Saturday, June 13, 2015

ફિલમની ચિલમ.... ૧૪ જૂન ૨૦૧૫



સ્ટાર્સના ભૂતિયા નામે
સોશ્યલ મીડિયામાં થાય છે, ‘ફેકમ ફેક’!
ફિલ્મ ઉદ્યોગ માટે ખરેખર જ ‘અચ્છે દિન આયે હૈં’ એમ કહી શકાય. ના, માત્ર એટલા કારણસર નહીં કે ગયા સપ્તાહે જેના સંદર્ભે આ સવાલ કર્યો હતો એ ફિલ્મ ‘દિલ ધડકને દો’ની ટિકિટબારી પર શરૂઆત સારી થઈ છે. સૌ જાણે છે એમ, પહેલા ત્રણ દિવસમાં ૩૫ કરોડ ઉપરાંતનો વકરો એકલા ભારતમાંથી એકત્ર કરી લીધો છે. (હકીકતમાં તો ઇન્ટરનેશનલ માર્કેટનું કલેક્શન ઉમેરો તો પ્રિયંકા ચોપ્રા, અનુષ્કા શર્મા, શેફાલી શાહ, રણવીર સિંગ, અનિલ કપૂર અને ફરહાન અખ્તરની આ મલ્ટીસ્ટાર ફિલ્મના ૫૦ કરોડ ક્રોસ થઈ ચૂક્યા છે!) પરંતુ, ‘અચ્છે દિન’નો સંકેત સલમાનખાનના હવે તો બહુ ચર્ચાતા શ્રેણીબધ્ધ ટ્વીટ પરથી મળે છે. સલમાને પોતાના ચાહકોને જે ભાષામાં ટ્વીટર પર છેલ્લી કક્ષાનું અલ્ટિમેટમ આપીને ‘બિહેવ યૉરસેલ્ફ’નો જે સંદેશ આપ્યો છે તેને ઐતિહાસિક કહી શકાય. એ સ્ટાર્સની દોસ્તીના અચ્છે દિનની નિશાની છે.

કેમ કે સોશ્યલ મીડિયાનાં ટ્વીટર અને ફેસબુક વગેરે ભલે આધુનિક સમયનાં સોફિસ્ટિકેટેડ માધ્યમો હોય. પરંતુ, એ પાનના ગલ્લે કે પોળ અથવા ગલીના નાકે થતી ચર્ચાઓ અને બોલાચાલીનું ઇન્ટરનેટિય સ્વરૂપ માત્ર છે. એવી ચર્ચાઓમાં દાયકાઓથી જોવાયું છે કે સિનેમાના સ્ટાર્સના ચાહકોની ચડસા-ચડસી ચાલે ત્યારે તેમાં ભાષાનો વિવેક ચૂકી જવાતો આવ્યો છે. પણ અગાઉના સમયમાં કલાકારોને ખબર નહતી પડતી કે તેમના પ્રત્યેની ઘેલછાને લીધે તેમના પ્રશંસકો કેવા ઝગડી પડતા હોય છે. હવેના સમયમાં ટ્વીટર કે ફેસબુક પર સામસામી થતી જાહેર બોલાચાલી સ્ટાર જાતે પણ જોઇ, એટલે કે વાંચી, શકતા હોય છે. ત્યારે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર થતા ઝગડાથી અકળાઇ ઉઠેલા સલમાન ખાને પોતાના ચાહકોને કડક શબ્દોમાં ખખડાવ્યા છે. સલમાન જ ‘નંબર વન’ છે એવી ચર્ચાઓ તેમજ આમિરખાન અને શાહરૂખખાન જેવા અન્ય સાથી કલાકારો માટે હલકી ભાષાના પ્રયોગ બંધ નહીં કરે તો પોતે ટ્વીટર છોડી દેશે, એમ ધમકી પણ આપી દીધી છે. સલમાને તો પોતાની રીતે લખ્યું છે, ‘ખલ્લાસ. ખતમ.... ભાડ મેં જાય યે ૧-૨-૩. સમઝે ક્યા?’




