Monday, June 29, 2015

ફિલમની ચિલમ.... ૨૮ જુન૨૦૧૫

‘બજરંગી ભાઇજાન’ને
‘હનુમાન ચાલીસા’માં એક શબ્દનું સંભવિત ‘સંકટ’!


 
સલમાન ખાનની નવી ફિલ્મ ‘બજરંગી ભાઇજાન’ રમઝાન ઇદના તહેવારની રજાઓનો લાભ લેવા રિલીઝ માટે તૈયાર થાય તે પહેલાં એક ભૂલ સુધારી લેવી પડશે; નહીંતર ધાર્મિક લાગણીનો પ્રશ્ન ઉભો થતાં વાર નહીં લાગે. ‘બજરંગી ભાઇજાન’નું ટ્રેઇલર માર્કેટમાં આવ્યું અને રાતોરાત ‘યુ ટ્યુબ’ પર એક અઠવાડિયામાં તો લગભગ પચીસ લાખ (અઢી મિલિયન) લોકોએ જોઇ પણ કાઢ્યું. પરંતુ, તેમાં સલમાનના મુખેથી ‘હનુમાન ચાલીસા’ની બોલાતી એક પંક્તિમાં ફરક હોવાથી ગણગણાટ શરૂ થયો છે. સલમાન એક વાર ‘સબ સુખ લહે તુમ્હારી શરના, તુમ રક્ષક કાહુ કો ડરના’ બોલે છે, તે બરાબર છે. પરંતુ, અન્ય ચોપાઇમાં ‘સંકટ કટે મિટે સબ પીરા, જો સુમિરે હનુમત બલબીરા’ને બદલે ‘સંકટ હરે મિટે સબ પીરા’ એમ બોલે છે. આમ તો સંકટ કપાય કે હરાય અર્થમાં એવો મોટો ફરક નથી પડતો. પરંતુ, તુલસીદાસજીની રચનામાં ધાર્મિક પ્રજા શુધ્ધતાનો આગ્રહ સ્વાભાવિક જ રાખે. તેમાં વળી સલમાન સાથે સંકળાયેલા વિવાદો જોતાં કોઇ નવો મુદ્દો ના આપવો હોય તો ડબીંગમાં આ સુધારો કરી દેવાશે એમ અંદાજ મૂકી શકાય.  સુધારેલું ડબીંગ કરવા પૂરતો સમય હશે, કારણ સલમાનની ફિલ્મ ઇદ પર એટલે કે ૧૭મી જુલાઇના સપ્તાહમાં આવશે. 

ત્યાં સુધી બૉક્સ ઓફિસની રફતાર ‘અચ્છે દિન’વાળી જ રહેશે એવા અણસાર ‘એનીબડી કેન ડાન્સ - ટુ’ના કલેક્શનથી મળ્યા છે. જે દિવસોમાં ટિકિટબારીને પણ ઉપવાસ કરવા પડે એવા ગણાતા રમઝાન માસની શરૂઆત થયા છતાં ‘એબીસીડી-૨’ને પહેલા પાંચ જ દિવસમાં ૬૦ કરોડની લોટરી લાગી ચૂકી છે. વળી, આ તો વરૂણ ધવન અને શ્રધ્ધા કપૂર જેવા પ્રમાણમાં નાના સ્ટાર્સની ફિલ્મ છે. તો પછી સલમાન સરખા સુપરસ્ટારને કેવો રિસ્પોન્સ મળશે? ‘અચ્છે દિન’ની આ સ્પીડ પકડાયેલી રહી તો ‘બજરંગી ભાઇજાન’ને ચાંદી હી ચાંદી થશે. એનો બીજો અર્થ એ પણ થાય કે સલમાનને પોતાને ત્યાં સોનું વરસશે. કેમ કે આ પિક્ચરના પ્રોડ્યુસર ‘ભાઇજાન’ પોતે જ છે!

હવે તો એક્ટરો -ખાસ કરીને ટૉપ સ્ટાર્સ- શીખી ગયા છે કે તેમના જ નામ પર નિર્માતાઓ એક-બે અઠવાડિયામાં કરોડો રૂપિયા ઉસેડી લેતા હોય છે; તો પછી એકાદ-બે તગારાં ડાયરેક્ટર અને અન્ય કલાકાર કસબીઓને આપીને ધનનો એ ઢગલો પોતે જ પાવડાથી કેમ ના ઉલેચી લેવો? હમણાં એવા સમાચાર આવ્યા હતા કે ‘પીકે’ની કમાણીમાંથી ૩૩ ટકા હિસ્સો લેવાની શરત આમિરખાને કરી હતી અને તેથી તેને ૧૫૦ કરોડનો શૅર આવ્યો! એ જ રીતે શાહરૂખે પણ ‘જબ તક હૈ જાન’ માટે તેત્રીસ ટકા લીધા હતા. કદાચ એટલે જ ‘બજરંગી ભાઇજાન’નું  ટ્રેઇલર રિલીઝ કરતી વખતેની ‘પ્રેસમીટ’માં કોઇએ સલમાનને સવાલ પૂછ્યો કે ત્રણેય ખાન એક પિક્ચરમાં સાથે ક્યારે આવશો? ત્યારે ભાઇજાને ‘એક પરવડતા નહીં, ફિર તીન કહાં સે લેંગે?’ એવું કાંઇક કહ્યું હતું. પરંતુ, લોજિકલી જુઓ તો ત્રણેય ખાન સાહેબો સલમાન, શાહરૂખ અને આમિર કમાણીનો ત્રીજો-ત્રીજો ભાગ લઈ જાય તો પ્રોડ્યુસરના હાથમાં શું આવે? (બાબાજી કા...?)  આમિર જેવા સ્ટાર્સ પર એક બાજુ ૧૫૦ કરોડનો ધોધમાર વરસાદ થાય અને બાપડી હીરોઇનોએ નક્કી કરેલા બે-પાંચ કરોડની વાછંટથી મન મનાવવાનું! (આ બધા આંખો ફાટી જાય એવા આંકડા રિપોર્ટ કરતા કોલમિસ્ટોને તો વાછંટનાં એકાદ-બે ફોરાં પણ પૂરતી ઠંડક આપી દે. આ તો એક વાત થાય છે!)    


