Saturday, July 8, 2017

દિવ્યા ભારતી (૪)



દિવ્યા ભારતી...... યાદોં મેં બસાયા તુમકો! (૪)




દિવ્યા અને તેનાં મમ્મીને લઈને વેંકટેશ કપડાંના સુવિખ્યાત ઇન્ટરનેશનલ સ્ટોર ‘બેનેટન’માં લઈ ગયો. ગાયનો માટે ગ્લેમરસ હીરોઇનને શોભે એવાં મોંઘાં બ્રાન્ડેડ વસ્ત્રો ખરીદીને સૌ સ્ટુડિયો પહોંચ્યાં અને અગિયારના ટકોરે તો ‘બોબીલી રાજા’નું શૂટિંગ શરૂ થઈ ગયું! દિવ્યા જે ઝડપથી ડાન્સનાં સ્ટેપ્સ કરી બતાવતી હતી, તેનાથી ગાયનો ફટાફટ કેમેરામાં કેદ થવા લાગ્યાં. પ્રોડ્યુસર ડી. રામાનાયડુ અગાઉ હિન્દીમાં રાજેશ ખન્ના અને હેમા માલિનીની ‘પ્રેમ નગર’ અને જીતેન્દ્ર સાથે શ્રીદેવી તથા જયા પ્રદાને લઈને ‘તોહફા’ પણ બનાવી હતી. તેમની ફિલ્મો ઝડપથી પૂરી કરવા એ નિર્માતા જાણીતા હતા. રામાનાયડુનું નામ પછી તો વ્યક્તિગત રીતે સૌથી ફિલ્મો પ્રોડ્યુસ કરનાર વ્યક્તિ તરીકે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ આવ્યું હતું! તેમના પહેલા આઠ જ દિવસના શિડ્યુઅલમાં જે કામ થયું તેનાથી ઇમ્પ્રેસ થયેલા રામાનાયડુએ શ્રીદેવી જેવી દેખાતી તેમની નવી જ હીરોઇનની કરેલી પ્રશંસા, દિવ્યા મુંબઈ પહોંચે તે પહેલાં, રૂપેરી દુનિયામાં પહોંચી ગઈ હતી. રાતોરાત ડિમાન્ડ નીકળી!

દિવ્યાની ગેરહાજરીના એ ૮ દિવસ દરમિયાન જ તેના પિતા સમક્ષ ‘ત્રિમૂર્તિ ફિલ્મ્સ’ જેવા જબરદસ્ત બેનરની ઓફર આવી હતી. ‘ત્રિમૂર્તિ...’ એટલે દેવ આનંદની ‘જહોની મેરા નામ’ અને અમિતાભ બચ્ચનની ‘દીવાર’ અને ‘ત્રિશુલ’ જેવી સુપરહીટ કૃતિઓનું સર્જન કરનાર પ્રોડક્શન હાઉસ! તેના સર્વેસર્વા ગુલશનરાયના દીકરા રાજીવ રાયે પોતાના નિર્દેશનમાં તૈયાર થનારી ‘વિશ્વાત્મા’ માટે દિવ્યાને મુંબઈ આવતાં વેંત જ સાઇન કરી લીધી. તેના માટે સાઇનિંગ એમાઉન્ટ શું લીધું જાણો છો? માત્ર પાંચસો રૂપિયા! પાછળને પાછળ ડેવિડ ધવને ‘શોલા ઔર શબનમ’ માટે કરારબધ્ધ કરી લીધી. તો જેમણે માધુરી દીક્ષિત, સલમાન ખાન અને સંજયદત્તની ત્રિપુટીને લઈને ‘સાજન’ સરખી સુપર ડુપર ફિલ્મ આપી હતી એ લૉરેન્સ ડિ’સોઝાએ ‘દિલ કા ક્યા કસૂર’ કરવાનો કોન્ટ્રાક્ટ કરી લીધો. ટૂંકમાં, હજી ‘રાધા કા સંગમ’ બનતું હતું, ત્યાં સુધીમાં તો ભૂતપૂર્વ રાધાએ સનસનાટી સર્જવા માંડી હતી.


