Saturday, September 9, 2017

ગુલે ગુલઝાર - આનંદ

ગુલે ગુલઝાર


  
મૈંને તેરે લિયે હી સાત રંગ કે સપને ચુને...”

 
 ‘આનંદ’ની પડદા પાછળની કહાની તો જગજાહેર છે. ફિલ્મના સર્જક ઋષિકેશ મુકરજીના મિત્ર અને તેમની ફિલ્મો ‘અનાડી’ તથા ‘આશિક’ના હીરો રાજ કપૂર એક વાર બીમાર થઈ ગયા ત્યારે તેમને બીક લાગી કે તેમને કાયમ પ્રેમથી ‘બાબુ મોશાય’ કહીને બોલાવતા તેમના દોસ્ત ‘રાજ’ મરી તો નહીં જાયને? પછી તો રાજસા’બ સાજા-નરવા થઈ ગયા. પરંતુ, એ સમયની ગમગીનીએ ઋષિદાના મનમાં એક વાર્તા-બીજ રોપી દીધું. એટલે ફિલ્મ શરૂ થતાં તે ‘મુંબઈ શહેરને’ ઉપરાંત ‘રાજકપૂરને’ પણ ‘અર્પણ’ કરાયાની નોંધ આવે જ છે. તેના પરથી ડેવલપ થયેલી એ વાર્તાના સ્ક્રિનપ્લેની ક્રેડિટ ખુદ ઋષિકેશ મુકરજી ઉપરાંત બિમલ દત્તા, ડી. એન. મુકરજી સાથે સાથે ગુલઝારને પણ અપાઇ છે. પરંતુ, ‘આનંદ’માં ગુલઝારનું સૌથી મોટું યોગદાન સંવાદો અને બે ગીતો ઉપરાંત મૃત્યુને હિન્દી સિનેમામાં એક નવતર દ્દષ્ટિએ બતાવતી રચના “મૌત તુ એક કવિતા હૈ, મુઝ સે વાદા હૈ એક કવિતા કા, મિલેગી મુઝકો...”નું છે. કોઇ આશ્ચર્ય નહોતું કે ‘ફિલ્મફેર એવોર્ડ’ની સૌ પ્રથમ ટ્રોફી તેમને ‘આનંદ’ના સંવાદો માટે મળી હતી! (મૃત્યુના દ્વારે ઉભેલો ‘આનંદ’ જ્યારે પોતાની માનેલી બહેન પાસે રાખડી બંધાવ્યા પછી મનમાં એમ કહે છે કે “તુઝે ક્યા આશીર્વાદ દું, બહેન? યે ભી તો નહીં કહ સકતા...  મેરી ઉમર તુમ્હેં લગ જાય?” ત્યારે સિનેમાહોલમાં કોઇ આંખ કોરી રહી શકી હશે ખરી?)
હકીકતમાં તો, ‘આનંદ’ના ડાયલોગમાં ગુલઝાર સાહેબે જીવ રેડી દીધો હતો અને તેમનું એ ગંભીર ઇન્વોલ્વમેન્ટ વિના કારણ પણ નહોતું. તેમને તો એ પિક્ચરનું દિગ્દર્શન કરવા મળવાનું પચાસ ટકા પ્રોમિસ મળેલું હતું અને તે પણ ખુદ ઋષિકેશ મુકરજીએ લંડનમાં આપ્યું હતું! ગુલઝારે લેખિકા નસરીન મુન્ની કબીરને આપેલી એક મુલાકાતમાં એ રહસ્યોદ્ઘાટન કરેલું છે. તેમના કહેવા પ્રમાણે, પોતે ઋષિકેશ મુકરજી સાથે લંડન ગયા હતા ક્રાંતિકારી ઉધમસિંગના જીવન પરથી એક ફિલ્મના શૂટિંગ માટે. તે ફિલ્મ વર્ષો પછી ૧૯૮૭માં ‘જલિયાંવાલા બાગ’ તરીકે રિલીઝ થઈ હતી. જાણવા જેવી વાત એ છે કે તે ફિલ્મમાં ગુલઝારે એક મહારાષ્ટ્રિયન પત્રકારની ભૂમિકા પણ કરી હતી. કેમ કે નાના નાના રોલ માટે લંડનમાં કલાકારો શોધવા સમય અને પૈસા બેઉ રીતે પરવડે એમ ન હોઇ ઋષિદાએ દરેક આસિસ્ટન્ટને કોઇને કોઇ ભૂમિકામાં મેક અપ લગાવડાવીને કેમેરા સામે ઉભા કરી દીધા હતા! ત્યાં ઋષિકેશ મુકરજીએ ‘આનંદ’ અને ગુલઝારની એક વાર્તા ‘ગુડ્ડો’ (જેનું ટાઇટલ પછી ‘ગુડ્ડી’ થયું)  બન્નેના સ્ક્રિનપ્લે તૈયાર કરવાનું કામ સોંપ્યું. એટલું જ નહીં, બે પૈકીની એક ફિલ્મ પોતે ડાયરેક્ટ કરશે અને બીજીનું નિર્દેશન ગુલઝાર કરશે એવું વચન આપ્યું હતું. પરંતુ, મુંબઈ પહોંચ્યા પછી ‘આનંદ’ અને ‘ગુડ્ડી’ બન્નેનું દિગ્દર્શન મુકરજીદાદાએ જ કર્યું! 