સલમાનનું આ પગલું એક સાચા લીડર જેવું છે, જે પોતાને માનનારાઓને (ફોલોઅર્સને) શિસ્તમાં રહેવા મજબુર કરવા પોતાની લોકપ્રિયતાનો ઉપયોગ કરે છે. (ફિલ્મ સ્ટાર્સના આવા બોલ્ડ કદમમાંથી રાજકારણીઓ સહિતના સૌએ કેટલું બધું શીખવાનું હોય છે!) સિનેમાના કલાકારોના ફૅન્સની ઘેલછા પેઢીઓથી ચાલી આવે છે. એક જમાનામાં દિલીપ કુમાર, રાજ કપૂર અને દેવ આનંદના કારણે કોલેજની કેન્ટિન જેવી જગ્યાઓએ જુવાનિયાઓ ચડસાચડસી કરતા; જ્યારે પેલા સ્ટાર્સ તો એક બીજાના મિત્રો હોય. પણ કોઇ પોતાના ફેન્સને આ રીતે સીધું કહી નહતા શકતા. એવું જ રાજેશ ખન્નાના સુપરસ્ટાર તરીકેના દિવસોમાં થતું. અમિતાભને તેમના ઝળહળતા દિવસોમાં ‘વન મેન ઇન્ડસ્ટ્ર્રી’ જેવા ટાઇટલ સાથે એક મેગેઝીને કવર સ્ટોરી કરી અને બચ્ચન એકથી દસ નંબર ઉપર હોવાનું કહીને તેમના પછીના ક્રમે જે કલાકાર આવે તેનો નંબર અગિયારમો હોય એવાં વખાણ કર્યાં; તે પછી થોડો વખત આવી ચર્ચાઓ અટકી ગઈ હતી. પરંતુ, આજે ખાન ત્રિપુટીના કિસ્સામાં દર અઠવાડિયે બોક્સ ઓફિસનાં બદલાતાં સમીકરણોને લીધે સ્થિતિ પ્રવાહી છે. ત્યારે પોતાના ચાહકોને આ રીતે વારીને સલમાને એક સારો દાખલો બેસાડ્યો છે. બલ્કે સિનેમાના સ્પર્ધાત્મક ક્ષેત્રમાં ઇતિહાસ સર્જ્યો છે. ટ્વીટર જેવા માધ્યમનો આવો સરસ ઉપયોગ પણ થઈ શકે છે.

ટ્વીટર અગાઉના સમયની ટેલીગ્રામ જેવી સેવા છે અને તેમાં એક સંદેશામાં ૧૪૮થી વધારે કેરેક્ટર લખી શકાતાં નથી. ત્યારે પોતાના કારણે અન્ય કલાકારોના થતા અભદ્ર ઉલ્લેખના મુદ્દે સલમાનની અકળામણ કેટલી હદ સુધીની હશે તેનો અંદાજ એ વાત પરથી પણ આવી શકશે કે તેણે પોતાની સ્પષ્ટ વાત વિગતે કહેવા એક પછી એક ટ્વીટ કરીને મેસેજીસની લાઇન લગાડી દીધી. તેમાં એક તબક્કે સલમાને એમ પણ પૂછ્યું છે કે ‘તમારામાંથી કેટલાએ પોતાની બનાવટી ઓળખ (ફેક આઇડેન્ટિટી) રાખેલી છે?’ આ પણ ‘ભૂતિયાં રેશન કાર્ડ’ જેવી સોશ્યલ મીડિયાને સતાવતી સમસ્યા છે. એટલે તો અમિતાભ બચ્ચનને ચોખવટ કરવી પડી હતી કે ‘સિનિયર બચ્ચન’ એવા નામના પોતાના ટ્વીટર એકાઉન્ટ જેવું જ અન્ય કોઇએ પણ શરૂ કર્યું છે. અમિતજીએ ધ્યાન દોર્યું છે કે “એ એકાઉન્ટમાં વધારાનો એક ‘સી’ છે અને તે તેમનું એકાઉન્ટ નથી. કોઇએ તેને મારું સમજીને તેની સાથે સંકળાવું નહીં’.