હીરોઇનોને કેવા પૈસા મળે છે તેનો બળાપો કંગનાએ હમણાં જ કાઢ્યો છે. એ કહે છે કે ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’માં તેણે બે હીરોઇનોનું કામ કર્યું અને છતાં પગાર એક જ પિક્ચરનો મળ્યો! તેને મળ્યા ત્રણ કરોડ. એક બાજુ પુરૂષ સ્ટારના ૧૫૦ કરોડ અને સામે હીરો-સમોવડી હીરોઇનને ત્રણ જ ખોખાં? પણ એ જ સ્ટોરીને ‘ડૉન’ની માફક ડબલ રોલવાળા નાયકની બનાવી હોત તો? એવી પ્રાઇસમાં સી ગ્રેડનો પણ કોઇ હીરો મળ્યો હોત કે? હીરોઇનોને હીરો કરતાં ઓછી ફી મળે એ આજનો પ્રશ્ન નથી. ઠેઠ ‘રામ ઔર શ્યામ’માં દિલીપ કુમારે તે સમયની હાઇએસ્ટ પ્રાઇસ અઢાર લાખ રૂપિયા લીધાની અને ‘સચ્ચા જુઠા’માં રાજેશ ખન્નાએ પણ બેવડી ભૂમિકાને કારણે એવી જ ભારે રકમ લીધાની વાત આવી હતી; જ્યારે ‘સીતા ઔર ગીતા’માં હેમા માલિનીએ પણ ડબલ રોલ કર્યો હોવા છતાં તેમને ફિલ્મના બન્ને હીરો ધર્મેન્દ્ર અને સંજીવકુમાર કરતાં ઓછા મહેનતાણાથી સંતોષ માનવો પડ્યો હતો. આજે પણ એ જ હાલત છે પછી એ કંગના હોય કરિના કે કટરિના.


કટરિનાએ હમણાં જેકી ચેન સાથીની એક ઇન્ટરનેશનલ ફિલ્મ ‘કુંગ ફુ યોગા’ સ્વીકારી અને રણબીર સાથેનાં પોતાનાં સંભવિત લગ્નને કારણે અમુક પ્રોજેક્ટ છોડી દીધાનાં બિનસત્તાવાર કારણો એ માત્ર ‘બહાનાં’ જ હતાં એમ સાબિત કર્યું. તો બોયફ્રેન્ડ રણબીર પણ ‘રૉય’ અને ‘બૉમ્બે વેલ્વેટ’ની પછડાટ પછી મિત્ર અયાન મુકર્જીના શરણમાં ગયો છે. અયાને ‘યે જવાની હૈ દીવાની’માં રણબીરને એક મોજીલા યુવાનની ભૂમિકામાં ભારે લોકપ્રિયતા અપાવી હતી. હવેની આ નવી ફિલ્મમાં હીરોઇન દીપિકા નહીં પણ આલિયા ભટ્ટ છે! પરંતુ, સૌથી મોટી વાત એ છે કે આ સપ્તાહે ખુદ બચ્ચન સાહેબે આ પ્રોજેક્ટ માટે સંમતિ આપી દીધી છે અને જો પ્લાન પ્રમાણે આ પરિયોજના (પ્રોજેક્ટ, ભલા માણસ!) પૂર્ણ થશે તો ૧૮મી ડીસેમ્બરે નાતાલના સપ્તાહમાં અન્યોની સાથે એ પણ આવી પુગશે.

૧૮ ડીસેમ્બરે આ સાલ કોણ કોણ ટકરાશે કે કેવો ટ્રાફિક જામ થશે એ રસપ્રદ થતું જાય છે. એક બાજુ શાહરૂખ અને કાજોલની ‘દિલવાલે’ છે, તો બીજી બાજુ રણવીર-દીપિકાની ‘બાજીરાવ મસ્તાની’ તો છે જ. હવે જો રણબીર, અમિતાભ અને આલિયાની આ નવી ફિલ્મ ઉમેરાય તો ‘હેરાફેરી-૩’ ક્યાં સમાવાશે? ‘હેરાફેરી-૩’માં આ વખતે અભિષેક બચ્ચન અને જહોન અબ્રાહમની જોડી છે. એ બન્નેએ ‘દોસ્તાના’માં પુરૂષોની ગાઢ દોસ્તીને ‘બ્રોમાન્સ’ નામનો નવો શબ્દ આપીને તે દિવસોમાં હલચલ મચાવી હતી. પણ ‘હેરાફેરી’ અક્ષય વિના કેવી લાગશે? કારણ કે સુનિલ શેટ્ટી અને પરેશ રાવલ (બાબુરાવ ગણપતરાવ આપ્ટે!) તો રિપીટ થયા છે. પરંતુ, અક્ષય ગાયબ છે. તેને બદલે આ વખતે અભિષેક બચ્ચન અને જહોન અબ્રાહમને લીધા છે. એનો અર્થ એમ ના કરી શકાય કે અક્ષય એટલે ડબ્બલ હીરો? (સોચો ઠાકુર!)   


તિખારો!

ઉતરાણ પર પતંગની દોરીથી માંડીને ધાર્મિક તહેવારો વખતે ગણપતિ બાપા અને દશામાની મૂર્તિઓ તેમજ રમકડાંથી લઈને સેલફોન તથા સામૂહિક યોગનાં આસન માટેનાં પાથરણાં સુધીના તમામમાં ચીનની જ વસ્તુઓની બોલબાલા હોય; તો બોલીવુડના હીરોલોગ પણ શા માટે પાછળ રહી જાય?
અભિષેક બચ્ચન જેવા અમુક જ અપવાદોને બાદ કરતાં હિન્દી ફિલ્મોના લગભગ તમામ હીરોએ પોતાની છાતી લેસરથી સફાચટ કરાવી હોઇ એ બધા પણ જાણે ‘મેઇડ ઇન ચાઇના’ હોય એવા નથી લાગતા?!!

Sunday, June 21, 2015

ફિલમની ચિલમ.... ૨૧ જૂન, ૨૦૧૫




આરાધ્યાને કારણે અભિષેક બચ્ચનનો ટ્વીટરમાં પોતાના ફોલોઅર ઉપર આક્રોશ... સોશ્યલ મીડિયા એટલે બે ધારી તલવાર....!



બોક્સ ઓફિસ પર ડાયનાસોરની લાંબી ફલાંગો અને ‘કહાની’ રહી ‘અધૂરી’!