 ‘આનંદ’નું ગુલઝારે લખેલું આ ગીત “મૈંને તેરે લિયે હી સાત રંગ કે સપને ચુને, સપને સુરીલે સપને...” મુકેશે ગાયું છે તે પણ એક રસપ્રદ કારણસર. તે દિવસો હતા રાજેશ ખન્નાની ધોમ ધખતી લોકપ્રિયતાના અને તેથી તેમના ગાયક તરીકે કિશોર કુમાર લગભગ અનિવાર્ય જેવા થઈ ગયા હતા. ‘આરાધના’, ‘સચ્ચા જુઠા’, ‘સફર’ અને ‘આન મિલો સજના’ જેવાં સુપરહીટ આલ્બમનો એ સમય હતો, જેમાં રફી સાહેબનાં પણ ગીતો હોવા છતાં એ સ્પષ્ટ હતું કે ‘કાકા’નો અવાજ (કિશોર) ‘દાદા’ થઈ ચૂક્યા હતા. પરંતુ, ‘આનંદ’માં રાજેશ ખન્નાનું કોઇ ગાયન કિશોરદાને ના મળ્યું હોય તો તેના કારણમાં એ જ પિક્ચર હતું! શરૂઆતમાં ‘આનંદ’ની ભૂમિકા માટે કિશોર કુમાર અને બાબુ મોશાય તરીકે મેહમૂદને લઈને કોમેડી ફિલ્મ બનાવવાનું આયોજન હતું. તેમાં કિશોર કુમારના બંગલે બીજા બંગાળી નિર્માતાના ભ્રમમાં ઋષિકેશ મુકરજીને એન્ટ્રી ના અપાઇ. તેનાથી નારાજ સર્જકે કિશોર કુમારને પ્લેબેક સિંગર તરીકે લેવાનો તો સવાલ જ નહોતો. હીરો તરીકે રાજેશ ખન્ના સિલેક્ટ થયા એ પણ શશિ કપૂરના ઇનકાર પછી જ. 

પણ દાદ દેવી પડે ખન્ના સાહેબની સ્ક્રિપ્ટની સેન્સની કે ‘આનંદ’ માટે સળંગ તારીખો તો આપી જ, પોતાની ફી પણ તદ્દન ઓછી કરી આપી! હોંશિયાર ખન્નાએ ઋષિકેશ મુકરજીની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી અને કોઇ ખચકાટ વિના  કિશોર કુમારને બદલે મન્નાડે (જિંદગી કૈસી હૈ પહેલી હાયે...) અને મુકેશના અવાજમાં સલિલ ચૌધરીની સિમ્ફની પર ગીત ગાયાં. (સલિલદાએ ‘આનંદ’ના બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં સેક્સોફોન પર વગાડાવેલી એક ધૂન ગુલઝારને એટલી પસંદ પડી ગઈ હતી કે તે પોતે બોટી લીધી અને તેના આધારે તેમણે પોતાના ડાયરેક્શનની પ્રથમ ફિલ્મ ‘મેરે અપને’ માટે  એક ઓર અમર ગીતની રચના કરી.... “કોઇ હોતા જિસ કો અપના હમ અપના કહ લેતે યારો...”)  
  
