Sunday, October 14, 2012

દિલીપકુમાર (૫)





દિલીપ-નરગીસની જોડી ‘અંદાઝ’ સુધીમાં બરાબર જામી હતી. પણ...

ફિલ્મોમાં નવા નવા આવેલા દિલીપકુમારની શરુઆતની ફિલ્મોની નિષ્ફળતા છતાં એક દિવસ સમાચાર આવ્યા કે સુપરસ્ટાર નૂરજહાંએ ‘જુગનુ’ માટે સંમતિ આપી છેદિલીપકુમારની કરિયરનો આ એક મહત્વનો વળાંક હતો. જો કે ૧૯૪૭માં પાકિસ્તાન અલગ થયા પછી નૂરજહાં પાકિસ્તાન જતાં રહ્યાં. પણ દિલીપકુમાર તરફની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની દ્રષ્ટિ રાતોરાત બદલાઇ ગઇ. કેમકે નૂરજહાં માત્ર એક્ટ્રેસ જ નહી પણ એક અત્યંત લોકપ્રિય ગાયિકા પણ હતાં. તેમનાં ગીતો ઉપરાંત મહંમદ રફી સાથે ગાયેલા યુગલ ગીત "યહાં બદલા વફા કા બેવફાઇ કે સિવા ક્યા હૈ.."ને પગલે હીટ ગીત -સંગીત સાથે અને ખાસ તો રફી સાહેબ સાથેનું  દિલીપકુમારનું જોડાણ શરૂ થયું, જે તેમની કારકિર્દીમાં તેમના દિગ્દર્શકો કે હીરોઇનો જેટલું જ અગત્યનું સ્થાન ધરાવવાનું હતું

જાણવા જેવી વાત એ પણ છે કે  જુગનુમાં મહંમદ રફીએ દિલીપકુમારના કોલેજીયન મિત્રની નાનકડી ભૂમિકા પણ કરી હતી. તો આગલા વરસે ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોરની વાર્તાનૌકા ડૂબીઉપરથી બનેલી ૧૯૪૬ની મિલનથી નિતીન બોઝ સરખા તેજસ્વી નિર્દેશકના પરિચયમાં આવ્યા, જે આગળ જતાં દીદાર અને ખાસ તો દિલીપકુમારના હોમ પ્રોડક્શન ગંગા જમનાનું દિગ્દર્શન કરવાના હતાજુગનુનું મહત્વ અન્ય એક કારણસર પણ દિલીપકુમારની કારકિર્દીમાં છે. તે ફિલ્મના અંતે નાયિકા જુગનુને મેળવવામાં નિષ્ફળ જતાં હીરો પહાડ ઉપરથી કૂદીને આત્મહત્યા કરે છે અને તે  દિલીપકુમારની ટ્રેજીક હીરોતરીકેની પ્રથમ ફિલ્મ.

જુગનુ ની સફળતાને કારણે જ કદાચ તે પછીના વર્ષે આવેલી મેલા અને નદીયા કે પારઅને મેલા બન્નેમાં છેલ્લે દિલીપકુમારનું પાત્ર મૃત્યુને ભેટે એવી સ્ટોરી પસંદ થઇ હશે. કેમકે હીટ ફિલ્મની એ એક ફોર્મ્યુલા હાથ લાગેલી હતી.  તે દિવસોના સ્ટાર હીરો હતા કે.એલ.સાયગલ અને તેમનાં "જબ દિલ હી તૂટ ગયા હમ જી કે ક્યા કરેંગે...” જેવાં  ગાયનો  લોકપ્રિય થતાં હતાં. તેથી પણ કરૂણ સ્થિતિમાં મૂકાતાં નાયક - નાયિકાવાળી વાર્તાઓ - સર્જકો વધુ પસંદ કરતા.  મેલા અને નદિયા કે પાર બન્નેમાં ક્લાયમેક્સમાં હીરો-હીરોઇન બેઉ મોતને ભેટે છે.