શું ‘હમારી અધૂરી કહાની’ના પ્રથમ ત્રણ દિવસના કલેક્શનમાં સ્ટાર્સ પ્રત્યેની આશા અને નિરાશાનો ટકરાવ દેખાય છે? શું તેમાં નિરાશાનું પલ્લું ભારે સાબિત થઈ રહ્યું છે? ફિલ્મની હીરોઇન વિદ્યાબાલન પાસેથી તેના ચાહકોને બીજી એક ‘કહાની’ની આશા હોય. તે ફળીભૂત થતી લાગે. પરંતુ, ઇમરાન હાશ્મીની ફિલ્મ રિલીઝ થાય એટલે તેમાં ‘કિસીંગ’ સીન્સની અપેક્ષા સાથે થિયેટરમાં ભીડ કરતો એક ચોક્કસ વર્ગ એવાં દ્રશ્યો નહીં હોવાથી નિરાશ થયો હોય એમ લાગે છે. કારણ કે ફિલ્મના બિઝનેસનો એ અનુભવસિદ્ધ નિયમ છે કે પહેલા દિવસના એટલે કે શુક્રવારના વકરા કરતાં સામાન્ય રીતે શનિવારે ટિકિટબારી વધારે રણકે અને રવિવારે સૌથી વધુ કલેક્શન આવે. જ્યારે ‘હમારી અધૂરી કહાની’ રજુઆતના દિવસે જે પાંચ કરોડનો વકરો લાવી, એ જ શનિવારે અને રવિવારે પણ કશો ખાસ ફરક ન લાવી શકી. પહેલા દિવસનાં કલેક્શન ‘એવરેજ’ હતાં અને આખું વીક એન્ડ એ જ ‘એવરેજ’ રહી હોઇ; ધંધાની રીતે એ ફિલ્મ ‘એવરેજ’ કહેવાય.. (વેપારી શબ્દોમાં ‘ફ્લોપ’!)
 
‘હમારી અધૂરી કહાની’માં આમ તો મહેશ ભટ્ટનાં મમ્મીની જીવનકથાના અંશો હોવાનું બિનસત્તાવાર રીતે જાહેર થયેલું હતું. તેથી ભટ્ટ્જીની પોતાની અસલી જિંદગીનાં પાનાં પર આધારિત ‘અર્થ’, ‘ઝખમ’ કે ‘જનમ’ અથવા ‘ડેડી’ જેવી અગાઉની ફિલ્મો જેવા ચમકારા આ ફિલ્મની વાર્તામાં લાવી શક્યા નથી એવી ટીકાઓ સમીક્ષકો તરફથી થઈ રહી છે. બાકી આ અઠવાડિયું, ટ્રેડની ભાષામાં કહીએ તો, ૧૮મીએ રમઝાન શરૂ થતા અગાઉનું, આ ‘ક્લિયર વીક’ હતું. મતલબ કે સામે કોઇ મોટી ફિલમ નહતી. પણ ક્યારેક ‘ઓપોઝિશન’ સાવ અજાણી દિશામાંથી આવે અને તે પણ ડાઇનાસોરની સાઇઝનું, ત્યારે કમાણીની કહાની ખરેખર અધૂરી રહી જાય! કેમકે આ જ વીકમાં આવેલી હોલીવુડની ફિલ્મ ‘જુરાસિક વર્લ્ડ’ બોક્સ ઓફિસમાં લાંબી ફલાંગે આગળ દોડી રહી છે. ડાઇનોસોરની વાર્તા શુક્રવારે પોણા પાંચ કરોડ, શનિવારે સાત અને રવિવારે આઠ કરોડ લાવીને ‘જુરાસિક વર્લ્ડ’ની સરખામણી એક સમયે ‘લેડી બીગ બી’ કહેવાયેલી વિદ્યા બાલનની ‘અધૂરી કહાની’ સાથે કરાવી રહી છે.



વિદ્યાએ લગ્ન પછી ‘કિસ’નાં દ્રશ્યો માટે દોરેલી લાલ લીટીને પણ ‘અધૂરી કહાની’ની નિષ્ફળતા માટે કેટલાક જવાબદાર ગણે છે, જે હીરો ઇમરાન હાશ્મીનાં પિક્ચરોનો ‘યુએસપી’ હોય છે. હીરોઇનો લગ્ન પછી આમ પણ પોતાના ચાહકોના એક મોટા હિસ્સાને ગુમાવી દેતી હોય છે; પછી તે કાયમથી ઘરરખ્ખુ દેખાતી વિદ્યા બાલન હોય કે આજે પણ હૉટ ગણાય એવી કરિના કપૂર હોય. કરિનાની કરિયરનો સૌથી ઊંચો સમય (હાઇ પોઇન્ટ) ‘જબ વી મેટ’ વખતે હતો. પરંતુ, એકવાર સૈફ સાથે લગ્ન કર્યાં પછી એ ઊંચાઇ પરત આવી શકી નથી એ  હકીકત છે. ખરેખર તો તે ફિલ્મમાંની તેની અને શાહિદ કપૂરની જોડી અસલી જિંદગીમાં પણ એક બીજામાં એટલી જ ઓતપ્રોત (ઇન્વોલ્વ) હતી અને પ્રેક્ષકોને એમ કે એ બન્ને જ પરણવાનાં છે. ત્યાં આવ્યો ‘કહાની મેં ટ્વીસ્ટ’!

જે કરિના મજાકમાં એમ કહેતી હતી કે શાહિદ સાથે લગ્ન કરીશ તો મારે અટક બદલવાની પણ જરૂર નહીં રહે; એ જ આજે ‘કરિના કપૂર ખાન’ લખાવતી થઈ છે. સામે પક્ષે શાહિદ પણ હવે પોતાની પસંદગીની ‘મીરા’ને સંસારી બનાવવાની તૈયારીમાં લાગ્યો છે અને છતાં કરિના સાથેના તેના સંબંધો હજી પણ દોસ્તીભર્યા જ છે. કારણ કે ખુદ કરિનાએ હમણાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે શાહિદે પોતાના ભાવિ મેરેજ અંગે મીડિયામાં જાહેરાત કરવાના દિવસો પહેલાં એ રાઝ ‘ફેમિના’ના એક કાર્યક્રમ દરમિયાન તેને (કરિનાને) કહ્યો હતો! ‘ફેમિના’ના પ્રોગ્રામ વખતે કે તેનાં રિહર્સલો દરમિયાન જો કરિના અને શાહિદ એક બીજાની અંગત જિંદગીના રાઝ શૅર કરતાં હતાં; તો આ સાલના ‘આઇફા’ એવોર્ડ વખતે કુઆલાલમ્પુરના સ્ટેજ પર દીપિકાને રણવીરસિંગે પ્રપોઝ કરવાની તક ઝડપી લીધી હતી. દીપિકા અને રણવીરની જોડી અત્યારે તો સંજય લીલા ભણશાળીની મહત્વાકાંક્ષી ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ કરી રહી છે, જેને માથે એક ભય તોળાઇ રહ્યો છે.