અમિતાભ બચ્ચન તો પોતાના બ્લોગ દ્વારા વિગતવાર અને ક્યારેક તો તેમની ‘એંગ્રી યંગ મેન’ની યાદ તાજી કરાવી દે એવી પોસ્ટ મૂકતા હોય છે. જે વખતે નેપાલમાં ધરતીકંપ થયો ત્યારે કેટલાકે લખ્યું કે એ બચ્ચને સહાનુભૂતિપૂર્ણ પબ્લિસિટી માટે આવાં લખાણો લખે છે. ત્યારે એવા સૌ માટે ગુસ્સે થયેલા અમિતાભે કેપિટલ લેટર્સમાં ‘ઇડિયટ્સ!’ એમ લખ્યું. એટલું જ નહીં, એવા લોકોને ‘ગંધાતા કીચડમાં સડવા દેવા જોઇએ’ એવી સજા પણ સજેસ્ટ કરી હતી!  બચ્ચન સાહેબની માફક અભિનેત્રી યામી ગૌતમે પણ સ્પષ્ટતા કરી છે કે પોતાના નામનાં બે ફેક એકાઉન્ટ ચાલે છે. (આને શું કહીશું? ફેકમફેક?!) ત્યારે ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’થી આજકાલ ખુબ ચર્ચામાં એવી કંગનાએ તો ચોખવટ કરી છે કે પોતે ટ્વીટર અથવા ફેસબુક જેવા સોશ્યલ મીડિયાના એક પણ પ્લેટફોર્મ પર નથી! કંગનાએ પોતાના અભિનયને વધુ નિખારવા પ્રયોગો કરવાનું ચાલુ જ રાખ્યું છે અને પોતાની આગામી ફિલ્મ ‘કટ્ટી બટ્ટી’ માટે માથા પર વાળ જ ના હોય એવો ટાલિયો લુક રાખવા પણ સંમત થઈ છે!

જો કે કંગના પણ શબાના આઝમી અને નંદિતા દાસે ‘વૉટર’ ફિલ્મ માટે કરાવ્યું હતું એવું સફાચટ મુંડન કરાવવાની છે કે પછી પ્રિયંકા ચોપ્રાએ ‘મેરી કોમ’માં પહેરી હતી એવી સ્કિન કલરની વીગ પહેરશે એ બહાર નથી આવ્યું. જો કંગના પણ ‘ગજિની’ના આમિરખાન કે ‘તેરે નામ’ના સલમાન ખાન અથવા ‘હૈદર’ના શાહિદ કપૂરની માફક વાળ ઉતરાવીને બાકીની ફિલ્મો માટે વીગ પહેરશે તો તે પણ ભૂતકાળની પર્સિસ ખંભાતા અને પ્રોતિમા બેદીની હરોળમાં ગોઠવાશે. કંગનાએ ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’માં હરિયાણવી ભાષા બોલીને જે મઝા કરાવી છે, તે સાંભળીએ તો ‘ચક દે ઇન્ડિયા’ની ‘કોમલ ચૌટાલા’ (અભિનેત્રી ચિત્રાશી રાવત) યાદ આવ્યા વિના ના રહે. હરિયાણવીમાં ‘અબ’ને ‘ઇબ’ કે પોતાની જાત માટે ‘મન્ને’ કહે તેની મીઠાશ અલગ જ હોય છે. ત્યારે હરિયાણવીની છાંટવાળું એક નવું પિક્ચર ‘મિસ ટનકપુર હાઝિર હો’ ૨૬મી જૂને રિલીઝ થઈ રહ્યું છે, જેના ટ્રેઇલરનાં ખુદ બચ્ચન સાહેબ તથા રાજુ હીરાણી જેવા દિગ્દર્શકે પણ વખાણ કર્યાં છે. સવાલ એક જ છે શું અમારા જેવા કેટલાયને ખુબ ગમતા અદભૂત અભિનેતા અનુ કપૂર (યાદ કરો ઐશ્વર્યા રાયની ‘રેઇનકોટ’ ફિલ્મમાંના અનુ!) એકલા એ ઓછા બજેટની ફિલ્મને કંગનાની માફક પોતાના ખભા પર ઉંચકી જઈ શકશે?


તિખારો!


રીશી કપૂરે ટ્વીટર એકાઉન્ટ પર પોતાની ઓળખાણ સ્માર્ટ રીતે લખી છે. તેમણે લગે હાથ પોતાના પિતા રાજકપૂર અને દીકરા રણબીરની લોકપ્રિયતાને પણ અંજલિ આપી બતાવી છે. ચિન્ટુબાબાએ પોતાના વિશે એક લીટીમાં લખ્યું છે, “એક ફેમસ પિતાનો પુત્ર અને એક ફેમસ પુત્રનો પિતા!”



No comments:

Post a Comment