Saturday, June 6, 2015

ફિલમની ચિલમ..... ૭ જૂન ૨૦૧૫




દીપિકાની પાર્ટીનો બફાટ: આખું કોળું શાકમાં!


ફિલ્મના બિઝનેસમાં આજકાલ પૂછાતો એક જ સવાલ છે,‘ ક્યા અચ્છે દિન આ ગયે હૈં?’ કારણ કે મે મહિનામાં હીટ ફિલ્મોની એક સામટી હેટ્રિક વાગી ગઈ છે. સળંગ ત્રણ ફિલ્મો એટલે કે અક્ષય કુમારની ‘ગબ્બર ઇઝ બૅક’, દીપિકા અને અમિતાભ બચ્ચનની ‘પિકુ’ અને છેલ્લે કંગનાની ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ ઉપર પૈસા લગાવનારાઓની જાણે કે લોટરી લાગી ગઈ છે. (૩૦ કરોડના મૂડી રોકાણ સામે ‘તનુ-મનુ’ દસ દિવસમાં વિશ્વવ્યાપી ૧૫૦ કરોડ લઈ આવે એ લોટરી નહીં તો બીજું શું કહેવાય?)  આ પિક્ચરોની કોમર્શિયલ સફળતાનું મહત્વ એટલા માટે પણ વધારે છે કે એ તમામ રિલીઝ થવાના દિવસોમાં આઇ.પી.એલ.ની ક્રિકેટ મેચોનો જુવાળ તેની પરાકાષ્ટાએ હતો. ક્વાર્ટર ફાઇનલ, સેમી ફાઇનલ અને ફાઇનલના દિવસોમાં પણ આ ચલચિત્રોએ પોત પોતાના દમખમ સાથે ટકી રહી બતાવ્યું હતું. તેથી ક્રિકેટ હોય કે રમઝાન અથવા નવરાત્રી કે દિવાળી એ બધાં જૂના જમાનાનાં કારણોને આજે ‘બહાનાં’ કહેવામાં વાંધો નહીં. હવે કોઇ એક ધર્મના લોકો જ થિયેટર ભરી દેશે કે ખાલી રાખશે એવાં કોઇ ગણિત ચાલતાં નથી. વાર્તા સારી હોય અને ટ્રીટમેન્ટ સરખી અપાઇ હોય તો કોઇ તહેવારની રજાઓ ના હોય તો પણ પ્રેક્ષકો ટિકિટબારી છલકાવી દેતા હોય છે અને એ જ પ્રજા ‘બૉમ્બે વેલ્વેટ’ જેવી રણબીર કપૂર અને અનુષ્કા શર્મા સરખા ટોપ સ્ટાર્સની ફિલ્મની ટિકિટબારીએ કાગડા ઉડે એવી સ્થિતિ કરી દેતી હોય છે. 


એટલે આ અઠવાડિયાના પિક્ચર ‘દિલ ધડકને દો’ માટે લાલ બત્તી ધરનારા પણ છે. ‘ડીડીડી’ આમ જુઓ તો ઝોયા અખ્તર જેવી નિર્દેશિકાની ફિલ્મ છે, જેમની આ અગાઉ ‘લક બાય ચાન્સ’ અને ‘ઝિંદગી મિલેગી ન દુબારા’ આવી હતી. આ વખતે તેમણે પ્રિયંકા ચોપ્રા, અનુષ્કા શર્મા, શેફાલી શાહ જેવી ટેલેન્ટેડ અભિનેત્રીઓ અને સાથે અનિલ કપૂર, રણવીરસિંગ, ફરહાન અખ્તરને પણ લીધા છે. વળી, બહુ વખતે સેન્સરે એક પણ કટ વગર ફિલ્મ મંજૂર કરી છે. ‘ડીડીડી’માં એક કૂતરાની પણ અગત્યની ભૂમિકા છે અને તેના વિચારોને અવાજ આપ્યો છે, આમિરખાને!  આમ પેપર પર હીટ થવાનાં બધાં લક્ષણ છે જ અને ધંધામાં અત્યારે, શેરબજારની ભાષામાં કહીએ તો, ‘ફુલગુલાબી તેજી છે’ ત્યારે સૌની અપેક્ષા છે કે જૂન મહિનાનો પ્રારંભ પણ સક્સેસ પાર્ટીથી થાય; જેવી દીપિકાએ મે માસમાં આપી હતી. દીપિકાએ ‘પિકુ’ સુપર હીટ થયા પછી આપેલી પાર્ટીએ ઇન્ડસ્ટ્રીમાં એક નવો ચીલો પાડ્યો કે પિક્ચરની હીરોઇન પણ પોતાના રાજીપામાં સૌને સામેલ કરે. પણ તે પોતે એ જલસાથી એક વાતે દુઃખી છે. 

