Monday, June 29, 2015

ફિલમની ચિલમ.... ૨૮ જુન૨૦૧૫

‘બજરંગી ભાઇજાન’ને
‘હનુમાન ચાલીસા’માં એક શબ્દનું સંભવિત ‘સંકટ’!


 
સલમાન ખાનની નવી ફિલ્મ ‘બજરંગી ભાઇજાન’ રમઝાન ઇદના તહેવારની રજાઓનો લાભ લેવા રિલીઝ માટે તૈયાર થાય તે પહેલાં એક ભૂલ સુધારી લેવી પડશે; નહીંતર ધાર્મિક લાગણીનો પ્રશ્ન ઉભો થતાં વાર નહીં લાગે. ‘બજરંગી ભાઇજાન’નું ટ્રેઇલર માર્કેટમાં આવ્યું અને રાતોરાત ‘યુ ટ્યુબ’ પર એક અઠવાડિયામાં તો લગભગ પચીસ લાખ (અઢી મિલિયન) લોકોએ જોઇ પણ કાઢ્યું. પરંતુ, તેમાં સલમાનના મુખેથી ‘હનુમાન ચાલીસા’ની બોલાતી એક પંક્તિમાં ફરક હોવાથી ગણગણાટ શરૂ થયો છે. સલમાન એક વાર ‘સબ સુખ લહે તુમ્હારી શરના, તુમ રક્ષક કાહુ કો ડરના’ બોલે છે, તે બરાબર છે. પરંતુ, અન્ય ચોપાઇમાં ‘સંકટ કટે મિટે સબ પીરા, જો સુમિરે હનુમત બલબીરા’ને બદલે ‘સંકટ હરે મિટે સબ પીરા’ એમ બોલે છે. આમ તો સંકટ કપાય કે હરાય અર્થમાં એવો મોટો ફરક નથી પડતો. પરંતુ, તુલસીદાસજીની રચનામાં ધાર્મિક પ્રજા શુધ્ધતાનો આગ્રહ સ્વાભાવિક જ રાખે. તેમાં વળી સલમાન સાથે સંકળાયેલા વિવાદો જોતાં કોઇ નવો મુદ્દો ના આપવો હોય તો ડબીંગમાં આ સુધારો કરી દેવાશે એમ અંદાજ મૂકી શકાય.  સુધારેલું ડબીંગ કરવા પૂરતો સમય હશે, કારણ સલમાનની ફિલ્મ ઇદ પર એટલે કે ૧૭મી જુલાઇના સપ્તાહમાં આવશે. 

ત્યાં સુધી બૉક્સ ઓફિસની રફતાર ‘અચ્છે દિન’વાળી જ રહેશે એવા અણસાર ‘એનીબડી કેન ડાન્સ - ટુ’ના કલેક્શનથી મળ્યા છે. જે દિવસોમાં ટિકિટબારીને પણ ઉપવાસ કરવા પડે એવા ગણાતા રમઝાન માસની શરૂઆત થયા છતાં ‘એબીસીડી-૨’ને પહેલા પાંચ જ દિવસમાં ૬૦ કરોડની લોટરી લાગી ચૂકી છે. વળી, આ તો વરૂણ ધવન અને શ્રધ્ધા કપૂર જેવા પ્રમાણમાં નાના સ્ટાર્સની ફિલ્મ છે. તો પછી સલમાન સરખા સુપરસ્ટારને કેવો રિસ્પોન્સ મળશે? ‘અચ્છે દિન’ની આ સ્પીડ પકડાયેલી રહી તો ‘બજરંગી ભાઇજાન’ને ચાંદી હી ચાંદી થશે. એનો બીજો અર્થ એ પણ થાય કે સલમાનને પોતાને ત્યાં સોનું વરસશે. કેમ કે આ પિક્ચરના પ્રોડ્યુસર ‘ભાઇજાન’ પોતે જ છે!