‘આનંદ’ના મુકેશજીએ ગાયેલા આ ગીત “મૈંને તેરે લિયે હી સાત રંગ કે સપને ચુને...”માં ગુલઝાર શબ્દોથી બહુ બારીક રીતે સ્થાપિત કરે છે કે નાયકનો ભગ્નપ્રેમનો પણ એક ભૂતકાળ છે. ગાવાનું શરૂ કરતાં પહેલાં એ હળવો મૂડ બનાવવા કહે છે, “ખાને ઔર ગાને મેં,  મૈં કોઇ નખરા નહીં કરતા!” તે ગાતી વખતે ‘આનંદ’, દેખીતી રીતે જ, પોતાની મસ્તીભરી શૈલી બરકરાર રાખે છે. પરંતુ, સાથે સાથે ગીતના પ્રારંભમાં જ કવિ અલંકારિક ભાષામાં એક ડિસ્ક્લેમર પણ મૂકી દે છે. તેમાં મેઘધનુષના સાત રંગ અને સંગીતના સાત સ્વરોનો સંદર્ભ આપીને કહી દે છે કે તેનાં ચૂંટેલાં સ્વપ્નાં એ વિવિધ લાગણીઓનું પેકેજ છે. તેમાં માત્ર ખુશાલી નહીં હોય, ઉદાસી પણ હશે. આમ, ‘આનંદ’ના મનના કોઇ ખૂણે પડેલી અંગત પીડાની કશીશ પણ શરૂઆતની પંક્તિઓમાં જ ગુલઝાર વ્યક્ત કરી દે છે, જ્યારે એ લખે છે, “કુછ હંસતે, કુછ ગમ કે, તેરી આંખોં કે સાયે ચુરાયે રસીલી યાદોં ને...” અહાહા! અમે તો આ ‘આંખો કે સાયે’ એ શબ્દ પર ઠેઠ ૧૯૭૧માં કોલેજના ત્રીજા વરસમાં પહેલીવાર ‘આનંદ’ જોયું ત્યારના વારી ગયા છીએ. એ પંક્તિનું લેખન ગુલઝાર સાહેબે કયા અર્થ માટે કર્યું હશે એ ખબર નથી. પરંતુ, આજકાલ કરતાં ૪૦થી વધુ વર્ષોથી, રસિક મિત્રોની અંગત બેઠકમાં, અમે એ અર્થઘટન કરતા આવ્યા છીએ કે સંવનન દરમિયાન પ્રેમિકાની આંખોએ અનેક સ્મૃતિઓના પડછાયા એકત્ર કર્યા હોય, તેમાંની ઇન્ટરેસ્ટિંગ યાદો ચોરી લીધી છે!