દીપિકાની પાર્ટીમાં રણબીર ન આવ્યો એ સ્વાભાવિક હતું. પરંતુ, દુઃખ એ વાતનું હતું કે ‘પિકુ’ના મુખ્ય કલાકાર અમિતાભ બચ્ચન હાજર નહતા. તેથી વધુ મોટી પીડાનો મુદ્દો એ હતો કે એ પોતે જ બચ્ચન દાદાને આમંત્રણ આપવાનું ભૂલી ગઈ હતી! આમ આખું કોળું શાકમાં જવા બદલ દીપિકા ટેકનિકલ ખામીને જવાબદાર ગણાવે છે. એ ખરું કે સ્ટારને ત્યાં પાર્ટી હોય ત્યારે આમંત્રણો કોમ્પ્યુટર જનરેટેડ લીસ્ટ પરથી સેક્રેટરી દ્વારા અપાતાં હોય. પરંતુ, ગેસ્ટલીસ્ટ ઉપર નજર નાખવાની કાળજી કે અમિતજી જેવા સિનિયર સ્ટારને જાતે ફોન કરીને નિમંત્રવાની કોમન કર્ટસી પણ ચૂકી જવાયાનો અફસોસ એવો મોટો છે કે તે કહે છે કે પાર્ટી પછી પણ અમિતાભ બચ્ચનને ફોન કરીને માફી માગવાની હિંમત નથી થઇ! બચ્ચન સાહેબને જો કે અત્યારે માધુરી અને પ્રીટિ ઝિન્ટાની માફક, મૅગીની જાહેરાતમાં કામ કરવા બદલ કોર્ટની કાર્યવાહી ઝળુંબતી વધારે દેખાતી હશે. અમિતાભ બચ્ચને જો કે છેલ્લાં બે વરસથી મૅગીનો પ્રચાર કર્યો નથી. છતાં જો કોર્ટે ફરિયાદ દાખલ કરવાનો હુકમ કર્યો હશે તો તે થશે. આવાં જોખમ કોઇ બ્રાન્ડના એમ્બેસેડર બનો કે કોઇ ટીવી શોના હોસ્ટ બનો ત્યારે ઉભાં થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને જ કરોડોની ફી વસુલાતી હશેને?


 અમિતાભ બચ્ચન તેમના ‘કેબીસી’ના દર એપિસોડના કે સલમાન ખાન ‘બીગ બોસ’ની સિઝનના કેટલા લેતા હશે એના અંદાજ કરોડોમાં મૂકાતા હોય છે. ત્યારે ‘પીકે’ અને ‘થ્રી ઇડિયટ્સ’ જેવી કોમેડી ફિલ્મોના દિગ્દર્શક રાજુ હીરાણીનો કોમેડી શોના જજ તરીકે બેસવાનો રોજનો ૨૫ લાખનો ભાવ બહાર આવ્યો છે! રાજુ હીરાણીએ આ ભાવ કહેતા અગાઉ મિત્ર આમિર ખાન સાથે ચર્ચા કરી હતી. આમિરના મશવરા પછી આવેલો એ ભાવ જે તે ચેનલને આકરો લાગતાં હવે મોટેભાગે એ પેનલમાં બોમન ઇરાની પસંદ થશે. પણ અહીં સવાલ એ થાય કે કોમેડી કે પછી કોઇપણ પ્રકારની ફિલ્મમાં ડાયરેક્શનની સાથે સાથે લેખન પણ એટલું જ મહત્વનું પાસું હોય છે. જો ‘મુન્નાભાઇ’ સિરીઝ કે ‘થ્રી ઇડિયટ્સ’ અને ‘પીકે’ સુધીનાં રાજુ હીરાણીનાં પિક્ચરો સફળ થયાં હોય તો તેમાં મોટો ફાળો તેમાં લેખનકાર્ય કરનારા આપણા ગુજરાતી લેખક અભિજાત જોશીનો છે. આજે ચેતન ભગત કે અન્ય લેખકોને મળતી ક્રેડિટ સલીમ-જાવેદના આવતા અગાઉના જમાનામાં ક્યાં મળતી હતી?