હવે તો એક્ટરો -ખાસ કરીને ટૉપ સ્ટાર્સ- શીખી ગયા છે કે તેમના જ નામ પર નિર્માતાઓ એક-બે અઠવાડિયામાં કરોડો રૂપિયા ઉસેડી લેતા હોય છે; તો પછી એકાદ-બે તગારાં ડાયરેક્ટર અને અન્ય કલાકાર કસબીઓને આપીને ધનનો એ ઢગલો પોતે જ પાવડાથી કેમ ના ઉલેચી લેવો? હમણાં એવા સમાચાર આવ્યા હતા કે ‘પીકે’ની કમાણીમાંથી ૩૩ ટકા હિસ્સો લેવાની શરત આમિરખાને કરી હતી અને તેથી તેને ૧૫૦ કરોડનો શૅર આવ્યો! એ જ રીતે શાહરૂખે પણ ‘જબ તક હૈ જાન’ માટે તેત્રીસ ટકા લીધા હતા. કદાચ એટલે જ ‘બજરંગી ભાઇજાન’નું  ટ્રેઇલર રિલીઝ કરતી વખતેની ‘પ્રેસમીટ’માં કોઇએ સલમાનને સવાલ પૂછ્યો કે ત્રણેય ખાન એક પિક્ચરમાં સાથે ક્યારે આવશો? ત્યારે ભાઇજાને ‘એક પરવડતા નહીં, ફિર તીન કહાં સે લેંગે?’ એવું કાંઇક કહ્યું હતું. પરંતુ, લોજિકલી જુઓ તો ત્રણેય ખાન સાહેબો સલમાન, શાહરૂખ અને આમિર કમાણીનો ત્રીજો-ત્રીજો ભાગ લઈ જાય તો પ્રોડ્યુસરના હાથમાં શું આવે? (બાબાજી કા...?)  આમિર જેવા સ્ટાર્સ પર એક બાજુ ૧૫૦ કરોડનો ધોધમાર વરસાદ થાય અને બાપડી હીરોઇનોએ નક્કી કરેલા બે-પાંચ કરોડની વાછંટથી મન મનાવવાનું! (આ બધા આંખો ફાટી જાય એવા આંકડા રિપોર્ટ કરતા કોલમિસ્ટોને તો વાછંટનાં એકાદ-બે ફોરાં પણ પૂરતી ઠંડક આપી દે. આ તો એક વાત થાય છે!)    


હીરોઇનોને કેવા પૈસા મળે છે તેનો બળાપો કંગનાએ હમણાં જ કાઢ્યો છે. એ કહે છે કે ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’માં તેણે બે હીરોઇનોનું કામ કર્યું અને છતાં પગાર એક જ પિક્ચરનો મળ્યો! તેને મળ્યા ત્રણ કરોડ. એક બાજુ પુરૂષ સ્ટારના ૧૫૦ કરોડ અને સામે હીરો-સમોવડી હીરોઇનને ત્રણ જ ખોખાં? પણ એ જ સ્ટોરીને ‘ડૉન’ની માફક ડબલ રોલવાળા નાયકની બનાવી હોત તો? એવી પ્રાઇસમાં સી ગ્રેડનો પણ કોઇ હીરો મળ્યો હોત કે? હીરોઇનોને હીરો કરતાં ઓછી ફી મળે એ આજનો પ્રશ્ન નથી. ઠેઠ ‘રામ ઔર શ્યામ’માં દિલીપ કુમારે તે સમયની હાઇએસ્ટ પ્રાઇસ અઢાર લાખ રૂપિયા લીધાની અને ‘સચ્ચા જુઠા’માં રાજેશ ખન્નાએ પણ બેવડી ભૂમિકાને કારણે એવી જ ભારે રકમ લીધાની વાત આવી હતી; જ્યારે ‘સીતા ઔર ગીતા’માં હેમા માલિનીએ પણ ડબલ રોલ કર્યો હોવા છતાં તેમને ફિલ્મના બન્ને હીરો ધર્મેન્દ્ર અને સંજીવકુમાર કરતાં ઓછા મહેનતાણાથી સંતોષ માનવો પડ્યો હતો. આજે પણ એ જ હાલત છે પછી એ કંગના હોય કરિના કે કટરિના.


