આવું કશું રસપ્રદ?



2 comments:

  1. Replies
    1. Thanks Nilesh for your appreciations. Hope you like the other articles as well.

      Delete