‘બાજીરાવ મસ્તાની’ને ૧૮મી ડીસેમ્બરે એટલે કે ક્રિસ્મસના દિવસોમાં રિલીઝ કરવાની યોજના છે. પરંતુ, એ જ દિવસે શાહરૂખ ખાનની ‘દિલવાલે’ પણ રજૂ કરાય એવી એક શક્યતા બહાર આવી છે. સૌ જાણે છે એમ, ‘દિલવાલે’ના દિગ્દર્શક ‘ચેન્નાઇ એક્સપ્રેસ’વાળા રોહિત શેટ્ટી છે અને શાહરૂખ સાથે કાજોલ લાંબા સમય પછી તેમાં આવી રહી છે. તાજેતરમાં જ શાહરૂખે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ‘દિલવાલે’ના બલ્ગેરીયામાં થયેલા શૂટિંગમાં કાજોલ સાથેના ફોટા મૂક્યા. એક તસ્વીર ઉપર લખ્યું હતું કે ‘કેટલાક ફોટાને શબ્દોની જરૂર નથી હોતી....’! ટ્વીટર અને ફેસબુક જેવાં માધ્યમોની સગવડ અત્યારે એવી સરસ થઈ ગઈ છે કે અગાઉના સમયમાં ફિલ્મના ‘પીઆરઓ’ને કરવી પડતી હતી એવી મહેનતને સ્ટાર લોકો જ ઓછી કરી આપે છે. પહેલાં તો આઉટડોર શૂટિંગ પછી ફોટા ધોવડાવાય, તેમાંથી સ્ટાર બેલડીને બતાવીને સિલેક્ટેડ મેગેઝીનોને જ અપાય. આજે તો ‘તરત દાન અને મહાપૂણ્ય’ની માફક, આજે ફોટા પાડ્યા અને તરત સાથી કલાકાર તથા પ્રોડ્યુસર/ ડાયરેક્ટરને વિશ્વાસમાં લઈને ટ્વીટર પર કે ફેસબુક પર શેર કરી દીધા કે આખી દુનિયા જોઇ શકે અને કોપી કરીને વાપરવા પણ માંડે. (વહાલાં દવલાંનો કોઇ સવાલ જ નહીં!) જો કે સ્ટાર્સ માટે સોશ્યલ મીડિયાની આડઅસરો પણ એવી જ, જેનો અનુભવ અભિષેક બચ્ચનને પણ થયો.

આમ તો ટ્વીટર, ફેસબુક અને બ્લોગ પર ‘સિનિયર બચ્ચન’ જ વધારે અને નિયમિત રીતે એક્ટિવ હોય છે. જ્યારે ‘છોટે બચ્ચન’ સમય મળે ત્યારે લટાર મારનારા પૈકીના છે. અમિતાભ બચ્ચને તો ફેસબુકમાં પોતાના વધુમાં વધુ ફોલોઅર્સ હોય એવી ઇચ્છા, આ અઠવાડિયે, જાહેરમાં વ્યક્ત કરી. તેમના ફોલોઅર્સની સંખ્યા ૨૧ મિલિયન એટલે કે બે કરોડને દસ લાખને આંબી ગઈ તેની જાહેરાત કરતાં બચ્ચનદાદાએ લખ્યું છે કે હવેનું ટાર્ગેટ ત્રીસ મિલિયન (ત્રણ કરોડ)! પણ અભિષેક બચ્ચન એ રીતે સંખ્યા વધારવા માગશે કે પછી ક્વોલિટીને પ્રાધાન્ય (પ્રાયોરિટી) આપશે? આ સવાલ એટલા માટે થાય છે કે આ સપ્તાહે ટ્વીટર પર એક ફોલોઅર સાથે ‘અભિ’ને જામી ગઈ. કોઇએ અભિષેકની ફિલ્મોની ટીકા કરતાં દીકરી આરાધ્યાને સામેલ કરીને મજાક કરી. ત્યારે જુનિયર બચ્ચને ઝાટકણી કાઢી નાખી અને પરિણામે પેલાએ ‘સોરી’ પણ કહ્યું. પરંતુ, આ કોલમના વાચકોને થોડા વખત પહેલાં અહીં લખેલી ચેતવણી જરૂર યાદ આવી હશે. તે વખતે દાદા બચ્ચને આરાધ્યાને સોશ્યલ મીડિયામાં હાઇલાઇટ કરી હતી અને અહીં લખ્યું હતું કે ભવિષ્યમાં સોશ્યલ મીડિયામાં કોઇ આરાધ્યા માટે અણગમતી કોમેન્ટ કરશે તો બચ્ચન પરિવાર એવું નહીં કહી શકે કે નાની છોકરીને આ બધામાં ના ઘસેડો! આખિર વહી હુઆ ના? (આઇ ટોલ્ડ યુ સો!!)

તિખારો!
 
શેખરકપૂરના નિર્દેશનમાં વર્ષોથી બનતી ફિલ્મ ‘પાની’ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. લાગે છે કે યશરાજના કર્તાહર્તાઓને લાગ્યું હશે કે આ ‘પાની’-પૂરી નહીં બને!!