કટરિનાએ હમણાં જેકી ચેન સાથીની એક ઇન્ટરનેશનલ ફિલ્મ ‘કુંગ ફુ યોગા’ સ્વીકારી અને રણબીર સાથેનાં પોતાનાં સંભવિત લગ્નને કારણે અમુક પ્રોજેક્ટ છોડી દીધાનાં બિનસત્તાવાર કારણો એ માત્ર ‘બહાનાં’ જ હતાં એમ સાબિત કર્યું. તો બોયફ્રેન્ડ રણબીર પણ ‘રૉય’ અને ‘બૉમ્બે વેલ્વેટ’ની પછડાટ પછી મિત્ર અયાન મુકર્જીના શરણમાં ગયો છે. અયાને ‘યે જવાની હૈ દીવાની’માં રણબીરને એક મોજીલા યુવાનની ભૂમિકામાં ભારે લોકપ્રિયતા અપાવી હતી. હવેની આ નવી ફિલ્મમાં હીરોઇન દીપિકા નહીં પણ આલિયા ભટ્ટ છે! પરંતુ, સૌથી મોટી વાત એ છે કે આ સપ્તાહે ખુદ બચ્ચન સાહેબે આ પ્રોજેક્ટ માટે સંમતિ આપી દીધી છે અને જો પ્લાન પ્રમાણે આ પરિયોજના (પ્રોજેક્ટ, ભલા માણસ!) પૂર્ણ થશે તો ૧૮મી ડીસેમ્બરે નાતાલના સપ્તાહમાં અન્યોની સાથે એ પણ આવી પુગશે.

૧૮ ડીસેમ્બરે આ સાલ કોણ કોણ ટકરાશે કે કેવો ટ્રાફિક જામ થશે એ રસપ્રદ થતું જાય છે. એક બાજુ શાહરૂખ અને કાજોલની ‘દિલવાલે’ છે, તો બીજી બાજુ રણવીર-દીપિકાની ‘બાજીરાવ મસ્તાની’ તો છે જ. હવે જો રણબીર, અમિતાભ અને આલિયાની આ નવી ફિલ્મ ઉમેરાય તો ‘હેરાફેરી-૩’ ક્યાં સમાવાશે? ‘હેરાફેરી-૩’માં આ વખતે અભિષેક બચ્ચન અને જહોન અબ્રાહમની જોડી છે. એ બન્નેએ ‘દોસ્તાના’માં પુરૂષોની ગાઢ દોસ્તીને ‘બ્રોમાન્સ’ નામનો નવો શબ્દ આપીને તે દિવસોમાં હલચલ મચાવી હતી. પણ ‘હેરાફેરી’ અક્ષય વિના કેવી લાગશે? કારણ કે સુનિલ શેટ્ટી અને પરેશ રાવલ (બાબુરાવ ગણપતરાવ આપ્ટે!) તો રિપીટ થયા છે. પરંતુ, અક્ષય ગાયબ છે. તેને બદલે આ વખતે અભિષેક બચ્ચન અને જહોન અબ્રાહમને લીધા છે. એનો અર્થ એમ ના કરી શકાય કે અક્ષય એટલે ડબ્બલ હીરો? (સોચો ઠાકુર!)   


તિખારો!

ઉતરાણ પર પતંગની દોરીથી માંડીને ધાર્મિક તહેવારો વખતે ગણપતિ બાપા અને દશામાની મૂર્તિઓ તેમજ રમકડાંથી લઈને સેલફોન તથા સામૂહિક યોગનાં આસન માટેનાં પાથરણાં સુધીના તમામમાં ચીનની જ વસ્તુઓની બોલબાલા હોય; તો બોલીવુડના હીરોલોગ પણ શા માટે પાછળ રહી જાય?
અભિષેક બચ્ચન જેવા અમુક જ અપવાદોને બાદ કરતાં હિન્દી ફિલ્મોના લગભગ તમામ હીરોએ પોતાની છાતી લેસરથી સફાચટ કરાવી હોઇ એ બધા પણ જાણે ‘મેઇડ ઇન ચાઇના’ હોય એવા નથી લાગતા?!!

No comments:

Post a Comment