લેખકોને ક્રેડિટ કદાચ મળે તો કૅશ ના મળે. સલીમ-જાવેદે એ આખી પ્રક્રિયામાં ક્રાંતિ સર્જી હતી, જ્યારે અમિતાભ બચ્ચનની ‘જંજીર’ રિલીઝ થઈ હતી. એક આડવાત. જો બચ્ચન સાહેબને ‘એંગ્રી યંગમેન’ કોઇએ બનાવ્યા હોય તો એ સલીમ ખાને એકલાએ. કારણ કે ‘જંજીર’ની વાર્તા તેમણે પહેલાં ધર્મેન્દ્રને અગિયાર હજાર રૂપિયામાં વેચી હતી. તેમાંના ગુસ્સૈલ ‘ઇન્સ્પેક્ટર વિજય’નું સર્જન તેમણે કરેલું જ હતું. જાવેદ તેના બહુ સમય પછી સલીમ સાથે જોડાયા હતા અને ‘સલીમ-જાવેદ’ની જોડી સર્જાઈ હતી. જે વખતે ‘જંજીર’ રજૂ થઈ ત્યારે પોસ્ટરોમાં, બેનરોમાં કે મોટાં હોર્ડિંગ્સમાં ક્યાંય એ જોડીનું નામ નહતું. રિલીઝની આગલી રાત્રે સલીમે એક પેન્ટરને બોલાવીને આખા મુંબઈમાં જ્યાં જ્યાં ‘જંજીર’નાં બોર્ડ કે પોસ્ટર હતાં ત્યાં ‘સ્ટોરી બાય સલીમ-જાવેદ’ એવું ચિતરાવડાવ્યું! ‘જંજીર’ પછી તો ‘દીવાર’, ‘ત્રિશૂલ’, ‘શોલે’, ‘ડોન’, ‘કાલા પથ્થર’, ‘દોસ્તાના’ એમ અમિતાભ બચ્ચનની સળંગ ફિલ્મોના રાઇટર્સ તરીકે સલીમ-જાવેદને મળેલી સફળતા ફિલ્મી લેખનના ઇતિહાસનું સોનેરી પ્રકરણ છે. લેખક નામની પ્રજાતિને કોઇ ક્રેડિટ કે કૅશ પૂરતાં આપવા તૈયાર નહતું, તેમને પોતાની બાઉન્ડ સ્ક્રિપ્ટના હવે લાખો રૂપિયા મળવા લાગ્યા હતા..... અને હા, હવે પોસ્ટરો તથા બેનરો પર મોટા અક્ષરે રિલીઝની આગલી રાત્રે કોઇ પેઇન્ટરને રંગનું ડબલું પકડાવીને પોતાનું નામ ચિતરાવવા મોકલવો નહતો પડતો! હવે ‘સલીમ-જાવેદ’નું ટૂંકાક્ષરી નામ ‘એસ.જે.’ એ લેખનની દુનિયામાં એટલું જ સુપરહીટ હતું જેટલું સંગીતની દુનિયાના કાયમી સુપરહીટ ‘એસ.જે.’ એટલે કે ‘શંકર-જયકિશન’નું!      

તિખારો!
 
રિતિક રોશને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પ્રશંસકોને એક એવો કોયડો પૂછ્યો જે ઘણો જૂનો હતો; અને ફોરવર્ડ થતો થતો રિતિક પાસે આવ્યો હશે. એટલે બિચારા રિતિકને એમ કે સૌને મઝા કરાવું. પણ ઉલ્ટાનું તેની મજાક કરવાની સૌને તક મળી ગઈ. તેના ટ્વીટર પર આવેલી ઘણી ગમ્મતભરી કોમેન્ટોમાં એક આવી હતી: ‘જાદુ’ની દુનિયામાંથી આટલા વખતે પાછા આવવા બદલ વેલકમ બૅક, રિતિક... મોદી વડાપ્રધાન થઈ ગયા છે, રાહુલ પાછા આવી ગયા છે, અને કેજરીવાલ હજુ સેમ ટુ સેમ જ છે!!"

 




No comments:

Post a Comment