Sunday, July 23, 2017

દિવ્યા ભારતી (૬)





દિવ્યા ભારતી...... યાદોં મેં બસાયા તુમકો! (6)

દિવ્યા અને સલમાનની ઇંગ્લેન્ડમાં ધરપકડ થયાના વહેતા થયેલા સમાચારની પુષ્ટિ ખુદ સાજીદ  નડિયાદવાલાએ નિલોફર કુરેશીને આપેલા એક એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂમાં કરી હતી. સાજીદે કહ્યું હતું કે “હું માનું છું કે સલમાનની ધરપકડ જાહેરમાં ગન શૉટ ફાયર કરવા બદલ કરાઇ હતી. દિવ્યા પાછળની કારમાં હતી. રસ્તામાં સલમાને કારમાંથી ઉતરીને બસ એમ જ હવામાં ફાયરિંગ કર્યું અને આગળ રવાના થયા. પરંતુ, જ્યારે એ લોકો પાછા વળતા હતા ત્યારે પોલીસે કાર રોકી. તે વખતે સલમાનની બેનની સાથે દિવ્યા પણ એ જ ગાડીમાં બેઠી હતી. એટલે ધરપકડ બધાની થઈ હતી.... હું માનું છું કે મોરાની બંધુઓએ પોતાની વગ વાપરીને મામલો ક્લિયર કરાવ્યો હતો...” નિલોફર સાથેની આ એ જ મુલાકાત હતી જેમાં સાજીદે ચોખવટથી કહ્યું હતું કે (બલ્કે પત્રકારે તો શબ્દ પ્રયોગ કર્યો હતો, સાજીદે ‘ગર્જના કરી’ કે!) ‘...જ્યાં સુધી દિવ્યા ફિલ્મોમાં કામ કરવાનું છોડી નહીં દે, ત્યાં સુધી અમારા બન્ને વચ્ચે કશું ફોર્મલ શક્ય જ નથી... જો લગ્ન પછી એ એક્ટિંગ કરવા પાછી ફરશે તો, તેણે મારું ઘર છોડવું પડશે...’ 

સાજીદભાઇનો એ ઇન્ટરવ્યૂ ઘણી રીતે અગત્યનો હતો. એ દિવસોમાં એક મેગેઝીને (મોટાભાગે ‘મુવી’એ) સાજીદ અને દિવ્યાનાં લગ્નની સ્ટોરી દસ્તાવેજ સાથે પબ્લિશ કરી હતી. હંમેશની જેમ વિવાદ ઉભો કરે એવાં, એ હિન્દુ-મુસ્લિમ આંતરધર્મીય લગ્ન હતાં. એ બન્ને મુખ્ય પાત્રો વચ્ચે ક્યારે પ્રેમ પાંગર્યો એ કોઇને સમજાતું નહોતું. કેમ કે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં દિવ્યાને આવ્યે હજી માંડ એકાદ વરસ થયું હતું. પહેલા વર્ષે દસ પિક્ચરો રિલીઝ થયાં હોય અને એટલી જ બીજી ફિલ્મોમાં એ કાર્યરત હોય તો કોઇપણ હીરોઇન લગ્ન માટે કેવી રીતે તૈયાર થઈ હોય? એવા સવાલો ત્યારે પૂછાતા હતા. યાદ રહે, ૧૯૯૦ના પ્રારંભિક ગાળાનો એ સમય રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદના પ્રશ્ને કોમી તણાવથી ભરપૂર હતો. તેને લીધે મીડિયામાં સવાલો આવવા લાગ્યા હતા કે ‘શું દિવ્યાને કોઇ દબાણ હેઠળ શાદી કરવાની ફરજ પડી હતી?’ પરંતુ, હકીકત જુદી હતી.