Saturday, June 13, 2015

ફિલમની ચિલમ.... ૧૪ જૂન ૨૦૧૫



સ્ટાર્સના ભૂતિયા નામે
સોશ્યલ મીડિયામાં થાય છે, ‘ફેકમ ફેક’!
ફિલ્મ ઉદ્યોગ માટે ખરેખર જ ‘અચ્છે દિન આયે હૈં’ એમ કહી શકાય. ના, માત્ર એટલા કારણસર નહીં કે ગયા સપ્તાહે જેના સંદર્ભે આ સવાલ કર્યો હતો એ ફિલ્મ ‘દિલ ધડકને દો’ની ટિકિટબારી પર શરૂઆત સારી થઈ છે. સૌ જાણે છે એમ, પહેલા ત્રણ દિવસમાં ૩૫ કરોડ ઉપરાંતનો વકરો એકલા ભારતમાંથી એકત્ર કરી લીધો છે. (હકીકતમાં તો ઇન્ટરનેશનલ માર્કેટનું કલેક્શન ઉમેરો તો પ્રિયંકા ચોપ્રા, અનુષ્કા શર્મા, શેફાલી શાહ, રણવીર સિંગ, અનિલ કપૂર અને ફરહાન અખ્તરની આ મલ્ટીસ્ટાર ફિલ્મના ૫૦ કરોડ ક્રોસ થઈ ચૂક્યા છે!) પરંતુ, ‘અચ્છે દિન’નો સંકેત સલમાનખાનના હવે તો બહુ ચર્ચાતા શ્રેણીબધ્ધ ટ્વીટ પરથી મળે છે. સલમાને પોતાના ચાહકોને જે ભાષામાં ટ્વીટર પર છેલ્લી કક્ષાનું અલ્ટિમેટમ આપીને ‘બિહેવ યૉરસેલ્ફ’નો જે સંદેશ આપ્યો છે તેને ઐતિહાસિક કહી શકાય. એ સ્ટાર્સની દોસ્તીના અચ્છે દિનની નિશાની છે.

કેમ કે સોશ્યલ મીડિયાનાં ટ્વીટર અને ફેસબુક વગેરે ભલે આધુનિક સમયનાં સોફિસ્ટિકેટેડ માધ્યમો હોય. પરંતુ, એ પાનના ગલ્લે કે પોળ અથવા ગલીના નાકે થતી ચર્ચાઓ અને બોલાચાલીનું ઇન્ટરનેટિય સ્વરૂપ માત્ર છે. એવી ચર્ચાઓમાં દાયકાઓથી જોવાયું છે કે સિનેમાના સ્ટાર્સના ચાહકોની ચડસા-ચડસી ચાલે ત્યારે તેમાં ભાષાનો વિવેક ચૂકી જવાતો આવ્યો છે. પણ અગાઉના સમયમાં કલાકારોને ખબર નહતી પડતી કે તેમના પ્રત્યેની ઘેલછાને લીધે તેમના પ્રશંસકો કેવા ઝગડી પડતા હોય છે. હવેના સમયમાં ટ્વીટર કે ફેસબુક પર સામસામી થતી જાહેર બોલાચાલી સ્ટાર જાતે પણ જોઇ, એટલે કે વાંચી, શકતા હોય છે. ત્યારે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર થતા ઝગડાથી અકળાઇ ઉઠેલા સલમાન ખાને પોતાના ચાહકોને કડક શબ્દોમાં ખખડાવ્યા છે. સલમાન જ ‘નંબર વન’ છે એવી ચર્ચાઓ તેમજ આમિરખાન અને શાહરૂખખાન જેવા અન્ય સાથી કલાકારો માટે હલકી ભાષાના પ્રયોગ બંધ નહીં કરે તો પોતે ટ્વીટર છોડી દેશે, એમ ધમકી પણ આપી દીધી છે. સલમાને તો પોતાની રીતે લખ્યું છે, ‘ખલ્લાસ. ખતમ.... ભાડ મેં જાય યે ૧-૨-૩. સમઝે ક્યા?’




સલમાનનું આ પગલું એક સાચા લીડર જેવું છે, જે પોતાને માનનારાઓને (ફોલોઅર્સને) શિસ્તમાં રહેવા મજબુર કરવા પોતાની લોકપ્રિયતાનો ઉપયોગ કરે છે. (ફિલ્મ સ્ટાર્સના આવા બોલ્ડ કદમમાંથી રાજકારણીઓ સહિતના સૌએ કેટલું બધું શીખવાનું હોય છે!) સિનેમાના કલાકારોના ફૅન્સની ઘેલછા પેઢીઓથી ચાલી આવે છે. એક જમાનામાં દિલીપ કુમાર, રાજ કપૂર અને દેવ આનંદના કારણે કોલેજની કેન્ટિન જેવી જગ્યાઓએ જુવાનિયાઓ ચડસાચડસી કરતા; જ્યારે પેલા સ્ટાર્સ તો એક બીજાના મિત્રો હોય. પણ કોઇ પોતાના ફેન્સને આ રીતે સીધું કહી નહતા શકતા. એવું જ રાજેશ ખન્નાના સુપરસ્ટાર તરીકેના દિવસોમાં થતું. અમિતાભને તેમના ઝળહળતા દિવસોમાં ‘વન મેન ઇન્ડસ્ટ્ર્રી’ જેવા ટાઇટલ સાથે એક મેગેઝીને કવર સ્ટોરી કરી અને બચ્ચન એકથી દસ નંબર ઉપર હોવાનું કહીને તેમના પછીના ક્રમે જે કલાકાર આવે તેનો નંબર અગિયારમો હોય એવાં વખાણ કર્યાં; તે પછી થોડો વખત આવી ચર્ચાઓ અટકી ગઈ હતી. પરંતુ, આજે ખાન ત્રિપુટીના કિસ્સામાં દર અઠવાડિયે બોક્સ ઓફિસનાં બદલાતાં સમીકરણોને લીધે સ્થિતિ પ્રવાહી છે. ત્યારે પોતાના ચાહકોને આ રીતે વારીને સલમાને એક સારો દાખલો બેસાડ્યો છે. બલ્કે સિનેમાના સ્પર્ધાત્મક ક્ષેત્રમાં ઇતિહાસ સર્જ્યો છે. ટ્વીટર જેવા માધ્યમનો આવો સરસ ઉપયોગ પણ થઈ શકે છે.