મેલાની સફળતામાં નૌશાદના સંગીતનો ફાળો પણ મોટો હતો. હકીકતમાં તો ૧૯૪૭માં સાયગલ સાહેબના અવસાન પછી જે રીતે અન્ય પુરુષ ગાયકો માટે ગાયકીનું મેદાન ખુલ્યું અને સંગીતકારોએ ફિલ્મ મ્યુઝિકમાં કર્ણપ્રિય ધૂનો (મેલડી) લાવીને તથા માત્ર હાર્મોનિયમ અને તબલાં જેવાં મર્યાદિત વાદ્યોના સ્થાને પશ્ચિમી સંગીતની માફક ઓર્કેસ્ટ્રા પણ લાવીને જે ક્રાન્તિ આણી એ ફિલ્મી સંગીતના ઇતિહાસનું એક સૌથી યાદગાર પ્રકરણ છે.

નૌશાદ હોય કે તેમની અગાઉ અનિલ બિસ્વાસ કે તે પછીના શંકર જયકિશન એ સૌએ આઝાદી પછીના નવા ભારતની તાઝગી તેમની ધૂનોમાં સંભળાવવા માંડી હતી. માત્ર શાસ્ત્રીય સંગીતને સ્થાને લોકસંગીતને પણ એ સૌ લઇ આવ્યા. મેલામાં  નૌશાદે દિલીપકુમાર માટે રફીનો અવાજ નહતો વાપર્યો એ પણ એક નોંધવા જેવી હકીકત છે. દિલીપકુમાર માટે મુકેશના કંઠે  "ગાયે જા ગીત મિલન કે તુ અપની લગન કે સજન ઘર જાના હૈ..." અને "ધરતી કો આકાશ પુકારે આજા  આજા..." ગવડાવ્યાં. જ્યારે ટાઇટલ ગીત "યે ઝિન્દગી કે મેલે.... દુનિયામેં કમ ન હોંગે... અફસોસ હમ ન હોંગે..." જે અન્ય કલાકાર પર ફિલ્માવવાનું હતું તેને માટે રફી સાહેબનો અવાજ લીધો



મેલાની સફળતાએ નૌશાદ અને શાયર શકીલ બદાયૂનિની જોડી ઉપરાંત દિલીપકુમાર સાથે નરગીસની જોડી સ્થાપિત કરવામાં પણ મહત્વનો ભાગ ભજવ્યો. ફિલ્મી દુનિયા હવે યુસુફખાનને ફાવી રહી હતી. અગાઉ નિષ્ફળતાને કારણે  સામે ચાલીને જેમણે બોમ્બે ટોકીઝની નોકરી છોડી હતી એ પગલું ફાયદાકારક સાબિત થઇ રહ્યું હતું. જે  દિલીપકુમારને તેમની પ્રથમ ફિલ્મજ્વાર ભાટાના સેટ ઉપર પહેલા દિવસે  ગેરસમજણમાં એમ લાગ્યું હતું કે પોતાને નોકરી આપનાર સ્ટુડિયોવાળા ઇચ્છે છે તેના કરતાં તો પોતે ઘણું સારું કામ આપી રહ્યા છે તે ભ્રમ હવે હકીકત બની રહ્યો હતો. તેમની જિંદગીના પ્રથમ શોટ માટે દિલીપકુમારને દોડવાનું હતુ

જેવો દિગ્દર્શકનો આદેશ થયો કે તરત દિલીપ કુમારે તો ૧૦૦ મીટરની રેસમાં દોડવાનું હોય એમ કચકચાવીને દોટ મૂકી. ફુટબોલના સ્ટાર પ્લેયર એવા યુસુફનું એક સાદું લોજીક હતુંદોડવામાં પોતે ખુબ પાવરધા છે અને પહેલા  દિવસે એ જ કામ કરવાનું હતું. આ તો મોસાળમાં જમવાનું અને મા પીરસે જેવી આદર્શ સ્થિતિ હતી. પણ સેટ ઉપરના સૌ હસી પડ્યા. પહેલા જ દિવસે એક અગત્યનો પાઠ ભણવાનો મળ્યો. ખરેખર દોડવું એ રીયલ લાઇફ’ - વાસ્તવિક જિંદગી - હતી અને દોડવાનો અભિનય કરવો એ રીલ લાઇફ’ - કચકડાની પટ્ટીની જિંદગી - હતી.
(વરસો પછી દિલ દિયા દર્દ લિયાના સેટ ઉપર દોડીને આવતા હાંફતા હીરો શંકરના અભિનયમાં વાસ્તવિક્તા લાવવા  દિલીપ કુમારે પોતાની મેથડ એક્ટીંગની પધ્ધતિ મુજબ કારદાર સ્ટુડિયોના દોડીને ચક્કર લગાવ્યા અને શોટ આપ્યો, ત્યારે તેમની સામેના કલાકાર પ્રાણે તેમના અનોખા અંદાજમાં કહ્યું હતું કે "ટ્રાય એક્ટિંગ સમટાઇમ, યુસુફ!")