‘રાધા કા સંગમ’માંથી તે અલગ થઈ (અથવા તો તેની હકાલપટ્ટી કરાઈ!) ત્યારે ઇન્ડસ્ટ્રીના જાણકારોએ ભારતી પરિવાર માટે આગાહી કરી હતી કે એક જાણીતા પ્રોડ્યુસર  સાથે અણબનાવ થયો હોઇ હવે આ છોકરી માટે હિન્દી સિનેમાના દરવાજા કાયમ માટે બંધ થઈ ગયા સમજો. પણ, આ તો સાવ ઉલ્ટું બની રહ્યું હતું. ‘બોબીલી રાજા’ના નવા શિડ્યુઅલ માટે ફરી સાઉથ જવાનું થતા સુધીમાં તો દિવ્યા પાસે ત્રણ મોટા બેનરની હિન્દી ફિલ્મો આવી ગઈ હતી. (સિનેમાના મેદાનમાં, એ રીતે જોઇએ તો, એક નવોદિતની એ કદાચ સૌથી ઝડપી હેટ્રિક હતી!) ‘બોબીલી રાજા’નું શૂટિંગ અપેક્ષા મુજબ ઝડપથી પત્યું અને ત્રણ જ મહિનામાં એ રિલીઝ પણ થઈ ગઈ. પિક્ચર સુપરહીટ થયું! તે વેંકટેશની સાચા અર્થમાં સિલ્વર જ્યુબિલી ફિલ્મ સાબિત થઈ. કેમ કે એક સાથે ત્રણ શહેરોમાં સળંગ ૨૫ અઠવાડિયાં ચાલતી રહી. 

તેના લોકપ્રિય થયેલા સંગીત માટે વરસના અંતે મ્યુઝિક ડીરેક્ટર ઇલયારાજાને ફિલ્મફેર એવોર્ડ (તેલુગુ) પણ મળ્યો. એટલી સફળ ફિલ્મે શરૂઆતના દિવસોમાં તો બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. આમ, ‘લાગ્યું તો તીર નહીં તો તુક્કો’ની જેમ પોતાના ગોડફાધર એવા જે.પી. સિંઘલનું માનીને પકડેલી દક્ષિણની દિશામાં દિવ્યાનો સિતારો એવો ચમક્યો કે પોતાની કરિયરમાં એક તામિલ અને ચિરંજીવી સરખા સુપરસ્ટાર સહિતના હીરો સાથે પાંચ તેલુગુ પિક્ચરોમાં કામ કરવા મળ્યું. તેની કામ પૂરું કરી શકવાની ઝડપની એટલી તારીફ થઈ નથી. એ માત્ર રૂપાળી ઢીંગલી હોય એમ તેની બ્યુટીને સૌ વધારે યાદ કરે છે. પરંતુ, તેની સ્પીડ તો જુઓ? પ્રથમ હિન્દી ફિલ્મ ‘વિશ્વાત્મા’ ૧૯૯૨ના જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં રિલીઝ થઈ, તેના બે જ સપ્તાહ પછી ૧૪મી ફેબ્રુઆરીએ તેલુગુમાં ‘ધર્મક્ષેત્રમ’ રજૂ થઈ હતી. તે દિવ્યાની સાઉથની યાત્રાનું છેલ્લું સ્થાનક હતું. હવે તે ફુલટાઇમ મુંબઈ અને અહીંની હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ધમાકા સાથે આવી પહોંચી હતી. તેણે જ્યારે ‘રાધા કા સંગમ’ સાઇન કરી હતી, ત્યારે તેનું એક અભિનેત્રી તરીકેનું નામ પણ ‘રાધા’ રાખવાનું નક્કી હતું.

એટલે એ જેને પણ મળતી તેને ‘હાઇ, આઇ એમ રાધા’ એમ કહીને પોતાને ઇન્ટ્રોડ્યુસ કરતી. પણ, કીર્તિકુમાર સાથેના કરારમાંથી મુક્ત થયા પછી ‘રાધા’ને છોડીને પોતાનું મૂળ નામ અટક સાથે ‘દિવ્યા ભારતી’ જ રાખીને સાઉથની ફિલ્મોમાં સફળતા મેળવી હતી. એ હૈદ્રાબાદ અને મદ્રાસ (ચેન્નઈ) વચ્ચે આંટા-ફેરા કરતી ત્યારે ગોવિંદા સાથે સ્વાભાવિક રીતે જ અબોલા હતા. એ બન્ને વચ્ચેની ‘કિટ્ટા’ તોડાવવાનું કામ ‘સ્ટારડસ્ટ’ મેગેઝીને કર્યું હતું. એ સામયિક પોતાના ‘એન્યુઅલ ઇશ્યુ’ અર્થાત ‘વાર્ષિક વિશેષાંક’માં ઑફબીટ વિષયો (થીમ) રાખવા આજે પણ જાણીતું છે. તેને માટે એ મેગેઝીન કદી કલ્પના ના કરી હોય એવી જોડીઓના ફોટો સેશન કરે. ‘સ્ટારડસ્ટ’નું પ્રકાશન શરૂ થયાને હજી બે-એક વર્ષ જ થયાં હતાં, ત્યારનો એવો અંક હજી યાદછે. તેના એ એન્યુઅલ કવર પર એક સાથે ચાર કેવી જોડીઓને ચમકાવી હતી? ૧૯૭૪ના ટાઇટલ પેજ પર આ ઑફબીટ પૅર્સ હતી... દિલીપ કુમાર સાથે હેમા માલિની, રીશી કપૂર જોડે જયા ભાદુરી, ધર્મેન્દ્ર અને નીતુસિંગ. કોઇ કોઇનો મેળ નહીં. 