કેમ કે દિવ્યાનાં લગ્ન અંગે તેનાં મમ્મીએ વર્ષો પછી ‘બોલીવુડ હંગામા’ના એક ટીવી ઇન્ટરવ્યૂમાં એક એવો ખુલાસો કર્યો હતો, જેનાથી કોઇના દબાણની થિયરી ટકી શકે એવી નથી રહેતી. એ મુલાકાતમાં શ્રીમતી મીતા ભારતી એમ કહેતાં જોઇ શકાય છે કે સાજીદને પહેલીવાર જોઇને જ દિવ્યાએ પોતાના જીવનસાથીની પસંદગી કરી લીધી હતી. એ બન્નેની દોસ્તી ગંભીર રીતે આગળ વધી રહ્યાની જાણ મમ્મીને હતી. મીતા ભારતીએ તે ઇન્ટરવ્યૂમાં કહ્યા પ્રમાણે તો, દિવ્યા ૧૮ વરસની થઇ પછી તેણે કહી દીધું હતું કે હવે પોતે પુખ્ત થઈ છે અને તે સાજીદ સાથે લગ્ન કરવાની છે. પણ પિતાજીને કહે કોણ? પપ્પાને કહેવાની મા-દીકરી કોઇની હિંમત નહોતી. તેનું એક કારણ દિવ્યાની સખી ગુડ્ડી મારૂતીએ ‘સ્ટાર એન્ડ સ્ટાઇલ’ સાથેની એક મુલાકાતમાં આપેલી એક બહુ ઓછી જાણીતી માહિતીમાં પણ હોઇ શકે છે.

ગુડ્ડી મારૂતીના કહેવા પ્રમાણે, ભારતી સાહેબની અગાઉના લગ્નથી થયેલી પુત્રીએ પણ એક મુસ્લિમ યુવાન સાથે લગ્ન કર્યાં હતાં અને તેને લીધે પિતાએ તે દીકરી સાથેના સંબંધો કાયમ માટે તોડી નાખ્યા હતા! એટલે જ્યારે ૧૦મી મેના દિવસે દિવ્યાએ પોતાની માતાને એમ કહ્યું કે આજે એ લગ્ન કરવા જઈ રહી છે અને મમ્મી તેમાં સાક્ષી તરીકે સહી કરવા સાથે આવે; ત્યારે મીતા ભારતીએ સાફ ઇનકાર કરી દીધો. છેવટે વિટનેસ તરીકે દિવ્યા તરફથી તેની હેર ડ્રેસર સંધ્યા અને સાજીદ તરફથી ગોવિન્દા જેવા ગણત્રીના મિત્રો જ હાજર હતા. લગ્ન પછી તે દિવસે સાજીદ સાથે રહ્યા પછીના દિવસે, જાણે કશું ન બન્યું હોય એમ, એ પાછી પોતાને ઘેર આવી ગઈ હતી. ધીમે ધીમે વાત બહાર આવવા માંડી અથવા તો આવવા દેવાઇ. કેમ કે આવા કિસ્સાઓમાં, જેમને વાંધો હોય એવા સૌનો પ્રતિભાવ જાણવાની એ પણ એક યુક્તિ હોય છે. દિવ્યાનાં લગ્ન અંગે તો તેના પોતાના પિતાજીની ખફગી ઉપરાંત સાજીદના ઘરમાં પણ નારાજગી થવાની શક્યતા હતી. 