ટ્વીટર અગાઉના સમયની ટેલીગ્રામ જેવી સેવા છે અને તેમાં એક સંદેશામાં ૧૪૮થી વધારે કેરેક્ટર લખી શકાતાં નથી. ત્યારે પોતાના કારણે અન્ય કલાકારોના થતા અભદ્ર ઉલ્લેખના મુદ્દે સલમાનની અકળામણ કેટલી હદ સુધીની હશે તેનો અંદાજ એ વાત પરથી પણ આવી શકશે કે તેણે પોતાની સ્પષ્ટ વાત વિગતે કહેવા એક પછી એક ટ્વીટ કરીને મેસેજીસની લાઇન લગાડી દીધી. તેમાં એક તબક્કે સલમાને એમ પણ પૂછ્યું છે કે ‘તમારામાંથી કેટલાએ પોતાની બનાવટી ઓળખ (ફેક આઇડેન્ટિટી) રાખેલી છે?’ આ પણ ‘ભૂતિયાં રેશન કાર્ડ’ જેવી સોશ્યલ મીડિયાને સતાવતી સમસ્યા છે. એટલે તો અમિતાભ બચ્ચનને ચોખવટ કરવી પડી હતી કે ‘સિનિયર બચ્ચન’ એવા નામના પોતાના ટ્વીટર એકાઉન્ટ જેવું જ અન્ય કોઇએ પણ શરૂ કર્યું છે. અમિતજીએ ધ્યાન દોર્યું છે કે “એ એકાઉન્ટમાં વધારાનો એક ‘સી’ છે અને તે તેમનું એકાઉન્ટ નથી. કોઇએ તેને મારું સમજીને તેની સાથે સંકળાવું નહીં’.

અમિતાભ બચ્ચન તો પોતાના બ્લોગ દ્વારા વિગતવાર અને ક્યારેક તો તેમની ‘એંગ્રી યંગ મેન’ની યાદ તાજી કરાવી દે એવી પોસ્ટ મૂકતા હોય છે. જે વખતે નેપાલમાં ધરતીકંપ થયો ત્યારે કેટલાકે લખ્યું કે એ બચ્ચને સહાનુભૂતિપૂર્ણ પબ્લિસિટી માટે આવાં લખાણો લખે છે. ત્યારે એવા સૌ માટે ગુસ્સે થયેલા અમિતાભે કેપિટલ લેટર્સમાં ‘ઇડિયટ્સ!’ એમ લખ્યું. એટલું જ નહીં, એવા લોકોને ‘ગંધાતા કીચડમાં સડવા દેવા જોઇએ’ એવી સજા પણ સજેસ્ટ કરી હતી!  બચ્ચન સાહેબની માફક અભિનેત્રી યામી ગૌતમે પણ સ્પષ્ટતા કરી છે કે પોતાના નામનાં બે ફેક એકાઉન્ટ ચાલે છે. (આને શું કહીશું? ફેકમફેક?!) ત્યારે ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’થી આજકાલ ખુબ ચર્ચામાં એવી કંગનાએ તો ચોખવટ કરી છે કે પોતે ટ્વીટર અથવા ફેસબુક જેવા સોશ્યલ મીડિયાના એક પણ પ્લેટફોર્મ પર નથી! કંગનાએ પોતાના અભિનયને વધુ નિખારવા પ્રયોગો કરવાનું ચાલુ જ રાખ્યું છે અને પોતાની આગામી ફિલ્મ ‘કટ્ટી બટ્ટી’ માટે માથા પર વાળ જ ના હોય એવો ટાલિયો લુક રાખવા પણ સંમત થઈ છે!

જો કે કંગના પણ શબાના આઝમી અને નંદિતા દાસે ‘વૉટર’ ફિલ્મ માટે કરાવ્યું હતું એવું સફાચટ મુંડન કરાવવાની છે કે પછી પ્રિયંકા ચોપ્રાએ ‘મેરી કોમ’માં પહેરી હતી એવી સ્કિન કલરની વીગ પહેરશે એ બહાર નથી આવ્યું. જો કંગના પણ ‘ગજિની’ના આમિરખાન કે ‘તેરે નામ’ના સલમાન ખાન અથવા ‘હૈદર’ના શાહિદ કપૂરની માફક વાળ ઉતરાવીને બાકીની ફિલ્મો માટે વીગ પહેરશે તો તે પણ ભૂતકાળની પર્સિસ ખંભાતા અને પ્રોતિમા બેદીની હરોળમાં ગોઠવાશે. કંગનાએ ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’માં હરિયાણવી ભાષા બોલીને જે મઝા કરાવી છે, તે સાંભળીએ તો ‘ચક દે ઇન્ડિયા’ની ‘કોમલ ચૌટાલા’ (અભિનેત્રી ચિત્રાશી રાવત) યાદ આવ્યા વિના ના રહે. હરિયાણવીમાં ‘અબ’ને ‘ઇબ’ કે પોતાની જાત માટે ‘મન્ને’ કહે તેની મીઠાશ અલગ જ હોય છે. ત્યારે હરિયાણવીની છાંટવાળું એક નવું પિક્ચર ‘મિસ ટનકપુર હાઝિર હો’ ૨૬મી જૂને રિલીઝ થઈ રહ્યું છે, જેના ટ્રેઇલરનાં ખુદ બચ્ચન સાહેબ તથા રાજુ હીરાણી જેવા દિગ્દર્શકે પણ વખાણ કર્યાં છે. સવાલ એક જ છે શું અમારા જેવા કેટલાયને ખુબ ગમતા અદભૂત અભિનેતા અનુ કપૂર (યાદ કરો ઐશ્વર્યા રાયની ‘રેઇનકોટ’ ફિલ્મમાંના અનુ!) એકલા એ ઓછા બજેટની ફિલ્મને કંગનાની માફક પોતાના ખભા પર ઉંચકી જઈ શકશે?


તિખારો!


રીશી કપૂરે ટ્વીટર એકાઉન્ટ પર પોતાની ઓળખાણ સ્માર્ટ રીતે લખી છે. તેમણે લગે હાથ પોતાના પિતા રાજકપૂર અને દીકરા રણબીરની લોકપ્રિયતાને પણ અંજલિ આપી બતાવી છે. ચિન્ટુબાબાએ પોતાના વિશે એક લીટીમાં લખ્યું છે, “એક ફેમસ પિતાનો પુત્ર અને એક ફેમસ પુત્રનો પિતા!”



Saturday, June 6, 2015

ફિલમની ચિલમ..... ૭ જૂન ૨૦૧૫




દીપિકાની પાર્ટીનો બફાટ: આખું કોળું શાકમાં!