 હા, તે પૈકીની ચોથી જોડી અમિતાભ અને રેખાની હતી, જે ખરેખર પછી  તો જામી અને આજે પણ ‘ફિલ્મફેર એવોર્ડ’ જેવા જાહેર સમારંભોમાં મીડિયાની ઉત્સુકતા બરકરાર રાખે છે. એવા એક (મોટેભાગે ૧૯૯૧ના) એન્યુઅલ ઇશ્યુ માટે ગોવિંદા અને દિવ્યા ભારતીને સંયુક્ત ફોટો સેશન માટે ‘સ્ટારડસ્ટ’ના પત્રકાર મનાવી શક્યા. એ ફોટો-શૂટ પત્યા પછી બન્ને વચ્ચેનાં રિસામણાં તૂટ્યાં અને ‘શોલા ઔર શબનમ’ માટે બેઉને ડેવિડ ધવને સાઇન કર્યાં. મઝાની વાત એ હતી કે તેમાં હીરોઇનનું નામ ‘દિવ્યા’ જ રખાયું. પિક્ચરમાં એક તબક્કે ગોવિંદાએ દિવ્યાના નામની રાડ પાડવાની હોય છે અને તે એટલી અસરકારક રીતે પાડવામાં આવી છે કે દિવ્યાના અવસાન પછી બનેલી કેટલીક વીડિયો શ્રધ્ધાંજલિમાં ગોવિંદાની ‘દિવ્યા...દિવ્યા’ના પડઘાવાળી એ બૂમનો ઉપયોગ થયો છે. સવાલ એ છે કે ‘સ્ટારડસ્ટ’ મેગેઝીને સમાધાન ના કરાવ્યું હોત તો?

શું દિવ્યાની લાઇફ અલગ હોત? કારણ કે દિવ્યાની તેના ભાવિ પતિ સાજીદ નડિયાદવાલા સાથેની પ્રથમ મુલાકાત ‘શોલા ઔર શબનમ’ના સેટ પર ગોવિંદા સાથે થઈ હતી! એ દિવસોમાં દિવ્યાનું નામ ગોવિંદા સહિત તેના કેટલાક હીરો સાથે જોડાવા માંડ્યું હતું, જે ફિલ્મી દુનિયાની રસમ પ્રમાણે સ્વાભાવિક પણ હતું. ગૉસિપ મેગેઝીનોમાં દિવ્યાનું નામ તેની ફિલ્મ ‘દિલ કા ક્યા કસૂર’ના હીરો પૃથ્વી સાથે પણ જોડાયું હતું. એ ફિલ્મના નિર્માતા હતા, મુકેશ દુગ્ગલ જેમનાં અંડરવર્લ્ડ કનેક્શન્સની તે દિવસોમાં ચર્ચા હતી. દિવ્યાના અવસાન પછી ૧૯૯૭માં તો ગેંગવોરમાં મુકેશ દુગ્ગલની હત્યા થઈ ગઈ. તેમની ફિલ્મ ‘દિલ કા ક્યા કસૂર’નો ઓછી ફિલ્મોમાં આવી શકેલો હીરો પૃથ્વી હોય કે પછી ‘બલવાન’ સફળ થયા પછી સંખ્યાબંધ હીટ પિક્ચરમાં આવનાર એક્શન હીરો સુનિલ શેટ્ટી હોય અથવા આજના સુપરસ્ટાર શાહરૂખ ખાન; સાઉથમાં સફળ હીરોઇન તરીકે નામ કમાયા પછી આવ્યા છતાં કોઇ નવોદિત સાથે ફિલ્મ સ્વીકારવાનો દિવ્યાએ ઇનકાર કર્યો નહોતો. 