સાજીદને ત્યાં એક્ટ્રેસ વહુ આવે તેનો વાંધો હતો. તેમાં છૂટછાટ એક જ હતી. લગ્ન પછી એ અભિનેત્રીએ ફિલ્મો નહીં કરવાની. એ કોમ્પ્રોમાઇઝનું કારણ સાજીદે પેલા ‘ગર્જના’ કરેલા ગણાતા ઇન્ટરવ્યૂમાં આપેલું જ હતું. “કોઇ પણ પુરુષને પોતાની પત્ની બીજા પુરુષ સાથે પોસ્ટરમાં દેખાય એ પસંદ ન પડે...” ઘણીવાર પ્રેમલગ્નમાં આ મુશ્કેલી થતી જ હોય છે ને? છોકરીનો જે બિન્દાસ એટિટ્યૂડ એક બોયફ્રેન્ડ તરીકે ગમતો હોય અને કદાચ આકર્ષણનું પ્રાથમિક કારણ પણ હોય, એ જ પછી વાંધાનું કારણ બને! દિવ્યા તો લવ સીન્સમાં પણ એટલી જ તન્મયતાથી મગ્ન થતી અભિનેત્રી હતી. તમે એને ‘દીવાના’માં રીશી કપૂર સાથેના એક ગીત “તેરી ઇસી અદા પે મુઝ કો તો પ્યાર આયા...”માં વરસાદમાં પ્રેમાલાપ કરતી જુઓ તો પણ અદાકારીમાં તેનું સ્વાર્પણ સમજાય. તેને ‘બલવાન’માં સુનિલ શેટ્ટી સાથે  “જલતા હૈ બદન યે મેરા, તુ બન કે પ્યાર કી શબનમ, નસ નસ કી આગ બુઝા દે...” જેવા શબ્દોને પણ એટલી જ નિષ્ઠાથી ન્યાય આપે. હકીકતમાં તો દિવ્યાની કરિયર હિન્દી સિનેમામાં જેટલો સમય ચાલી એ બે વરસનો સમય કર્ણપ્રિય સંગીતની વાપસીનો હતો. એટલે તેને ત્યારે પ્રચલિત એવી વેસ્ટર્ન ટ્યુન્સ અને નદીમ-શ્રવણ અને આનંદ-મિલિન્દની મધુરી ધૂનો બન્નેનો સરસ લાભ મળ્યો હતો!

દિવ્યાની શરૂઆત જ “સાત સમુંદર પાર મૈં તેરે પીછે પીછે આ ગઈ...’’ (વિશ્વાત્મા) જેવા ધમાકેદાર ગાયનથી થઈ હતી. તે પિક્ચર ના ચાલ્યું; પણ ગીત કેવું જામ્યું હતું? આજે પણ એ દિવ્યાની ઓળખ જેવું ગણાય છે. એ જ રીતે તેની ‘દિલ કા ક્યા કસૂર’ પણ બોક્સ ઓફિસ ઉપર ચાલી નહોતી. પરંતુ, તેનાં ગીતો? કુમાર શાનુ, ઉદિત નારાયણ, અનુરાધા પૌડવાલ, કવિતા ક્રિશ્નમૂર્તિ, સાધના સરગમ, અલકા યાજ્ઞિક વગેરેનો એ ગોલ્ડન પિરિયડ! તેનું ટાઇટલ ગીત “આશિકી મેં હર આશિક હો જાતા હૈ મજબુર, ઇસ મેં દિલ કા ક્યા કસૂર...” આજે પણ સાંભળવું ગમે એવું છે. જો કે એ પિક્ચરનાં ગાયનોમાં પ્રેમીઓને અપાતા પ્રેક્ટિકલ સલાહના આ શબ્દો કેવા નવતર હતા.... “મિલને કી તુમ કોશીશ કરના વાદા કભી ન કરના... વાદા તો ટૂટ જાતા હૈ...”!! પણ દિવ્યાની લોકપ્રિયતા આજે પણ કેવી જબ્બર છે એ જોવું હોય તો ‘ગીત’ ફિલ્મનું એક જ ગીત કાફી છે. 

 
દિવ્યાએ ‘ગીત’ના ટાઇટલ સોંગ, “આપ જો મેરે મીત ન હોતે, હોટોં પે મેરે યે ગીત ન હોતે...”ને એટલી મસ્તીથી પડદા ઉપર અભિવ્યક્ત કર્યું છે કે આજે ‘યુ ટ્યુબ’ પર એ ગાયનને ૨૫ મિલિયન વ્યૂઝ મળેલા છે! તેમાં લતાજીનો અવાજ અને ભપ્પી લહેરીએ મૂકેલા સિતારના રણકાર પર દિવ્યાનો ડાન્સ અને અભિનય એક અલગ જ મઝા કરાવે છે. વિચાર કરો કે એ ફ્લોપ ગયેલા પિક્ચરના પડદા પર દિવ્યાએ ગાયેલા એ ગીતને અત્યાર સુધીમાં અઢી કરોડ લોકોએ જોયું છે અને હજી ગિનતી ચાલુ છે. દિવ્યાની લોકપ્રિયતાના એ દિવસોમાં “તુઝે ના દેખું તો ચૈન મુઝે આતા નહીં...” (રંગ) “તેરી ઉમ્મીદ તેરા ઇન્તજાર કરતે હૈં...” (દીવાના) “જાને દે જાને દે મુઝે જાને દે... મિલને કા મઝા જરા આને દે...” (શોલા ઔર શબનમ)) જેવાં ઘણાં ગાયનો પોપ્યુલર થતાં, હરીફોએ એમ પણ કહેવા માંડ્યું હતું કે દિવ્યાની સફળતા એ તેની પોતાની નહીં, મ્યુઝિકની સફળતા હતી. જો કે એ આરોપ સહન કરનારી દિવ્યા પ્રથમ કલાકાર થોડી હતી?