ફિલ્મના બિઝનેસમાં આજકાલ પૂછાતો એક જ સવાલ છે,‘ ક્યા અચ્છે દિન આ ગયે હૈં?’ કારણ કે મે મહિનામાં હીટ ફિલ્મોની એક સામટી હેટ્રિક વાગી ગઈ છે. સળંગ ત્રણ ફિલ્મો એટલે કે અક્ષય કુમારની ‘ગબ્બર ઇઝ બૅક’, દીપિકા અને અમિતાભ બચ્ચનની ‘પિકુ’ અને છેલ્લે કંગનાની ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ ઉપર પૈસા લગાવનારાઓની જાણે કે લોટરી લાગી ગઈ છે. (૩૦ કરોડના મૂડી રોકાણ સામે ‘તનુ-મનુ’ દસ દિવસમાં વિશ્વવ્યાપી ૧૫૦ કરોડ લઈ આવે એ લોટરી નહીં તો બીજું શું કહેવાય?)  આ પિક્ચરોની કોમર્શિયલ સફળતાનું મહત્વ એટલા માટે પણ વધારે છે કે એ તમામ રિલીઝ થવાના દિવસોમાં આઇ.પી.એલ.ની ક્રિકેટ મેચોનો જુવાળ તેની પરાકાષ્ટાએ હતો. ક્વાર્ટર ફાઇનલ, સેમી ફાઇનલ અને ફાઇનલના દિવસોમાં પણ આ ચલચિત્રોએ પોત પોતાના દમખમ સાથે ટકી રહી બતાવ્યું હતું. તેથી ક્રિકેટ હોય કે રમઝાન અથવા નવરાત્રી કે દિવાળી એ બધાં જૂના જમાનાનાં કારણોને આજે ‘બહાનાં’ કહેવામાં વાંધો નહીં. હવે કોઇ એક ધર્મના લોકો જ થિયેટર ભરી દેશે કે ખાલી રાખશે એવાં કોઇ ગણિત ચાલતાં નથી. વાર્તા સારી હોય અને ટ્રીટમેન્ટ સરખી અપાઇ હોય તો કોઇ તહેવારની રજાઓ ના હોય તો પણ પ્રેક્ષકો ટિકિટબારી છલકાવી દેતા હોય છે અને એ જ પ્રજા ‘બૉમ્બે વેલ્વેટ’ જેવી રણબીર કપૂર અને અનુષ્કા શર્મા સરખા ટોપ સ્ટાર્સની ફિલ્મની ટિકિટબારીએ કાગડા ઉડે એવી સ્થિતિ કરી દેતી હોય છે. 


એટલે આ અઠવાડિયાના પિક્ચર ‘દિલ ધડકને દો’ માટે લાલ બત્તી ધરનારા પણ છે. ‘ડીડીડી’ આમ જુઓ તો ઝોયા અખ્તર જેવી નિર્દેશિકાની ફિલ્મ છે, જેમની આ અગાઉ ‘લક બાય ચાન્સ’ અને ‘ઝિંદગી મિલેગી ન દુબારા’ આવી હતી. આ વખતે તેમણે પ્રિયંકા ચોપ્રા, અનુષ્કા શર્મા, શેફાલી શાહ જેવી ટેલેન્ટેડ અભિનેત્રીઓ અને સાથે અનિલ કપૂર, રણવીરસિંગ, ફરહાન અખ્તરને પણ લીધા છે. વળી, બહુ વખતે સેન્સરે એક પણ કટ વગર ફિલ્મ મંજૂર કરી છે. ‘ડીડીડી’માં એક કૂતરાની પણ અગત્યની ભૂમિકા છે અને તેના વિચારોને અવાજ આપ્યો છે, આમિરખાને!  આમ પેપર પર હીટ થવાનાં બધાં લક્ષણ છે જ અને ધંધામાં અત્યારે, શેરબજારની ભાષામાં કહીએ તો, ‘ફુલગુલાબી તેજી છે’ ત્યારે સૌની અપેક્ષા છે કે જૂન મહિનાનો પ્રારંભ પણ સક્સેસ પાર્ટીથી થાય; જેવી દીપિકાએ મે માસમાં આપી હતી. દીપિકાએ ‘પિકુ’ સુપર હીટ થયા પછી આપેલી પાર્ટીએ ઇન્ડસ્ટ્રીમાં એક નવો ચીલો પાડ્યો કે પિક્ચરની હીરોઇન પણ પોતાના રાજીપામાં સૌને સામેલ કરે. પણ તે પોતે એ જલસાથી એક વાતે દુઃખી છે. 

દીપિકાની પાર્ટીમાં રણબીર ન આવ્યો એ સ્વાભાવિક હતું. પરંતુ, દુઃખ એ વાતનું હતું કે ‘પિકુ’ના મુખ્ય કલાકાર અમિતાભ બચ્ચન હાજર નહતા. તેથી વધુ મોટી પીડાનો મુદ્દો એ હતો કે એ પોતે જ બચ્ચન દાદાને આમંત્રણ આપવાનું ભૂલી ગઈ હતી! આમ આખું કોળું શાકમાં જવા બદલ દીપિકા ટેકનિકલ ખામીને જવાબદાર ગણાવે છે. એ ખરું કે સ્ટારને ત્યાં પાર્ટી હોય ત્યારે આમંત્રણો કોમ્પ્યુટર જનરેટેડ લીસ્ટ પરથી સેક્રેટરી દ્વારા અપાતાં હોય. પરંતુ, ગેસ્ટલીસ્ટ ઉપર નજર નાખવાની કાળજી કે અમિતજી જેવા સિનિયર સ્ટારને જાતે ફોન કરીને નિમંત્રવાની કોમન કર્ટસી પણ ચૂકી જવાયાનો અફસોસ એવો મોટો છે કે તે કહે છે કે પાર્ટી પછી પણ અમિતાભ બચ્ચનને ફોન કરીને માફી માગવાની હિંમત નથી થઇ! બચ્ચન સાહેબને જો કે અત્યારે માધુરી અને પ્રીટિ ઝિન્ટાની માફક, મૅગીની જાહેરાતમાં કામ કરવા બદલ કોર્ટની કાર્યવાહી ઝળુંબતી વધારે દેખાતી હશે. અમિતાભ બચ્ચને જો કે છેલ્લાં બે વરસથી મૅગીનો પ્રચાર કર્યો નથી. છતાં જો કોર્ટે ફરિયાદ દાખલ કરવાનો હુકમ કર્યો હશે તો તે થશે. આવાં જોખમ કોઇ બ્રાન્ડના એમ્બેસેડર બનો કે કોઇ ટીવી શોના હોસ્ટ બનો ત્યારે ઉભાં થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને જ કરોડોની ફી વસુલાતી હશેને?