સુનિલ શેટ્ટીની એન્ટ્રિની ફિલ્મ ‘બલવાન’માં દિવ્યા હીરોઇન હતી અને તે ફિલ્મ ૧૯૯૨ના બોક્સ ઓફિસ કલેક્શનની યાદીના ટોપ ૨૫માં હતી. સુનિલ શેટ્ટી સાથે ‘દો કદમ આગે’ નામના પિક્ચરમાં પણ દિવ્યા હતી. જો કે પછી સુનિલભાઇને બદલે સલમાન અથવા શાહરૂખને લેવાની પણ એક તબક્કે વાત ચાલતી હતી, એમ ખુદ દિવ્યાએ ‘સ્ટારડસ્ટ’ની કોલમ ‘કૉર્ટ માર્શલ’માં જણાવેલું છે. તેના સાઉથના હીરો મોહનબાબુએ ડાયમન્ડ રિંગ દિવ્યાને આપી હોવાનું પણ ગૉસિપ કોલમમાં ચર્ચાયું હતું. પોતાના બધા હીરો સાથે બિન્દાસ હસીને વાત કરતી એ રૂપાળી નાયિકા સાથેની આવી બધી વાતો અખબારો, મેગેઝીનોમાં ના આવતી હોત તો જ નવાઇ હોત. એ જ ‘કૉર્ટ માર્શલ’માં દિવ્યાએ કેટલાક એવા ખુલાસા કર્યા હતી કે તેની કામ કરવાની પધ્ધતિનો ખ્યાલ આવે.

જેમ કે જે.પી.દત્તાની ફિલ્મ ‘ક્ષત્રિય’માં ઢગલાબંધ સ્ટાર્સ હતા... સુનિલ દત્ત, ધર્મેન્દ્ર, વિનોદ ખન્ના, સંજય દત્ત, સની દેવલ, મીનાક્ષી શેષાદ્રી, રવીના ટંડનની સાથે દિવ્યા. તેના સર્જન દરમિયાન દિવ્યાને લાગ્યું કે પોતાનો ડ્રેસ રવીના માટેના ડ્રેસની સરખામણીએ પાછો પડે છે. તો તેણે એ વ્યવસ્થા સંભાળતાં મિસિસ દત્તા, એટલે કે એક સમયનાં સફળ અભિનેત્રી બિન્દીયા ગોસ્વામી, સાથે વાતચીત કરી. જો કે ગૉસિપ કોલમોના અહેવાલ કહેતા કે એ મુદ્દે બોલાચાલી થઈ હતી! પણ, સિનિયર સ્ટાર્સના આટલા મોટા ઝમેલામાં એક નવોદિતની એવી હિંમત ન હોય કે પ્રોડ્યુસરની પત્ની સાથે પંગો લે. એટલી કોમન સેન્સ તો દિવ્યામાં હતી. તેથી પોતાની પસંદગીના ડિઝાઇનરના ડ્રેસ પોતે પહેરશે એવી મંજૂરી દત્તા દંપતિ પાસેથી મેળવી લીધી.

દિવ્યાએ તે સમયના અન્ય એક એકટર અવિનાશ વાધવાન સાથે ‘ગીત’ ફિલ્મ કરી હતી, તેનાં નિર્માત્રી નિલિમા પૌલ સાથેનો તેનો આર્થિક વહેવાર પણ તેની કાર્યશૈલી દર્શાવે છે. તેમને પોતે કેવો સહકાર આપ્યો હતો તેની ચોખવટ કરતાં દિવ્યાએ એમ કહ્યાનું રેકોર્ડ પર છે કે, નિલિમાજી પાસે એ પિક્ચરની કોઇ ફી તેણે લીધી નહોતી. (દિવ્યાના શબ્દોમાં, ‘નોટ એ સિંગલ પૅની’!) ઉપરથી પોતાના મેકઅપમેન, ડ્રેસ ડિઝાઇનર વગેરેના પણ પૈસા બાકી હોવાની તેની ફરિયાદ હતી. એવી જ વાત તેણે ‘દિલ આશના હૈ’ના સર્જન દરમિયાનના પોતાના અને સ્ટાફના પેમેન્ટ અંગે પણ કરી હતી. એ ઇન્ટરવ્યૂ આજે વાંચતાં આપણને એમ થઈ શકે એમ છે કે આ રીતે પોતાની ફી અંગેની ખાનગી વાતો ખુલ્લે આમ કહેતા પહેલાં  એ બિન્દાસ છોકરીએ ફિલ્મનાં પ્રોડ્યુસર-ડાયરેક્ટર હેમા માલિનીનો પણ વિચાર નહીં કર્યો હોય? ‘દિલ આશના હૈ’ના પેમેન્ટ વિશે દિવ્યાએ શું કહ્યું હતું, એ જાણવા જેવું છે. (વધુ આવતા અંકે)

6 comments:

  1. Very nice . know about Divya Bharti

    ReplyDelete
  2. Replies
    1. Thank you Mehta saheb... your appreciation means a lot to me.

      Delete
  3. Bansibhhai ThakkarJuly 11, 2017 at 6:57 AM

    Nice as usual!

    ReplyDelete
    Replies
    1. Thanks Bansi for your appreciations. Hope you like the other articles as well.

      Delete