અંતરામાં ગુલઝાર પ્રણયની નાની નાની પળોનો મહિમા કરતાં લખે છે, “છોટી બાતેં, છોટી છોટી બાતોં કી હૈ યાદેં બડી, ભૂલે નહીં બીતી હુઇ ઇક છોટી ઘડી...”  પછી એ પોતાને ગમતા સજીવારોપણ અલંકાર (હિન્દીમાં જેને ‘માનવીકરણ અલંકાર’ કહે છે તે)ને ઉપયોગમાં લાવે છે અને મળે છે આ અદભૂત પંક્તિ, “જનમ જનમ સે આંખેં બિછાઈં તેરે લિયે ઇન રાહોં ને...”! જોવાની મઝા એ છે કે કોઇ પ્રિયતમા માટે પ્રેમી રાહમાં આંખો બિછાવીને ઇન્તજાર કરે એવી કવિતાઓ તો ઘણી આવી હતી. પરંતુ, પ્રેમના રસ્તાને જ જન્મોજનમ પ્રેમીજનોની સ્મૃતિઓની રાહ જોતો બતાવવાની કલ્પના તો ગુલઝાર સાહેબ જ કરી શકે. અહીં “જનમ જનમ સે આંખેં બિછાઈં તેરે લિયે ઇન રાહોં મેં...” એમ લખ્યું હોત તો પણ મીટરમાં કે માત્રામેળમાં ફરક નહોતો પડતો. છેલ્લા અંતરામાં એમ કર્યું પણ છે. પરંતુ, અહીં “આંખો કે સાયે’ના રેફરન્સને આગળ વધારવામાં ‘રાહોં ને’ બરાબર બંધ બેસે છે. બીજા અંતરામાં હ્રદયને પણ અલગ વ્યક્તિ, બલ્કે નાનું બાળક ગણીને કહે છે, “ભોલે ભાલે, ભોલે ભાલે દિલ કો બેહલાતે રહે...” (એ જ કલ્પનાને ગુલઝારે ‘ઇશ્કિયા’ ફિલ્મના આખા ગાયનમાં વિકસાવી જ છે ને?... “દિલ તો બચ્ચા હૈ જી, થોડા કચ્ચા હૈ જી...”!)         

નાના બાળક જેવા દિલને રાજી કરવા ગુલઝાર એકાંતમાં પ્રિયતમાના વિચારોની સજાવટ યાદ કરે છે, “તન્હાઇ મેં તેરે ખયાલોં કો સજાતે રહે...”. પછીની પંક્તિમાં એ વળી પાછા સજીવારોપણ અલંકારનો પ્રયોગ લાવે છે અને ભાવકોને મળે છે આ ખૂબસુરત શબ્દો, “કભી કભી તો આવાઝ દે કર, મુઝ કો જગાયા ખ્વાબોં ને...” સપનું ઊંઘમાં આવે અને એ જ તમને જગાડી દે? હા, ક્યારેક માનવામાં ના આવે એવું કોઇ સ્વપ્નું આી જાય તો ઝબકી જ જવાતું હોય છે ને? ફિલ્મમાં પછી એ રાઝ ખૂલે છે કે ‘આનંદ’ને પોતાની પ્રેમિકાનાં લગ્ન અન્યત્ર થવાથી અલગ થવું પડ્યું હોય છે. એટલે પરિણિતા સાથે તેના પુરાણા પ્રેમીના પુનર્મિલનનું ખ્વાબ એ પણ એવું જ ચોંકાવનારું હોય, જેની સમજ નિંદરમાં ચાલુ સપને પણ પડી જાય! આ પંક્તિઓ પડદા ઉપર આવે છે, ત્યારે રાજેશ ખન્ના થેલામાંથી પોતાની ગમતી એ કવિતા જોવા પુસ્તક કાઢે છે. અહીં ગુલઝારને ગીતકાર ઉપરાંત સ્ક્રિપ્ટ રાઇટર હોવાનો લાભ પણ મળે છે. ફિલ્મમાં તે પછી આવતા કવિ યોગેશજીના એક એવા જ બેમિસાલ ગીત “કહીં દૂર જબ દિન ઢલ જાયે...” વખતે એ જ ડાયરીના એક પાના ઉપર સુકાયેલું પુષ્પ દેખાડાયું છે. એ રીતે જુઓ તો એ સીન, શાયર એહમદ ફરાઝની ગઝલની પંક્તિ “અબ કે હમ બિછડે તો શાયદ કભી ખ્વાબોં મેં મિલે, જિસ તરહ સુખે હુએ ફુલ કિતાબોં સે મિલે...” નું ફિલ્માંકન લાગે! છેલ્લો અંતરો ફરી એકવાર સજીવારોપણ અલંકારથી ભરપુર છે.