 અમિતાભ બચ્ચન તેમના ‘કેબીસી’ના દર એપિસોડના કે સલમાન ખાન ‘બીગ બોસ’ની સિઝનના કેટલા લેતા હશે એના અંદાજ કરોડોમાં મૂકાતા હોય છે. ત્યારે ‘પીકે’ અને ‘થ્રી ઇડિયટ્સ’ જેવી કોમેડી ફિલ્મોના દિગ્દર્શક રાજુ હીરાણીનો કોમેડી શોના જજ તરીકે બેસવાનો રોજનો ૨૫ લાખનો ભાવ બહાર આવ્યો છે! રાજુ હીરાણીએ આ ભાવ કહેતા અગાઉ મિત્ર આમિર ખાન સાથે ચર્ચા કરી હતી. આમિરના મશવરા પછી આવેલો એ ભાવ જે તે ચેનલને આકરો લાગતાં હવે મોટેભાગે એ પેનલમાં બોમન ઇરાની પસંદ થશે. પણ અહીં સવાલ એ થાય કે કોમેડી કે પછી કોઇપણ પ્રકારની ફિલ્મમાં ડાયરેક્શનની સાથે સાથે લેખન પણ એટલું જ મહત્વનું પાસું હોય છે. જો ‘મુન્નાભાઇ’ સિરીઝ કે ‘થ્રી ઇડિયટ્સ’ અને ‘પીકે’ સુધીનાં રાજુ હીરાણીનાં પિક્ચરો સફળ થયાં હોય તો તેમાં મોટો ફાળો તેમાં લેખનકાર્ય કરનારા આપણા ગુજરાતી લેખક અભિજાત જોશીનો છે. આજે ચેતન ભગત કે અન્ય લેખકોને મળતી ક્રેડિટ સલીમ-જાવેદના આવતા અગાઉના જમાનામાં ક્યાં મળતી હતી?


લેખકોને ક્રેડિટ કદાચ મળે તો કૅશ ના મળે. સલીમ-જાવેદે એ આખી પ્રક્રિયામાં ક્રાંતિ સર્જી હતી, જ્યારે અમિતાભ બચ્ચનની ‘જંજીર’ રિલીઝ થઈ હતી. એક આડવાત. જો બચ્ચન સાહેબને ‘એંગ્રી યંગમેન’ કોઇએ બનાવ્યા હોય તો એ સલીમ ખાને એકલાએ. કારણ કે ‘જંજીર’ની વાર્તા તેમણે પહેલાં ધર્મેન્દ્રને અગિયાર હજાર રૂપિયામાં વેચી હતી. તેમાંના ગુસ્સૈલ ‘ઇન્સ્પેક્ટર વિજય’નું સર્જન તેમણે કરેલું જ હતું. જાવેદ તેના બહુ સમય પછી સલીમ સાથે જોડાયા હતા અને ‘સલીમ-જાવેદ’ની જોડી સર્જાઈ હતી. જે વખતે ‘જંજીર’ રજૂ થઈ ત્યારે પોસ્ટરોમાં, બેનરોમાં કે મોટાં હોર્ડિંગ્સમાં ક્યાંય એ જોડીનું નામ નહતું. રિલીઝની આગલી રાત્રે સલીમે એક પેન્ટરને બોલાવીને આખા મુંબઈમાં જ્યાં જ્યાં ‘જંજીર’નાં બોર્ડ કે પોસ્ટર હતાં ત્યાં ‘સ્ટોરી બાય સલીમ-જાવેદ’ એવું ચિતરાવડાવ્યું! ‘જંજીર’ પછી તો ‘દીવાર’, ‘ત્રિશૂલ’, ‘શોલે’, ‘ડોન’, ‘કાલા પથ્થર’, ‘દોસ્તાના’ એમ અમિતાભ બચ્ચનની સળંગ ફિલ્મોના રાઇટર્સ તરીકે સલીમ-જાવેદને મળેલી સફળતા ફિલ્મી લેખનના ઇતિહાસનું સોનેરી પ્રકરણ છે. લેખક નામની પ્રજાતિને કોઇ ક્રેડિટ કે કૅશ પૂરતાં આપવા તૈયાર નહતું, તેમને પોતાની બાઉન્ડ સ્ક્રિપ્ટના હવે લાખો રૂપિયા મળવા લાગ્યા હતા..... અને હા, હવે પોસ્ટરો તથા બેનરો પર મોટા અક્ષરે રિલીઝની આગલી રાત્રે કોઇ પેઇન્ટરને રંગનું ડબલું પકડાવીને પોતાનું નામ ચિતરાવવા મોકલવો નહતો પડતો! હવે ‘સલીમ-જાવેદ’નું ટૂંકાક્ષરી નામ ‘એસ.જે.’ એ લેખનની દુનિયામાં એટલું જ સુપરહીટ હતું જેટલું સંગીતની દુનિયાના કાયમી સુપરહીટ ‘એસ.જે.’ એટલે કે ‘શંકર-જયકિશન’નું!      

તિખારો!
 
રિતિક રોશને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પ્રશંસકોને એક એવો કોયડો પૂછ્યો જે ઘણો જૂનો હતો; અને ફોરવર્ડ થતો થતો રિતિક પાસે આવ્યો હશે. એટલે બિચારા રિતિકને એમ કે સૌને મઝા કરાવું. પણ ઉલ્ટાનું તેની મજાક કરવાની સૌને તક મળી ગઈ. તેના ટ્વીટર પર આવેલી ઘણી ગમ્મતભરી કોમેન્ટોમાં એક આવી હતી: ‘જાદુ’ની દુનિયામાંથી આટલા વખતે પાછા આવવા બદલ વેલકમ બૅક, રિતિક... મોદી વડાપ્રધાન થઈ ગયા છે, રાહુલ પાછા આવી ગયા છે, અને કેજરીવાલ હજુ સેમ ટુ સેમ જ છે!!"