દિવ્યાની જેમ અગાઉના દાયકાઓમાં આશા પારેખ જેવી અભિનેત્રીને પણ એ જ કોમેન્ટનો સામનો કરવાનો આવ્યો હતો ને? પરંતુ, એ સૌને એક વાતે તો ક્રેડિટ આપવી જ પડેને કે તેઓ ફિલ્મોની પસંદગી સારા મ્યુઝિક સેટઅપવાળી કરતા હતા. તો કોઇ કહેતું કે દિવ્યા ‘લકી’ હતી કે યોગ્ય સમયે એન્ટ્રિ કરી હતી. તે સમયે ’૯૦ના દાયકાની હીરોઇનોનો ફાલ આવી રહ્યો હતો. ત્યારે એક બિન્દાસ એક્ટ્રેસ તરીકે એ આવી. એવા એ વાતાવરણમાં તેના લગ્નના ‘ન્યૂઝ’ તો દૂરની વાત હતી, માત્ર તેની અફવા પણ કેવી સનસનાટી કરી શકે! મેગેઝીનોએ પોતાનું કામ પૂર્ણ કર્યું અને દિવ્યાના ઘરમાં તથા અંગત જિંદગીમાં ખળભળાટ શરૂ થયો.

એ દિવસોમાં દિવ્યાના પિતાનો એક ઇન્ટરવ્યૂ આવ્યો, જેમાં તેમણે પત્રકાર મારિઆ ડી’કોસ્ટાને કહ્યું કે “બધા દિવ્યાનાં સાજીદ સાથેનાં લગ્નની વાતો કરે છે. પણ જ્યાં સુધી દિવ્યા પોતે મને નહીં કહે ત્યાં સુધી હું માનવાનો નથી હજી એ અમારી સાથે જ રહે છે. સાજીદને હું બરાબર જાણતો નથી. અમે એક જ વાર તેની ફિલ્મના પ્રિમિયરમાં મળ્યા છીએ...”  એ પછી ભારતી સાહેબે જે કહ્યું એ એક રીતે ચિંતાજનક હતું. તેમણે કહ્યું કે “ જો તે (દિવ્યા) ખરેખર સાજીદને પરણવા માગતી હશે તો હું શું કરી શકવાનો હતો? એ પુખ્તવયની છે. હું તો એટલું ઇચ્છું છું કે તેને ભવિષ્યમાં કોઇ પ્રોબ્લેમ ન થાય. હું તેને જીવતી જોવા માંગું છું, મરેલી નહીં...” પિતાના આ શબ્દો પાછળ દિવ્યાની આત્મહત્યાની સંભાવના જવાબદાર હશે? એવા એ તંગ વાતાવરણમાં દીવાળીના દિવસોમાં સાજીદ ભારતી પરિવારને ત્યાં મળવા આવે છે. (ક્રમશઃ)  

 ખાંખાંખોળા!


અમિતાભ બચ્ચનની અત્યારે ૭૦ પ્લસની

 ઉંમરે જે હેર સ્ટાઇલ છે, તેનો આછો 

ખ્યાલ આપે એવો તેમનો

આ જૂનો ગેટ અપ છે, તેમની એક નહીં 

બની  શકેલી ફિલ્મ ‘ખબરદાર’નો! 



No comments:

Post a Comment