પણ રીલ લાઇફ અને રીયલ લાઇફ વચ્ચેની પાતળી રેખા ભૂસાય એવા સંજોગો ઉભા થઇ રહ્યા હતા. ફિલ્મોમાં તેમના પાત્રને ભાગે નિષ્ફળ પ્રેમી બનવા ઉપરાંત તેમની હીરોઇન પણ મોટેભાગે નરગીસ હોય એવું બનવા માંડ્યું હતું. કેમ કે અગાઉ અનોખા પ્યારમાં નરગીસ સાથેની  જોડીની શરૂઆત થયા પછી તે બન્નેએ બાબુલ’, ‘જોગન’, ‘દીદાર’, ‘હલચલ એમ સળંગ ફિલ્મો કરતાં એ વર્ષો દરમિયાન આ બન્ને કલાકારો વચ્ચે વ્યક્તિગત ધોરણે જે સુમેળ હતો તે રીલ લાઇફથી આગળ રીયલ લાઇફ સુધી વિસ્તરશે? એવા પણ અંદાજ મૂકાતા હતા. તેનાં કારણો પણ હતાં. બન્ને યુવાન હતાં અને ખાસ તો કોમી તનાવના એ સૌથી સ્ફોટક સમયમાં બેઉ સમાનધર્મી અર્થાત મુસ્લિમ હતાં.

વળીનરગીસનાં મમ્મી જદ્દનબાઇ જ પુત્રીની ફિલ્મો અને તેના સેટઅપ વિશે ચર્ચાઓ અને નિર્ણયો કરતાં. તે પણ દરેક માતાની જેમ પોતાની દીકરીને અંગત જીવનમાં થાળે પડતી જોવા આતૂર હતાં જ. તેમાં દિલીપકુમાર જેવા લોકપ્રિય અને સફળ મુસ્લિમ યુવાન સાથે પોતાની પુત્રીનો મનમેળ થયો હોય તો તે સામે એ વાંધો પણ ના લે. એટલે દિલીપકુમાર સાથે એક કરતાં વધુ ફિલ્મો માટે તેમણે સંમતિ આપી હતી. એવું એક ચિત્ર હતુ, મેહબૂબ ખાનનું અંદાઝબે હીરો અને એક હીરોઇનવાળી આ ફિલ્મ માટે જ્યારે નરગીસ સામે રાજ કપૂર અને દિલીપકુમાર ઉપર મેહબૂબે પસંદગી ઉતારી, ત્યારે કોઇને ખબર નહતી કે રીલ લાઇફનાં પાત્રાલેખન અસલી જીવનમાં પણ એટલી અસર છોડી જશે.

અંદાઝમાં પણ દિલીપકુમારની ભૂમિકા તેમની ઇમેજને અનુરૂપ એક આંતરમુખી વ્યક્તિની હતી. જ્યારે રાજ કપૂર મસ્તીથી ભરપૂર અને જરુર પડે ચાલબાજી રમી શકે એવા પ્રેક્ટીકલ યુવાન બન્યા હતા. પડદા ઉપર દિલીપ સીધાસાદા યુવાન બન્યા અને એવા જ રોલ અંદાઝ પછીની ફિલ્મોમાં કરતા રહ્યા. જ્યારે રાજકપૂર એ જ વરસે ૧૯૪૯માં બરસાત જેવું સુપરહીટ પિક્ચર નરગીસ સાથે આપીને તેમની સાથે આગથી શરૂ કરેલી જોડીને વધુ મજબુત કરતા ગયા. નરગીસ ૧૯૫૦માં માતા જદ્દનબાઇના અવસાન પછી અંગત જીવનમાં સ્વતંત્રતાનો અનુભવ કરતાં હતાં. એવા સંજોગોમાં ટ્રેજીક હીરો કહેવાતા દિલીપકુમારની સરખામણીએ ખુશમિજાજ અને વળી નિર્માતા-દિગ્દર્શક પણ હોય એવા એક્ટર રાજકપૂર સાથે જોડી જમાવે એ સ્વાભાવિક ઘટના હતી

રાજકપૂરના ચાહકો તેને દિલીપકુમાર પાસેથી તેમની હીરોઇન પોતાના પ્રિય કલાકાર ઝૂંટવી ગયા એવો આનંદ વ્યક્ત કરતા પણ અમે જોયા છે. ફરી જ્યારે દિલીપ - વૈજયન્તિની જોડી અંગત રીતે જામી હતી અને ગંગા જમના તથા લીડરજેવી ફિલ્મોના સર્જન દરમિયાન બન્નેના સંભવિત લગ્ન સુધીની વાતો પણ ગોસીપ કોલમોમાં ચર્ચાઇ ચૂકી હતી. ત્યારે જ રાજ કપૂરે સંગમમાં એ જ હીરોઇનને લઇને જોડી જમાવી તે વખતે ફરી એક વાર દિલીપકુમારને પ્રણયના મામલે અસલી જિંદગીમાં રીલ લાઇફ જેવી  હારનો સામનો રાજ કપૂરને લીધે કરવો પડ્યાનો ખોંખારો ખાતા રાજપ્રેમીઓને અમે જોયા છે

પણ પડદા ઉપરની કારકિર્દીમાં  દિલીપકુમારને એક સફળ એક્ટર તરીકે સ્થાપિત થવામાં નરગીસ સાથેના ચિત્રોએ જે સહાયતા કરી હતી તે તેમની કરિયરનો એક સુખદ વળાંક હતોતેમાં પણ અંદાઝ એક જુદા જ સ્થાને છે. તેમાં નરગીસ જેવી સ્ટાર એક્ટ્રેસ સામે રાજ કપૂર અને દિલીપકુમાર સરખા બે ઉગતા એક્ટરોના પ્રણય ત્રિકોણની વાર્તાની સનસનાટી તો હતી જ. પણ નૌશાદના કર્ણપ્રિય સંગીતનો વાવાઝોડા જેવો સુસવાટો પણ હતો. ત્યાં સુધી હીરોઇનોમાં સુરૈયા અને નરગીસ વચ્ચે કાંટે કી ટક્કર રહેતી. પણ સુરૈયા ગાયિકા પણ હોઇ નરગીસના ચાલીસ હજાર રૂપિયાના રેટ સામે તે પચાસ હજાર માંગતાં હતાં અને લોકપ્રિય ગાયિકા સુરૈયાને તે મળતા પણ ખરા.
અંદાઝ આવ્યા પછી એ સમીકરણ પણ બદલાઇ ગયાંનરગીસ માટે નૌશાદે લતા મંગેશકરનો અવાજ પસંદ કર્યો. પણ તે વખતે નૂરજહાં અને સુરૈયા સરખી ઉર્દૂની જાણકાર તેમજ અભિનય પણ કરી શકતી ગાયિકાઓ સામે અત્યંત સૂરમાં ગાતી આ નવી મહારાષ્ટ્રિયન છોકરીના ઉચ્ચારણોમાં એક મરાઠી ભાષીની છાંટ સંભળાતી હતી. પરંતુ, સૂરને ઓળખનારા એવા ઉચ્ચારદોષને નજર અંદાજ કરીને ગળાની તાકાતને માપતા હોય છે. નૌશાદે બીડું ઝડપ્યું  અને લતાજીને ઉર્દૂ ઉચ્ચારણો શીખવવા બાર દિવસ મહેનત કરી એ ઐતિહાસિક ઘટના છે

તેથી જ્યારે અંદાઝ રજુ થયું અને લતા મંગેશકરના સ્વરમાં નરગીસે પડદા ઉપર ગાયેલાં ગીતો લોકપ્રિય થયાં; ત્યાર પછી નરગીસ અને સુરૈયા વચ્ચેની સ્પર્ધા રહી જ નહી. કારણ કે નરગીસના અવાજ તરીકે લતાજીનો હમઉમ્ર (બેઉનો જન્મ એક જ વરસ ૧૯૨૯માં!) તેમજ તાઝગીભર્યો સૂરીલો સ્વર મળ્યો હતો.  જ્યારે પુરૂષ અવાજોમાં   નૌશાદે  મેલાની માફક જ અંદાઝમાં પણ દિલીપકુમાર માટે મુકેશનો જ અવાજ લીધો. હકીકતમાં તો ત્યાં સુધીમાં રફી-દિલીપની જોડીએ ઓછામાં ઓછું એક લોકપ્રિય ગીત તો આપ્યું જ હતું. અગાઉ શહીદમાં સંગીતકાર ગુલામ હૈદરે "વતન કી રાહ મેં વતન કે નૌજવાં શહીદ હો..."  જેવું અમર ગીત રફી સાહેબના સ્વરમાં દિલીપકુમાર માટે ગવડાવ્યું  હતું. છતાં નૌશાદે તે બુલંદ અવાજ દિલીપકુમાર માટે ઉપયોગમાં શાથી ના લીધો?  (વધુ આવતા હપ્તે) 

13 comments:

  1. પહેલા જ દિવસે એક અગત્યનો પાઠ ભણવાનો મળ્યો. ખરેખર દોડવું એ ‘રીયલ લાઇફ’ - વાસ્તવિક જિંદગી - હતી અને દોડવાનો અભિનય કરવો એ ‘રીલ લાઇફ’ - કચકડાની પટ્ટીની જિંદગી -

    ReplyDelete
  2. You are good narrator .. I always enjoy your language

    Sahil Kandoi

    ReplyDelete
  3. Replies
    1. May be for you it is not new.... for me it was and it came to my knowledge when I researched. Will appreciate if the name of comment maker is also mentioned with the comment.

      Delete
  4. જૂની વાતો જાણવાની મજા આવતી નથી. નવું લખો.

    ReplyDelete
    Replies
    1. નવું આટલા બધા લેખકો આજકાલ લખે જ છેને? કો’કે તો જુનાને યાદ કરવા પડશેને? (કોમેન્ટની સાથે નામ પણ લખાય એ જરૂરી છે.)

      Delete
  5. Hello Salil Sir this is so interesting. Could you please guide me where I can find next article on Dilipkumar# 6. Thanks

    ReplyDelete
    Replies
    1. Thank you Firozbhai... for your appreciation. The series on Dilip Kumar was being published in a New York weekly Gujarat Times in 2011. In fact, I had done a whole series on the Kumars of Hindi cinema in that paper.So, other Kumars viz. Sanjeev Kumar, Ashok kumar, Kishore kumar, Rajendra Kumar and Raaj Kumar's lives were covered. The compilation of those articles has been published in a book `Kumarkathao Facebook naa Faliye'. Unfortunately, the column was discontinued after the paper changed hands. So, Dilip saab's articles were also left in between. Sadly, this is the situation!

      Delete
    2. JSK Salilbhai I will buy that book meanwhile Dilipkumar series stranded in between, I'm very anxious for what happen after these. If you don't mind, could you please start again and carry on Dilipkumar series here on your blog and facebook. It might be lot of work but I started to like Dilipkumar after reading this series and already started to watch his movies. There is no better place in the world to read about Dilipkumar than you. Thanks for your reply.Thank you so much.

      Delete
    3. Thanks for your suggestion Firozbhai. However, this series was done in 2011 and after that Dilip Kumar's autobiography has been published. So, it is good to let the actor himself talk about his own life.

      Delete