અંતિમ અંતરામાં રાત્રી અને સવાર બન્ને કુદરતી પ્રક્રિયાઓને પણ તે જીવિત વ્યક્તિ હોય એમ કલ્પના કરતાં ગુલઝાર લખે છે, “રૂઠી રાતેં, રૂઠી હુઇ રાતોં કો મનાયા કભી, તેરે લિયે, બીતી સુબહ કો બુલાયા કભી...” પ્રેમીઓનાં રિસામણાં-મનામણાં ક્યારેક આખી રાત ચાલતાં હોય છે અને સવારે સુલેહ થાય એમ પણ બનતું હોય છે. તેનો બીજો અર્થ એ પણ થાય કે રાત્રીનું કામ છે ઊંઘ લાવવાનું. પણ ક્યારેક પ્રેમીજનની યાદમાં જાગરણ થઈ જાય, ત્યારે લાગે કે રાત રિસાઇ ગઈ છે કે શું? એટલે મતલબ દરેકે પોતાની રીતે કાઢવાનો રહે. છેલ્લી પંક્તિમાં પ્રિય પાત્રના ઇન્તજારની પરાકાષ્ટા આ શબ્દોમાં વ્યક્ત થાય છે, “તેરે બિના ભી, તેરે લિયે હી, દિયે જલાયે રાહોં મેં...” સામી વ્યક્તિ કદી મળવાની ન હોય છતાં તેની પ્રતિક્ષા સતત ઝળહળતી રહે, એ પણ સપ્તરંગી સપનાંનો એક આગવો રંગ છે. 

અમારી દ્દષ્ટિએ ગુલઝારે ફિલ્મના ક્લાઇમેક્સમાં ટેપરેકોર્ડરમાંથી અમિતાભના મુખે વંચાતી મૃત્યુ વિશેની કવિતા “મૌત તુ એક કવિતા હૈ...” અને પછી આવતો શેક્સપિયરની ફિલોસોફીના અર્ક જેવો સંવાદ “જિંદગી ઔર મૌત ઉપરવાલે કે હાથ મેં હૈ, જહાંપનાહ ઉસે ન આપ બદલ સકતે હૈં ન મૈં, હમ સબ તો રંગમંચ કી પુતલિયાં હૈં, જિન કી ડોર ઉપરવાલે કી ઉંગલિયોં મેં બંધી હૈ...”  એ બન્ને લખીને પડદા પાછળની પોતાની ક્રિએટિવિટીને ‘આનંદ’માં જેવી ખીલવી હતી, એવી કોઇ એક જ કૃતિમાં ખીલવવાની બાકી છે. બલ્કે મોતનું આ કાવ્ય લખીને તો તેમણે આખી ફિલ્મને ‘કચકડાની કવિતા’ની કક્ષાએ મૂકી આપી હતી અને તે પણ અમિતાભ બચ્ચનના નક્કર અવાજમાં, જે સાંભળવા ઘડીક તો ખુદ યમરાજ પણ અટકી જાય..
મૌત તુ એક કવિતા હૈ.
મુઝસે એક કવિતા કા વાદા હૈ,
મિલેગી મુઝકો
ડૂબતી નબ્જો મેં, જબ દર્દ કો નીંદ આને લગે
જર્દ સા ચેહરા લિયે, જબ ચાંદ ઉફક તક પહુંચે
દિન અભી પાની મેં હો, રાત કિનારે કે કરીબ
ના અંધેરા હો, ના ઉજાલા હો, ના અભી રાત ના દિન
જિસ્મ જબ ખત્મ હો ઔર રૂહ કો જબ સાંસ આયે
મુઝ સે એક કવિતા કા વાદા હૈ, મિલેગી મુઝકો!

ખાંખાખોળા!

યુવાનના દેવ આનંદને વર્ણવવા ગુજરાતીમાં ખાતું : સોહામણો હીરો

તે દેવસા’બ માટે એન્ડોર્સ કરવા બ્લેડી વધુ યોગ્ય કઈ પ્રોડક્ટ હોઇ કે?




3 comments: